અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાન

શ્રી અરનાથ ભગવાન વર્તમાન કાળચક્રના અઢારમા અને સાતમા ચક્રવર્તી પણ હતા. શ્રી કુંથુનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની જેમ તેમને પણ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી એમ બે પદવીઓ પ્રાપ્ત થયેલ હતી. ભગવાનની કાયા કનકવર્ણી અને તેમનું દેહપ્રમાણ ૩૦ ધનુષનું હતું.

arnath bhagwan

ભગવાનનું લાંછન નંદાવર્ત છે. ષણ્મુખ યક્ષદેવ અને ધારિણી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.

શ્રી અરનાથ ભગવાન - પૂર્વભવો

શ્રી અરનાથ ભગવાનનો ત્રીજો ભવ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વત્સવિજયમાં આવેલી સુસીમા નગરીમાં ધનપતિ રાજા તરીકે હતો. રાજા ધનપતિ ભક્ત પરાયણ અને ધાર્મિક હતા. તેમનું રાજ્ય ખૂબ સરસ રીતે ચલાવતા હતા અને તેમની પ્રજા પણ તેમનાથી ખુશ હતી. ઘણા વર્ષોના શાસન બાદ તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ ભક્તિ-આરાધના કરતાં એમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું. રાજા તરીકેનું આયુષ્ય પૂરું થતાં તેમનો જન્મ દેવગતિમાં થયો.

arnath bhagwan

શ્રી અરનાથ ભગવાન - બાળપણ અને રાજપાઠ

દેવગતિમાંથી ચ્યવીને ભગવાન અરનાથનો જન્મ ભરતક્ષેત્રની હસ્તિનાપુર નગરીમાં સુદર્શન રાજા અને મહાદેવી માતાને ત્યાં થયો હતો. માતાને સપનામાં ચક્ર અને એના આરા જેવું દેખાયું હતું જેથી ભગવાનનું નામ અરનાથ રાખવામાં આવ્યું.

arnath bhagwan birth

ભગવાને પોતાના બાલ્યકાળમાં ઘણી બધી વિદ્યા શીખી. ત્યારબાદ યુવાન થતાં જ ભોગાવલી કર્મના ઉદયને કારણે એમના લગ્ન થયા. લગ્ન બાદ એમનો રાજ્યાભિષેક થયો. રાજ્ય ચલાવીને વિજય મેળવતાં અંતે આખી પૃથ્વી પર તેઓ વિજય પામ્યા. ચક્રવર્તી પદ પામીને અરનાથ ભગવાન છ ખંડના અધિપતિ થયા. ચક્રવર્તી તરીકેના લાંબા શાસનકાળ બાદ તેમને વૈરાગ્યની ભાવના જન્મી અને મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઝંખના શરૂ થતાં તેમણે દીક્ષા લઈને પોતાના સંજ્વલન કર્મો ખપાવ્યા. દીક્ષા લીધાના ત્રણ વર્ષ બાદ અરનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.

ત્રેસઠ શલાકા પુરુષના એક પદની પ્રાપ્તિ થવી એ બહુ જ ઊંચી પદવી ગણાય કારણ કે એમને મોક્ષનો સિક્કો વાગી ગયો કહેવાય. એમાં પણ તીર્થંકર સાથે ચક્રવર્તી પદ એટલે અરનાથ ભગવાનની પુણ્યૈ જબરજસ્ત કહેવાય. આવા મહાન પુરુષો પોતાનું પુણ્ય સંસાર માટે નહીં પરંતુ મોક્ષ માટે વાપરે છે.

