ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી

શ્રી અભિનંદન સ્વામી વર્તમાન કાળચક્રના ચોથા તીર્થંકર હતા. એમની કાયા સુવર્ણ અને દેહપ્રમાણ ૩૫૦ ધનુષ જેટલું હતું.

અભિનંદન સ્વામીનું લાંછન વાનર છે. યક્ષેશ્વર યક્ષદેવ અને કાલિકા યક્ષિણીદેવી તેમના શાસન દેવ અને શાસન દેવી છે. ચાલો, હવે અભિનંદન સ્વામીના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.

શ્રી અભિનંદન સ્વામી - પૂર્વભવો

જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં, મંગલાવતી વિજયની રત્નસંચયા નગરીમાં મહાબલ રાજા રાજ્ય કરતા હતા. રાજાએ પોતાના જીવનમાં દાન, શીલ અને તપ અપનાવીને ઊંચા પ્રકારના ધર્મધ્યાનનું પાલન કર્યું.

ખૂબ જ સારી રીતે રાજ્ય ચલાવ્યાના અમુક વર્ષો બાદ મહાબલ રાજાને અંદરથી ભાવના જાગી કે જીવનનો અંતિમ ધ્યેય રાજપાઠ નથી પણ સંયમ, ત્યાગ, વૈરાગ્ય અને મોક્ષ પામવાનો છે. વૈરાગ્યની ભાવનાથી મહાબલ રાજાએ વિમલસૂરિ નામના મોટા આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ તેમનું જીવન સંયમપૂર્વક વિનય-વિવેકમાં રહી તપ-ધ્યાનમાં વ્યતીત થયું.

abhinandan story

ત્યાગ લીધેલા મહાબલ રાજાને જંગલમાં વિહાર કરતા જોઈને ઘણાં લોકો એમની પ્રશંસા કરતા. જયારે કોઈ પ્રશંસા કરતું ત્યારે એમને ગર્વરસ ઊભો થતો ન હતો. આનાથી વિરુદ્ધ જો કોઈ એમની નિંદા-કૂથલી કે અપમાન કરે, ત્યારે એમને કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ ઊભા થતા ન હતા. મહાબલ રાજાને તપ-આરાધના કરવાથી અને વીસ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોને આરાધવાથી તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાયું. અંતે, અનશન વ્રત ધારણ કરીને મૃત્યુ પામ્યા બાદ તેમનો બીજો ભવ વિજય વિમાનમાં દેવ તરીકે થયો.

આપણને જીવનમાં અપમાન એ અપયશ નામકર્મના આધારે અને માન એ યશ નામકર્મના આધારે મળે છે. આપણને યશ અને અપયશ નામકર્મના ઉદય પ્રમાણે માન-અપમાન ભેગા થાય છે. આપણે બીજાને સુખ આપીએ તો યશ નામકર્મ અને દુઃખ આપીએ તો અપયશ નામકર્મ બંધાય છે. વાસ્તવમાં આપણે આત્મસ્વરૂપે છીએ. કંઈ પણ કામ કરતી વખતે જ્યારે આપણને અંદરથી મીઠું લાગે, એને કર્તાપણાનો અહંકાર કહ્યો છે; આનાથી કર્મબંધન છે. દુનિયામાં સૌથી મીઠામાં મીઠો રસ એટલે ગર્વરસ. શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે, “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” માન એક પ્રકારના કષાયનો મીઠો ગુણ છે. આખો સંસાર માન કષાયથી ઊભો રહ્યો છે.

શ્રી અભિનંદન સ્વામી - જન્મ

દેવગતિનું આયુષ્ય પૂર્ણ થયા બાદ, તીર્થંકર ભગવાન શ્રી અભિનંદન સ્વામીનો જન્મ ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં થયો. અભિનંદન ભગવાન અયોધ્યા નગરીના રાજા સંવર અને રાણી સિદ્ધાર્થાના પુત્ર હતા. અભિનંદન ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે રાજ્યના લોકો ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસમાં રહેતાં હતાં. અભિનંદનનો અર્થ હર્ષ થાય. એટલે આના પરથી ભગવાનનું નામ અભિનંદન રાખવામાં આવ્યું.

