More

અનંતકાળથી, જ્યારે પણ શ્રી મહાવીર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી રામ ભગવાન જેવા ‘સાચા જ્ઞાની’ હાજર હોય છે, ત્યારે આત્મધર્મ અસ્તિત્વમાં છે અને તેનું પાલન પણ થાય છે. પરંતુ, જ્ઞાનીઓની ગેરહાજરીમાં મતભેદો ઊભા થાય છે, જેના કારણે, ધર્મ જુદા-જુદા પંથ, સંપ્રદાય અને જ્ઞાતિ-વાડામાં વહેંચાઈ જાય છે. તેથી જ, સમાજમાં શાંતિ અને એકતા ખોરવાય છે.

trimandir

પરમ પૂજ્ય દાદા ભગવાન “આત્મધર્મ” પાળતા અને આ આત્મજ્ઞાન લોકો સુધી પહોંચાડ્યું. જ્યાં સુધી ઘરમાં મતભેદ હોય, ત્યાં સુધી ઘરમાં કોઈને શાંતિ ના રહે, એવું જ આ દુનિયામાં છે. દુનિયામાં જ્યાં સુધી ધર્મના મતભેદો છે ત્યાં સુધી દુનિયામાં શાંતિ રહી શકે જ નહીં. પરમ પૂજ્ય દાદા ભગવાને ધર્મ અને સમાજમાં ચાલતા “મારા-તારા”ના ઝઘડાઓનો અંત લાવવા અને લોકોને આ મતભેદોના જોખમો વિશે જાગૃત કરવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા. પરમ પૂજ્ય દાદા ભગવાને જગત કલ્યાણના મહાન યજ્ઞમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું. તેમણે ધર્મમાં મતાર્થ મટે તે માટે ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિરની સ્થાપના કરીને જૈન, શૈવ અને વૈષ્ણવ આ ત્રણ ધર્મોને એક પ્લેટફોર્મ પર મૂકીને મતભેદની દૃષ્ટિ નિર્મૂળ કરી દીધી. જેમાં એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાન અને બીજી બાજુ શિવ ભગવાન ને વચ્ચે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી. આ ત્રિમંદિરમાં દરેક સંપ્રદાયના લોકો કોઈ જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર અંદર પ્રવેશી શકે છે, મંદિરમાં આવનાર દરેકને એવું જ લાગે કે આ મારા જ ભગવાન છે.

પરમ પૂજ્ય દાદા ભગવાને કહ્યું હતું કે ઠેર ઠેર સીમંધર સ્વામીનાં દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે!

ત્રિમંદિરનો હેતુ

ભારત ધર્મ, રૂઢિઓ અને નિષ્ઠાની ભૂમિ છે. અજોડ ત્રિમંદિરની સ્થાપના, એ પરમ પૂજ્ય દાદાશ્રીનું એક ક્રાંતિકારી પગલું હતું, જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. જ્યાં ત્રણ મુખ્ય ધર્મો - જૈન, વૈષ્ણવ અને શૈવ ધર્મના ભગવંતો અને બીજા દેવ દેવીઓને એક જ પ્લેટફોર્મ પર સમાન આદર આપવામાં આવ્યું છે.

×
Share on