પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન (ઋષભદેવ ભગવાન): જીવનચરિત્ર

ચોવીસ તીર્થંકરોમાંથી સૌથી પહેલા શ્રી ઋષભદેવ ભગવાન થઈ ગયા. જેઓ બધા ધર્મોના મુખ, મૂળ પુરુષ - આદિપુરુષ કહેવાય છે. એમને આદિમ તીર્થંકર એવો શબ્દ આપ્યો છે. આદિમ એટલે પ્રથમ, પહેલો મૂળ પુરુષ.

તીર્થંકર ઋષભદેવ ભગવાન આદિનાથ ભગવાન તરીકે પણ ઓળખાય છે, તેઓ વર્તમાન કાળચક્રના ત્રીજા આરાના પ્રથમ તીર્થંકર હતા અને પ્રથમ રાજા પણ હતા. ભગવાનનું લાંછન વૃષભ એટલે કે બળદ છે. ગૌમુખ યક્ષદેવ અને ચક્રેશ્વરી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે.

ભગવાનનો જન્મ યુગલિક કાળમાં અંતિમ કુલકર નાભિ અને મરુદેવીના પુત્ર તરીકે થયો હોવાને કારણે તેઓ માતા મરુદેવીના નંદ તરીકે ઓળખાયા. તેમના લગ્ન સુનંદા અને સુમંગલા સાથે થયા હતા અને તેમને ૧૦૦ પુત્રો અને ૨ પુત્રીઓ હતા. ભગવાને કેવળજ્ઞાન થતાં જ હજારો મુમુક્ષુઓને દેશના આપી.

શ્રી ઋષભદેવ ભગવાન દ્વારા અસી-મસી-કૃષિની સ્થાપના

ઋષભદેવ ભગવાનના વખતમાં યુગલિક કાળ હતો. એ કાળમાં રાજપાટ કે બીજું કશું સ્થાપન થયેલું નહોતું. યુગલિક કાળમાં લોકો ખૂબ સરળ અને ભદ્રિક હતા, તેમનામાં કષાય નહોતા. પણ પછી જેમ જેમ ત્રીજો આરો અડધો પૂરો થયો ત્યારે કાળ બદલાતો ગયો અને ઘણા ફેરફારો શરૂ થઈ ગયા. લોકોમાં કષાયો, મારામારી, વઢવાડ, ગુનાઓ શરૂ થઈ જાય છે. માટે, રાજા અને રાજ્યવ્યવસ્થાની, દંડની, ન્યાયની જરૂર પડી. નાભિ કુલકર સુધી રાજાશાહી નહોતી પણ કુલકર વ્યવસ્થા હતી. બધા દેવોએ નાભિ કુલકરને વ્યવસ્થા બદલવા માટે અને યોગ્ય વ્યક્તિને રાજા તરીકે સ્થાપવાની વિનંતી કરી. નાભિ કુલકરે ઋષભદેવ ભગવાનને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાની વાત કરી. દેવો આનંદિત થઈ ગયા અને તેમણે ઋષભદેવ ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. શાસ્ત્રો મુજબ, આ પ્રથમ રાજાનો ઇતિહાસ છે. ઋષભદેવ રાજાએ રાજગાદી પર બેઠા પછી સુંદર રાજ્ય ચલાવ્યું.

તે કાળમાં બધા ફળફૂલ ખાઈને જીવતા હતા. પછી વૃક્ષો નાના થવા લાગ્યા, કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યા. લોકોને ખાવાપીવાની તંગી થવા માંડી; લોકોને શું ખાવું તે ખબર નહોતી પડતી. ભગવાનના કહ્યા મુજબ લોકો અનાજ-ચોખા વાવીને ખાતા હતા પણ ત્યારે અગ્નિ હતો જ નહીં એટલે એમને રાંધીને ખાવાની પદ્ધતિ ખબર નહોતી. ઉત્ક્રાંતિની આ અનોખી વાત છે, જે આપણને બીજે ક્યાંય જોવા નથી મળતી. કાચા ચોખા ખાવાથી લોકોને પેટમાં દુઃખવા માંડ્યું. બે ઝાડના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ લોકોએ પહેલી વાર જોયો. લોકો અગ્નિમાં સીધા ચોખા નાખી દેતા; જે બળીને ખાખ થઈ જતા. પછી હાથી પર બેઠા બેઠા ભગવાને માટીના પાત્રમાં પાણી નાખીને ચોખા બાફવાનું શીખવ્યું.

