એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાન

શ્રી નમિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના એકવીસમા તીર્થંકર હતા. તેમનો વર્ણ સુવર્ણ અને દેહપ્રમાણ ૧૫ ધનુષનું હતું.

naminath-bhagwan-lanchchan

ભગવાનનું લાંછન નીલકમળ છે. ભૃકુટી યક્ષદેવ અને ગાંધારી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.

શ્રી નમિનાથ ભગવાન - પૂર્વભવો

ભગવાન નમિનાથનો અંતિમ મનુષ્ય ભવ રાજા સિદ્ધાર્થ તરીકેનો હતો. રાજ્યાભિષેક થયા બાદ તેઓ ખૂબ જ શાંતિપૂર્ણ રાજ્ય ચલાવતા હતા. સમય જતાં વૈરાગ્ય આવતા તેમણે દીક્ષા ગ્રહણ કરી અને દીક્ષા લીધા બાદ ભક્તિ-આરાધના કરતા એમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું. રાજા તરીકેનું આયુષ્ય પૂર્ણ થતાં તેમનો જન્મ દેવગતિમાં થયો.

શ્રી નમિનાથ ભગવાન - બાળપણ

naminath-bhagwan

દેવગતિમાંથી ચ્યવીને ભગવાન નમિનાથનો જન્મ ભરતક્ષેત્રની મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રા માતાને ત્યાં થયો હતો. પ્રત્યેક તીર્થંકરોની માતાની જેમ વપ્રા માતાને પણ ચૌદ સપનાં આવ્યાં હતાં જે દર્શાવતાં હતાં કે એમના ગર્ભમાંથી તીર્થંકર ભગવાનનો જીવ જન્મ લેશે.

એક વખત એવું બન્યું કે મિથિલા નગરી પર શત્રુરૂપી રાજાઓના સમૂહે આક્રમણ કર્યું, પણ માતાના ગર્ભમાં નમિનાથ ભગવાન તીર્થકર હોવાને કારણે બધા જ શત્રુઓ વિજય રાજા (નમિનાથ ભગવાનના પિતા) સામે નમી પડ્યા અને પોતાની હાર સ્વીકારી. આ પ્રસંગ પરથી ભગવાનનું નામ ‘નમિનાથ’ પાડવામાં આવ્યું. ભગવાન જન્મથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હતા. યુવાન અવસ્થામાં આવ્યા પછી ભગવાનના લગ્ન થયા અને ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

દીક્ષા અને કેવળજ્ઞાન

સમય જતાં ભગવાને યોગ્ય સમયે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધાના નવ માસ પછી ઘણાં ટૂંક સમયમાં નમિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દેવોએ સમોવસરણની રચના કરી. નમિનાથ ભગવાને સમોવસરણમાં બિરાજી દેશના આપી. ભગવાનની દેશનાને સાંભળતાં જ આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને દુઃખમાં તરફડતા લોકો પરમ શાંતિ અનુભવીને સમકિત પામ્યા અને ભગવાને દર્શાવેલા મોક્ષમાર્ગે આગળ વધ્યા. દેશના સાંભળતાં જ કેટલાક લોકોએ દીક્ષા લીધી.

ચાર પ્રકારના ધ્યાન પર દેશના

દેશનામાં ભગવાન ચાર પ્રકારના ધ્યાનની વિશેષ સમજણ આપી. મનુષ્યમાત્રને જીવનમાં ચાર પ્રકારના ધ્યાન વર્તે છે: રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આમાંથી પ્રથમ ત્રણ પ્રકારના ધ્યાન - રૌદ્રધ્યાન, આર્તધ્યાન અને ધર્મધ્યાન જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી વર્તે છે. જ્યારે શુક્લધ્યાન થાય છે, ત્યારે અહંકાર સંપૂર્ણ ખલાસ થઈને આત્મામાં આવે છે. શુક્લધ્યાનને જે પામે એ વ્યક્તિ મહાભાગ્યશાળી કહેવાય; એનો મોક્ષનો સિક્કો વાગી ગયો કહેવાય.

હવે, આપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન વિશે ઊંડાણપૂર્વક સમજીએ.

