શ્રી શીતલનાથ ભગવાનની જીવનકથા: વાંચીએ એમનો પૂર્વ અને અંતિમ ભવ

શ્રીવત્સના લાંછનથી ઓળખાતા, શ્રી શીતલનાથ ભગવાન વર્તમાન કાળચક્રના ૧૦મા તીર્થંકર છે. ભદ્દિલપુર નગરીમાં જન્મેલા, તેઓ દ્રઢરથ રાજા અને નંદાદેવી રાણીના પુત્ર તરીકે જન્મ લે છે. લાંબો કાળ વીતાવ્યા બાદ, તેમણે દીક્ષા લીધી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. લોકોને મોક્ષ પંથે વાળવા ભગવાને ઘણાં કાળ સુધી દેશના આપી અને અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. તેમનું દેહપ્રમાણ ૯૦ ધનુષનું હતું.

બ્રહ્મ યક્ષ દેવ અને અશોકા યક્ષિણિ દેવી તેમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના અંતિમ બે પૂર્વભવોની અને તેમના તીર્થંકર તરીકેના જન્મ વિશેની કથા પણ જોઇએ.

રાજા પદ્મોત્તર તરીકેનો ત્રીજો અંતિમ ભવ અને બીજો અંતિમ ભવ દેવલોકમાં

ભગવાન શીતલનાથ, તેમના બીજા અંતિમ ભવમાં, રાજા પદ્મોત્તર હતા, જેઓ પુષ્કરવર દ્વીપ ખાતે પૂર્વવિદેહ ક્ષેત્ર, એમાં વજ્રવિજયમાં સુશિમા નગરીમાં રાજ્ય ચલાવતા હતા.

રાજા પદ્મોત્તર ખૂબ જ ઉદાર અને દયાળુ હતા. સાંસારિક બંધનોમાંથી મુક્ત થવાની તીવ્ર ભાવના સાથે તેઓ હંમેશા ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હતા. રાત અને દિવસ ઊંડાણપૂર્વક તેમને ફક્ત એ જ વિચારણા થતી હતી કે, કઈ રીતે પોતે સાંસારિક જીવનના બંધનોમાંથી મુક્ત થાય અને ક્યારે આ સંસારમાંથી ત્યાગ કરવાનું કર્મ તેમને ઉદયમાં આવે.

sheetalnath bhagwan

“સાંસારિક જીવન એ બંધન છે,” એ સમજાવું એ જ મોટી જાગૃતિ છે! કારણ કે સામાન્ય રીતે, કોઇ ભાગ્યે જ સમજે છે કે આ જીવન ખરેખર બંધન છે. મોહના ભારે આવરણોને કારણે કોઇપણ વ્યક્તિને સ્વાભાવિકપણે આ સંસારની બધી જ વસ્તુઓ ગમે છે. આ જગતમાં એવી કોઇ વસ્તુ નથી કે જે ખરેખર ગમવા જેવી હોય અથવા જેમાંથી કાયમી સુખ પ્રાપ્ત થતું હોય છતાં પણ વ્યક્તિને તે ગમ્યા જ કરે છે.

આપણને બંધનનો અનુભવ કઈ રીતે થાય છે?

દાખલા તરીકે રોજ વહેલી સવારે આપણે આપણી મીઠી નિદ્રાનો ત્યાગ કરી જાગી જઈએ છીએ કે જેથી કરીને આપણું દૈનિક કાર્ય સમયસર પૂરું થઇ શકે. જ્યારે બીજી બાજુ કોઇ વ્યક્તિ આખી રાત પડખા ફેરવ્યા કરે છે અને એને શાંતિથી ઊંઘ લેવી પણ મુશ્કેલ બની જતી હોય છે. ધંધામાં મોટું નુકસાન, નોકરી ન મળી શકવી, બાળપણથી ઉછરેલા અને આશ્રિત રહેલા બાળકો સામા થવા – આ બધી ઘટનાઓ આપણને ભાન કરાવે છે કે જીવન ખરેખર બંધન છે; આ જગતમાં કશું ગમવા જેવું નથી‍!

જ્યારે જીવન એક બંધન છે એવી જાગૃતિ ઉત્પન્ન થાય ત્યારે એવું કહી શકાય કે, હવે આપણી મોક્ષ સંબંધીની તૃષ્ણા અને ખરી આધ્યાત્મિક તૈયારી શરુ થઇ છે.

