મહાબલ તરીકેનો ત્રીજો છેલ્લો ભવ અને દેવ તરીકેનો બીજો છેલ્લો ભવ
તીર્થંકર બન્યા પહેલાના તેમના ત્રીજા અંતિમ ભવમાં, ભગવાન મલ્લિનાથના આત્માએ મહાબલ રાજા તરીકે જન્મ લીધો હતો. તેમના નામ પ્રમાણે, મહાબલ ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાન હતા. તેમને છ મિત્રો હતા. તેઓ સાતેય વચ્ચેની મિત્રતા એટલી ગાઢ હતી કે તેઓએ જે કંઇ પણ તેઓ કરે તેમાં એક સાથે જ રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. જ્યારે મહાબલ યુવાન વયના થયા ત્યારે, તેઓને રાજાની પદવી પ્રાપ્ત થઇ. તેઓના લગ્ન થયા અને તેમને એક પુત્ર થયો.
જ્યારે તેમનો પુત્ર યુવાનવયે પહોંચ્યો ત્યારે મહાબલે તેને રાજગાદી સોંપી દીધી. પછી, મહાબલ, તેમના છ મિત્રોની સાથે, ધાર્મિક ક્રિયાઓમાં સમય પસાર કરવા લાગ્યા. કેટલાક સમય પછી, તેઓ સાતેયે ‘દીક્ષા’ લીધી. તેઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ જે કંઇ પણ આધ્યાત્મિક ક્રિયાઓ કરશે અને તપશ્ચર્યા કરશે, તે બધી એક સંગાથે જ કરશે અને સમાન રીતે જ કરશે. તેમાંના જે કંઇ તપશ્ચર્યા કરે, તે જ બીજાએ પણ અવશ્ય કરવાની; કોઇએ જરા પણ વધુ કે ઓછી કરવાની નહિ અને કોઇએ જરા પણ વહેલી કે મોડી શરૂ પણ કરવાની નહિ.

થોડાક સમય પછી, મહાબલ, જે અન્ય કરતા વધુ બુધ્ધિચાતુર્ય ધરાવતા હતા, તેઓએ મિત્રો સાથે કપટ કર્યું. તેઓ છ મિત્રો સાથે સાધના કરી રહ્યા હતા. જો કે, સાધના પૂરી થયા બાદ અને બીજા છ મિત્રોએ જયારે ભોજન લઇ રહ્યા હોય, ત્યારે મહાબલ સાધના શરૂ રાખી એવું બહાનું બતાવતા હતા કે તેમની તબિયત સારી નથી. આ રીતે, તેઓએ તેમના મિત્રો સાથે કપટ કરવાની શરૂઆત કરી અને મિત્રો કરતાં વધુ સાધના કરી.
જેથી, મહાબલે, આવતા ભવ માટે સ્ત્રી તરીકે જન્મ થાય એવું કર્મ બાંધ્યું. મિત્રો સાથે કપટ અને વચન ભંગને કારણે તેઓએ પુરૂષ જાતિ તરીકેનો જન્મ ગુમાવ્યો. બીજી તરફ, તેમણે શુધ્ધ ભાવના સાથે સાધના કરી હોવાને કારણે,તીર્થંકર તરીકેનું કર્મ બંધાય છે.
આ રીતે, તમામ સાત મિત્રો તેમની ધાર્મિક પૂજાઓ કરવાનું ચાલુ રાખે છે. જ્યારે તેમનો આયુષ્યકાળ પૂરો થાય છે, ત્યારે તેઓ દેવ તરીકે જન્મ પામે છે. દેવ તરીકેનો આયુષ્યકાળ સમાપ્ત થતા, મહાબલનો આત્મા તીર્થંકર તરીકે જન્મ લે છે.