વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત ભગવાન

શ્રી મુનિસુવ્રત સ્વામી વર્તમાન કાળચક્રના વીસમા તીર્થંકર હતા. ભગવાનની કાયા શ્યામવર્ણી અને દેહપ્રમાણ ૨૦ ધનુષનું હતું. મુનિસુવ્રત સ્વામીનું લાંછન કાચબો છે.

વરૂણ યક્ષદેવ અને નરદત્તા યક્ષિણીદેવી ભગવાનના શાસન દેવ-દેવી છે. ચાલો, મુનિસુવ્રત સ્વામીના જન્મ પહેલાંના બે ભવો અને તેમનું તીર્થંકર જીવનચરિત્ર વાંચીએ.

શ્રી મુનિસુવ્રત ભગવાન - પૂર્વભવો

શ્રી મુનિસુવ્રત સ્વામી પૂર્વભવમાં શૂરશ્રેષ્ઠ રાજા હતા. તેમણે દીક્ષા લઈને ખૂબ ભક્તિ-આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરી.

જન્મ અને દીક્ષા

રાજા સુમિત્ર અને રાણી પદ્માવતીને ત્યાં દેવગતિમાંથી ચ્ય્વીને રાજા શૂરશ્રેષ્ઠના આત્માએ રાજગૃહી નગરીમાં તીર્થંકરરૂપે જન્મ લીધો. લગ્ન બાદ રાજકુમાર મુનિસુવ્રત થોડો વખત યુવરાજપદે હતા. ત્યારબાદ, રાજકુમાર મુનિસુવ્રતે દીક્ષા લીધી. દીક્ષાના ૧૧ મહિના બાદ તેમને કેવળજ્ઞાન થયું.

દેશના

શ્રી મુનિવ્રત સ્વામીને કેવળજ્ઞાન થયા બાદ તેમનું સમોવસરણ રચાયું. મુનિવ્રત સ્વામીએ જગતનું સ્વરૂપ તથા મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય તેની પર દેશના આપી.

મોક્ષ પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્ત્વનું એ છે કે મોક્ષ માટેનો ધ્યેય નક્કી થવો જોઈએ. જ્યાં સુધી આ સંસાર બંધનરૂપ છે એવું ન સમજાય, ત્યાં સુધી મોક્ષની ભાવના કઈ રીતે જાગે? ખાલી શબ્દોથી, “મોક્ષે જવા જેવું છે; સંસારમાં કંઈ નથી.”, એવું બધાં બોલે છે પણ અંદર તો, “આ સંસારમાં જ સર્વસ્વ છે.”; મોક્ષ નહીં પણ સંસાર જ રૂપાળો લાગે છે.

“મારામાં લાયકાત હોય કે ન હોય, પણ મારો ધ્યેય તો મોક્ષે જ જવાનો છે. હું આત્મા છું અને આત્માનો સ્વભાવ મોક્ષસ્વરૂપ જ છે, તો પછી મને મોક્ષ કેમ ન મળે?” નકારાત્મકતામાં હું શા માટે પડું કે “ના ના, મોક્ષ તો બહુ અઘરો છે, મેળવવો બહુ કઠિન છે; ન મળી શકે. બહુ કષ્ટ વેઠવા પડે; બહુ ત્યાગ કરવા પડે.” આ વાત જ ખોટી છે. મોક્ષ ત્યાં કષ્ટ ન હોય. કષ્ટે કરીને તો આ સંસાર છે. મોક્ષે જનારાને તો મહેનત પણ ન હોય અને કષ્ટ પણ ન હોય. મોક્ષે જનારા એકદમ મુક્ત હોય, પરમાનંદમાં હોય.

કેટલાક લોકો, “આ કાળમાં મોક્ષ છે જ નહીં.”, એમ કરીને બારણાં બંધ કરી દે છે. મોક્ષ તો કાયમને માટે છે. એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ જીવો અને ઓછામાં ઓછો એક જીવ મોક્ષે જઈ શકે છે. એક સમય એટલે એક સેકન્ડનો પણ સૂક્ષ્મ ભાગ. આટલા બધા જીવો મોક્ષે જઈ શકે છે તો આપણે કેમ નહીં?

મોક્ષ એટલે શું?