દેશના - રાગ અને દ્વેષ પર વિજય

ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમોવસરણ રચ્યું અને પ્રભુએ એમાં બિરાજીને જગતના લોકોને સુંદર દેશના આપી. સમોવસરણમાં ભગવાન રાગ-દ્વેષ પર કેવી રીતે વિજય મેળવવો એ વિષે દેશના આપી.

arnath bhagwan

આ સંસારમાં ભટકવાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનને કારણે જીવ સંસારમાં બંધાય છે. અજ્ઞાન જાય તો રાગ અને દ્વેષ પણ જતા રહે છે; એ જ રીતે જો રાગ અને દ્વેષ સંપૂર્ણ જાય તો અજ્ઞાન પણ જતું રહે છે. કેટલાકને પહેલાં અજ્ઞાન જાય છે તો કેટલાકને પહેલાં રાગ અને દ્વેષ જાય છે. જેમનું પહેલાં અજ્ઞાન જાય છે તેમના રાગ અને દ્વેષ સરળતાથી નીકળી જાય છે અને એમનો મોક્ષમાર્ગ સરળ અને ટૂંકો થઈ જાય છે.

જ્ઞાનીઓની ભાષામાં રાગ જુદો પડે છે. આત્મભાવમાંથી આપણે દેહભાવમાં જઈએ તો એને રાગ કહેવાય છે. પહેલો રાગ પોતાના દેહ માટેનો હોય છે. દેહને “હું” મનાય છે ત્યારથી જ પોતાના જાત પ્રત્યેનો રાગ શરૂ થઈ જાય છે.

આપણને આપણી જાત પ્રત્યે કેટલો બધો રાગ હોય છે! એ જ રાગને કારણે પોતાની બાબત ખોટી છે કે પોતાની ભૂલ છે એવું જડતું નથી. દરેક બાબતમાં આપણે માનીએ છીએ કે, “હું સાચો છું. મારું કશું ખોટું નથી.” આપણી આસપાસના લોકોને ભલે આપણાથી મુશ્કેલી પડે તો પણ આપણને એવું લાગે કે આપણું બરાબર છે. પોતાના દેહ પ્રત્યે આપણને કેટલું બધું મમત્વ અને રાગ છે. પોતાના દેહને કંઈપણ થાય તો કેટલા આપણે બેચેન થઈ જઈએ છીએ; અજ્ઞાન દશામાં દેહનો રાગ આપણને ભોગવટો આપે છે. જે દેહાધ્યાસથી મુક્ત છે એને આ કશું જ અડે નહીં.

પોતાની જાત પ્રત્યેના રાગમાંથી આગળ વધીને માતા-પિતા, પત્ની અને ત્યારબાદ બાળકો પર બહુ ભારે રાગ હોય છે. બાળપણમાં જ્યાં સુધી પોતાની માતાનો હાથ પકડીને ચાલતાં હોઈએ, ત્યાં સુધી આપણને માતા પ્રત્યે એટલો લગાવ હોય છે કે એક ક્ષણ પણ પોતાની માતા વિના રહી શકતા નથી. જેમ જેમ આપણે મોટા થઈને કિશોરાવસ્થામાં આવીએ છીએ ત્યારે ગર્લફ્રેન્‍ડ કે બોયફ્રેન્‍ડ જેવા કુસંગમાં પડવાથી માતા-પિતા પ્રત્યેનો લગાવ ઘટી જાય છે. એમાં જો માતા-પિતા ગુસ્સાવાળા કે કડક સ્વભાવના હોય અને આપણને અંકુશમાં રાખતા હોય તો પછી આપણને એમના પણ પ્રત્યે અભાવ થઈ જાય છે. ઘરે રહેવાનું મન ન થાય અને પછી પરિણામે દ્વેષ થાય છે.

જો આપણા માતા-પિતા આપણને આપણી ઇચ્છા મુજબ ન વર્તવા દેતા હોય, તો તરત જ તેમના પ્રત્યે દ્વેષ થઈ જાય છે. રાગમાંથી દ્વેષ ઊભો થતાં જરા પણ વાર થતી નથી. આ સંસારમાં બંધનનું મૂળ કારણ રાગ છે. જેના પર આપણને રાગ હોય તેના પ્રત્યે અપેક્ષા જન્મે છે; જ્યારે અપેક્ષા પૂરી થતી નથી, ત્યારે ભયંકર ભોગવટો આવે છે અને તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય છે.

