ચંદ્રપ્રભુ સ્વામીની કથાઓ: તેમનો પૂર્વભવ અને અંતિમ ભવ

ચંદ્રનાં લાંછનથી ઓળખાતા, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી વર્તમાન કાળચક્રના આઠમાં તીર્થંકર છે. ભગવાન ચંદ્રપુરી નગરીના રાણી લક્ષ્મણા અને રાજા મહાસેનના પુત્ર તરીકે જન્મ લે છે. વિજય યક્ષ દેવઅને ભ્રુકુટી યક્ષિણી દેવી એમના શાસન દેવ-દેવીછે.

ચાલો હવે ભગવાનના તેમના તીર્થંકર તરીકેના જન્મ પૂર્વેના બે ભવોની જીવન કથાઓ વિશે વાંચીએ. અંતમાં, આપણે તેમના તીર્થંકર તરીકેના અંતિમ ભવની કથા પણ વાંચીશું.

રાજા પદ્મરાજા તરીકેનો ત્રીજો અંતિમ ભવ અને બીજો અંતિમ ભવ દેવલોકમાં

ચંદ્રપ્રભુ ભગવાન, તેમના ત્રીજા અંતિમ ભવમાં, ઘાતકીખંડ દ્વીપમાં મંગલાવતી વિજયની રત્નસંચયા નગરીમાં પદ્મ નામના રાજા હતા. ધાર્મિક પરાયણ જીવ હોવાને કારણે, તેઓ તેમનું રાજ્ય સંપૂર્ણ વૈરાગ્યની ભાવના સહિત ચલાવતા હતા. તેમના શાસન દરમિયાન, તેમના રાજ્યના લોકોને અત્યંત સુખ અને શાંતિ આપતા હતાં.

આ સમય દરમિયાન, તેમને સાંસારિક જીવન પ્રત્યે અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયો અને દીક્ષા લીધી. નિષ્ઠાપૂર્વક આકરૂ તપ, સંયમ, નિયમ પાળીને અને ધ્યાન જાપ કરીને, પોતાનું તીર્થંકર-નામ-ગોત્ર કર્મ બાંધે છે. તીર્થંકર તરીકે જન્મ થતાં પહેલા, ભગવાનનો જીવ દેવગતિમાં, અનુત્તર લોકમાં વિજયંત વિમાનમાં ચ્યવે છે.

તીર્થંકર ભગવાન ચંદ્રપ્રભુ સ્વામી તરીકેનો છેલ્લો જન્મ

વૈજયંત અનુત્તર દેવલોકમાં લાંબો કાળ પસાર કરીને, રાજા પદ્મનો જીવભરતક્ષેત્રમાં ચંદ્રપુરી નગરીના રાજા મહાસેનની પત્ની રાણી લક્ષમણાદેવીનાં ગર્ભમાં પ્રવેશે છે.

chandraprabhu

તેમના જન્મ સમયે ચંદ્ર જેવો વર્ણ ધરાવતા હોવાને કારણે, પુત્રનું નામ ચંદ્રપ્રભુ રાખવામાં આવ્યું. ગર્ભમાં હતા ત્યારથી જ, તીર્થંકર ભગવાન ત્રણ પ્રકારના જ્ઞાન જેમ કે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હતા. અત્યંત વૈભવપૂર્વક બાલ્યકાળ પસાર કર્યા બાદ ભગવાને કુમારાવસ્થામાં પ્રવેશ કર્યો. પછી રાજકુમાર ચંદ્રપ્રભુના લગ્ન થયા અને તેમને રાજગાદી સોંપવામાં આવી. તેમને ઘણા લાંબા સમય સુધી રાજ કર્યું હતું.

પછી, દેવોની વિનંતિથી, ભગવાન ચંદ્રપ્રભુ દીક્ષા લે છે, અને ત્યારબાદ, તેમને ચોથું જ્ઞાન, મન:પર્યાય જ્ઞાન થાય છે. પછીના ત્રણ મહિના દરમ્યાન, ભગવાનના બધા કર્મોનો ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભગવાનને કેવળજ્ઞાન થયાં બાદ દેવો સમવોસરણની રચના કરે છે. સમવોસરણની રચના એવી દૈવી હોય છે કે, ત્યાં ભગવાનને ચારે દિશામાંથી નિહાળી શકાય છે. સમવોસરણમાં,ભગવાનની દેશના કરોડો લોકો સાંભળે છે. એમની દેશના થકી, લોકો મોક્ષની તરફ વળે છે.

