પ્રામાણિકતા અને પ્યોરિટી

ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબજ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખૂબજ ઓછો પગાર મેળવતા હોવા છતાં આશ્ચર્યજનક સુખ અને શાંતિ ભર્યું જીવન જીવતા હોય છે. આ વિસંગતતાની પાછળનું કારણ શું છે? આ કેવી રીતે શક્ય છે?

પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે, જયારે કોઈ વ્યકિત પૂછે કે ‘મારે સુખ જોઈએ છે’ તો હું તેને કહેતો કે ‘પ્રામાણિકતા અને નૈતિકતાથી જીવન જીવજે.’ પ્રામાણિકતા એ ધર્મનો ઊંચામાં ઊંચો પ્રકાર છે, કારણ કે તે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે છે. જો તમે પ્યોર વ્યક્તિ છો અને પ્રામાણિક જીવન જીવો છો, તો તમને તમારા કર્મોનું સારું ફળ મળશે. જો તમે અંદરથી પ્યોર હશો તો તમારુ જીવન સરળતાથી ચાલશે અને જો તમે અંદરથી અપ્રામાણિક હશો, તો તમારા જીવનમાં એવું પ્રતિબિંબ પડશે (ખરાબ પરિણામ આવશે). આ કુદરતનો નિયમ છે.

પરંતુ આ કાળમાં, જો આપણે પ્રામાણિક અને નૈતિક જીવન જીવીએ તો લોકો આપણો ફાયદો ઉઠાવશે. ખરુંને! જ્યારે આપણી આસપાસની દરેક વ્યક્તિ આપણને છેતરવા માંગતી હોય ત્યારે પ્રામાણિક અને ચોખ્ખા રહેવું, એ કેવી રીતે શક્ય છે? જ્યારે તમે અત્રે પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ પ્રામાણિકતા અને પ્યોરિટી પાછળનું વિજ્ઞાન વાંચશો, ત્યારે આ પ્રશ્નોના જવાબ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!

Top Questions & Answers

 1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
 2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
 3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
 4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
 5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
 6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
 7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
 8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
 9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
 10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
 11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
 12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
 13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારીત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
 14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?

Spiritual Quotes

 1. પ્રમાણિકતા ને પરસ્પર 'ઓબ્લાઈઝિંગ નેચર'. બસ, આટલાની જ જરૂર છે. પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો છે! આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે, એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને.
 2. બધા માણસ લૂંટાતા હોય, પણ જો કોઇ એવો ચોખ્ખો માણસ હોય તેને કોઇ લૂંટી ના શકે. લૂંટનારાય લૂંટી ના શકે, એવું બધું 'સેફસાઇડ'વાળું જગત છે આ!
 3. 'ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી એન્ડ ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.'
 4. આ તો પોતાના હિસાબની ફાટેલી સાડી સારી, પોતાની પ્રમાણિકતાની ખીચડી સારી એમ ભગવાને કહેલું. અપ્રમાણિકપણે મેળવે એ તો ખોટું જ ને?
 5. નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તિમાં જાય, અને પોતે ત્યાં આગળ જે ગુંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે.
 6. એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 
 7. 'ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ!' ઓનેસ્ટ થવાતું નથી તો મારે. શું દરિયામાં પડું? મારા દાદા શીખવાડે છે કે, ડીસ્ઓનેસ્ટ થાઉ તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસ્ઓનેસ્ટીને, ડીસ્ઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે.
 8. પણ એ તો આપણા રૂપિયા ખોટા હોય તો એ અવળે રસ્તે જાય. જેટલું નાણું ખોટું એટલું ખોટે રસ્તે જાય ને સારું નાણું એટલે સારે રસ્તે જાય!
 9. જ્યાં પ્યોરીટી હાર્ટની, એકતા લાગે સહુ સંગે.
 10. એક જ માણસ જો ચોખ્ખો હોય તો કેટલાય માણસનું કામ નીકળી જાય! એટલે પોતાની પ્યૉરિટી જોઈએ.
 11. ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પ્રશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે.
 12. વ્યવહારશુદ્ધિ માટે, સામાને દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ, એ વ્યવહારશુદ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય, તે ખમી ખાવાનું. પણ સામાને ન જ થવું જોઈએ.
 13. સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નર્યું શુદ્ધ છે.
 14. મોક્ષ તો જ્યાં સુધી શુદ્ધતા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી ના થાય. શુદ્ધતા માટે 'હું કોણ છું' એનું ભાન થવું જોઈએ.
 15. જેનું અંદર જેટલું ચોખ્ખું, એટલા બહાર સંજોગો પાંસરા! મહીં મેલું, તેટલું બહાર સંયોગ બગડે. 

Related Books

×
Share on
Copy