સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન: જીવનચરિત્ર

શ્રી શાંતિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી હતા. શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાનની જેમ તેમને પણ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી એમ બે પદવીઓ પ્રાપ્ત થયેલ હતી.

શ્રી શાંતિનાથ ભગવાનનું લાંછન મૃગ છે. ભગવાનની કાયા કનકવર્ણી અને તેમનું દેહપ્રમાણ ૪૦ ધનુષનું હતું. ગરૂડ યક્ષદેવ અને નિર્વાણી યક્ષિણીદેવી એમના શાસન દેવ-દેવી છે.

શાંતિનાથ ભગવાનના બાર ભવો થયા હતા. એમના તીર્થંકર થયાં પૂર્વેના ભવોની ઝાંખીઓ વાંચીએ:

  • શ્રી શાંતિનાથ ભગવાનનો પ્રથમ ભવ રાજા શ્રીષેણનો હતો. રાજા શ્રીષેણે પોતાના પુત્રોના આંતરિક યુદ્ધ અને સંસારની મોહમાયાથી આઘાત પામીને આત્મહત્યા કરી હતી. રાજા શ્રીષેણની સાથે એમના પત્ની રાણી અભિનંદિતાએ પણ આત્મહત્યા કરી. રાજા-રાણીએ આવતા અગિયાર ભવો સુધી એકબીજા સાથે અલગ-અલગ સંબંધોમાં આવી એકસાથે જ જન્મ લેતા હતા.
  • ભક્તિમય અને ધાર્મિક જીવન જીવવાને કારણે આત્મહત્યા કરવા છતાં પણ બંનેની ગતિ બગડી નહીં. રાજા શ્રીષેણ અને રાણી અભિનંદિતાનો બીજો ભવ યુગલિક અને ત્રીજો ભવ દેવગતિમાં થયો. ત્યાં એમણે લાંબા કાળ સુધી એકસાથે આયુષ્ય પસાર કયું.
  • પછી ચોથા ભવમાં શ્રીષેણ રાજાનો જીવ અમિતતેજ વિદ્યાધર તરીકે અને અભિનંદિતા રાણીનો જીવ શ્રીવિજય રાજકુંવર (ત્રિપૃષ્ઠ વાસુદેવના પુત્ર) તરીકે થયો. રાજકુંવર શ્રીવિજયે પણ એમના પિતા ત્રિપૃષ્ઠ વાસુદેવની જેમ જ અત્યંત શક્તિશાળી અને વાસુદેવપણું પ્રગટ થાય એવું નિયાણું બાંધ્યું હતું.

આવી રીતે સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાનનો જીવ એટલે કે રાજા શ્રીષેણ અને ચોવીસમા તીર્થકર મહાવીર ભગવાનનો જીવ એટલે કે ત્રિપૃષ્ઠ વાસુદેવ - બંનેનો પોતાના પૂર્વભવમાં એકબીજા સાથે ભેટો થયો હતો. આ કર્મની ગતિની કેવી બધી ન્યારી ગૂંથણીઓ હોય છે. પ્રત્યક્ષમાં કોઈ તીર્થંકરો ક્યારેય એકસાથે ભેગા ન થાય પણ આ રીતે પૂર્વભવોમાં એકબીજાને ક્યાંકને ક્યાંક રીતે ભેગા થઈ જતા હોય છે.

  • શ્રીષેણ રાજા અને અભિનંદિતા રાણીનો પાંચમો ભવ દેવગતિમાં થયો.
  • ત્યારબાદ છઠ્ઠા ભવમાં પૂર્વમાં ઋણાનુબંધને કારણે શ્રીષેણ રાજાનો જીવ અપરાજિત બળદેવ અને અભિનંદિતા રાણીએ એમણે બાંધેલા નિયાણા પ્રમાણે અનંતવીર્ય વાસુદેવ તરીકે જન્મ લીધો.
  • સાતમા ભવે શ્રીષેણ રાજા દેવગતિમાં જન્મ્યા.
  • ત્યારબાદ શ્રીષેણ રાજાનો આઠમો ભવ વજ્રાયુધનો અને અભિનંદિતા રાણીના જીવે એમના પુત્ર સહસ્ત્રાયુધ તરીકે જન્મ લીધો.
  • નવમા ભવે રાજા શ્રીષેણ દેવગતિ પામ્યા. ત્યારબાદ એમનો દસમો ભવ રાજા મેઘરથ અને અગિયારમા ભવે તેઓ ફરી દેવગતિ પામ્યા.
  • બારમા ભવે રાજા શ્રીષેણના જીવે તીર્થંકર ભગવાન શ્રી શાંતિનાથ અને રાણી અભિનંદિતાના જીવે એમના પુત્ર ચક્રાયુધ રૂપે જન્મ લીધો હતો.

આ પ્રમાણે ઋણાનુબંધના લીધે રાજા શ્રીષેણ અને રાણી અભિનંદિતાના જીવે બાર ભવો એકબીજા સાથે અલગ-અલગ સંબંધોમાં આવી પોતાના કર્મના હિસાબો પૂર્ણ કર્યા.

મેઘરથ રાજાની જીવદયા

શ્રી શાંતિનાથ ભગવાનનો દસમો ભવ મેઘરથ રાજાનો હતો. ભગવાનના આ ભવમાં આખા જગતને આફરીન કરી નાખે એવો બહુ જ સરસ પ્રસંગ બન્યો હતો.

