પદ્મપ્રભ / પદ્મપ્રભુ સ્વામી કથાઓ: તેમનો પૂર્વ ભવ અને અંતિમ ભવોની કથાઓ

ભગવાન પદ્મપ્રભ, જે પદ્મપ્રભુ સ્વામી તરીકે પણ ઓળખાય છે, તેઓ વર્તમાન કાળચક્રના છઠ્ઠા તીર્થંકર છે. તેમનો જન્મ કૌશંબી નગરીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજા શ્રીધર હતું અને માતાનું નામ રાણી સુષિમા હતું. તેમનું દેહપ્રમાણ ૨૫૦ ધનુષનું હતું.

કુસુમ તેમના યક્ષ દેવ અને અચ્યુતા તેમના યક્ષિણિ દેવી પદ્મપ્રભ ભગવાનના શાસન દેવ-દેવી છે. તેમનું લાંછન કમળ છે. ચાલો, હવે ભગવાનના તીર્થંકર તરીકેના જન્મ અને તેમના છેલ્લા બે પૂર્વભવોની જીવન કથાઓ વાંચીએ.

Padmaprabhu

ત્રીજો છેલ્લો જન્મ રાજા અપરાજિત અને બીજો છેલ્લો જન્મ સ્વર્ગમાં

ભગવાન પદ્મપ્રભનો બીજો અંતિમ ભવ, મહારાજા અપરાજિત જે ઘાતકીખંડમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રના વત્સ વિજયમાં આવેલ સુસિમા નગરીના રાજા તરીકેનો હતો. અપરાજિત એટલે તેઓ કોઇથી પરાજિત થયા ન હતા. છતાં પણ, તેઓ સાદું જીવન જીવતા અને ધાર્મિક વ્યક્તિ હતા. લોકો રાજાને જોવા માત્રથી ધર્મ શીખતા હતા. તેઓ ક્યારેય કોઇ પર ક્રોધિત થતા ન હતા. રાજા શીલવાન હતા અને હંમેશા સત્યની જ તરફેણ કરતા હતા. તેમને પૈસાનો, સત્તાનો અથવા કોઇ પણ ભૌતિક વસ્તુઓનો જરા પણ મોહ ન હતો. તેઓ જરા પણ આસક્તિ ધરાવતા ન હતા. સંપૂર્ણપણે અનાસક્ત હતા.

ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યા પછી, એક વખત અપરાજિત રાજાએ તીર્થંકરની ભગવંતની દેશના સાંભળી. તે સાંભળતા જ, તેમને સંસાર તરફ વૈરાગ્યની લાગણી ઉત્પન્ન થઈ અને દીક્ષા લેવાનું નક્કી કર્યું. પછી, તેમણે ખૂબ ભક્તિભાવ પૂર્વક આધ્યાત્મિક ક્રિયાઓ કરી અને પરિણામે તેમને તીર્થંકર-નામ-ગોત્ર-કર્મ બંધાયું.

પછીના ભવમાં, ભગવાનનો જન્મ નવમાં દેવલોકમાં થયો.

છેલ્લો જન્મ તીર્થંકર ભગવાન પદ્મપ્રભ સ્વામી તરીકે

નવમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ, ભગવાન પદ્મપ્રભે કૌશામ્બી નગરીના રાજા શ્રીધર અને રાણી સુસિમાને ત્યાં જન્મ લીધો. જ્યારે ભગવાન ગર્ભમાં હતા, ત્યારે રાણી સુસિમાને પદ્મશૈયામાં સૂવાની ઇચ્છા થઈ હતી. વધારામાં, નવજાત શિશુનો ચહેરો પણ કમળના ફૂલની જેમ ગુલાબી અને ચળકાટ ધરાવતો હતો. આમ, તેમનું નામ પદ્મપ્રભ રાખવામાં આવ્યું અને તેમનું લાંછન કમળનું થયું.

ભગવાનને જન્મસહીત જગત કલ્યાણની ભાવના હતી અને જન્મથી જ તેઓ ત્રણ પ્રકારના આધ્યાત્મિક જ્ઞાન જેમ કે, શ્રુત, મતિ અને અવધિજ્ઞાન સહીત હતા.

સમય જતાં, તેઓ યુવાન થયા. માતાપિતાએ તેમના લગ્ન કરાવ્યા અને પછી રાજા તરીકેની જવાબદારી સોંપી તેમનો રાજ્યાભિષેક કર્યો. ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યા બાદ તેમણે દીક્ષા લીધી, અને છ મહિના પછી, તેમને કેવળજ્ઞાન થયું.