ઋષભદેવ ભગવાને પાત્રો બનાવવાની, લુહારની, સુથારની, વગેરે એકેએક વસ્તુ, બધી વિદ્યાઓ લોકોને શીખવાડી. ભગવાને અસી-મસી-કૃષિની સ્થાપના કરી જે પહેલાં ક્યારેય હતી નહીં. અસી એટલે રક્ષણ કરવા માટે શસ્ત્રો, મસી એટલે વેપાર અને કૃષિ એટલે ખેતી; ભગવાને અનાજ વાવીને એનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવ્યું. ભગવાને સાવ સરળ, જંગલી અવસ્થામાં જીવતા લોકોને સભ્ય બનાવ્યા. ઋષભદેવ ભગવાન વખતના લોકો સરળ અને જડ હતા; મહાવીર ભગવાન વખતના લોકો વાંકા અને જડ હતા અને વચ્ચેના બધા વિચક્ષણ હતા. લોકોમાં કષાયો વધતાં, ભગવાને બધાને વહીવટ, રક્ષણ કરવું, દંડ વ્યવસ્થા વગેરે શીખવ્યું અને રાજ્યવ્યવસ્થા પ્રસ્થાપિત કરી.

ભગવાન આદિનાથની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી ખૂબ જ બુદ્ધિશાળી હોવાથી ભગવાને તેમને અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન એટલે કે ગણિતનું શિક્ષણ આપીને આજથી લાખો વર્ષો પહેલાં સ્ત્રીશિક્ષણની તથા ગણિતની શરૂઆત કરી. આ કાળમાં ડેવલપ થઈને જેટયુગ, રોકેટયુગ, ન્યુક્લિયર બોમ્બ, કમ્પ્યુટરનું જબરજસ્ત સાયન્સ આગળ વધ્યું છે, જેનું બીજ ઋષભદેવ ભગવાને ગણિતશાસ્ત્ર, અસી-મસી-કૃષિ શીખવાડીને નાખ્યું હતું.

ભગવાને ઘણા વર્ષો રાજ કરીને તેમના ૯૮ પુત્રો અને ખંડણી રજાઓ સાથે દીક્ષા લીધી. ભગવાને દીક્ષા લીધા પછી જબરજસ્ત તપ કર્યું, તેમણે એક વર્ષ સુધી નિર્જળા ઉપવાસ કર્યા. તપ કરતી વખતે ભગવાનની કેવી જબરજસ્ત જાગૃતિ હશે, એની બહુ મોટી કીમત છે. એમની પાસે સેવામાં ૪,૦૦૦ દીક્ષા લીધેલા રાજાઓ હતા. આજે કોની પાછળ ૪,૦૦૦ માણસો એકસાથે દીક્ષા લઈને નીકળી પડે?! છતાંય ભગવાનને જરાય પડી નહોતી. સામાન્ય માણસ જ્યારે તપસ્યા કરે ત્યારે એનો ક્રોધ બહુ વધી જાય, જ્યારે ભગવાનને તો આમાંથી કશું જ ના હોય.

તે વખતે લોકોને પારણું કેવી રીતે કરાવવું તે વિશે કંઈ સમજણ નહોતી. ભગવાનના પ્રપૌત્ર શ્રેયાંસ કુમારે શેરડીના રસથી પારણું કરાવ્યું. પાલીતાણા જઈને વર્ષીતપનું પારણું શેરડીના રસથી કરવાનો શિરસ્તો આજે પણ ચાલુ છે.

મરુદેવી માતાને કેવળજ્ઞાન

ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ભરત ચક્રવર્તીને એક બાજુ દેશનામાં જવા માટેના સમાચાર મળ્યા અને બીજી બાજુ ચક્રવર્તી પદ પ્રાપ્ત થવાની તૈયારી થઈ. તેમને થયું, “ચક્રનું પૂજન કરું કે ભગવાનનું પૂજન કરું?” ચક્રના પૂજનથી બધા જીવો મારી નાખવાનું, સંસાર વધારવાનું પૂજન થતું હતું અને બીજી બાજુ તીર્થંકર ભગવાનનું પૂજન કરવાથી મોક્ષના રસ્તે આગળ વધાય છે. એમણે ભગવાનના દર્શન, પૂજન કરવાનું નક્કી કર્યું. પરિવાર અને નગરજનોના કાફલા સાથે ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના દર્શન કરવા ગયા. જ્યારથી ભગવાન દીક્ષા લઈને નીકળી પડ્યા હતા ત્યારથી મરુદેવી માતા પોતાના પુત્રના વિરહમાં ખૂબ જ દુઃખી રહેતાં અને રાત-દિવસ આંસુ સાર્યાં જ કરતાં. એટલું બધું રડતાં હતાં કે એમની આંખમાં પડણ આવી ગયાં હતાં, એમને દેખાતું બંધ થઈ ગયું હતું. ભરત ચક્રવર્તી માતાને ભગવાન માટે રડવાને બદલે આનંદ થવો જોઈએ એવું સમજાવીને દર્શન માટે લઈ ગયા. માતાનો શોક ઓછો થયો અને ઉલ્લાસ થયો.

