સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન

શ્રી કુંથુનાથ ભગવાન વર્તમાન કાળચક્રના સત્તરમા તીર્થંકર અને છઠ્ઠા ચક્રવર્તી પણ હતા. શ્રી અરનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની જેમ તેમને પણ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી એમ બે પદવીઓ પ્રાપ્ત થયેલ હતી. ભગવાનની કાયા સુવર્ણવર્ણી અને તેમનું દેહપ્રમાણ ૩૫ ધનુષનું હતું.

કુંથુનાથ ભગવાનનું લાંછન છાગ છે. ગંધર્વ યક્ષદેવ અને બલા યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે તીર્થંકર તરીકે કુંથુનાથ ભગવાનનું જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.

શ્રી કુંથુનાથ ભગવાન - પૂર્વભવો

કુંથુનાથ ભગવાનનો ત્રીજો ભવ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયની ખડ્ગી નગરીમાં રાજા સિંહાવહ તરીકેનો હતો. રાજા સિંહાવહ ખૂબ જ પરાક્રમી, પ્રતાપી અને ધર્મ પરાયણ હતા. રાજા તરીકેના ઘણા વર્ષોના શાસન બાદ તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ સાચી તપશ્ચર્યા, ભક્તિ-આરાધના કરતાં એમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું. આયુષ્ય પૂરું થતાં તેમનો જન્મ દેવગતિમાં થયો.

શ્રી કુંથુનાથ ભગવાન - જન્મ અને રાજપાઠ

14 dream

દેવગતિમાંથી ચ્યવીને ભગવાન કુંથુનાથનો જન્મ ભરતક્ષેત્રની હસ્તિનાપુર નગરીમાં શૂર રાજા અને શ્રી દેવી રાણીને ત્યાં થયો. શ્રી દેવી રાણીને ૧૪ સપના આવ્યાં હતાં જે દર્શાવતાં હતાં કે એમના ગર્ભમાંથી તીર્થંકર ભગવાન જન્મ લેશે. રાણીએ એમના સપનામાં કુંથુ નામના એક મોટા રત્નસંચયને જોયો હતો; એના પરથી ભગવાનનું નામ કુંથુનાથ રાખવામાં આવ્યું.

ભગવાનના જન્મ બાદ દેવો દ્વારા મેરુ પર્વત પર એમનો અભિષેક થયો. જ્યારે કુંથુનાથ ભગવાનના યુવાન થયા, ત્યારે માતા-પિતાએ એમના લગ્ન કરાવ્યા. પાછળથી એમના પિતા શૂર રાજા રાજ્યની જવાબદારી ભગવાનને સોંપીને નિવૃત્ત થયા. ચક્રવર્તી પદ હોવાને કારણે કુંથુનાથ ભગવાન જબરજસ્ત શક્તિશાળી હતા. કુંથુનાથ ભગવાને ચક્રવર્તી પદે ઘણાં રાજાઓ સામે યુદ્ધ જીતીને આખી પૃથ્વી પર વિજય મેળવ્યો અને છ ખંડના અધિપતિ થયા. આખા જગતમાં ચક્રવર્તી રાજાનું પદ એટલે અતિ શૂરવીર અને બળવાન પદ કહેવાય છે. કુંથુનાથ ભગવાનને અતિપુણ્યૈના પ્રભાવથી આ પદ પ્રાપ્ત થયું હતું.

દીક્ષા અને કેવળજ્ઞાન

ચક્રવર્તી રાજા તરીકેનો અમુક શાસનકાળ વીત્યા બાદ કુંથુનાથ ભગવાને રાજપાઠ છોડીને દીક્ષા લીધી. ભગવાનની કેટલી બધી મહાનતા કહેવાય કે આત્મસુખ અને મોક્ષપ્રાપ્તિની સામે ચક્રવર્તી રાજા તરીકેનો રાજપાઠ અને સંસાર ત્યાગીને દીક્ષા લીધી.

જ્ઞાનીઓ અને તીર્થકરો પાસે કાયમ માટે આત્મામાં રહી શકાય એ સંબંધી ઘણી બધી ચાવીઓ હોય છે; તેઓ દેહભાવમાં રહેતા જ નથી. આત્મભાવમાં રહેવાથી એમને એક પણ કર્મ બંધાતા નથી. સંસારની બધી જ જવાબદારીઓ પૂરી કરીને જ્ઞાનીઓ અંદરથી નિર્લેપ રહે છે. જ્યારે આત્મભાવમાં આવીએ છીએ ત્યારે દેહભાવમાંથી મુક્ત થઈએ છીએ અને બધા જ પ્રકારના કર્મબંધનથી મુક્તિનો અનુભવ થાય છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે:

“છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ;

નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.”

કુંથુનાથ ભગવાનને દીક્ષા લીધાના ૧૬ વર્ષ બાદ કેવળજ્ઞાન પ્રગટ થયું. ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમોવસરણ રચ્યું અને પ્રભુએ એમાં બિરાજીને જગતના લોકોને સુંદર દેશના આપી. દેશનારૂપે નીકળતી ભગવાનની વાણી સાંભળીને ઘણાં લોકોનું હૃદયપરિવર્તન થઈ તેઓ સમકિત પામ્યા અને તેમણે દીક્ષા લીધી.

Kunthunath bhagwan

મનશુધ્ધિ પર દેશના

કુંથુનાથ ભગવાને મનશુધ્ધિ પર સુંદર દેશના આપી હતી. જો આપણું મન શુદ્ધ હોય તો જ આપણે પ્રગતિ સાધી શકીએ છીએ; અન્યથા, મન જો મલિન હોય તો આપણી પ્રગતિ રૂંધાઈ જાય છે.