રાજકુમાર અભિનંદનના જ્યારે લગ્ન થયા, ત્યારે એમના પિતા સંવર રાજાએ એમને રાજગાદી સોંપીને દીક્ષા લીધી. રાજકુમાર અભિનંદને લાંબા કાળ સુધી પોતાનું રાજ્ય ચલાવીને પ્રજાને ખૂબ સુખ આપ્યું.

દીક્ષા અને કેવળજ્ઞાન

દેવોની વિનંતી બાદ રાજા અભિનંદન એક વર્ષ સુધી વર્ષીદાન આપ્યા બાદ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધાના થોડા સમયમાં ભગવાનને કેવળજ્ઞાન થયું અને કેવળજ્ઞાન થયા બાદ પ્રભુ અનેક લોકોને દેશના આપીને તાર્યા.

Abhinandan swami diksha

અભિનંદન સ્વામીના સમોવસરણમાં ૧૧૬ ગણધરો બિરાજતા હતા. ભગવાનની દેશના સાંભળીને લોકોને અંદર જબરજસ્ત વૈરાગ્ય અને જ્ઞાન ઉત્પન્ન થતું અને તેઓ દીક્ષા લઈને મોક્ષમાર્ગે આગળ વધતા હતા.

અશરણ ભાવના પર દેશના

અભિનંદન ભગવાને સમોવસરણમાં અશરણ ભાવના પર દેશના આપી. અશરણ ભાવના પર દેશના સંભાળતાં જ લોકોને જ્ઞાન પ્રગટ થતું હતું. અશરણ ભાવના એટલે પોતાના જાત માટેની અનાથતા અનુભવવી.

“સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.”

અર્થાત્, પોતાની જાત માટે અનાથતાનો અનુભવ થવો એને અશરણ ભાવના કહેવાય છે.

અશરણ ભાવનાનો સાર સમજાવતી અનાથી મુનિની સુંદર કથા છે. ભગવાન મહાવીરના કાળમાં શ્રેણિક નામના એક રાજા હતા. એક વખત શ્રેણિક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયા. શ્રેણિક રાજાએ શિકારના સમયે ધ્યાન-મગ્ન અવસ્થામાં બેઠેલા અને અતિ સ્વરૂપવાન એવા અનાથી મુનિને જોયા.

મુનિનું રૂપ અને લાવણ્ય જોઈને શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું કે આ ત્યાગ શેના માટે કર્યો હશે! પછી શ્રેણિક રાજાએ મુનિને પૂછ્યું, ”તમે ભરયુવાનીમાં ભોગવિલાસ મુકીને ત્યાગ શા માટે લીધો? ચાલો પાછા સંસારમાં!” પછી મુનિએ ઉત્તર આપ્યો, ”મને સંસારમાં જરાય રસ નથી. આ સંસારમાં મારું કોઈ નાથ હોય એવું લાગતું નથી. હું અનાથ છું. મારી જાતને હું અનાથ અનુભવું છું.”

પછી રાજાએ વિનંતી કરી કે પોતે મુનિના નાથ થશે. એમના સંસારની બધી જ જવાબદારીઓ લેવાની તૈયારી દર્શાવી પરંતુ મુનિએ રાજાની બધી જ વિનંતીઓનો અસ્વીકાર કર્યો. મુનિએ પોતાનો અનુભવ કહ્યો કે પોતે પૂર્વે અતિશય ધનાઢ્ય, સંપત્તિવાન અને સત્તાવાન રાજા હતા. એમને અતિ સુંદર રાણીઓ હતી. એક વખત મુનિને ભયંકર દાહનો રોગ થયો. એમના આખા શરીરે દાહ થવા માંડ્યો અને એ પીડા અસહ્ય હતી. એમની આંખોમાં અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. એમના પિતાશ્રીએ રોગના ઈલાજ માટે પોતાની બધી ધન-સંપત્તિ વહાવી, છતાંય એમની વેદનાનું શમન ન થયું. એટલે માતા-પિતા હોવા છતાં તેમણે અનાથતા અનુભવી કારણ કે કોઈ એમની વેદનાને શમાવી ન શક્યા. એમની અતિ સ્વરૂપવાન પત્ની ચોવીસ કલાક એમની સેવામાં રહેતી, છતાં પણ એમનો ભોગવટો ક્ષણમાત્ર પણ ઓછો કરી શકતી ન હતી. ત્યારે એમને સંપૂર્ણપણે એવો અનુભવ થયો કે આ સંસારમાં પોતે અનાથ હતા.

