શ્રેયાંસનાથ ભગવાનની કથાઓ: જાણીએ એમનો પૂર્વભવ અને અંતિમ ભવ

તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાન ૧૧મા તીર્થંકર છે. તેમનું લાંછન ગેંડો અને દેહપ્રમાણ ૮૦ ધનુષ જેટલું ઊંચું હતું. તેમને ૭૬ ગણધરો હતા. ઇશ્વર યક્ષ દેવ અને માનવી યક્ષિણી દેવી તેમના શાસન દેવ-દેવી છે.

ચાલો હવે ભગવાનના તીર્થંકર થવાના પૂર્વેના બે ભવોની જીવન કથાઓ જોઇએ. અંતમાં, આપણે શ્રેયાંસનાથ ભગવાનની કથા પણ વાંચીશું.

છેલ્લેથી ત્રીજો જન્મ રાજા નલિનીગુલ્મ તરીકે અને છેલ્લેથી બીજો જન્મ દેવલોકમાં:

અંતિમ ત્રીજા ભવમાં, ભગવાન શ્રેયાંસનાથનો જીવ પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રે આવેલ કચ્છ વિજયની ક્ષેમા નગરીમાં, રાજા નલિનીગુલ્મ તરીકે હતો. રાજા નલિનીગુલ્મ તેમનું રાજ્ય ખૂબ સુંદર રીતે ચલાવતા હતા, તેની પ્રજાની સારી રીતે સેવા કરતા હતા અને ધાર્મિક શાસ્ત્રોનું અનુસરણ કરતા હતા.

પછીથી, ઘણા વર્ષો ખુબ જ ઉત્તમ રાજ્ય ચલાવ્યા બાદ, તેમણે દીક્ષા ગ્રહણ કરી અને ખુબ જ ભક્તિ-આરાધનાના કારણે તેમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું. તેમનું આયુષ્ય પૂર્ણ થતાં, સાતમાં દેવલોકમાં દેવ તરીકે તેમનો જન્મ થયો.  

છેલ્લો ભવ તીર્થંકર શ્રેયાંસનાથ સ્વામી તરીકે

દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કરીને, શ્રેયાંસનાથ ભગવાનનો જીવ ભરતક્ષેત્રના સિંહપુર નગરમાં વસતા રાજા વિષ્ણુના પત્ની, રાણી વિષ્ણુ દેવીના ગર્ભમાં પ્રવેશે છે.

આ સમયે, વિષ્ણુ રાજાનું રાજ્ય ખુબ જ સારા શ્રેય અને સદભાગ્યનું સાક્ષી રહ્યું હતું. માટે, જન્મ સમયે, પુત્રનું નામ ‘શ્રેયાંસ’ રાખવામાં આવ્યું. દેવોએ મેરૂ પર્વત પર ભગવાનનો જન્માભિષેક કર્યો. ભગવાનની કાયા સુવર્ણ વર્ણની હતી. ભગવાનનો ત્રિપુષ્ટ વાસુદેવ સાથે મિલાપ થાય છે.

યોગ્ય યુવાન વયે, શ્રેયાંસનાથના લગ્ન કરવામાં આવ્યા અને રાજગાદી સોંપવામાં આવી. લાંબા કાળ સુધી રાજ્ય ચલાવ્યા બાદ, તેમણે દીક્ષા લીધી અને મન:પર્યાય જ્ઞાન પ્રાપ્ત થયું. દીક્ષા પછીના બે જ મહિનામાં, તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ.

Shreyansnath

કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, પ્રભુ એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા હતાં અને લોકોને દેશના આપતા. ભગવાને લોકોને મોક્ષમાર્ગ પર આગળ વધવા પ્રેરિત કર્યા.

એક વખત, તેઓ પોતનપુર નામના શહેરમાં આવ્યા જ્યાં ત્રિપુષ્ટ વાસુદેવનું (ભગવાન મહાવીરનો એક પુર્વભવ) રાજ્ય હતું. ત્રિપુષ્ટ વાસુદેવે, જેવું સંભાળ્યું કે, તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાન તેના શહેરમાં લોકોને દેશના આપવા આવ્યા છે, ત્યારે તેઓ એટલા આનંદિત થઈ ગયા કે, જે વ્યક્તિ આવા શુભ સમાચાર લઈને લાવી તેમને સાડા બાર કરોડ સોનાની મહોરો દાનમાં આપી. તેઓ તરત જ શ્રેયાંસનાથ ભગવાનના દર્શન કરવા દોટ મુકે છે અને તેમની દેશના સાંભળે છે. 

