ચોવીસ તીર્થંકરો ત્રેસઠ શલાકા પુરુષોમાં સર્વોચ્ચ ગણાય છે. એવા તીર્થંકરોમાં આ કાળને વિશે છેલ્લા તીર્થંકર થયા શ્રી મહાવીર ભગવાન, કે જેઓ માત્ર ૨૫૦૦ વર્ષ પહેલાં જ થયા છે. આપણી પૃથ્વી પર હજુ મહાવીર ભગવાનના પરમાણુઓ ફરી રહ્યા છે અને તેથી આપણને બધાને ભગવાન મહાવીર માટે વધારે આકર્ષણ છે અને એમના વિશે આપણી પાસે ખૂબ માહિતી છે. તેમનું આખું જીવનચરિત્ર તથા પૂર્વભવોની ઘણી બધી વાતો આપણી પાસે છે, જે બીજા તીર્થંકરો માટે ઘણી ઓછી છે.
મહાવીર ભગવાન એ બધા જ તીર્થંકરોમાં ‘મહાવીર’ કહેવાયા! એમણે જબરજસ્ત રીતે કર્મોનો સામનો કર્યો હતો. તેમને ભયંકરમાં ભયંકર કર્મો આવ્યા હતા, તીર્થંકરોને આવા કર્મો ન હોય, જે મહાવીર સ્વામીના ભાગમાં આવ્યા. એનું કારણ એ કે તેઓ છેલ્લા તીર્થંકર હતા અને ચોથો આરો પૂરો થવા આવ્યો હતો. તે સમયે પાંચમા આરાની શરૂઆત અને ચોથા આરાની પૂર્ણાહુતિનો નજીકનો કાળ હતો. ભગવાનના નિર્વાણ પછી પાંચમો આરો બેસવાને માત્ર સાડા ત્રણ વર્ષ જ બાકી હતા. આજુબાજુના વાતાવરણનાં લક્ષણો પાંચમા આરાની ખૂબ જ નજીકના હતા. ભગવાન ખૂબ ઠાંસોઠાંસ કર્મો લઈને આવ્યા હતા. એમના વખતમાં ઘણા બધા આશ્ચર્યો થયેલા હતા.
ભગવાન મહાવીર એક અદ્ભુત વ્યક્તિત્વ થઈ ગયું છે કે જેની તોલે કોઈ આવી શકે એમ નથી. તીર્થંકરો બધા સરખા જ હોય પણ કર્મો ખપાવવા માટે જે શક્તિ વગેરે હતું, એ મહાવીર ભગવાનનું કંઈ ઓર જ જાતનું હતું. એમના કર્મો પણ ઓર જ જાતના હતા અને એમાં તેઓ પણ ઓર જાતના થઈને પાર નીકળ્યા. માટે એમને દેવોએ ‘મહાવીર’ તરીકે નવાજ્યા. ’મહાવીર’ એ જેવું તેવું પદ નથી.
ભગવાન મહાવીરનું ચરિત્ર આપણને જબરજસ્ત સહન કરવાની શક્તિ આપે છે. એમની કેવી જબરજસ્ત સહનશીલતા હતી! ખરેખર તો, સહનશીલતા બહુ જ નીચલી કક્ષાનો શબ્દ કહેવાય, તીર્થંકરો માટે. એમની જબરજસ્ત સમતા, વીતરાગતા હતી. એક પરમાણુ પણ હલે નહીં. તેઓ આત્મસ્થ રહે, એમાંથી જરાય વિચલિત ન થાય. કેવી જબરજસ્ત હશે એમની શક્તિઓ! તમામ તીર્થંકરોની આ શક્તિઓ પ્રગટ થયેલી જ હતી પણ ભગવાન મહાવીરના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળી.
