વાસુપૂજ્ય ભગવાનની કથાઓ: તેમના પૂર્વભવો અને અંતિમ ભવ તીર્થંકર તરીકે

વાસુપૂજ્ય ભગવાન વર્તમાન કાળચક્ર્ના બારમાં તીર્થંકર છે. તેમનો જન્મ ભરતક્ષેત્રની ચંપાપુરી નગરીમાં અને તેમનું લાંછન બેઠેલી મુદ્રામાં મહિષનું હતું. તેમનું દેહપ્રમાણ ૭૦ ધનુષનું હતું. ભગવાનના સંઘમાં ૬૬ ગણધરો હતા. કુમાર યક્ષદેવ  અને ચંદ્રા યક્ષિણિદેવી  તેમના શાસન દેવ-દેવી હતા.

vasupujya swami

ચાલો હવે ભગવાનના તીર્થંકર તરીકેના જન્મ પહેલાના બે પૂર્વભવોની કથાઓ વાંચીએ. અંતમાં, આપણે તેમના તીર્થંકર તરીકેના અંતિમ ભવની કથા પણ જોઇશું. વાસુપૂજ્ય ભગવાને તેમની દેશનામાં – ખરો ધર્મ કોને કહેવાય, એ વિષે સુંદર ફોડ પાડ્યા હતાં.

તેમનો ત્રીજો અંતિમ ભવ રાજા પદ્મોત્તર તરીકે અને બીજો અંતિમ ભવ દેવલોકમાં

તીર્થંકર થયા પૂર્વે, વાસુપૂજ્ય સ્વામીનો ત્રીજો અંતિમ ભવ, પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં, મંગલાવતી વિજયમાં આવેલ રત્નસંચય શહેરમાં, રાજા પદ્મોત્તર તરીકે થયો.

રાજા પદ્મોત્તર ખૂબ સુંદર રીતે રાજ્ય કરતાં હતા. યોગ્ય સમયે, તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું. દીક્ષા લીધા બાદ, ખુબ જ ભક્તિ-આરાધના કરીને તેમણે તીર્થંકર-નામ-અને-ગોત્ર-કર્મ બાંધ્યું.

vasupujya swami

ઘણા વર્ષો સુધીનું તેમનું આયુષ્યકાળ પૂર્ણ કરીને, પછીના ભવમાં, દસમાં દેવલોકમાં દેવ તરીકે જન્મે છે. ત્યારપછીના ભવમાં, તેઓ ભરતક્ષેત્રમાં બારમાં તીર્થંકર તરીકે જન્મે છે.

અંતિમ ભવ તીર્થકર વાસુપૂજ્ય ભગવાન તરીકે

ભરતક્ષેત્રમાં આવેલ ભારત દેશની ચંપાનગરીમાં ભગવાન, રાજા વસુપૂજ્ય અને રાણી જયાને ત્યાં પુત્ર તરીકે જન્મ લે છે.

ભગવાનનું બાળપણ ખૂબ સરસ રીતે પસાર થાય છે. જ્યારે તેઓ યુવાન થયા, ત્યારે માતા પિતાએ તેમને લગ્ન માટે વિનંતિ કરી. માતા-પિતાએ સમાચાર આપ્યા કે, વિશ્વભરના નામાંકિત અને પ્રતિષ્ઠિત રાજવી કુટુંબો તરફથી તેમને લગ્ન માટેના પ્રસ્તાવ આવી રહ્યા છે; અગર જો ભગવાન આ બાબત પર સંમતિ આપે, તો માતા-પિતા તેમના લગ્ન કરાવીને આખું રાજ્ય પોતાના પુત્રને સોંપી શકે. આમ તેમના માતા-પિતાએ દીક્ષા ગ્રહણ કરીને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની તેમની ભાવના ભગવાન તરફ દર્શાવી.

જો કે, ભગવાન વાસુપૂજ્ય લગ્ન માટે સંમત ન થયા. છતાં પણ, માતાપિતાએ તેમને સમજાવ્યું કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનના પણ લગ્ન થયા હતાં અને એમને પણ બે રાણીઓ હતી. તેમને સમજાવ્યું કે, બધા જ તીર્થંકરોએ  પણ લગ્ન કર્યા હતા. સાથે સાથે, ઊમેરીને એમ પણ પૂછ્યું કે, શું તેમને લગ્ન કરીને સુખ ભોગવવાની ઈચ્છા નથી? વૃદ્ધાવસ્થાને નજીક હોવાથી, માતા-પિતાએ ભગવાનને લગ્ન માટે આજીજી કરીને રાજગાદી સંભાળવા વિનંતી કરી, જેથી કરીને તેઓ પોતાના આત્મકલ્યાણ અને મોક્ષઅર્થે આગળ પ્રયાણ કરીને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે.