મોક્ષ બે તબક્કામાં છે:

  • પહેલા તબક્કામાં આપણને આ જ ભવમાં આત્મદર્શન થાય; તમામ દુઃખોથી મુક્તિ થાય અને આત્માનો આનંદ ચાખવા મળે; આ જ ભવમાં સમ્યક્ દર્શન થવું જોઈએ.
  • જ્યારે બધા જ કર્મો ખપી જાય, એક પણ પરમાણુ આત્માને ચોંટેલું ન રહે, આત્મા સંપૂર્ણ નિરાવરણ થાય ત્યારે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. પછી જન્મ-મરણના ચક્કર હોતા નથી.

મોક્ષે ગયેલા બધા જ આત્મા સિદ્ધક્ષેત્રે બિરાજે છે. બ્રહ્માંડ કે જેને લોક કહેવાય છે, તે પૂરું થાય તેની ઉપર અલોક છે કે જ્યાં આકાશતત્ત્વ એકલું જ છે, ત્યાં બીજું કશું જ નથી; એ લોક અને અલોકના સાંધામાં સિદ્ધક્ષેત્ર આવેલું છે.

કેવળજ્ઞાન થાય ત્યારે આ પૃથ્વી ઉપર, આ દેહમાં જ સિદ્ધક્ષેત્રના સુખનો અનુભવ થાય છે. માત્ર ફેર એટલો કે શરીરનું આયુષ્ય કર્મ અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય આ ચાર અઘાતી કર્મો બાકી રહ્યા હોય છે તે પૂરા કરવાના હોય છે.

દેહ પણ ન હોય એટલે કે અઘાતી કર્મો પણ ન હોય, ત્યારે તે સિદ્ધક્ષેત્રમાં જાય છે. સિદ્ધક્ષેત્રમાં અનંતકાળ સુધી આત્માનું અનંત સુખ એને અનુભવમાં આવે છે; એ સુખનું વર્ણન જ્ઞાનીઓ પણ કરી શકવા માટે સમર્થ હોતા નથી. જ્યાં વાણી પહોંચી નથી શકતી, એ સુખ અનુભવગમ્ય વસ્તુ છે. એવું કહેવાય છે કે સિદ્ધક્ષેત્રના અનંત કિરણોમાંથી જો સુખનું એક જ કિરણ પૃથ્વી પર આવે તો એ સુખ આખી પૃથ્વી ઉપર લોકોને એટલું બધું સ્પર્શી જાય કે એક વર્ષ સુધી કોઈને દુઃખ જ ન રહે, આનંદ જ રહે. જે અનંત કિરણો અનુભવતા હશે એ સિદ્ધાત્માની કેવી દશા હશે, એ આપણી કલ્પનાની બહાર છે. મોક્ષ માટે લોકો એટલે પાછળ પડે છે કે તમામ દુઃખોથી મુક્તિ તો અહીં થાય, પણ અનંત સુખની અનુભૂતિ, સનાતન, શાશ્વત સ્વસુખની અનુભૂતિ કાયમ માટે મોક્ષમાં જ હોય છે.

જ્ઞાન અને ક્રિયા બંને સાથે હોય તો મોક્ષ થાય. અજ્ઞાન ક્રિયા નહીં પણ જ્ઞાન સાથેની ક્રિયા. એટલે ‘હું આત્મા છું’ એવું થયા પછી ક્રિયા બધી દેહની થઈ રહી છે. પોતે ક્રિયા કરનારો જુદો છે અને આત્મા જાણનારો છે, એ જુદો છે. કરનાર અને જાણનાર બેયનું અંદર સંપૂર્ણ ભેદાંકન રહે; ગમે તે ક્રિયા હોય તે જ્ઞાન સહિતની થાય, ત્યારે મોક્ષ થાય.

મોક્ષ માટે પહેલાંમાં પહેલું ‘હું કોણ છું’ એ જ્ઞાન થવું જોઈએ. આ ભાન કરાવવા માટે કોઈ જ્ઞાની મળવા જોઈએ કે જે આપણને જ્ઞાન આપે. મોક્ષમાર્ગના નેતા જ્ઞાનીઓ છે.

જ્ઞાની કોને કહેવાય?

“મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતામ્;
જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે”

અર્થાત્ જ્ઞાનીઓ ગમે એવા કર્મો હોય એને ભસ્મીભૂત કરી નાખે તથા આખા બ્રહ્માંડના સર્વ અવિનાશી તત્ત્વોને જાણનારા હોય; એમને વંદના કરતાં જ એમના બધા ગુણો આપણને પ્રાપ્ત થાય છે. આવા જ્ઞાની મળે તો સહજમાં મોક્ષ છે. મોક્ષ દૂર નથી; જ્ઞાની મળવા અઘરા છે. એ મળે તો મોક્ષ હાથવેંત જ છે. આવા જ્ઞાની હોય છે જ; આપણે શોધવાની જરૂર છે.