દેશના નિર્જરા પર

શ્રેયાંસનાથ સ્વામીએ ‘નિર્જરા’ ઉપર એક સુંદર દેશના આપી. નિર્જરા એટલે કર્મનો નિકાલ કરવો.

કર્મો, ચાર્જ અને ડિસ્ચાર્જ એમ બે પ્રકારના સ્ટેજમાં હોય છે. કર્મના ડિસ્ચાર્જ સ્ટેજને શાસ્ત્રોની ભાષામાં ‘નિર્જરા’ કહેવાય છે. કર્મો જ્યારે ડિસ્ચાર્જના સ્ટેજમાં હોય છે ત્યારે નીચે દર્શાવેલ બે રીતે નિકાલ થાય છે:

  • અકામ નિર્જરા
  • સકામ નિર્જરા

સકામ એટલે હેતુપૂર્વક અને અકામ એટલે કોઇ ચોક્કસ હેતુ વિનાની. અજ્ઞાનતામાં, હંમેશા અકામ નિર્જરા થયા કરતી હોય છે. જેનાથી કર્મો ચાર્જ થયા કરે છે. બીજી તરફ, સકામ નિર્જરા એટલે હેતુ સાથેની, અર્થાત કર્મો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે; નવા કર્મો બંધાતા કે ચાર્જ થતા નથી.

આત્મજ્ઞાની વ્યક્તિની સકામ નિર્જરા થાય છે, એનો અર્થ કે, જ્યારે તેમના કર્મો ડિસ્ચાર્જ થાય છે, ત્યારે નવા કર્મો ચાર્જ થતા નથી. એવું એટલા માટે બને છે કે, તેઓ ‘જોનાર’ અને ‘જાણનાર’ તરીકેની સ્થિતિમાં જાગૃત રહે છે. આ સ્થિતિમાં, આત્મજ્ઞાન અને અજ્ઞાનતા વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા હોય છે. તેઓ નિકાલ થતા કર્મોના ભોગવટામાં રહેતા નથી અને માટે, કર્મનો સંપૂર્ણપણે નિકાલ થાય છે; કર્મોના પરમાણુઓ પૂર્ણપણે ખરી પડે છે. માટે, જ્ઞાનીઓ પાસેથી નિર્જરાની સ્થિતિમાં કઈ રીતે રહી શકાય તે ખુબ જ અનિવાર્યપણે શીખવું જોઇએ.

દેશના વખતે, શ્રેયાંસનાથ ભગવાને તપ દ્વારા પણ કઈ રીતે સકામ નિર્જરા થઈ શકે તેના ઉપર ભાર મૂક્યો છે.

ભગવાને તપના બે પ્રકાર કહ્યા છે:

  • બાહ્ય તપ
  • અભ્યંતર તપ

બાહ્ય તપ અને અભ્યંતર તપ બંને છ પ્રકારે છે. ‘બાહ્ય તપ’ સ્થૂળમાં જે ક્રિયાઓ બને છે તે સૂચવે છે, જ્યારે ‘અભ્યંતર તપ’ એટલે આંતરિક, અને માટે, તેને આપણી બહારની ક્રિયાઓ સાથે કશો સંબંધ હોતો નથી.

બાહ્ય તપ

બાહ્ય તપના ૬ પ્રકારો આ મુજબ છે:

  • અનશન
  • ઉણોદરી
  • વૃતિ સંક્ષેપ
  • રસ ત્યાગ
  • કાયોત્સર્ગ
  • સંલીનતા

જૈન શાસ્ત્ર મુજબ હાલમાં વર્તમાન કાળચક્રના પંચમ આરામાં એટલે કે કળિયુગમાં છીએ, ત્યારે અનશન તપ, લોકોના મનમાં બધા બાહ્ય તપોમાંથી સૌથી વધુ મહત્વ ધરાવે છે. બાકી અન્ય પ્રકારના તપનું મહત્વ વર્તમાન યુગમાં રહ્યું નથી.

‘અનશન’ એટલે અન્નગ્રહણનો ત્યાગ કરવો અથવા ‘ઉપવાસ’ કરવો. કળિયુગમાં, જે દ્રશ્યમાન હોય છે તેને જ લોકો સમજી શકે છે; વ્યક્તિ મૂળ સુધી જઈ શકતો નથી. માત્ર કોઈ જ્ઞાનીપુરુષ જેવા વ્યક્તિ જ આ અવસ્થાના સુક્ષ્મતમ લેવલ સુધી લઈ જઇ શકે છે.

અનશન જોઇ શકાય છે. માટે, અન્યને તેવું કરતા જોઇને, વ્યક્તિ તેવું કરવાનું શીખી જાય છે. ઉપવાસ કરવો ખોટો નથી; જો કે, તપના અન્ય પાંચ પ્રકારો પણ છે, પરંતુ તે બધા ભૂલાઇ ગયા છે.