જરા પણ ચલિત થયા વિના, વાસુપૂજ્ય ભગવાને તેમનો નિર્ણય ન બદલ્યો. તેમણે સમજાવ્યું કે, “ક્યા જન્મમાં મેં લગ્ન નહોતા કર્યા? ક્યા જન્મમાં મેં બધા સુખ નહોતા ભોગવ્યા? કઈ ગતિ મેં નહોતી ભોગવી? એક ઇન્દ્રિય જીવથી માંડીને પાંચ ઇન્દ્રિય મનુષ્ય સુધીની તમામ ગતિઓમાં, મેં ઘણા જન્મો લીધા. અસંખ્ય વખત, હું મનુષ્ય થયો; હું જનમ્યો, લગ્ન થયા, બાળકો થયા! આ બધામાંથી મને શું પ્રાપ્ત થયું? આ બધુ મારી સ્મૃતિમાં છે અને વધુમાં વધુ, લગ્ન માટેનું ભોગાવલી કર્મ પણ બાકી નથી; તે કર્મો પૂરા થઇ ચુક્યા છે. માટે, લગ્નનો ઉદય મારી નિયતિમાં નથી. ભાવિ તીર્થંકરોમાંથી પણ મલ્લિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાનને, લગ્ન માટેનું ઉદયકર્મ નથી.”

કથા પર ફરી પાછા આવીએ તો, અંતે ભગવાને દીક્ષા લીધી અને માત્ર એક જ મહિનામાં તેમને કેવળજ્ઞાન પ્રાગટ્ય થયું. તેમનો મુખ્ય ધ્યેય જન્મ મરણના ચક્ર્માંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવાનો હતો.

વાસુપૂજ્ય ભગવાનની દેશના – ધર્મ

કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, વાસુપૂજ્ય ભગવાને દેશના આપી, જે સાંભળીને ઘણાનું જીવન પરિવર્તિત થઈ ગયું. એક વખત, ભગવાને ધર્મ ઉપર સુંદર દેશના આપી. જે કોઈ જીવનો જન્મ ઊંચા સંસ્કારી કુટુંબમાં, સારા માતા પિતાને ત્યાં મનુષ્ય તરીકે જન્મ થયો હોય તેને ધર્મ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના થવી જોઈએ.

સામાન્ય માન્યતા એવી છે કે ધર્મ એટલે પૂજા, આરતી, માળા ફેરવવી અને ભગવાનના નામનો જાપ કરવો, વગેરે. વ્યક્તિ સામાન્ય રીતે આ ક્રિયાઓ એક કલાક પુરતી કરે છે. પરંતુ પછી, બાકીના ૨૩ કલાકોનું શું? દિવસના બાકીના સમય દરમિયાન, તે કઈ જાતના કર્મ બાંધે છે તેની કોઇ જાગૃતિ રહેતી નથી. ખાસ કરીને મનુષ્ય ગતિમાં, ધર્મનું ઘણું મહત્વ છે. જે ધર્મનું આચરણ કરે છે તેના હ્રદયમાં કાયમી અંતર-શાંતિ રહે છે. બાહ્ય રીતે, સંજોગોવશાત શાંતિ હોય કે ન પણ હોય, પરંતુ સાચા ધર્મના પરિણામે આંતરિક શાંતિ કુદરતી રીતે જ રહે છે.

ધર્મની વ્યાખ્યા શું છે?  પરિણામ પામે એ ધર્મ છે. જો તે પરિણામ ન પામે તો, એ ધર્મ કઈ રીતે કહી શકાય? આપણે ગમે તેટલો ધર્મ અનુસરીએ, પણ જો અંદર શાંતિ ન રહેતી હોય અને વિપરીત ચિંતા થતી હોય, સમસ્યાઓ, ક્લેશ અને અજંપો રહેતો હોય તો તે ધર્મનું કોઇ મહત્વ નથી, પછી આ બધાનું શું પરિણામ આવે? જો અંદર શાંતિ વર્તાતી ન હોય, તો તેને સાચા ધર્મનું પાલન કર્યું જ ન કહેવાય. માટે, આપણે ક્યાંક ખોટા છીએ. તેથી આપણી પોતાની ભૂલો શોધીને તેમાંથી બહાર નીકળવું આવશ્યક છે. ટૂંકમાં, આપણે જો ધર્મનું આચરણ યોગ્ય રીતે કરતા હોઇએ તો પરિણામ તો આવવું જ જોઇએ.