જેમને ભગવાન મહાવીરનું જીવન જોવા મળ્યું હશે, એ કેવા પુણ્યશાળી હશે! અને એમાંય મહાભાગ્યશાળી એ કે જેને ભગવાન મહાવીર પર ભાવ આવ્યો અને ભગવાનને સમર્પણ થઈ ગયા, સમર્પણ થઈને એમણે પોતાનું કલ્યાણ કરી નાખ્યું! અનંતકાળની ભવઆંટીમાંથી છૂટીને મોક્ષનો પંથ પામી ગયા. કેટલાક તો કેવળજ્ઞાન પામીને મોક્ષે પણ ચાલ્યા ગયા. એવા જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યૈ લઈને આવેલા લોકોને ધન્ય છે.
મહાવીર ભગવાનના સત્યાવીસ ભવો થયા હતા. તેમના પૂર્વભવો વિશે બે ભાગમાં વિગતવાર વાંચીએ: એકથી સત્તર પૂર્વભવો અને અઢારથી સત્યાવીસ પૂર્વભવો.
બધા જ તીર્થંકરો ક્ષત્રિય હોય પરંતુ મરીચિના ભવમાં ઉત્સૂત્ર પ્રરૂપણા દોષને લીધે મહાવીર ભગવાનને બ્રાહ્મણીના ગર્ભમાં રહેવું પડ્યું હતું. બાદમાં, દેવોએ બ્રાહ્મણીના ગર્ભનું હરણ કરીને ત્રિશલા માતાના ગર્ભમાં સ્થાપન કર્યું, જે દસ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે.
મહાવીર પ્રભુની અઠ્યાવીસ વર્ષની ઉંમરે તેમના માતા-પિતાનો દેહવિલય થયો. બે વર્ષ પછી તેમના ભાઈ નંદીવર્ધનને આઘાતની કળ વળ્યા બાદ પ્રભુએ દીક્ષા લીધી. દીક્ષાના એક વર્ષ પહેલાં પ્રભુએ વર્ષીદાન આપવાનું શરૂ કર્યું. ત્રીસમે વર્ષે પ્રભુનો દીક્ષા મહોત્સવ થયો. દીક્ષા લેતાં જ મહાવીર ભગવાનને મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું.
વીરપ્રભુના જીવનમાં ખૂબ જ ઉપસર્ગો આવ્યા હતા. કોઈ તીર્થંકરને આટલા ઉપસર્ગો નહોતા આવ્યા. ભગવાનના જીવનમાં આવેલા ઉપસર્ગોમાંના ત્રણ જબરજસ્ત મોટા ઉપસર્ગો - કટપૂતના વ્યંતરી દેવીનો શીત ઉપસર્ગ, સંગમદેવના છ મહિના ચાલેલા ભયંકર ઉપસર્ગો અને ગોવાળે કાનમાં બરુ ઠોક્યા તે હતા. ઋજુવાલિકા નદીના કિનારે પ્રભુને શાલના ઝાડની નીચે કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન પછી, ભગવાને ત્રીસ વર્ષ સુધી દેશના આપી હતી. છેલ્લે અવિરત ૭૨ કલાક દેશના આપીને ભગવાને ૭૨મે વર્ષે નિર્વાણ પ્રાપ્ત કર્યું. તેઓ ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં હતા. તેમનો દીક્ષાપર્યાય સાડા બાર વર્ષનો હતો.
મહાવીર ભગવાનના નિર્વાણ બાદ ૧૨ વર્ષ સુધી ગૌતમ સ્વામીએ ઉપદેશ આપ્યો. ગૌતમ સ્વામીના નિર્વાણ બાદ, પાંચમા ગણધર કેવળજ્ઞાની સુધર્મા સ્વામીએ તે સંભાળ્યું. સુધર્મા સ્વામીના નિર્વાણ બાદ, છેલ્લા કેવળી જંબુસ્વામીએ ઘણા વર્ષો બધાને ઉપદેશ આપ્યો. જંબુસ્વામી મોક્ષે ગયા, ત્યાર પછી મોક્ષના દ્વાર બંધ થઈ ગયા.