માતા-પિતાને પણ તેમના બાળકો પ્રત્યે ખૂબ જ રાગ હોય છે. પરંતુ જ્યારે તેઓ મોટા થાય છે અને સામું બોલે છે, ત્યારે માતા પિતાને તેમના બાળકો પ્રત્યે અત્યંત દ્વેષ ઉદ્ભવે છે.

શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે પણ અત્યંત રાગ હોય છે; જ્યારે અપેક્ષા પૂરી થાય ત્યારે મીઠું લાગે છે પરંતુ જ્યારે અપેક્ષા પૂરી થતી નથી ત્યારે કલેશ ઊભો થાય છે. જો ક્લેશ ઊભો થાય અને બન્ને થોડીવારમાં ભૂલી જાય તો તે સારું કહેવાય. પોતાના વાતની પકડ રાખીને અને સામાને માફ ન કરવાથી ઘણા પાપ કર્મો બંધાય છે. પછી પરિસ્થિતિ એવી પણ આવે કે પ્રેમલગ્ન છૂટાછેડામાં પરિણમી જાય! આના ઉપાયરૂપે બીજી જ ક્ષણે વ્યક્તિએ આ બધું ભૂલી જઈ પોતાના ખરાબ ભાવોને મૂળથી ઉખેડીને નોર્મલ થઈ જવું જોઈએ; પ્રતિક્રમણ કરીને પોતાના દોષોમાંથી મુક્ત થઈ જવું જોઈએ. જ્યારે પતિને તેની પત્નીના દોષો દેખાય અથવા પત્નીને તેના પતિના દોષો દેખાય, ત્યારે તરત જ સામી વ્યક્તિની અંદર રહેલા શુદ્ધાત્મા પાસે માફી માંગવી જોઈએ. આમ કરવાથી દોષો શુદ્ધ થઈ જાય છે. જો આ રીતે ન થાય તો આવતા ભવમાં વધુ તીવ્રતાથી એની સાથે હિસાબ બંધાય છે.

ધર્મની બાબતમાં પણ મારો ધર્મ સાચો બીજા બધા ખોટા એવું થાય છે. મારો સંપ્રદાય, મારું ટોળું, મારું બધું જ સાચું એ સિવાય બીજું બધું જ મિથ્યા એવું ન હોવું જોઈએ. ભગવાન કાયમ નિષ્પક્ષપાતી હોય છે. જે પક્ષાપક્ષીમાં પડે એને ભગવાન ના કહેવાય; એને સમકિતી પણ ના કહેવાય. અજ્ઞાની અને મિથ્યાત્વી મારા-તારામાં પડે. ભગવાનની દ્રષ્ટિમાં બધા પોતપોતાની દ્રષ્ટિએ સાચા છે. આપણે રાગ-દ્વેષથી પર થવાનું છે. કોઈ ગચ્છ-મતમાં પડવાનું નથી. આત્મા એકલો જ ગચ્છ-મત, વાડા-સંપ્રદાય વિનાનો સાચો છે; માટે આત્મસ્વરૂપ થવાનું છે. આત્મસ્વરૂપ થવાથી જ રાગ-દ્વેષમાંથી મુક્ત થઈ શકીશું. જ્યારે સમકિત થાય ત્યારે રાગ-દ્વેષમાંથી મુક્ત થવાય; ત્યારબાદ, વીતરાગતા આવે છે. તમામ તીર્થંકરો સંપૂર્ણ વીતરાગ થયા અને મોક્ષ પામ્યા.

નિર્વાણ

અરનાથ ભગવાનને ૩૩ ગણધરો હતા. આયુષ્યકાળ પૂરો થતાં અરનાથ ભગવાન સમેત શિખરજી પર્વત પરથી મોક્ષ પામ્યા. આપણે પણ એવી ભાવના કરીએ કે તીર્થંકર ભગવાન જે મોક્ષ પદને પામ્યા એ મારો પણ એ જ ધ્યેય છે; એકમેવ ધ્યેય છે; બીજો કોઈ ધ્યેય નથી.

×
Share on