પછી એક રાત્રે એમને અતિશય વૈરાગ્ય આવ્યો અને દ્રઢ નિશ્ચય કર્યો કે જો એમની વેદના શમે તો અનાથપણામાંથી મુક્ત થઈ સનાથ થશે. પછી ખરેખર એ રાત્રિએ એમની બધી જ વેદના શમી ગઈ અને એમણે દીક્ષા લીધી. તેઓ અનાથમાંથી સનાથ થયા. ત્યારબાદ તેમને આત્મજ્ઞાન થયું. આત્મજ્ઞાન થયા પછી એમને કાયમ આત્માનું જ સુખ અનુભવાયું અને સંસાર તુચ્છ લાગ્યો.

અનાથી મુનિની વાત સાંભળીને શ્રેણિક રાજાને આનંદ થયો અને જ્ઞાન પ્રાપ્ત થયું.

તીર્થકર અને જ્ઞાનીનું શરણું એ જ ખરું સનાથપણું છે, નહીં તો આપણે અનાથ જ છીએ. અનંત અવતારથી આપણે સંસારમાં છીએ, પણ મોક્ષે જવું હોય તો પ્રત્યક્ષ જ્ઞાની કે તીર્થંકરનું શરણું જરૂરી છે. પ્રત્યક્ષ જ્ઞાનીના શરણે જવાથી આપણા ભવોભવના રોગો અને દુઃખોનો અંત આવે છે. આત્માનો ઉઘાડ કરાવે એવા જ્ઞાની આ કાળમાં અતિ અતિ દુર્લભ છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે, ”મોક્ષ તો અતિ અતિ અતિ સુલભ છે, પણ મોક્ષદાતા અતિ અતિ અતિ દુર્લભ છે.”

આ સંસારમાં બધા સંતો-મહંતો આપણને અશુભમાંથી શુભમાર્ગે લઈ જાય છે, પણ શુભ અને અશુભથી પર એવા શુદ્ધ તત્ત્વ એટલે આત્મતત્ત્વની અનુભૂતિ તો ફક્ત પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ કરાવી શકે. પરોક્ષથી પુણ્ય બંધાય અને પ્રત્યક્ષથી મોક્ષપ્રાપ્તિ થાય. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કે પ્રત્યક્ષ તીર્થંકર ભેગા થાય ત્યારે સમજવું કે અનંત અવતારના જન્મ-મરણના ફેરામાંથી છૂટવાનો માર્ગ મળી ગયો. આ કાળમાં શ્રીમદ્ રાજચંદ્ર અને પરમ પૂજ્ય દાદા ભગવાન જ્ઞાની પુરુષ થઈ ગયા.

નિર્વાણ

તીર્થંકર ભગવાન અભિનંદન સ્વામીને ૩ લાખ સાધુઓ, ૬,૩૦,૦૦૦ સાધ્વીઓ, ,૮૮,૦૦૦ શ્રાવકો અને ૫,૨૭,૦૦૦ શ્રાવિકાઓ હતી. તેમને ૧૧૬ ગણધરો હતા; વ્રજનાભ એમના મુખ્ય ગણધર હતા. શ્રી અભિનંદન સ્વામી ૧૦૦૦ સાધુઓ સાથે સમેત શિખરજી ઉપરથી નિર્વાણ પ્રાપ્ત કરીને મોક્ષે ગયા.

Abhinandan-swami

આ કથા સાંભળીને, ચાલો, આપણે પણ અભિનંદન સ્વામીની અશરણ ભાવના પર આપેલી દેશનાને જીવનામાં ઉતારી તમામ પ્રકારના અનાથપણામાંથી મુક્ત થઈએ. વર્તમાન આત્મજ્ઞાની પાસેથી જ્ઞાન પામીને અનાથમાંથી સનાથ થઈએ અને પોતાના ખરા સ્વરૂપને ઓળખીએ.

×
Share on