આપણે સંસારમાં એટલા બધા રચ્યાપચ્યા રહીએ છીએ, આપણને મોહની એટલી બધી રુચિ છે કે આપણને ત્યાંથી ખસવાનું મન નથી થતું. આ બંધન છે એવું લાગતું જ નથી. આ હળાહળ કળયુગમાં ક્યાંય ચેન નથી, છતાં મોહને લીધે આ બંધન છે એવું લાગતું જ નથી.

મોક્ષ એટલે તમામ દુઃખોથી મુક્તિ. આપણને દેહના દુઃખો, મનના દુઃખો, વાણીના દુઃખો - આટલાં બધાં દુઃખો છે; ક્યાંય ચેન નથી. માટે નક્કી કરો કે મારે મોક્ષે જ જવું છે; સંસાર જે હોય એ મારે પૂરો કરવો છે. મારો ધ્યેય હશે તો બધું પાર નીકળી જાય એવું છે. વીતરાગોએ, તીર્થંકરોએ તો મોક્ષે જ જવા જેવું છે એવું કહ્યું છે. તેઓ પોતે મોક્ષે ગયા છે અને મોક્ષનો માર્ગ ખુલ્લો કરી ગયા છે.

મોક્ષ સહેલો છે પણ આપણા આગ્રહો, દુરાગ્રહો, આડાઈઓ નડે છે. મોક્ષનો દરવાજો સાંકડો છે. એમાં આપણે સીધા થઈએ તો જવાય; આડા થઈએ તો પહોંચાય જ નહીં. જ્યાં કિંચિત્માત્ર પણ આગ્રહ છે ત્યાં નર્યું વિષ છે. આગ્રહ પોતે જ વિગ્રહ છે. ભગવાનનો માર્ગ નિરાગ્રહી છે.

ઘણાંને પોતાની ક્રિયાના, તપના, જ્ઞાનના, પદના કેફ ચડે છે. એ કેફ છે ત્યાં મોક્ષ નથી. નિષ્કેફીનો મોક્ષ છે. ગુરુત્તમ થયેલા કોઈ પણ મોક્ષે ગયા નથી; બધા રઝળી પડે છે.

લઘુત્તમમાં લઘુત્તમ આ દુનિયામાં હોય તો આત્મા છે. એ આત્મસ્વરૂપ થાય તો ભારે લઘુત્તમ થાય. બધા ગુરુત્તમ થવા ફરે છે. ગુરુત્તમ થયો તે ફસાયો, પડ્યો, પછડાયો. વીતરાગનો ધર્મ પાળતાં પાળતાં જો જરા પણ દૂષણ એની મહીં પેસી ગયું તો એ જીવ પછડાશે. મોક્ષ માટે બહુ જ જાગૃતિ જરૂરી છે.

મોક્ષમાર્ગ બહુ ઊંચી વસ્તુ છે. જેને જબરજસ્ત ક્ષમતા આવી હોય એનાથી આ માર્ગે ચાલી શકાય. એમાં કાયરનું કામ નથી, શૂરવીરનું કામ છે. લોકો સાથે લડવા નહીં, પોતાના અંતરશત્રુઓને જીતવા માટેની શૂરવીરતાની જરૂર છે. તીર્થંકરોએ આ શૂરવીરતા દાખવી છે અને આપણા માટે આદર્શ પ્રતિક બન્યા છે.

મુનિસુવ્રત સ્વામીની સુંદર દેશનાએ લોકોને પ્રભાવિત કર્યા. કેટલાય લોકોએ દીક્ષા લીધી અને મોક્ષમાર્ગે ચડી ગયા.