ભગવાન મોક્ષે ગયા પણ આપણી પાસે ભગવાનનું જ્ઞાન તો છે. આપણી પાસે ભગવાનનું તત્ત્વજ્ઞાન, મોક્ષ પામવાના બધા જ રસ્તા છે. એટલું જ નહીં પણ ભગવાનનું જ્ઞાન જેમ છે તેમ, જેમના હૃદયમાં ખુલ્લું થયું છે એવા જ્ઞાનીઓ પણ થતા આવ્યા છે. એવા જ્ઞાનીઓ ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે.
શ્રી મહાવીર ભગવાનનો ધર્મ મહાવીર બનાવે એવી વાત છે. કેવળજ્ઞાનરૂપ બનાવે એવી વાત છે. ભગવાને ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરવાનું કહ્યું હતું. તે ના થાય તો રાયશી-દેવશી, તે ના થાય તો પાક્ષિક, તે ના થાય તો ચતુર્માસી અને તે પણ ના થાય તો છેવટે વર્ષે એકવાર સંવત્સરીનું પ્રતિક્રમણ કરવાનું કહ્યું હતું. પોતાના દોષો દેખાય, આપણે હળવા થઈએ, તો દોષમાંથી છૂટાય. દોષનો ગુનો નથી પણ તેનું પ્રતિક્રમણ ના કરીએ તે ગુનો છે.
ભગવાને ‘અહિંસા પરમોધર્મ’ની ખૂબ ઊંચી વાત આપી છે. આપણાથી દરરોજ જાણે-અજાણે સ્થૂળ હિંસાથી લઈને સૂક્ષ્મતમ હિંસા થઈ જતી હશે. અજાણતા થતી હિંસા પછી પરંતુ જાણીજોઈને થતી હિંસામાંથી બચવા જેવું છે. ઘરમાં, ઓફિસમાં પોતાનાથી કોઈને દુઃખ ન થાય, એ તરફ ધ્યાન આપવા જેવું છે. એકબીજા માટે રાગ-દ્વેષ, કષાયો કેમ કરીને ઓછા થાય, બધા સાથે પ્રેમથી-એકતાથી કેવી રીતે રહેવાય એ શીખવા જેવું છે.
ભગવાને પાંચમું બ્રહ્મચર્યનું મહાવ્રત આપ્યું. ભગવાને વિષયમાં સુખ નથી, આત્મામાં સુખ છે - આ પ્રમાણે આપણો અભિપ્રાય બદલવાનું કહ્યું છે. અણહકના વિષયનું ભયંકર પાપ છે, વ્યભિચારથી પોતાના પલ્લામાં નરક જ આવે છે, બીજું કશું નહીં. આપણી બ્રહ્મચર્ય માટેની નિષ્ઠા ડગવી ના જોઈએ.
બાર પ્રકારના તપમાંથી એકલું અનશન એટલે કે ઉપવાસ લોકો ખૂબ સિન્સિયરલી કરે છે પણ એટલાથી પતતું નથી. બહારથી ભૂખ્યા સિન્સિયરલી રહે છે પણ અભ્યંતરમાં ક્યાંનું ક્યાં જતું રહે છે! ઉપવાસથી અહંકાર જબરજસ્ત ચગે છે, બધા શાતા પૂછે ત્યારે પોતે જબરજસ્ત ગર્વરસ ચાખે! એક બાજુ ઉપવાસ કરીએ અને બીજી બાજુ માન કષાય તગડો થાય, એ કેવી રીતે ચાલે?! કષાયને કાઢવા તપ કરવાનું છે પણ કષાયો તો તગડા થાય છે! ભગવાને આ બધા તપ કર્યા હતા, કોને ખબર પાડી હતી? સાચા અર્થનું એ તપ છે. તપ પોતાના કર્મો ખપાવવા માટે કરવાના છે, નહીં કે દેખાડો કરવા! દાન ગુપ્ત આપવાનું હોય, નામ વગરનું દાન એ સાચા અર્થની પ્રભાવના છે.
છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી પછી તીર્થંકરો નથી, જ્ઞાનીઓ પણ નથી. ભગવાન મહાવીર પછી, જેમને ખરા અર્થમાં, યથાર્થ પોતાની અંદરથી પ્રગમ્યું હોય, જ્ઞાન પ્રગટ થયું હોય; તીર્થંકરોના હૃદયમાં જે વાત હતી, એ વાત પોતાને આગલા કર્મોની ફલશ્રુતિરૂપે કુદરતી રીતે પ્રગટ થઈ હોય એવા બહુ જ જૂજ, આંગળીના વેઢે ગણાય એવા જ્ઞાનીઓ થઈ ગયા, જે આપણને તત્ત્વસંબંધી ઘણી વાતો આપતા ગયા છે.
તમામ જ્ઞાનીઓએ, તમામ તીર્થંકરોએ જે માર્ગ અપનાવ્યો છે, જે માર્ગ એમણે પ્રબોધ્યો છે, એ જ માર્ગ આપણે પણ અપનાવીએ અને એ જ માર્ગે આપણે પણ આગળ વધીએ તથા મોક્ષપદને પામીએ. મોક્ષપદ પામવા માટે જ આ મનુષ્યદેહ છે. મનુષ્યદેહ સાર્થક કરવા માટે આપણે એક પળ પણ વ્યર્થ જવા દેવા જેવી નથી. આપણો વધારાનો સમય પાર્ટી, મોજશોખ કે ફાલતુ વસ્તુઓમાં ખાલી ખાલી વેડફો નહીં. જેનો વધારાનો સમય આત્મા માટે ગયો, એનો બધો સમય આત્મા માટે જ વપરાય છે. સમયનો સદુપયોગ કરવા મંડીએ તો ખરેખર લાગશે કે આ મનુષ્યજીવન સાર્થક થઈ રહ્યું છે. આપણને બધી ખબર છે કે આ કીમતી છે છતાંય આનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખબર ના હોવાથી સમય નકામો જઈ રહ્યો છે.
સમય પસાર નથી થઈ રહ્યો, સમય આપણને પસાર કરી રહ્યો છે. છેવટે, એક દિવસ આપણે જવાનો વખત આવશે, તે ઘડીએ એમ થશે કે આપણે કંઈ કર્યું નહીં, બધું ગુમાવ્યું; આખો ભવ ગુમાવ્યો. પૈસાનું બધું કર્યું પણ છેવટે હાથમાં કશું ના આવ્યું, છેવટે આવ્યો મૃત્યુનો દંડ અને મૃત્યુની ભયંકર યાતના! તે ઘડીએ કશું આપણા હાથમાં નહીં આવે. આટલું બધું આપણે જેની માટે કર્યું, એમાંનું એક પણ આપણને તે ઘડીએ સહાય નહીં કરે, આપણા ભાથામાં એક પરમાણુ જેટલું પણ કોઈ શુભનું ઉમેરી નહીં શકે. માટે, હજી પણ ચેતો, ચેતો, ચેતો અને સંપૂર્ણ તીર્થંકરોની વીતરાગ મુદ્રાને ઓળખો, જિનમુદ્રાને ઓળખો, એ મુદ્રામાં આવી જાઓ; એ દર્શન કરો અને ભાવ કરો કે હું પણ આવો સંપૂર્ણ વીતરાગ ક્યારે થઉં અને ક્યારે પરમપદને પામું, મોક્ષને પામું. અને નિશ્ચય કરો કે મારો જે પણ જીવનનો સમય બાકી રહ્યો છે એ કેવળ મોક્ષ માટે, આત્માર્થે જ જાઓ, હું એની માટે જ ગાળીશ.
subscribe your email for our latest news and events