બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન

અજિતનાથ ભગવાન વર્તમાન કાળચક્રના ચોવીસ તીર્થકરોમાંથી બીજા તીર્થંકર હતા. શ્રી અજિતનાથ ભગવાન જ્યારે તીર્થંકર થયા, ત્યારે એ ચોથા આરાના શરૂઆતનો કાળ હતો. તે કાળમાં મનુષ્યનું આયુષ્ય અને દેહપ્રમાણ ખૂબ જ લાંબુ હતું. અજિતનાથ ભગવાનનું દેહપ્રમાણ ૪૫૦ ધનુષનું હતું.

ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.

શ્રી અજિતનાથ ભગવાન - પૂર્વભવો

અજિતનાથ ભગવાનનો ત્રીજો પૂર્વભવ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના દક્ષિણ કિનારે વત્સવિજયમાં આવેલી સુસીમા નગરીમાં રાજા વિમલવાહન તરીકેનો હતો. તેઓ અત્યંત શક્તિશાળી અને સર્વ વિદ્યા સંપન્ન હતા. તેઓ સુંદર રીતે પોતાનું રાજ્ય ચલાવતા હતા. સુષમા-સુષમ કાળ હોવાને કારણે રાજા વિમલવાહનનું શાસન અતિશય વૈભવવાળું હતું. એમના શાસનમાં કોઈ દુઃખી ન હતું; તેઓ શાંતિથી રાજ કરતા હતા.

એકવાર રાત્રિના સમયે રાજા વિમલવાહન પોતાના મહેલના ઝરૂખા પર બેસીને આકાશમાંના નક્ષત્રો, ચંદ્ર અને તારાને નિહાળી રહ્યા હતા. ત્યારે રાજાએ એક તારો ખરતો જોયો અને એ જોઈને એમને મહીં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે વિચાર્યું કે, ”મારું જીવન પણ તારલાઓ જેવું જ ક્ષણભંગુર છે અને એક દિવસ આ દેહ પણ ખરી જશે.” આમ, ઊંડા વિચારોમાં એમને ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને પછી એમણે દીક્ષા લીધી.

દીક્ષા લીધા બાદ એમણે તપ કરીને સુંદર ચરિત્રનું પાલન કર્યું. પરિણામે એમને ક્ષાયક સમકિત થયું. ક્ષાયક સમકિત થયા બાદ એ જ ભવે એમને તીર્થંકર ગોત્ર બંધાયું. તીર્થંકર ગોત્ર બંધાયા પછી વિમલવાહન રાજા તપ, ધર્મધ્યાન આદિ કરીને સમાધિ મરણ પામ્યા.

સમાધિ મરણ થયા બાદ એમનો જન્મ અહમિન્દ્ર દેવ તરીકે વિજય નામના અનુત્તર દેવલોકમાં થયો. અનુત્તર વિમાનમાં દેવોનું આયુષ્ય ખૂબ જ લાંબું હોય છે. એમાં વિમલવાહન રાજા અનુત્તર વિમાનમાં ક્ષાયક સમકિત સહિત હતા. અનુત્તર વિમાનમાંના અહમિન્દ્ર દેવો કોઈપણ પ્રકારના સુખોમાં તન્મયાકાર થતા નથી અને કાયમ આત્માની જ ચિંતવનામાં હોય છે.

શ્રી અજિતનાથ ભગવાન - બાળપણ

અનુત્તર વિમાનમાંથી ચ્યવીને અજિતનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં જીતશત્રુ રાજા અને વિજયા રાણીને ત્યાં થયો. ભરતક્ષેત્રમાં આવેલી અયોધ્યા નગરી આપણા ભારતભૂમિની જ નગરી છે અને એ બહુ જ પવિત્ર અને ધાર્મિક નગરી ગણાય છે. અયોધ્યા નગરીમાં અનેક તીર્થંકરો જન્મ્યા છે. જ્યારે કોઈ પણ તીર્થંકરનું માતાના ગર્ભમાં ચ્યવન થાય ત્યારે ગર્ભધારણની આગલી રાત્રિએ માતાને ચૌદ દિવ્ય સપના આવે છે. બધા જ તીર્થંકરોની માતાને એક જ સરખા ચૌદ સપના આવે છે. વિજયા રાણીએ પોતાના આ ચૌદ સપનાની વાત જીતશત્રુ રાજાને કરી. જીતશત્રુ રાજા અવધિજ્ઞાની હતા. એમણે પોતાના અવધિજ્ઞાનથી જોયું કે વિજયા રાણીના કુખેથી તીર્થંકર જન્મ લેશે. આ વાત સાંભળીને સર્વ પ્રજાજનોમાં હર્ષ અને આનંદ વ્યાપી ગયો.

ભગવાનનું ચ્યવન થયું ત્યારથી જ વિજયા માતાની સેવામાં દિશાકુમારી દેવીઓ હાજર હતી. આઠની સંખ્યામાં દિશાકુમારી દેવીઓ આવે અને તીર્થંકર ભગવાનના માતાની ખૂબ જ સેવા કરે. પ્રથમ આઠ દિશાકુમારી દેવીઓ જ્યારે ભગવાન ગર્ભમાં હોય ત્યારે સેવામાં આવે. એના પછી આઠ દિશાકુમારી દેવીઓ ભગવાનના જન્મ સમયે આવે; ભગવાનનો જન્મ થયા બાદ બીજી આઠ દિશાકુમારી દેવીઓ ભગવાનના ઉછેર સમયે આવે.