ભગવાનની પહેલી દેશના વખતે  દેવોએ સમોવસરણ રચ્યું. એ દેશનામાં ભગવાને ચાર ગતિમાં જીવોને કેવા દુ:ખો અને ભોગવટામાંથી પસાર થવું પડે છે તેનું વર્ણન કર્યું. જે સાંભળીને, વ્યક્તિને વૈરાગ્ય જાગૃત થાય અને ધીમે ધીમે આ ગતિઓમાંથી છુટકારો મેળવી મોક્ષે જવાના ભાવ થાય.

ચાર ગતિઓ આ પ્રમાણે છે:

  • તિર્યંચ ગતિ (જાનવર ગતિ)
  • મનુષ્ય ગતિ
  • દેવ ગતિ
  • નર્ક ગતિ

આપણું બ્રહ્માંડ, મનુષ્ય બે પગ પહોળા રાખી અને કમર ઉપર હાથ રાખી ઊભું હોય તેવી રીતનું છે, તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે:

  • ઉર્ધ્વ લોક, દેવલોક તરીકે છે
  • મધ્યલોક, મનુષ્યો અને તિર્યંચ (પ્રાણીઓથી) ભરેલું છે
  • અધોલોક, નર્ક ગતિ તરીકે છે

આમ, આપણે આ બ્રહ્માંડના મધ્યલોકમાં રહીએ છીએ.

તિર્યંચ ગતિના દુ:ખો:

tiryanch gati

તિર્યંચ ગતિમાં મનુષ્યો સિવાયના જીવો હોય છે, તેમાં એક ઇંદ્રિયથી લઈને પાંચ ઇન્દ્રિયો સુધીના જીવોનો સમાવેશ થાય છે. એક ઇંદ્રિય જીવમાં વૃક્ષોનો સમાવેશ થાય છે જેમની પાસે માત્ર એક જ ઇંદ્રિય હોય છે, જે સ્પર્શેંદ્રિય છે. આમ આ જીવો ઘણા દુ:ખોમાંથી પસાર થાય છે. તેઓ અત્યંત તાપ, ભારે વરસાદ અને કાતિલ ઠંડીના કઠોર દુ:ખો ભોગવે છે પરંતુ દુ:ખને વ્યક્ત કરી શકતા નથી. આમ, તેઓ આંતરિક રીતે ખૂબ ભોગવટામાં રહે છે અને કોઇને કશું કહી શકતા નથી. 

કુદરતી રીતે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં, આ જીવો ધીમે ધીમે બે ઇંદ્રિયોવાળા બને છે. પછી ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને અંતે પાંચ ઇંદ્રિયોવાળા જીવ તરીકે વિકાસ પામે છે. અનંત જન્મો સુધી જીવોનું ભ્રમણ આવી રીતે ચાલ્યા કરે છે.

જળચર જીવો જેવા કે માછલીઓ ઈત્યાદિ પાંચ ઇંદ્રિયોવાળા જીવો ખૂબ જ ભોગવટાનો અનુભવ કરે છે. તેઓ બોલી શકતા નથી. જ્યારે ભૂખ્યા કે તરસ્યા થાય, ત્યારે તેઓ કોને કહી શકે? સતત દિન રાત તેઓ સતત ખોરાકની શોધમાં જ રહે છે અને શિકારીઓથી દુર ભાગતા ફરે છે. આના કારણે તેઓ નિરંતર ભયમાં જ રહેતા હોય છે.

મનુષ્ય ગતિના દુ:ખો:

