પરોપકાર – માનવ જીવનનો ધ્યેય

મન-વચન-કાયા પારકાને માટે વાપરવા એ જ મનુષ્ય જીવનનો ધ્યેય છે. સંશોધન એવું બતાવે છે કે, જે લોકો સતત બીજાને હેલ્પ કરે છે તેઓ ઓછો તણાવ અનુભવે છે, ઊચ્ચ કોટીની માનસિક તંદુરસ્તી માણે છે, આત્માની વધારે નજીક આવે છે. પોતાની પાસે જે છે તે માટે કૃતજ્ઞતા અનુભવે છે અને ચડસાચડસી ભરી સ્પર્ધામાં ઉતરતા નથી. જે આપણામાંથી મોટાભાગનાં લોકો માટે તણાવનું કારણ છે.

આની પાછળનું ગુહ્ય સાયન્સ શું છે કે, જે મન-વચન-કાયા પરોપકારમાં વાપરે છે તેને ત્યાં હરેક ચીજ હશે; તેને ત્યાં કયારેય ભૌતિક સગવડો અને સંસારી સુખોની કમી નહી થાય. ધર્મની શરૂઆત જ 'ઓબ્લાઈઝીંગ નેચર'થી થાય છે. બીજાને માટે કંઈ પણ કરો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.

મનુષ્ય જીવનનો ધ્યેય જન્મ-જન્માંતરનાં બંધનોને તોડી અને કર્મોનાં બંધનોમાંથી છૂટી આત્યંતિક મુકિતને (મોક્ષને) માટે છે. 'એબ્સોલ્યુટ'-કેવળ જ્ઞાની થવા માટે છે; પોતાની જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન પ્રાપ્ત કરવાને માટે છે અને જો આ 'એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની તક નાં મળે તો તું પારકાંના સારુ જીવજે.

દાદાશ્રીએ પોતાની આખી જિંદગીનો એ જ ધ્યેય રાખ્યો હતો કે મને ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. પોતાના સુખને માટે વિચાર સુધ્ધાં નહીં કરેલ, પણ સામાને શી અડચણ છે, એની અડચણ શી રીતે દૂર થાય એ ભાવનામાં જ નિરંતર રહેલા. અને ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટી અને  અદ્‍ભૂત આધ્યાત્મ વિજ્ઞાન (અક્રમ વિજ્ઞાન) પ્રગટ થયેલું.

પ્રસ્તુત સંકલનમાં, દાદાશ્રી તમામ દ્રષ્ટિકોણથી જીવનનો ધ્યેય કેવીરીતે સિધ્ધ કરવો, જે સેવા-પરોપકાર સહિત હોય, તેની સમજ સરળ- સચોટ દ્રષ્ટાંતો દ્વારા ફીટ કરાવે છે, જે જીવનમાં ધ્યેયરૂપે વણી લઈએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાશે! જો કે સનાતન સુખની પ્રાપ્તિ તો માત્ર સેલ્ફ રીયલાઈઝેશન (આત્મજ્ઞાન) દ્વારા જ પ્રાપ્ત થશે.

મનુષ્ય જીવનનો સાર

મનુષ્ય જીવનનો સાર શું? મનુષ્ય જીવનનો ધ્યેય શું હોવો જોઈએ? આત્મ સાક્ષાત્કાર પામવું અથવા પારકાના સુખ માટે જીવન જીવવું. વધુ વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો...

Spiritual Quotes

  1. બીજાને કંઈ પણ આપો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.
  2.  મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો.
  3. જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો.
  4. તમારાં જે ફળ ઉત્પન્ન થાય - દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ, 'ફ્રી ઓફ કોસ્ટ' લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે. તમારી જીવન જરૂરિયાતમાં કિંચિત્માત્ર અડચણ નહીં પડે.
  5. મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય.
  6. અને સેવા ના થાય, તો કોઈને દુઃખ ના થાય એવું જોવું પડે. ભલેને નુકસાન કરી ગયો હોય. કારણ કે એ પૂર્વનો કંઈક હિસાબ હશે. પણ આપણે એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ.
  7. મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડોય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને આત્મસાક્ષાત્કારી ગુરૂની સેવા કરે એ મોક્ષે જાય !
  8. બાકી સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે. એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે, એને સેવા ના કહેવાય.
  9. સમાજસેવા તો અનેક પ્રકારની હોય છે. જે સમાજસેવામાં, જેમાં કિંચિત્માત્ર 'સમાજસેવક છું' એવું ભાન ના રહેને એ સમાજસેવા સાચી.
  10. 'રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે.

Related Books

×
Share on
Copy