દેશના અશુચિ ભાવના

તીર્થંકર ભગવંતની દેશનાનું મહત્વ એ છે કે, તે સંસારમાં ભટકતી ચિત્તવૃત્તિને વાળી તેને મોક્ષ તરફ દોરી જાય છે. આપણું ચિત્ત સતત સુખની શોધમાં હોય છે. તે એવું માને છે કે ખાવા-પીવામાં, પૈસામાં, વિષયમાં, પત્નીમાં, બાળકોમાં, ગાડીમાં અને બંગલામાં સુખ છે. ચિત્ત પોતાની માન્યતાના આધારે મન, વચન અને કાયાથી તન્મયાકાર થઇ જ્યાં-ત્યાં સુખને શોધે છે. પછી એ જ સુખના સાધનો પ્રાપ્ત કરવામાં પડે છે. પણ આ બધા જ સુખો વિનાશી છે! બધા જ સંસારી સુખો પોતે વિનાશી સ્વભાવનાં જ છે. માત્ર એક આત્મા, જે દરેક જીવમાત્રની મહીં વ્યાપેલો છે, તે જ પોતે શાશ્વત છે, કાયમનો છે. સંસારી અવસ્થાઓનો અંત આવે છે પણ આત્મનો ત ક્યારેય અંત થતો નથી.

જયારે જીવનનો અંત થાય છે, ત્યારે આત્મા બીજો દેહ ધારણ કરી પાછો નવો જન્મ લે છે. એક જન્મ બાદ ફરી બીજો જન્મ, આમ શાશ્વત સુખ ક્યાંય આવતું જ નથી. માત્ર એક ક્ષણ પણ જો, શાશ્વત સુખ મળી જાય, તો પછી જીવને ફરી ક્યારેય ભટકવું પડતું નથી. પણ એ, શાશ્વત સુખને ક્યાંથી શોધવું? બાળપણથી જ લોકસંજ્ઞા થકી, વ્યક્તિ વિનાશી વસ્તુના મોહમાં ગૂંચાઇને જ જીવન પૂર્ણ કરે છે.

જ્યારે ઉચ્ચકોટિના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય ત્યારે જીવને અંદરથી અનુભવ થાય કે, આ વિનાશી વસ્તુઓની કોઇ કિંમત નથી; સાચું સુખ માત્ર ને માત્ર પોતાનામાં, આત્મામાં જ રહેલું છે. જ્યારે આ વાસ્તવિકતાનો અનુભવ થાય છે, ત્યારે વૃતિઓ, બહાર ભટકવાને બદલે, અંદર આત્મા તરફ વળે છે!

ત્યારબાદ, વૃતિઓ કાયમ આત્મામાં જ રહે છે. જો જરાક બહાર જાય તો, પણ વ્યક્તિને તેમાં કોઇ સુખ લાગતું નથી, કારણ કે તેણે આત્માનું શાશ્વત સાચું સુખ ચાખ્યું હોય છે! જે નિરંતર આત્મામાં જ રહે છે, તેમની પાસેથી આ શાશ્વત સુખ પ્રાપ્ત થાય એવું છે!

તીર્થંકર ભગવંત, એમની દેશના દ્વારા આ સંસારના સાચા સ્વરૂપનું – જેમ છે એમ ભાન કરાવે છે. ભગવાન સમજાવે છે કે, આ સંસાર મૂર્છા આવે એવો છે, આમાં ક્યાંય પણ સાચું સુખ છે જ નહિ. જ્યારે વ્યક્તિને આ સત્ય વાત સમજાય છે, ત્યારે તે અજ્ઞાનરૂપી ભ્રાંતિઓથી મુક્ત થાય છે અને ચિત્તવૃત્તિઓ આત્મા તરફ વળે છે. ત્યારબાદ, તમામ મૂંઝવણોમાંથી મુક્ત થવાય છે.