  • રૌદ્રધ્યાન: આ એક પ્રકારનું ધ્યાન છે; કોઈ ક્રિયા નથી. જ્યારે કોઈ આપણું અપમાન કરે કે પછી જ્યારે આપણને ક્રોધ આવે, ત્યારે આપણી અંદરની પરિણીતિનું રૌદ્રસ્વરૂપ થઈ જાય છે, એને રૌદ્રધ્યાન કહ્યું છે. જો ક્રોધ બહાર નીકળે તો એ બહુ ભારે કહેવાય અને જો વધુ ઊંડો ક્રોધ થાય, તો એ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભમાં પરિણામ પામે છે. એક જ વખતમાં અનંત અવતારના બંધ પડી જાય છે. રૌદ્રધ્યાનના પરિણામ સ્વરૂપે જીવને નર્કે જવું પડે છે. ક્રોધ થતાં આપણી અંદર ખરાબ પરમાણુ પેસે છે જે પરિણામે ભારે કર્મો બાંધે છે. એટલે આ રૌદ્રધ્યાનમાંથી બહુ જ જાગૃતિપૂર્વક નીકળી જવા જેવું છે. રૌદ્રધ્યાન થઈ જતું હોય તો નક્કી કરવું કે આમાંથી બહાર નીકળવું છે.
  • આર્તધ્યાન: આર્તધ્યાન એટલે પોતાને જ પીડા કરે; બહાર બીજા કોઈને ખબર પડે નહીં. આર્તધ્યાન વખતે ભવિષ્યની ચિંતા થાય, ધંધામાં નફા-ખોટ અંગે ચિંતા થાય, મરી જવું કે નાસી જવું એવી અકળામણ થાય અને મરી જવાના વિચાર આવે. વૃદ્ધાવસ્થા આવતાં એવું થાય કે હવે મરી જવું છે, એ પણ એક પ્રકારનું આર્તધ્યાન કહેવાય. જે અંદરની પીડા હોય એને આર્તધ્યાન કહેવાય અને જો એ બહાર આવી જાય તો એ રૌદ્રધ્યાન થઈ જાય. આર્તધ્યાન એ રૌદ્રધ્યાન કરતા ઓછું જોખમી છે કારણ કે રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે, જ્યારે આર્તધ્યાનનું ફળ તિર્યંચગતિ છે. તિર્યંચ એટલે જાનવરગતિ. ભગવાને આર્તધ્યાન (ચિંતા) કરવાની ના પાડી છે. ભગવાને કહ્યું છે કે આપણે જે કર્મો લઈને આવ્યા છે એનું પરિણામ આવવાનું જ છે નિશ્ચિત રીતે અને એમાં કોઈથી પણ ફેરફાર થઈ શકે એમ છે નહીં. તો પછી શા માટે ચિંતા કરવી? જે કંઈ પણ બને છે એ બધું વ્યવસ્થિત જ છે. આમ જો રહેશે તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન નહીં થાય અને અંદર સુંદર ધર્મધ્યાન રહેશે. આપણે ભાવ પોઝિટિવ રાખવો, પછી, જે બન્યું એ કરેક્ટ. આમ, આ બધી ચાવીઓ છે આર્તધ્યાન-રૌદ્રધ્યાન સામેની.
  • ધર્મધ્યાન: આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાના બધા જ સંયોગો આવીને ઊભા રહે, છતાં પણ આપણે સમતામાં રહીને જે કંઈ પણ બન્યું એ ન્યાય છે અને આપણને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય નહીં એને ધર્મધ્યાન કહેવાય છે. ધર્મધ્યાન એ ધ્યાન છે; કોઈ ક્રિયા નથી. સેવા, પૂજાપાઠ પ્રતિક્રમણ કરવા, માળાઓ કરવી વગેરે કે જેમાં મન-વચન-કાયા વપરાય છે, એ ક્રિયાઓ છે; ધ્યાન નથી. ધ્યાન તો આપણી આંતરિક પરિણતિનું પરિણામ છે. ધર્મધ્યાન કરવાથી નથી આવતું; એ સહેજે ઉત્પન્ન થાય છે. જે લોકો માને છે કે એ પોતે ધ્યાન કરે છે, તેઓ વાસ્તવમાં એકાગ્રતા કરે છે. એકાગ્રતા અને ધ્યાન વચ્ચે ખાસ્સો તફાવત છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “ધ્યાન એ કરવાનું ન હોય; એ પરિણામ છે.” અંદર સાચી સમજણથી ધર્મધ્યાન એની મેળે જ ઉત્પન્ન થાય છે.
  • શુક્લધ્યાન: શુક્લધ્યાન એટલે જેમાં અહંકાર નથી. સમકિત થયા પછી શુક્લધ્યાન ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને ધર્મધ્યાન રહ્યા જ કરશે. જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી શુદ્ધાત્માની જાગૃતિ સહજ રીતે રહે છે. મોટામાં મોટું ધ્યાન એ શુક્લધ્યાન કહેવાય છે કે જેમાં “હું શુદ્ધાત્મા છું” એવું નિરંતર રહ્યા કરે છે. પછી ચિંતા-ઉપાધિ ન રહે; કોઈ આપણને અપશબ્દો બોલે, અપમાન કરે, પરંતુ આપણને એ જાગૃતિ સતત હોય કે, “આ મને નથી કહેતો; હું તો શુદ્ધાત્મા છું.” જુદાપણાની સ્થિતિ કાયમ વર્તે એ શુક્લધ્યાનનું પરિણામ છે. કારણ કે એમાં કર્મબંધન થતું નથી.