દાખલા તરીકે, ઉણોદરી સ્થૂળ તપનો પ્રકાર છે. જ્ઞાનીપુરૂષ મોટાભાગે આ તપ કરતાં હોય છે. શ્રીમદ રાજચંદ્ર અને પરમ પૂજ્ય દાદા ભગવાને આ તપના મહત્વ ઉપર ભાર મૂક્યો છે. જ્યારે બીજા, દ્રઢ નિશ્ચયવાળા લોકો, ૪ દિવસ કે ૮ દિવસ સુધી ઉપવાસ રાખી શકે છે અને તે પૂર્ણ કરે છે; જો કે, સમગ્ર જીવન દરમિયાન ઉણોદરી કરવી એ અઘરૂ છે.

ઉણોદરી એટલે ૫૦% જેટલું જ ખાવું; જેટલી ભૂખ હોય તેનાથી અડધું જ ખાવું. આદર્શ રીતે તો, ખોરાકની કુલ કેપેસિટિમાંથી ૫૦% ખોરાક માટે વાપરવી, ૨૫% પાણી માટે રાખવી અને ૨૫% હવા માટે. માટે, દરેક ભોજન દરમ્યાન, તે પછી નાસ્તો હોય, બપોરનું ભોજન હોય કે રાત્રિનું ભોજન હોય, વ્યક્તિએ માત્ર ૫૦% જેટલું જ ખાવું જોઇએ, ભલે તે ભાવતું હોય કે ના હોય.

સામાન્ય રીતે, જ્યારે કંઇ ભાવતું આવે છે, ત્યારે વ્યક્તિ ૧૫૦% જેટલું ખાઇ જાય છે. તેનાથી પેટ ખરાબ થાય છે અને અધ્યાત્મમાં આળસ આવે છે. માટે, જ્ઞાની હંમેશા ઉણોદરી તપ કરતા હોય છે. પરમ પૂજ્ય દાદા ભગવાને ક્યારેય તેમના જીવનમાં ઉપવાસ કર્યો નથી પરંતુ હંમેશા ઉણોદરી જ કરી છે.

અભ્યંતર તપ

બાહ્ય તપની સાથે, બાહ્ય શુધ્ધિકરણ થતું હોય છે, એટલે કે, શરીર અને મન શુધ્ધ થાય છે. જો કે, આ બધાથી આપણને આત્માનો અનુભવ થતો નથી. તે અભ્યંતર તપથી પ્રાપ્ત થાય છે. અભ્યંતર તપના ૬ પ્રકારો છે, જે આ મુજબ છે:

  • પ્રાયશ્ચિત
  • વૈયાવૃત્ય
  • સ્વાધ્યાય
  • વિનય
  • વ્યુત્સર્ગ
  • ધ્યાન

પ્રાયશ્ચિત એટલે, પોતે કરેલા પાપ ઉપર પસ્તાવો કરવો. વૈયાવૃત્ય એટલે સંતોની સેવા કરવી. સ્વાધ્યાય એટલે નિરંતર આત્માનું ધ્યાન કરવું. નમ્રતાનું પાલન કરવું એટલે વિનય, જ્યારે વ્યુત્સર્ગ એટલે શરીરના બધા પરિગ્રહોનો ત્યાગ કરવો અને ધ્યાન એટલે સ્થિર થવું. આ ધ્યાનના સમયે વ્યક્તિ સંપૂર્ણપણે આત્મામાં જ સ્થિર થાય છે, તેને શુક્લધ્યાન કહેવાય છે.

અભ્યંતર તપની સાથે, કર્મો સાચી રીતે પૂરા થાય છે. પ્રાયશ્ચિત કરવાથી, પાપો ધોવાય જાય છે. કોઇપણ પાપમાંથી મુક્ત થવા માટે, તરત જ પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત અને પ્રત્યાખ્યાન કરવું જરૂરી છે. તે માત્ર શબ્દોથી ન હોવું જોઇએ પરંત હ્રદયપૂર્વકનો પસ્તાવો હોવો જોઇએ, અંદર સમભાવ રાખીને. દાખલા તરીકે, જ્યારે કોઇ અપમાન કરે અથવા દુઃખદાયી વાણી બોલે છે, ત્યારે વ્યક્તિએ સમતામાં રહેવું જોઇએ. એક તરફ, તે વ્યક્તિની અંદર રહેલા શુદ્ધાત્મા (ભગવાન) ને જોવા; અને બીજી તરફ તે વ્યક્તિને નિર્દોષ જોવા.