એક વખત દેવલોકમાં મેઘરથ રાજાના જીવદયાના ગુણો સંબંધી થતી પ્રશંસાથી એક દેવને અત્યંત ઈર્ષ્યા થઈ અને એમણે પછી મેઘરથ રાજાની કસોટી લેવાનું નક્કી કર્યું. કબૂતર અને બાજ પક્ષીના માધ્યમથી માયાવી રૂપ ધારણ કરીને એ દેવે મેઘરથ રાજાની ખૂબ અઘરી એવી કસોટી લીધી. દયા ગુણની સાથે પોતે ક્ષત્રિય હોવાથી એમની શરણે આવેલા કબૂતરને તેઓ અભયદાન આપવા ઈચ્છતા હતા. એમણે બાજ પક્ષીની માંગ પૂરી કરવા પોતાની જાતને સંકટમાં રાખીને અને પોતાના શરીરના માંસનો ભોગ આપીને કબૂતરને જીવનદાન આપ્યું.

આખરે, મેઘરથ રાજા એક ભાવિ તીર્થંકરના હોવાને કારણે દેવની કસોટીમાંથી તેઓ ખરી રીતે પાર ઉતર્યા. અંતે તે દેવને પણ પચાત્તાપ થયો અને એણે મેઘરથ રાજાની માફી માંગી. એક તીર્થંકર અને જ્ઞાનીઓ સિવાય આવા પ્રકારની કસોટીમાંથી પસાર થવાનું બીજા કોઈનું ગજું નથી હોતું. સામાન્ય મનુષ્યનું આ કામ નથી. મેઘરથ રાજાની જીવદયાનું જબરજસ્ત ઉદાહરણ આપણી સામે છે. શાસ્ત્રોમાં જીવદયા માટે તીર્થંકરો, આચાર્યો અને જ્ઞાનીઓએ બહુ મહત્ત્વ આપ્યું છે.

જીવદયા માટેની મેઘરથ રાજાની જે જબરજસ્ત પરિણતી હતી એ ઇતિહાસમાં એક મોટી નોંધ લેવા જેવી વાત બની ગઈ હતી. આ કળિયુગમાં એમના એક અંશ જેટલી પણ જીવદયા આવે તો પણ ઘણું થઈ ગયું. મેઘરથ રાજા તો તીર્થંકર શાંતિનાથ ભગવાનનો પૂર્વભવ હતો, એમની પાસે તો જબરજસ્ત શક્તિ હતી. અંદર કેટલો બધો અહિંસા ભાવ અને કેટલી બધી કરુણા હતી જીવો માટે તેના આધારે આવું પરિણામ આવીને ઊભું રહ્યું.

મેઘરથ રાજા તરીકેનો તીર્થંકર શાંતિનાથ ભગવાનનો જે દસમો ભવ હતો એના પરથી આપણે પણ બોધ લઈએ અને એમના જેવા થવાનો પ્રયત્ન કરીએ.

દેવ દ્વારા થયેલા કબૂતરના પ્રસંગ પછી મેઘરથ રાજાને જબરજસ્ત વૈરાગ આવ્યો. તેઓ રાજા હોવા છતાં પણ આ સંસારમાં એમને મિથ્યા લાગ્યો. પોતાનું જીવન એમને ક્ષણભંગુર લાગ્યું. આત્મા પ્રાપ્ત થાય તો જ છૂટકારો થાય એવી પ્રતીતિ એમને થઈ. આત્મા પ્રાપ્ત કરવાના ભાવથી પોતે રાજપાટ છોડીને દીક્ષા લીધી. એમણે ખૂબ ભક્તિ-આરાધના કરીને એ જ ભવમાં તીર્થંકર નામગોત્ર બાંધ્યું. એમનો અગિયારમો ભવ દેવગતિમાં થયો.

શ્રી શાંતિનાથ ભગવાનનું અવતરણ

દેવગતિનું લાંબું આયુષ્ય પૂરું કર્યા પછી શ્રી શાંતિનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રમાં તીર્થંકર તરીકે થયો. એ સમયે શાંતિનાથ ભગવાનના જન્મ પહેલા રાજ્યમાં રોગચાળાનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો પરંતુ માતાના ગર્ભમાં ભગવાનનું ચ્યવન થતાં જ આખો ઉપદ્રવ શાંત થઈ ગયો એ પરથી ભગવાનનું નામ ‘શાંતિનાથ’ રાખ્યું. યુવાન વયે એમણે ચક્રવર્તી તરીકેનું પોતાનું કર્મ પૂરું કરીને દીક્ષા લીધી અને પછી કેવળજ્ઞાન થયા બાદ એમણે ઇન્દ્રિયો ઉપર વિજય સંબંધી દેશના આપી. પ્રત્યક્ષ તીર્થંકર અને જ્ઞાનીના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી શકાય એમ છે. દેશનામાં વીતરાગ ભગવાનની સ્યાદ્‌વાદ વાણીના પ્રભાવથી હજારો મુમુક્ષુઓએ મોક્ષમાર્ગે પ્રયાણ કર્યું.

હવે, પછીના ભાગમાં આપણે શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વભવો વિશે વાંચીશું.

×
Share on