એક વખત જ્યારે મુનિસુવ્રત સ્વામી દેશના આપી રહ્યા હતા, ત્યારે કોઈકે ભગવાનને પૂછ્યું, “પ્રભુ! આપની દેશનામાં આટલા બધા રાજાઓ, મોટા આચાર્યો અને સાધુઓ બેઠા છે. આમાંથી આ દેશનાનો બોધ કોણે લીધો?”

munisuvrat

ભગવાને જવાબ આપ્યો, “આમાંથી કોઈએ નથી લીધો. ખૂણામાં પેલો રાજાનો ઘોડો છે એણે લીધો છે.” ઘોડો પૂર્વભવમાં એક શ્રાવક હતો જેણે ખૂબ ભક્તિ-આરાધના કરીને એક મોટું જિનાલય બંધાવ્યું હતું. ત્યારે એનું ખૂબ સરસ કર્મ બંધાયેલું. પણ, બીજી બાજુ એ લોભમાં એટલો બધો આસક્ત હતો કે એને આખો દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા. પૈસાના વિચારોના આધારે એને ઘોડાનો અવતાર મળ્યો અને સારા કર્મોના આધારે ધર્મ મળ્યો.

નવમા ચક્રવર્તી મહાપદ્મની વાર્તા

હસ્તિનાપુરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં નવમા ચક્રવર્તી મહાપદ્મ હતા. તેમના પિતા રાજા પદ્મોત્તર તથા મોટા ભાઈ વિષ્ણુકુમાર હતા. ચક્રવર્તી મહાપદ્મ અને વિષ્ણુકુમાર યુવરાજપદે નિયુક્ત હતા. તેમને નમૂચિ નામનો એક મંત્રી હતો.

નમૂચિ જ્યારે પહેલાં કોઈ રાજ્યમાં હતો ત્યારે તેને જૈન સાધુઓ અને આચાર્યો પ્રત્યે ખૂબ ઘૃણા હતી. એના આધારે એણે સાધુઓને કાઢી મૂક્યા હતા. રાજાને ખબર પડતાં તેમણે નમૂચિને તડીપાર કર્યો. નમૂચિ રાજા પદ્મોત્તરના રાજ્યમાં આવ્યો પરંતુ, તેના મનમાં ખૂબ ખરાબ ભાવો હતા.

એક વખત, નમૂચિ મંત્રીએ યુવરાજ મહાપદ્મને યુધ્ધ જીતાડી આપ્યું. યુવરાજ મંત્રી પર એટલા ખુશ થયા કે તેમણે મંત્રીને વરદાન માંગવાનું કહ્યું. મંત્રીએ કહ્યું કે જ્યારે વખત આવશે ત્યારે વરદાન માંગશે. યુવરાજે મંત્રી જ્યારે વરદાન માંગે ત્યારે આપવા માટે હા પાડી. બાદમાં યુવરાજ મહાપદ્મ આખી પૃથ્વી જીતીને ચક્રવર્તી રાજા બન્યા.

એક વખત એવું બન્યું કે જે નમૂચિ મંત્રીએ જે સાધુઓને કાઢી મૂક્યા હતા તેઓ આ રાજ્યમાં આવ્યા. નમૂચિને પહેલાંનું બધું યાદ આવતાં તેને વેર વસૂલ કરવાની ઇચ્છા થઈ. વેર વસૂલ કરવા નમૂચિએ ચક્રવર્તી મહાપદ્મ પાસેથી એક અઠવાડિયા માટે આખું ચક્રવર્તી રાજ્ય માંગ્યું. ચક્રવર્તી મહાપદ્મે વચનબદ્ધ હોવાથી નમૂચિને રાજ્ય આપી દીધું.

નમૂચિ રાજ્યમાંથી બધા સાધુઓને હાંકી કાઢવા ગયો તો સાધુઓના સંઘે દીક્ષા લીધેલા રાજા પદ્મોત્તર અને ભાઈ વિષ્ણુકુમાર પાસે મદદ માંગી. વિષ્ણુકુમારે નમૂચિને સાધુઓ સાથે આમ ન કરવા સમજાવ્યા પરંતુ તે ન માન્યો. વિષ્ણુકુમારે સાધુઓને રહેવા માટે માત્ર ત્રણ ડગલા જેટલી જમીન આપવા માટે કહ્યું. નમૂચિએ કહ્યું કે તે માત્ર ત્રણ ડગલા જ જમીન આપશે તેનાથી વધુ નહીં.

munisuvrat

વિષ્ણુકુમારે પોતાની વિદ્યાથી બ્રહ્માંડને આંબે એટલું મોટું સ્વરૂપ બનાવ્યું. તેમના બે જ ડગલામાં આખી પૃથ્વી સમાઈ ગઈ; ચક્રવર્તી રાજા મહાપદ્મએ ક્ષમા માંગી.

શ્રી મુનિસુવ્રત ભગવાન - નિર્વાણ

શ્રી મુનિસુવ્રત સ્વામી સમ્મેત શિખરજી પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.

×
Share on