    શુક્લધ્યાનના ચાર પાયા છે. જેમાં પ્રથમ બે પાયામાં સમકિત થાય, પછી એ ગાઢ-અવગાઢ થઈને અસ્પષ્ટમાંથી સ્પષ્ટવેદનમાં આવે છે. પછી, ત્રીજા પાયામાં તેરમા ગુણસ્થાનકમાં આવી કેવળજ્ઞાન થાય છે અને ચોથો પાયો કે જેમાં ચૌદમા ગુણસ્થાનકમાં આવી મોક્ષે જાય છે.

    આમ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને ધર્મધ્યાન જ્યાં સુહી રહે, ત્યાં સુધી મોક્ષ ન થાય અને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. શુક્લધ્યાનમાં તો સદેહે મુક્ત દશાનો અનુભવ થાય. જો આપણાથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઈ જાય, તો તરત જ હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બંધાયેલા કર્મોમાંથી મુક્ત થઈ આપણે મોક્ષ તરફ જઈ શકીએ, એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રતિક્રમણ કરવાની એક ઉત્તમ રીત દર્શાવી છે. આ પ્રતિક્રમણ હૃદયપૂર્વક અને પસ્તાવા સહિત થવા જોઈએ. 

    “હે અંતર્યામી પરમાત્મા, હું તમને નમસ્કાર કરું છું. મારાથી તમને જે અપશબ્દો બોલાયા તેની હું હૃદયપુર્વક માંફી માંગું છું, પશ્ચાત્તાપ કરું છું અને ફરી આવું ક્યારેય નહીં કરું એવું નક્કી કરું છું.”

    આમ કરવાથી દોષો ત્યાં ને ત્યાં જ ધોવાઈ જાય છે. આ તત્ક્ષણે થાય એને ભાવ પ્રતિક્રમણ કહ્યું છે. ભાવ પ્રતિક્રમણ થકી જે ભારે કર્મો બંધાયા છે, એ હળવા થશે અને એમાંથી છૂટી શકાશે. પછી વ્યક્તિમાં ધર્મધ્યાનની દશા વર્તે છે.

    ભગવાનના બતાવ્યા પ્રમાણે જો મૃત્યુ પહેલાની ૪૮ મિનિટમાં પણ આપણે પાછલી આખી જિંદગીના પાપોનું પ્રાયશ્ચિત ખરા દિલથી પશ્ચાત્તાપપૂર્વક કરીએ, તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાંથી ઉદ્ભવેલા પાપ કર્મોમાંથી મુક્ત થઈ શકાય એમ છે. ભગવાને પ્રતિક્રમણને કર્મોમાંથી મુક્ત થવાનું એકદમ શક્તિશાળી સાધન કહ્યું છે. આ રીતે, નમિનાથ ભગવાન દેશનામાં ચાર પ્રકારના ધ્યાનની સમજણ આપી.

નિર્વાણ

અંતે, નમિનાથ ભગવાનને સમેત શિખરજી પર્વત પરથી હજારો સાધુ અને સાધ્વીઓ સાથે નિર્વાણ પ્રાપ્ત થયું.

×
Share on