વ્યક્તિ સાચી સમજણનો આધાર લઈને જ અપમાન કરનાર કે છેતરનારને નિર્દોષ જોઇ શકે, “અપમાન કે દગો જે આ વ્યક્તિ તરફથી મને મળે છે તે મારા જ કર્મનો હિસાબ છે જે અત્યારે પૂર્ણ થઈ રહ્યો છે, અને માટે સામી વ્યક્તિ નિર્દોષ છે. એક વખત કર્મ ફળ આપી દેશે પછી તે છૂટી જશે. પછી હું તે કર્મમાંથી કાયમ માટે મુક્ત થઇ જઇશ. માટે, હું આ વ્યક્તિનો ખૂબ જ આભારી છું જે મને મારા આ કર્મમાંથી છોડાવવામાં મદદ કરે છે.”

આ રીતે અભ્યંતર તપ દ્વારા, વ્યક્તિ બધા કર્મોમાંથી મુક્ત થઇ શકે છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને મોક્ષે જઈ શકે છે.

અભ્યંતર તપની કથા

શાસ્ત્રોમાં ઘણી ઉદાહરણરૂપ કથાઓ છે, જેમાંની એક પવિત્ર મુનિની કથા છે જેઓ કેટલાક બીજા મુનિ સાથે અને સહાધ્યાયીઓ સાથે રહેતા હતા. તેમના સિવાય બીજા બધા મુનિ જયારે ઉપવાસ કરે, ત્યારે તે પવિત્ર મુનિ કરી શકતા ન હતા, કારણ કે તેઓ ભૂખ્યા રહી શકતા ન હતા. માટે, બીજા સંતો તેમની બડાશ હાંકતા હાંકતા આ સંતની મજાક કરતા.

વ્યક્તિ ખૂબ ઉપવાસ કરે, ધર્મ કરે અથવા ક્રિયાકાંડ કરે તો તે ખૂબ જ અહંકારી થઈ જતી હોય છે. આ માત્ર અજ્ઞાનતા જ છે કારણ કે જે ભગવાનના માર્ગ ઉપર ચાલે છે તે નમ્ર હોવો જોઇએ, અને અહંકારી ન હોવો જોઇએ. જે બડાઇ મારે છે કે, “હું જ સાચો છું અને બીજા ખોટા છે; હું ઉત્તમ છું, જ્યારે બીજા નિમ્ન છે”, તે ખરેખર તો ધાર્મિક જ નથી. માટે, પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે બધા ધર્મો પોતપોતાના વ્યૂપોઇન્‍ટથી સાચા છે. બીજાના દોષ જોવા એ સૌથી મોટી ભૂલ છે, અને જ્યારે આવો કોઇ દોષ થઈ જાય, ત્યારે વ્યક્તિએ તેનો પસ્તાવો લેવો જોઇએ અને વહેલી તકે તે ધોઇ નાખવું જોઇએ.

abhyantar-tapa

પવિત્ર મુનિની કથા પર પાછા આવીએ તો, બીજા મુનિઓ, તેમની પર ભૂખ્યા ન રહી શકવાની નબળાઇ પર હસતા. તેઓ આવું એટલી હદ સુધી કરતા કે જ્યારે પવિત્ર મુનિ જયારે ભોજન કરવા બેસે ત્યારે તેઓ તેમની થાળીમાં થૂંકતા. જો કે, દરરોજ, પવિત્ર મુનિ, અત્યંત નમ્રતાથી, હ્રદય્પૂર્વક આ નબળાઇને સ્વીકારી લે છે અને બીજા મુનિઓની ભૂખ્યા રહી શકવાની ક્ષમતાની પ્રશંસા કરે છે. તેઓ સતત સમભાવમાં રહ્યા અને તેમનો બચેલો સમય આત્માના ધ્યાન કરવામાં પસાર કરતા, આમ, તેમના કર્મો એક પછી એક ક્ષીણ થતા ગયા. આ સર્વ તેમને કેવળજ્ઞાન તરફ દોરી ગયું અને તુર્ત જ તેમને મોક્ષ પ્રાપ્તિ થઈ. અભ્યંતર તપનું આવું ફળ આવે છે!

નિર્વાણ

ભગવાનની આવી જ્ઞાનસભર દેશના સાંભળીને, ઘણા લોકો દીક્ષા લેતા. થોડા સમયમાં, તેઓને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી અને મોક્ષે જતા.

શ્રેયાંસનાથ ભગવાન, તેમનો આયુષ્યકાળ પૂર્ણ કરીને, સમેત શિખરજી પર્વત ઉપર નિર્વાણ પ્રાપ્ત કરે છે. ઘણા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ તેમની સાથે નિર્વાણ પ્રાપ્ત કરે છે.

×
Share on