પદ્મોત્તર રાજાને મોક્ષ પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના હતી. તેઓ સતત એ વિચારણામાં જ રહેતા હતા કે, “ક્યારે તેઓ આ સંસારમાંથી મુક્ત થશે; ક્યારે દીક્ષા લેશે અને મોક્ષે જશે?”

અંતે, તેમણે પોતાના સ્નેહીજનોને સમજાવ્યા અને દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ, વીસ સ્થાનકનું તપ કરીને તેમણે તીર્થંકર-નામ-ગોત્ર-કર્મ બાંધ્યું.

આયુષ્ય પૂર્ણ થતા, પદ્મોત્તર રાજાનો જીવ દસમાં દેવલોકમાં જન્મ લે છે. દેવલોકમાં તેઓ લાંબું આયુષ્ય ભોગવે છે. દેવલોકમાં બાહ્ય રીતે અત્યંત વૈભવ અને સુખ-સમૃધ્ધિ હોવા છતાં, તેઓ સમકિત સહીત હોવાથી આંતરિક પરિણીતીમાં તેઓ આ બધા સુખ-વૈભવથી તદન અલ્પિત રહેતા. તેમની જાગૃતિ નિરંતર આત્મામાં રહેતી હતી.

અંતિમ ભવ તીર્થંકર ભગવાન શીતલનાથ તરીકેનો

દસમાં દેવલોકમાં આયુષ્ય પૂર્ણ થયા બાદ, રાજા પદ્મોત્તરનો જીવ ભરતક્ષેત્રનાં ભારત દેશમાં ભદ્દિલપુર નગરીમાં રાજા દ્રઢરથના પત્ની રાણી નંદાના ગર્ભમાં જન્મ લે છે.

નામકરણ વિધિ

રાણીના ગર્ભાવસ્થા દરમ્યાન, એક દિવસ રાજા દ્રઢરથને ખુબ જ તાવ આવ્યો. તેમનું શરીર અત્યંત દાહથી પીડાતું હતું. એવા સમયે, રાણી નંદા તેમના પતિને સ્પર્શ કરે છે. રાણીના સ્પર્શતાની સાથે જ, રાજાનો દાહ શમી જાય છે અને તેમનું આખુ શરીર સામાન્ય તાપમાને આવી જાય છે. આના કારણે, તેમના પુત્ર-જન્મના સમયે, બાળકનું નામ શીતલનાથ રાખવામાં આવ્યું.

તેમનો વર્ણ સુવર્ણ હતો. યુવાન વયે, તેમના લગ્ન થયા. પછી, અમુક કાળ બાદ તેઓએ દીક્ષા લીધી અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં, ભગવાને દેશના આપવાનું શરૂ કર્યું. આના સ્વરૂપ, ઘણા લોકોએ તેમની પાસેથી દીક્ષા લીધી.

સંવર ભાવના પર દેશના

તીર્થંકરો જુદા જુદા વિષયો પર દેશના આપે છે. શીતલનાથ ભગવાને પણ ‘સંવર ભાવના’ પરની દેશના દ્વારા આપણને સુંદર સમજણ આપી છે.

સંવર એટલે નવા કર્મો બંધાવાનું અટકાવી દેવું. અર્થાત એવા પ્રકારની જાગૃતિમાં આવવું કે જેનાથી તમને નવા કર્મો ન બંધાય. સંવર ભાવના બે પ્રકારે છે:

  • દ્રવ્ય સંવર
  • ભાવ સંવર

દ્રવ્ય એટલે સ્થૂળ અથવા બાહ્ય, જ્યારે ભાવ એટલે સૂક્ષ્મ, આંતરિક. આમ, દ્રવ્ય સંવર ચોક્કસ બાહ્ય ક્રિયાઓ દ્વારા કર્મબંધન અટકાવે છે. કંઇક કરવું અથવા કંઇક ન કરવું એ બધી બાહ્ય ક્રિયાઓમાં અહંકાર જરૂરી છે. કંઇક કરવું અથવા કંઇક ન કરવું તે નક્કી કરવું એ પણ અહંકાર છે.