જ્ઞાનીઓ પાસે મનશુદ્ધિ કરવા માટે અનોખા રસ્તાઓ હોય છે. લોકો મનને એકાગ્ર કરવાના પ્રયત્ન કરે છે, પણ મનનો પોતાનો સ્વભાવ જ ચંચળ છે, તો એ અચળ કઈ રીતે થાય? જો મનને જીતવું હોય હોય તો પ્રથમ એને ઓળખવું પડશે.

  • જાણો કઈ રીતે મનુષ્યનું મન બનેલું છે?

    અજ્ઞાનતાના કારણે જ્યારે મનના વિચારો આપણા પર ચઢી બેસે ત્યારે તેની સામે જાગૃત રહેવું જોઈએ. મન એ ગ્રંથિ સ્વરૂપે છે અને ગાંઠોનું બનેલું છે. ગતભવનાં જ્ઞાન-દર્શનના આધારે જે પરમાણુ ચાર્જ થયેલા છે, એ ચાર્જ પરમાણુઓનો સંગ્રહ આપણા આત્માની આસપાસ થાય છે. જેના વિચારો વધુ હોય એની ગાંઠ મોટી હોય એમ સમજવું.

    જો કોઈ ચોક્કસ બાબત પર વધુ વિચારો આવતા હોય, તો એનો અર્થ એમ કે એ બાબતની ગાંઠ ખૂબ મોટી છે. દાખલા તરીકે જો આખો દિવસ ખાવાના જ વિચારો આવતા હોય, તો એનો અર્થ ખાવાની ગાંઠ મોટી છે. એ જ રીતે જો ગમે ત્યાંથી પૈસા કમાવવાના જ વિચારો આવતા હોય, તો લોભની ગાંઠ મોટી છે. આપણું મન જુદી જુદી ગાંઠોથી બનેલું છે અને આત્મા તેનાથી તદ્દન જુદો છે. જ્યારે ગાંઠો ફૂટે છે, ત્યારે આપણા આત્મા પર અજ્ઞાનરૂપી આવરણ ફરી વળે છે અને જાગૃતિ રહેતી નથી.

    જ્યાં સુધી બધા પરમાણુઓ ખલાસ ન થાય, ત્યાં સુધી ગાંઠ ફૂટ્યા કરે છે અને જ્યારે ગાંઠ ફૂટે છે, ત્યારે તેમાંથી વિચારો ઉદ્ભવે છે. વિચારોના આધારે તમારામાં કઈ ગાંઠ રહેલી છે તેને તમે ઓળખી શકશો.

  • પ્રેક્ટિકલ રીતે કરો મનનો અભ્યાસ!

    આપણે પોતાના મનનો અભ્યાસ કરવો જોઈએ. દરરોજ એક કલાક બેસીને તમને જે વિચારો ઉદ્ભવે છે તેની નોંધ કરો. કયા પ્રકારના વિચારો સૌથી વધુ આવે છે તેનું વિશ્લેષણ કરો. એક મહિના સુધી આ પ્રકારની પ્રેક્ટિસ કરવી જોઈએ અને ત્યારબાદ સરવૈયું કાઢીએ તો ખ્યાલ આવશે કે કઈ ગાંઠ આપણામાં મોટી છે, જેમ કે લોભ, માન કે વિષયની ગાંઠ.

    જુદા જુદા પ્રકારે આપણે ગાંઠોને તોડી શકીએ છીએ. દાખલા તરીકે આખું જીવન શાંતિથી નીકળી જાય એટલા પૈસા હોવા છતાં ગમે તે પ્રકારે પૈસા કમાવવાના જ વિચારો આવ્યા કરે, તો એનો અર્થ એમ થાય કે આપણામાં લોભની ગાંઠ મોટી છે. લોભની ગાંઠને જો છેદવી હોય તો એની બે રીતો છે:

    • મોટા પ્રમાણમાં લોકોને દાન આપવાથી
    • જ્યારે આપણી ક્ષમતાની બહાર એવું અસહ્ય નુકસાન આવી પડે છે, ત્યારે આપણે પોતે જ જાગૃત થઈને એવો નિશ્ચય કરીએ કે હવે ફરી વધુ પડતા લોભમાં ફસાવું નથી

    ખોટ ખાઈને લોભની ગાંઠ તૂટે એના કરતાં સારી રીતે દાન કરીને લોભની ગાંઠમાંથી મુક્ત થઈશું તો મોક્ષ માટેની એટલી પાત્રતા કેળવાશે.

    બીજી ગાંઠ માનની હોય છે. જ્યારે અપમાનના સમયે આપણે સમતાભાવમાં રહીએ ત્યારે માનની ગાંઠ તૂટે છે. માનનું રક્ષણ કરવાથી તે ગાંઠ મોટી થાય છે. જ્યારે આપણને અપમાનનો ભય વધુ લાગે તો સમજવું કે માનની ગાંઠ અંદર છે જ. અપમાન પચાવતા શીખવાથી માનની ગાંઠ ઓગળશે.

    તીર્થંકર ભગવંતો આ બધી જ ગ્રંથિઓને છેદીને નિર્ગ્રંથ પદને પામ્યા હતા; નિર્ગ્રંથ જ મોક્ષે જવાને પાત્ર છે.

નિર્વાણ

કુંથુનાથ ભગવાનને ૩૫ ગણધરો હતા. એમનો નિર્વાણ કાળ નજીક આવ્યો ત્યારે તેઓ હજારો સાધુ-સાધ્વીજીઓ સાથે સમેત શિખરજી પર્વત પર ગયા અને ત્યાંથી મોક્ષ પામ્યા.

×
Share on