યોગ અને ધ્યાન, આત્મજ્ઞાન પ્રાપ્તિમાં (આત્માનુભવ પ્રાપ્ત કરવામાં) કેવી રીતે મદદ કરી શકે?

મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છવાસનું ધ્યાન, કુંડલીની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને (કષાયોને) કાબુમાં રાખવાના સાધનો છે. આ બધા, માત્ર આત્મજ્ઞાન પ્રાપ્તિ થતાં સુધીનાં સાધનો છે.  આ બધા સાધનો અંતિમ ધ્યેય (સાધ્ય) નથી. આ બધામાં પ્રવૃત રહે તેટલા સમય સુધી વ્યકિતને સુખનો અનુભવ થાય છે અને જ્યારે તેમાંથી નિવૃત થાય ત્યારે પાછો પોતે હતો ત્યાંનો ત્યાં. મન જ્યારે નિરંતર કાબુમાં રહે, ત્યારે જ તેને ઉપચાર થયો કહેવાય છે.

નિર્વિકલ્પ સમાધિ એટલે મન-વચન-કાયાની ઉપાધિમાં પણ સંપૂર્ણ અસરમુક્ત દશા. માત્ર જ્ઞાનીઓ જ આવી સમાધિ દશામાં રહે છે, કે જ્યાં કોઈપણ માનસિક કે શારીરિક પરિસ્થિતિ એમને અસર કરતી નથી અથવા તો કોઈપણ સ્પંદન ઉત્પન્ન થતા નથી. આ ઉપરાંત, એકમાત્ર જ્ઞાની પુરુષ જ આત્માનું સાચું ધ્યાન તમને આપી શકે છે.

ચાલો, આપણે બધા અક્રમવિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી ની કૃપાથી સાચુ ધ્યાન અને યોગની સમજણ પ્રાપ્ત કરીને પરમ આત્માનુભવને પામીએ.

યોગમાર્ગ - જ્ઞાનમાર્ગ

યોગમાર્ગથી તમને સંસારમાં સિદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમાર્ગથી મોક્ષ ખુલ્લો થાય છે. યોગમાર્ગ અને જ્ઞાનમાર્ગ અંગેની વિશેષ સમજણ મેળવો આ વીડિયો દ્વારા.

Spiritual Quotes

 1. એટલે ધ્યેય નક્કી કરીએ ત્યાર પછી ધ્યાન એનું પરિણામ છે. 
 2. આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે. જેવું ધ્યાન વર્તે તેવું ફળ આવે.
 3. જેટલાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછાં એટલી સંસારની અડચણો ઓછી હોય !
 4. મનના રોગ જાય તો પ્રકાશ થાય. મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને બાજુનું મન તંદુરસ્ત છે. આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય, દેહ તંદુરસ્ત થાય.
 5. આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. 
 6. તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો ? એકાગ્રતા કરવાનો વાંધો નથી, પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી
 7. મંત્રો એ સનાતન વસ્તુ નથી. એક આત્મા સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સનાતન નથી. બીજું બધું 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ! ઓલ ધીઝ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ ! 'પરમેનન્ટ' એક આત્મા એકલો જ છે. સનાતન વસ્તુમાં ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં અને ત્યારે એની મુક્તિ થાય. 
 8. મેઇન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડયા દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરૂં થાય !
 9. પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય.
 10. યોગ બે પ્રકારનાં: એક જ્ઞાનયોગ એટલે કે આત્મયોગ અને બીજો અજ્ઞાનયોગ એટલે કે અનાત્મયોગ. અનાત્મયોગમાં મનોયોગ, દેહયોગ ને વણીયોગ સમાવિષ્ટ થાય. યોગ શેનો થાય? જેને જાણ્યો હોય તેનો કે જે અજાણ છે તેનો? જ્યાં સુધી આત્મ જાણ્યો ના હોય ત્યાં સુધી આત્મયોગ શી રીતે થાય? એ તો દેહને જાણ્યો તેથી દેહયોગ જ કેહવાય.
 11. અને નિર્વિકલ્પ સમાધિ દેહયોગથી ક્યારેય પણ પ્રાપ્ત ના થઇ શકે. વિકલ્પી નિર્વિકલ્પી ક્યારેય પણ ના થઇ શકે, એ તો આત્મજ્ઞાની સર્વજ્ઞપુરુષ નિર્વિકલ્પ દશાએ પહોંચાડી આપે ત્યારે જ નિર્વિકલ્પ થાય. પ્રગટ દીવો જ અન્ય દીવાને પ્રગટાવી શકે.
 12. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠેય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, 'ચાલો, ઊઠો, જમવા ચાલો', તો ત્યારેય તમે જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, 'તમારે અહીં જમવાનું નથી.' તો ય જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું.

Related Books

×
Share on
Copy