નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન (પુષ્પદંત ભગવાન)

શ્રી સુવિધિનાથ ભગવાન, કે જેઓ પુષ્પદંત ભગવાન તરીકે પણ ઓળખાય છે, તેઓ વર્તમાન કાળચક્રના નવમા તીર્થંકર હતા. તેમનો વર્ણ શ્વેત હતો.

સુવિધિનાથ ભગવાનનું લાંછન મગર છે. અજિત યક્ષદેવ અને સુતારા યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિશે વાંચીએ.

શ્રી સુવિધિનાથ ભગવાન - પૂર્વભવો

શ્રી સુવિધિનાથ ભગવાન એમના પૂર્વભવમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં આવેલ પુષ્પકલાવતી વિજયની પુંડરિકગિરી નગરીમાં મહાપદ્મ રાજા હતા. ધર્મપરાયણ રીતે રાજ્ય કરતા તેમણે ખૂબ જ નામના અને કીર્તિ મેળવી હતી. મહાપદ્મ રાજા નિરંતર એ જાગૃતિમાં રહેતા હતા કે તેમની એક ક્ષણ પણ પ્રમાદમાં ન જાય.

અમુક કાળ વીત્યા બાદ એમને થયું કે જો આધ્યાત્મિક પ્રગતિ સાધવી હશે તો સર્વ વિરતીની જરૂર છે અને બહારના સર્વ પરિગ્રહોથી મુક્ત થવું પડશે. પછી મહાપદ્મ રાજાએ દીક્ષા લીધી. તીર્થંકર ભગવંતોની ભક્તિ, ધ્યાન, જપ-તપ અને આરાધના કરીને એમને તીર્થંકર ગોત્ર બંધાયું.

suvidhinath bhagwan

મહાવિદેહક્ષેત્રમાં આયુષ્ય પૂરું થયા બાદ એમનો આવતો ભવ વૈજયંત વિમાનમાં દેવ તરીકે થયો.

શ્રી સુવિધિનાથ ભગવાન - જન્મ

વૈજયંત વિમાનમાંથી ચ્યવીને સુવિધિનાથ ભગવાને તીર્થંકર તરીકે ભરતક્ષેત્રની કાકંદી નગરીમાં રાજા સુગ્રીવ અને રાણી રામા દેવીને ત્યાં જન્મ લીધો. રાણી રામા દેવી અત્યંત સાત્વિક અને ધર્મપરાયણ હતાં. સુવિધિનાથ ભગવાનના દંત કમળના ફૂલ જેવા હોવાને કારણે તેમનું નામ ‘પુષ્પદંત’ રાખવામાં આવ્યું.

ભગવાનનો બાલ્યકાળ પૂરો થયા બાદ તેમના લગ્ન થયા અને રાજ્યાભિષેક થયો. અમુક કાળ સુધી રાજ્ય ચલાવ્યા બાદ સુવિધિનાથ ભગવાને દીક્ષા લીધી. દીક્ષા લીધાના માત્ર ચાર મહિના બાદ ભગવાનને કેવળજ્ઞાન થયું.

suvidhinath bhagwan

દેશના - આશ્રવ ભાવના

કેવળજ્ઞાન થયા પછી સુવિધિનાથ ભગવાને આશ્રવ ભાવના પર દેશના આપી.

કર્મનો આશ્રવ એટલે શું? જ્યારે કર્મો ચાર્જ થાય એને આશ્રવ થયો એમ કહેવાય છે; નવા કર્મો બંધાતા જાય છે. આ વાતને આપણે એક કૂવાના ઉદાહરણ દ્વારા સમજીએ. ઉનાળામાં મોટાભાગે કૂવામાંથી પાણી ખલાસ થઈ જતું હોય છે. એમાં તળિયે ક્યાંક એવી જગ્યાએ પાણી જમા થતું હોય છે; એને પાણીનો આશ્રવ થયો એમ કહેવાય છે.

આવી રીતે કર્મો પણ નિરંતર સૂક્ષ્મમાં બંધાયા કરે છે. પછી જેમ જેમ એ પાણી વપરાય, ઉલેચાય અને ખાલી થાય તેને કર્મની નિર્જરા થઈ એમ કહેવાય છે. એટલે ગયા ભવે સૂક્ષ્મમાં જે ચાર્જ થયેલા કર્મો છે તે આ ભવે ડિસ્ચાર્જ તરીકે સ્થૂળમાં આવે છે અને ખાલી થાય છે પણ ફરી પાણી પાછું ભરાય, એમ આશ્રવ થવાની જે જગ્યા છે એ એવી ને એવી હોવાથી નવા કર્મો બંધાયા જ કરે છે. કૂવો ખાલી ક્યારે થાય? તો, જે જગ્યાએથી આશ્રવ થતો હોય ત્યાં આગળ સંવર એટલે કે દાટા મારે તો નવું કર્મ બંધાય નહીં. દાટા મારવાને સંવર કહ્યું છે. કર્મને દાટા મારવાની ક્રિયા એ જ્ઞાને કરીને શક્ય છે. અજ્ઞાનતાથી કર્મ ચાર્જ (કર્મબંધન) થાય છે.

જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે કર્મો બંધાવાનું અટકે છે, પોતે ભાનમાં આવે છે કે “હું કેવળ આત્મા છું.” અને પાછલા ચાર્જ થયેલા કર્મો કુદરતી રીતે ડિસ્ચાર્જ થયા કરે છે.

આશ્રવ ભાવના પર ભગવાનની દેશના સાંભળીને ઘણાં લોકોને વૈરાગ્ય આવ્યો અને તેમણે મોક્ષ પંથે આગળ પ્રગતિ સાધી.

નિર્વાણ

શ્રી સુવિધિનાથ ભગવાનને ૮૮ ગણધરો હતા. ભગવાન પોતાનું આયુષ્ય કર્મ ખપાવીને સમેત શિખરજી પર્વત પરથી નિર્વાણ પામી મોક્ષે ગયા.

Nirvan

નિર્વાણ બાદ - હુંડાવસર્પિણી કાળ

શ્રી સુવિધિનાથ ભગવાનના નિર્વાણ બાદ ભયંકર કાળ આવ્યો, જે હુંડાવસર્પિણી કાળ તરીકે ઓળખાય છે. હુંડાવસર્પિણી કાળના દોષથી ધર્મ પર મોટી આફત આવી હતી. તીર્થંકર ભગવાનના નિર્વાણ પછીના આ સમયમાં સાધુઓનો વિચ્છેદ થયો એટલે આ પૃથ્વી પર કોઈ સાધુઓ રહ્યા ન હતા. ધર્મગુરુ વિલીન થવાથી સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓ એકબીજાના ગુરુ થઈ ગયા અને પોતાની ઊંધી સમજણના આધારે લોકોને પણ ઊંધા માર્ગે દોર્યા. સાચા ધર્મની રીતને બદલે ઊંધી રીતે કીર્તિ માટે દાન-તપ આદિ કરતા હતા. તે સમયે બધા તીર્થોનો પણ વિચ્છેદ થઈ ગયો. સાધુઓએ ઠગ બનીને ધર્મનો નાશ કર્યો. સુવિધિનાથ ભગવાનના નિર્વાણ પછી લાંબા કાળ સુધી બીજા તીર્થંકર આવ્યા નહીં, ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહી અને અધર્મ વ્યાપેલો હતો.

×
Share on