manushya gati

અંતે, પાંચ ઇંદ્રિયોવાળા પ્રાણીઓ સંપૂર્ણપણે વિકસિત થઈને મનુષ્ય ગતિમાં આવે છે. મનુષ્ય ગતિમાં મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર, તેમજ ક્રોધ, માન, માયા અને લોભ ખૂબ જ વિકસિત થયેલા હોય છે; બીજી ગતિઓમાં, તે નિષ્ક્રિય અથવા અલ્પ-વિકસિત હોય છે
આવું શા માટે? કારણ કે કર્તાપણાની ભાવના ફક્ત મનુષ્ય ગતિમાં જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ગતિમાં, જીવ અનુભવે છે કે, “હું જ કર્તા છું; હું જ કરી રહ્યો છું.” આ ખોટી માન્યતાને લીધે, જીવ કર્મો બાંધે છે અને ખૂબ દુ:ખો ભોગવે છે. જ્યારે જૂના કર્મો ફળ આપતા હોય છે, ત્યારે સાથે સાથે જ જીવ નવા કર્મો બાંધે છે. આમ, જન્મ અને મરણના આ વિષચક્રમાંની પીડાઓ ભોગવ્યા જ કરે છે. વધારામાં, માતાના ગર્ભમાં નવ મહિના દરમ્યાન, જીવ અત્યંત દુ:ખ અને પીડા ભોગવે છે. માતાના ગર્ભમાં જીવને જે વેદના ભોગવવી પડે છે તેનું ભગવાન વર્ણન દેશનામાં કરે છે. 

તેથી, તીર્થંકર ભગવાને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. જો જીવ આ જન્મ અને મરણના દુષ્ચક્રમાંથી છૂટવું હોય, તો પાંચમી ગતિ મોક્ષે જવું, આ એક જ રસ્તો બાકી રહે છે. જ્યાં સુધી જીવ મોક્ષે જતો નથી, ત્યાં સુધી આ ચક્ર ચાલ્યા જ કરે છે. આખી ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન, જીવ ૮૪ લાખ પ્રકારની યોનિઓમાંથી જેવી કે જીવાણુઓ, ઝાડ, જંતુઓ, માખીઓ, પ્રાણીઓ, અને ત્યારપછી, અસંખ્ય અવતારોમાંથી પસાર થયા પછી, જીવ મનુષ્ય તરીકેનો જન્મ પ્રાપ્ત કરે છે. માટે, મનુષ્ય જીવન એ ખૂબ જ અમૂલ્ય છે.

આ મનુષ્ય ગતિની કિંમત અમૂલ્ય છે, કારણ કે માત્ર એક આ ગતિમાં જ જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે; જ્ઞાની પુરૂષને મળી શકે છે; અને પોતાની જાતનું, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. માત્ર મનુષ્ય જ છે કે, જે જ્ઞાની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. માટે, દેવો પણ મનુષ્ય ગતિને ઝંખે છે.

આપણને આ અમુલ્ય મનુષ્ય ગતિ મળી છે. માટે, હવે તેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો આપણા પુરૂષાર્થ ઉપર આધાર રાખે છે. જેમ જેમ આપણે આની ખરી કિંમત સમજીશું તેમ તેમ આપમેળે એ દિશા તરફ દોરી જઇશું.

દેવગતિના દુ:ખો

dev gati

બ્રહ્માંડના ઉર્ધ્વભાગમાં, દેવલોક આવે છે, જ્યાં બાહ્યમાં, અત્યંત ભૌતિક સુખો, વૈભવ અને અપાર આનંદ છે; ઇચ્છા કરતાં જ બધું હાજર થઈ જાય. પરંતુ આંતરિક રીતે,  તેઓ પણ ઇર્ષા, હિંસા, દ્વેષ, લોભ, માન અને સ્પર્ધાની લાગણીઓથી દુઃખી છે. વધુમાં, જયારે દેવગતિનાં છ મહિના જ બાકી રહે ત્યારે દેવોને પોતાના અવધિજ્ઞાન દ્વારા ખ્યાલ આવે છે કે હવે તેમને નીચી ગતિમાં જન્મ લેવો પડશે. આ કારણથી તેઓ ખૂબ દુઃખી થાય છે.

નર્ક ગતિના દુ:ખો

Narak gati

નર્ક ગતિ, જ્યાં એટલું ભયંકર દુઃખ છે કે, તેનું શબ્દોમાં વર્ણન થઇ શકે તેમ નથી. આ નર્કગતિમાં, અમુક નર્ક અત્યંત શીત તો અમુક પ્રકારની નર્ક અત્યંત ઉષ્ણ હોય છે, જેની કલ્પના પણ થઈ શકતી નથી. આ નરક ગતિના જીવોને અત્યંત દુ:ખ પહોંચાડે છે.

