
તીર્થંકર પદ એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. એ કોઈકને ઉદય આવે, બધાને ના આવે. જેમને નિરંતર એક જગત કલ્યાણની જ ભાવના હોય, બીજી કોઈ ભાવના જ ના હોય તેઓ આવતા ભવે તીર્થંકર થાય. તીર્થંકર એટલે જ્યાં જ્યાં ફરે ત્યાં બધે તીર્થ થઈ જાય, એ તીર્થ સ્વરૂપ કહેવાય. જ્યાં જ્યાં પગ પડે ત્યાં એ તીર્થ, એનું નામ તીર્થંકર.
તીર્થંકર ભગવાનમાં તો આખા બ્રહ્માંડનું પુણ્ય, દેવલોકો ને એ બધાનું પુણ્ય એક જ માણસમાં ભેગું થયું હોય. એમને જોવાથી જ આપણું કલ્યાણ થઈ જાય! તીર્થંકર જન્મથી જ ત્રણ જ્ઞાનના ધર્તા હોય - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. તીર્થંકર ભગવાનના ચોત્રીસ અતિશયો હોય, જે બધા મનુષ્યોથી જુદા જ પડતા હોય. આખી દુનિયામાં કોઈ જીવ આટલો પુણ્યશાળી ન હોય એટલા એ પુણ્યશાળી હોય. એમના બધા પરમાણુ ઉત્કૃષ્ટ કક્ષાના હોય.
તીર્થંકર ભગવાનનું ચરમ શરીર પૂર્ણ લાવણ્યવાળું હોય. કેવળીનું ચરમ શરીર હોય પણ લાવણ્ય ના હોય. અને તીર્થંકર ભગવાનનું શરીર ગજબનું લાવણ્યવાળું હોય, જે અજાયબી કહેવાય. એમના લાવણ્યની તો વાત જ ના થાય, વર્ણન ના કરી શકાય!
જો સામાનો ઉદય હોય તો જ તીર્થંકર પ્રભુની દેશના નીકળે, નહીં તો ના નીકળે. દેવલોકો બધી તૈયારી કરે ને ત્યાં સમવસરણમાં ભગવાન એની મેળે આવે. આવવું-જવું એમના પોતાના હાથમાં ના હોય. તેઓ ઉદયને આધીન ફર્યા કરે. તીર્થંકર ભગવાનની વાણી જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેવી હોય! મધ કરતાંય તેને ઉત્તમ ગણાઈ છે! બીજી હરેક મીઠાશ કરતાં ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે.
આ સંસારમાં મોક્ષ ફક્ત તીર્થંકરની પ્રત્યક્ષ હાજરીમાં જ મેળવી શકીએ છીએ, અન્યથા નહીં. દરેક કાળચક્રમાં ત્રીજા અને ચોથા આરામાં નિયમથી ચોવીસ તીર્થંકરો થાય. વર્તમાનમાં આપણી પૃથ્વી પર કોઈ તીર્થંકર હાજર નથી. ભલે આજે પ્રત્યક્ષ તીર્થંકર નથી, પણ તેમણે પ્રરૂપેલો મોક્ષમાર્ગ અને તેમની વાણી જ્ઞાની પુરુષો દ્વારા આજે પણ જીવંત છે. એમના માધ્યમથી આપણે તીર્થંકરના હૃદયની વાત સમજી શકીએ છીએ.
તો ચાલો, આપણે વર્તમાન કાળચક્રમાં થઈ ગયેલા આવા મહાન ચોવીસે તીર્થંકર ભગવાનું જીવનચરિત્ર જાણીએ અને એમના હૃદયની વાત આત્મસાત્ કરીએ.
subscribe your email for our latest news and events