તીર્થંકર ભગવાનનું ગોત્ર કેટલું ઊંચું કહેવાય અને એમનો કેવો પ્રતાપ કહેવાય કે ચ્યવનથી લઈને એમનો ઉછેર થાય, ત્યાં સુધી કરોડો દેવ-દેવીઓ ભગવાનનું બધું જ સંભાળી લે છે.

અજિતનાથ ભગવાનનો જન્મ થયો. તીર્થંકરને માતાનું ધાવણ ધાવવાનું ન હોય, દેવો જ બાળ તીર્થંકર ભગવંતના અંગુઠામાં કાયમ માટે અમૃત ભરી દે છે; જે કદી ખલાસ થતું નથી. દેવ-દેવીઓ બાળ ભગવાનને સ્નાનાદિ ક્રિયાઓ કરાવે અને સાથે એમની માતાનું પણ એટલું જ ધ્યાન રાખે.

ભગવાને ક્રોધ, માન, માયા, અને લોભરૂપી કષાયોને જીતી લીધેલા હોવાથી એમનું નામ અજિતનાથ રાખવામાં આવ્યું. તેમના પિતાનું નામ રાજા જીતશત્રુ અને માતાનું નામ રાણી વિજયા દેવી; એટલે માતા-પિતા બંનેના નામનો અર્થ પણ વિજય થાય છે. જેણે કષાયો પર વિજય મેળવ્યો છે, તેને પુરુષ કહેવાય. ખરેખર તો, પુરુષનો અર્થ પરમાત્મા થાય. જ્યારે સંપૂર્ણ કષાય અને વિષય જાય ત્યારે જ પરમાત્માપદની પ્રાપ્તિ થાય છે. કેવળી ભગવંતો અને તીર્થકરો ખરા અર્થમાં પુરુષ કહેવાય.

દીક્ષા

અજિતનાથ ભગવાન જન્મથી જ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હતા. યુવાનવયે અજિતનાથ ભગવાનના લગ્ન થયા. લગ્ન બાદ, લાંબાકાળ સુધી એમને અયોધ્યાનગરીમાં પોતાનું રાજ્ય સંભાળ્યું. અજિતનાથ ભગવાન વારંવાર મુનિ મહારાજના દર્શન કરવા જતા હતા. તીર્થંકર ભગવંત અને મુનિઓ પ્રત્યે તેમને ખૂબ જ આકર્ષણ રહેતું હતું. ભગવાનની સેવા-પૂજા અને ભક્તિ કરતા એમને વૈરાગ્ય આવ્યો. દેવોની વિનંતીથી ભગવાને દીક્ષા લેવાનું નક્કી કર્યું. એક વર્ષ સુધી દરરોજ દેવો દ્વારા કરોડો રત્નોના ભંડારો ભરાયા અને ભગવાનના હસ્તે દાન થયું. ભગવાનનો દીક્ષા મહોત્સવ પણ દેવોએ જ સંભાળી લીધો. દેવો પણ ભગવાનના દીક્ષા મહોત્સવથી હર્ષોલ્લાસ અને આનંદમાં આવી ગયા. કારણ કે દીક્ષા પછી ભગવાન હજારો લોકોનું કલ્યાણ કરવા નીકળી પડવાના હતા.

કેવળજ્ઞાન અને નિર્વાણ

દીક્ષા લીધા બાદ, ભગવાનને ચોથું મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું. મનઃપર્યવજ્ઞાન પછી ભગવાન પોતાની છદ્મસ્થ અવસ્થામાં વિચર્યા. ત્યારબાદ, ભગવાનને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન થયા બાદ પ્રભુએ દેશના આપી અને કેટલાંય લોકોને મોક્ષપંથે ચાલવા પ્રેરણા મળી. અજિતનાથ ભગવાનને ૯૦ ગણધરો હતા. સિંહસેન એ ભગવાનના મુખ્ય ગણધર હતા.

ajitnath-bhagwan

બધાને તારતા તારતા ભગવાનનો નિર્વાણ કાળ નજીક આવ્યો. નિર્વાણ પામીને ભગવાન સિદ્ધગતિમાં ગયા. અજિતનાથ ભગવાનના સિદ્ધક્ષેત્ર તરફના પ્રસ્થાનનો દેવોએ ખૂબ ઉત્સવ આનંદ મનાવ્યો . આપણે અજિતનાથ ભગવાનના જ્યારે પણ દર્શન કરીએ, ત્યારે એવો ભાવ રાખીએ કે, “આપે જે રીતે કષાયોને જીત્યા, એવી રીતે અમારે પણ જીતવા છે; આપના જેવું દર્શન અમને પણ પ્રગટ થાય એવી શક્તિ આપો. અમે પણ કષાયોમાંથી સંપૂર્ણ મુક્ત થઈને સિદ્ધપદ પામીએ.”

×
Share on