શરીરનું હાડ-માંસવાળું સ્વરૂપ સમજાવતા, ચંદ્રપ્રભુ ભગવાન તેમના સમોવસરણમાં અશુચિ ભાવના ઉપર સુંદર દેશના આપે છે. તેઓ સમજાવે છે કે, કઈ રીતે શરીરમાં માત્ર ગંદવાડો જ ભરેલો છે. ચામડી ઉતારવામાં આવે તો, તેમાંથી લોહી, પરુ, હાડકા અને માંસ સિવાય કશું જ છે નહી. ચામડી એ ચાદર જેવું જ છે ને, જેનાથી શરીર ઢંકાયેલું છે. જો ચામડી ખસેડી નાખે તો, અંદર નર્યો ગંદવાડો અને દુર્ગંધ જ ભરેલી છે. જો પેટ ચીરવામાં આવે, તો તે નર્યું મળમૂત્રથી જ ભરેલું દેખાય.

તેથી, શરીરની મહીં રહેલી અશુચિનું ભાન થવાથી, બીજે ક્યાંય મોહ ઉત્પન્ન ના થાય. માનવ શરીરની અંદર, તો નર્યો રોગ, રોગ ને રોગ જ છે! આપણા શરીરમાં, સાડાત્રણ કરોડ છીદ્રો છે, એકે એક છીદ્રોમાં, ૧.૭૫ રોગો રહેલા છે, આખું શરીર રોગોથી જ ભરેલું છે. પણ જ્યાં સુધી આપણને મોટી બીમારી ન આવે ત્યાં સુધી આપણને રોગનું ભાન નથી થતું અને તેથી શરીર એઅશુચિનું કારખાનું છે એ, ખ્યાલ પણ નથી રહેતો.

માટે, જે વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિશ્ચય હોય તેણે પોસ્ટમોર્ટમ કરેલું શરીર જોવાનો પ્રયોગ કરવો. એમાં, જ્યારે ચામડીનું પહેલું પડ કાઢી નાખવામાં આવે ત્યારે અશુચિને સમજવું સહેલું થાય છે. જો કોઇ જરાક કોઈને ફોડલો થયો હોય ને ફૂટી ગયો હોય તો, મોઢું ય જોવાનું ના ગમે! સુંદર ચહેરો પણ જ્યારે ચામડી ખસેડી નાખી તો ત્યારે સુંદર લાગવાને બદલે ભયંકર સ્વરૂપ લાગે.

અંદર આ દ્રષ્ટિ સાથે, આપણને અશુચિની વાસ્તવિકતા સમજાય છે. ખરેખર, દેહની અંદર આવું જ હોય છે! પોસ્ટમોર્ટમની પ્રક્રિયા જોઇને, વ્યક્તિને ક્યાંય દ્રષ્ટિ કે અંદર વિચાર બગાડવા જેવો નથી એવો વૈરાગ્ય ઊભો થાય છે.

નિર્વાણ

તીર્થંકર ચંદ્રપ્રભુ સ્વામીની દેશના થકી, લાખો લોકોને ભૌતિક સંસારનું સાચું સ્વરૂપ સમજાય છે. તેઓ ભગવાનને સમર્પણ થઇ, દીક્ષા ગ્રહણ કરી, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને મોક્ષમાર્ગમાં આગળ વધે છે.

ચંદ્રપ્રભુ ભગવાનના સંઘમાં ૯૩ ગણધરો, લાખો સાધુઓ અને સાધ્વીઓ અને શ્રાવકો અને શ્રાવિકાઓનો સમાવેશ થાય છે. ભગવાનના પ્રથમ ગણધર દત્ત હતાં. સમ્મેદ શિખરજી પર્વત પરથી પ્રભુ નિર્વાણ પ્રાપ્ત કરે છે.

આ રીતે ભગવાન પોતાનું અનંત કાળનું સુખ પામીને, અનંત સમાધિ સુખમાં રહે છે!

×
Share on