ભગવાનની પાસે આવતાં, એમની વાણી સાંભળતાં, વાતાવરણ જોતાં મરુદેવીની આંખમાં હર્ષના આંસુ આવવા મંડ્યા, ભગવાન પ્રત્યે ભાવ જાગ્યો અને તેમની આંખોમાંના પડ નીકળી જતાં ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન થતાંની સાથે જ એમને કેવળજ્ઞાન થયું.

મરુદેવી માતાને સંસારમાં રહેવા છતાં, દીક્ષા લીધા વિના ફક્ત ભગવાનના ભાવપૂર્વક દર્શન કરતાં જ કેવળજ્ઞાન થઈ ગયું. એમનો એટલો હળુકર્મી જીવ હતો. એવું કહેવાય છે કે મરુદેવી માતા નિગોદમાંથી આવ્યા હતા. તેઓ હાથીની અંબાડીએ બેઠેલાં હતાં અને ભગવાનના દર્શન કરતાં કરતાં સીધા મોક્ષે ગયા; સ્ત્રીદેહ હોવા છતાં પણ મોક્ષે ગયાં. અધ્યાત્મના જે દસ આશ્ચર્યો કહ્યાં છે એમાં મરુદેવી માતાનું મોક્ષગમન એ પણ એક આશ્ચર્ય કહેવાય છે. આ કાળચક્રના સૌથી પ્રથમ મોક્ષ જનારા મરુદેવી માતા હતાં.

રાજા ભરત ચક્રવર્તીને અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ

શ્રી આદિનાથ ભગવાને બાહુબલી અને ભરત ચક્રવર્તીને રાજ્ય ચલાવવાનું સોંપ્યું અને બાકીના તેમના બધા પુત્રોએ દીક્ષા લીધી હતી. ભરત ચક્રવર્તીને અંદર દીક્ષા લેવાનો ખૂબ ભાવ હતો પરંતુ ભગવાને તેમને ચક્રવર્તી પદ હોવાથી શ્રાવકધર્મ પાળવાનું કહ્યું. ભગવાને તેમને સંસારમાં ચક્રવર્તીનું રાજપાટ ચલાવવા છતાં નિર્લેપ રહી શકાય અને એ જ ભવે કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાય એવું જ્ઞાન આપ્યું, જેને અક્રમ જ્ઞાન કહેવાય છે. ભગવાનના શબ્દોથી એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું, સમ્યક્ દૃષ્ટિ થઈ. મોક્ષે જવા માટેના બે માર્ગ છે જેનું શાસ્ત્રમાં પણ વર્ણન છે: ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગ.

ભરત ચક્રવર્તી રાજા હતા, એમને કેટલી બધી રાણીઓ હતી. હજારો રાણીઓ સાચવવાની, અનેક કાવતરાઓ વચ્ચે રહેવું અને આત્મામાં રહેવું એ જેવી તેવી વાત નથી. ભરત ચક્રવર્તી આ બધામાં નિર્લેપ રહીને વ્યવહાર ચલાવતા હતા અને અંદરની શ્રેણીઓ ચઢતા જતા હતા. તેઓ સંસારમાં હોવા છતાં પણ વિરક્ત જ હતા, લડાઈઓ લડતા હતા છતાં અંદરથી મુક્ત હતા. કારણ કે એ આવી પડેલું કર્મ હતું અને પોતાની ઈચ્છા આ બધાથી છૂટવાની, મોક્ષે જવાની હતી. આ દૃષ્ટિમાં રહીને ભરત ચક્રવર્તીએ આવી પડેલો વ્યવહાર પૂરો કર્યો અને સાથે સાથે સમ્યક્ દૃષ્ટિમાં રહ્યા. તેમને અરીસા ભવનમાં કેવળજ્ઞાન થયું, જે એક મોટો ઇતિહાસ છે. હજારો લોકોનો ઉદ્ધાર કરીને ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા.

ઋષભદેવ ભગવાનના બાર ભવો થયા હતા. તેમના પૂર્વભવો અને જન્મથી નિર્વાણ સુધીનું ચરિત્ર બે ભાગમાં વિગતવાર વાંચીએ.

×
Share on