ક્રમિક માર્ગમાં, સારા કર્મ કરવાના અહંકારને પુષ્ટિ આપવામાં આવે છે જ્યારે ખરાબ કર્મ કરવાના અહંકારમાંથી મુક્તિ મેળવવામાં આવે છે. આમ, ખરાબ કર્મ રોકીને અને સારા કર્મો બાંધીને, જીવ આધ્યાત્મિક માર્ગમાં ધીરે ધીરે પ્રગતિ કરે છે. આ રીતે પ્રગતિ કરતાં કરતાં, આત્માની જાગૃતિ ઊભી થાય છે, જેનાથી ભાવ સંવર થાય છે અને બીજા નવા કર્મો બંધાતા નથી.

ચાલો ભાવ સંવર અને દ્રવ્ય સંવર ઉદાહરણની મદદથી સમજીએ. ધારો કે કોઇ વ્યક્તિને વિષયની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય છે. જો કે, તે વ્યક્તિ પાસે એવી સમજણ છે કે, “હું આ ઇચ્છામાં દોરવાઇશ નહિ પરંતુ બ્રહ્મચર્ય ધારણ કરી રાખીશ.” આ સમજણના આધારે, તે બ્રહ્મચર્યનું પાલન કરવાનું નક્કી કરે છે અને આવું કરીને તેના બધા પ્રશ્નોનું સમાધાન મેળવી લે છે.

દ્રવ્ય સંવરમાં, વ્યક્તિ બાહ્ય રસ્તાઓ અથવા સમાધાનો અપનાવે છે જેવા કે ‘નવ વાડ’ અથવા નવ પ્રકારના રક્ષણો, જેનાથી વ્યક્તિને કોઇ જ પ્રકારનો વિષય સંબંધી અપકૃત્ય કરવાનો અવકાશ ન રહે. આ રક્ષણ સંબધી અમુક પ્રકારના આચારોનું પાલન કરવાનું હોય છે. જેમ કે, વિજાતીય વ્યક્તિની સંગત ન કરવી, ઉપાશ્રયમાં જવું, વિજાતીય વ્યક્તિના ચિત્રો ન જોવા, થોડા સમય પહેલા વિજાતીય વ્યક્તિ બેસેલી હોય તે જગ્યા પર ન બેસવું, વિજાતીય વ્યક્તિના વિચારો ન કરવા, જ્યાં લોકો સંસારી જીવન ભોગવતા હોય ત્યાં ન રહેવું અને જેનાથી વિષયના વિચારો આવે તેવી પૂર્વ ઘટનાઓને યાદ ન કરવી.

આ બાહ્ય રસ્તાઓના આધારે, વ્યક્તિ દ્રવ્ય સંવર દ્વારા વિષયની ઇચ્છાને સમાપ્ત કરી શકે છે અને તેના દ્વારા બ્રહ્મચર્યના માર્ગ પર પ્રગતિ કરે છે. ધીમે ધીમે, વ્યક્તિની આંતરિક જાગૃતિ ખીલે છે. એક દિવસ, જ્યારે તે વ્યક્તિ જ્ઞાનીને મળે છે, ત્યારે જ્ઞાનીપુરૂષ તેને ભેદજ્ઞાન (આત્મજ્ઞાન) પ્રાપ્ત થવામાં મદદ કરે છે. આ સર્વ થકી, તેની આંતરિક જાગૃતિ સંપૂર્ણપણે ઉત્પન્ન થાય છે.

ત્યારપછી, તે પુરૂષાર્થ કરે છે અને પરાક્રમ દ્વારા, વિષયની ઇચ્છાઓને જડમૂળમાંથી નાશ કરે છે. આ બધું થયા બાદ જ ભાવ સંવર થાય છે.

જ્યારે વિષયની ગ્રંથિ છૂટે છે, વિષય સંબંધી કિંચિતમાત્ર વિચાર નથી આવતો; ત્યારે તમારે સમજવું કે ભાવ સંવર પૂર્ણ થયું. હવે, નવા કર્મો નહિ બંધાય. બાહ્ય રીતે જેટલા શક્ય હોય એટલા પ્રયત્નો અને સાધનો દ્વારા બ્રહ્મચર્યને સાચવવાનાં પ્રયાસો થતા રહે છે. તેથી, ભાવ સંવર ત્યારે જ થયું કહેવાય જ્યારે વિષયની ગ્રંથિ બધી રીતે નાશ પામેલ હોય.

નિર્વાણ

શીતલનાથ ભગવાનની વાત પર પાછા આવીએ તો, ભગવાનને ૮૧ ગણધરો હતા. તેમનું નિર્વાણ અંતે સમ્મેદ શિખરજી પર્વત પરથી થયું હતું.

×
Share on