નર્ક ગતિના જીવોનું શરીર પારા જેવું હોય છે. પારાની જેમ જ્યારે તેને કાપવામાં આવે છે ત્યારે તે પાછું જોડાય છે, નર્કમાં એવા પ્રકારનું શરીર હોય છે કે જેના ટુકડા કર્યા છતાંય તે શરીર પાછું એની મેળે જોડાય છે. નર્કની પીડાઓમાંથી કોઇ પણ એમ છટકી શકતું નથી; અત્યંત પીડાઓ સાથે નર્કનું આયુષ્ય સમાપ્ત કરવું ફરજિયાત બની જાય છે. આ આયુષ્યકાળ અત્યંત, અત્યંત લાંબો હોય છે; ત્યાં સુધી ગમે તે થાય પણ મૃત્યુ પણ આવતું નથી. શાસ્ત્રોમાં નર્કગતિના ખૂબ જ ભયંકર વર્ણન થયેલ છે. જેઓ દારૂનું સેવન કરતાં હોય, પરસ્ત્રીગમન કર્યું હોય, અત્યંત વ્યભિચારી હોય એવા અત્યંત ઘોર પાપો કરેલા હોય તેવા જીવોનો નર્કગતિમાં જન્મ થાય છે. 

આમ, બધે જ દુ:ખ અને ભોગવટાઓ છે. તેની પાછળનું મુખ્ય કારણ સમજણનો અભાવ છે. ભ્રાંતિના કારણે દુ:ખ ઉત્પન્ન થાય છે. આપણી સમજણ છે કે, “હું ભોગવી રહ્યો છું.” જ્યારે ખરેખર તો, તે બધું તો શરીરને થઈ રહ્યું હોય છે. માટે, ‘હું ભોગવું છું’ એ માન્યતા ભ્રામક છે. જે આપણે નથી તેને આપણે પોતે છીએ તેવું માનીએ છીએ, તેને ભ્રાંતિ કહેવાય છે. જ્યારે આ ભ્રાંતિ દૂર થાય છે, ત્યારે આપણને અનુભવાય છે કે “હું શરીર નથી; હું શુદ્ધાત્મા છું.” આત્માનો આવો અનુભવ એ, એક દુર્લભ એવો શાશ્વત આનંદનો અનુભવ હોય છે. જો કે, આ પ્રકારનો અનુભવ, જ્યારે જીવ મનુષ્ય ગતિમાં અને એ પણ જ્ઞાનીપુરૂષનું સાનિધ્ય મળે ત્યારે પ્રાપ્ત થાય છે.

અનંત જન્મોથી, આપણે ચાર ગતિમાં ભટકીયે છીએ, જન્મ-મરણના આ દુષ્ચક્રમાં ફસાઈને અત્યંત પીડા અને દુ:ખ ભોગવી રહ્યા છીએ. જો કે, તેનો ક્યાંય અંત દેખાતો નથી. હવે જ્યારે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, ત્યારે આપણે એ સમજવાની જરૂર છે કે આ બધામાં મનુષ્ય ગતિની કેટલી બધી કિંમત છે. કારણ કે, અહીંથી જ આપણને મોક્ષ માટેની સારી તક પ્રાપ્ત થઇ શકે તેમ છે.

આમ, શ્રી પદ્મપ્રભુ સ્વામીએ એમની દેશનામાં ચાર ગતિમાં ભટકવાના દુ:ખોનું સુંદર વર્ણન કર્યું. તેમની દેશના સાંભળીને, ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી અને મોક્ષનો માર્ગ પકડ્યો. તેમને ૧૦૭ ગણધરો હતા. ભગવાનના સંઘમાં ૩,૩૦,૦૦૦ સાધુઓ, ૪,૨૦,૦૦૦ સાધ્વીઓ, ૧૨,૦૦૦ કેવળજ્ઞાનીઓ, ૨,૭૬,૦૦૦ શ્રાવકો, અને ૫,૦૫,૦૦૦ શ્રાવિકાઓ હતા.

ઘણા સમય સુધી મોક્ષમાર્ગી આધ્યાત્મિક વિજ્ઞાન સંબંધી દેશના આપીને, પદ્મપ્રભુ સ્વામીએ અલગ અલગ સ્થળે વિહાર કર્યો અને લોકો માટે મોક્ષમાર્ગ ખોલ્યો. અંતે, ભગવાને સમ્મેદ શિખરજી પર્વત પર પરથી નિર્વાણ પ્રાપ્ત કર્યું.

તીર્થંકર પદ્મપ્રભુ ભગવાનને આપણા કોટિ કોટિ વંદન!!!

×
Share on
Copy