બીજી ખુબ જ સુંદર અને મૂળભૂત ધર્મની વ્યાખ્યા આવે છે: જ્યારે તત્વો તેના મૂળભૂત ગુણધર્મોમાં રહે, તે ધર્મ છે.

દરેક તત્વ તેના પોતાના મૂળભૂત ગુણધર્મ ધરાવે છે. તીર્થંકરોના આધ્યાત્મિક વિજ્ઞાન મુજબ, આ બ્રહ્માંડમાં છ અવિનાશી તત્વો રહેલા છે. આ દરેક તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો ધરાવે છે. જ્યાં સુધી આ તત્વો તેના મૂળભૂત ગુણધર્મો ધારણ ન કરે ત્યાં સુધી તે તત્વ કહેવાતા નથી.

તીર્થંકરોએ કહ્યું કે ધર્મ બે પ્રકારના હોય છે:

  • વ્યવહાર ધર્મ
  • નિશ્ચય ધર્મ

નિશ્ચય ધર્મ એટલે આત્મધર્મ અને વ્યવહાર ધર્મ એ અનાત્મા છે. જે કંઇ મન, વાણી અને દેહને સ્પર્શે છે તે વ્યવહાર ધર્મમાં જાય છે. ક્રિયાઓ, પૂજાઓ, ધાર્મિક વિધિઓ, નીતિ નિયમો, ક્રિયાકાંડો – આ બધુ વ્યવહાર ધર્મમાં આવે છે.

ભાવની દ્રષ્ટિએ જોતા, સૌથી ઊંચો વ્યવહાર ધર્મ એ છે કે, “પ્રાપ્ત મન, વચન અને કાયાથી કોઇપણ જીવને કિંચિતમાત્ર પણ દુ:ખ ના હો!” ગમે તેટલી તપશ્ચર્યા, જાપ, યોગ, ધ્યાન, ક્રિયાઓ અને વિધિઓ કરીએ, તો પણ આટલી જાગૃતિ તો રાખવી જ પડે કે કિંચિતમાત્ર જીવને દુ:ખ ન થવું જોઇએ. એટલા માટે “અહિંસા પરમો ધર્મ” એ સિધ્ધાંત આવ્યો! જીવોને મારી નાખવા એ સ્થૂળ હિંસા થઈ જ્યારે બીજાને જરા પણ દુ:ખ ન પહોંચાડવું તે સૂક્ષ્મ અહિંસા થઈ.

આપણા બધા માટે, ધર્મ એટલે પૂજા કરવી, ભગવાનની ભક્તિ કરવી, કથા સાંભળવી અને પસ્તાવો લેવા થોડી વાર બેસવું. જો કે, આ બધું ક્રિયાઓમાં જાય છે. તીર્થંકર ભગવાને દરેક પાસાના બે ભાગ કરી નાખ્યા છે, બાહ્ય અને આંતરિક. બન્નેને સાચી રીતે સમજવા જોઇએ. બાહ્ય ધર્મવ્યવહાર ધર્મ કહેવાય છે અને આંતરિક આત્મધર્મને નિશ્ચય ધર્મ કહેવાય છે.

લોકો વ્યવહાર ધર્મ કરે છે; જે આપણને ખરાબમાંથી સારામાં લઈ આવે છે, પાપમાંથી છોડાવે છે અને પુણ્ય બંધાવે છે તે વ્યવહાર ધર્મ કહેવાય છે. બધા ધર્મો વ્યવહાર ધર્મ દર્શાવે છે અને દરેક લોકો આ ધર્મ અનુસરે પણ છે. જો કે, તેમાં અહંકાર રહેલો છે.

અહંકાર એટલે ખરેખર ‘હું કોણ છું’ તેની અજ્ઞાનતા. જ્યારે વ્યક્તિ આત્મધર્મમાં આવે છે, ત્યારે જ અજ્ઞાનતા જાય છે. ત્યારપછી જીવને ભાન થાય છે કે, “હું મન, વચન અને કાયાથી પર છું. હું આત્મા છું.” જ્યારે આત્મા તેના સ્વભાવમાં આવે છે, એને આત્મધર્મ કહેવાય છે. જ્યારે વ્યક્તિ આત્માને જાણે છે, આત્મધર્મમાં આવે છે ત્યારે બધા પ્રકારના ભોગવટામાંથી મુક્ત થાય છે. પછી, જીવ મોક્ષે જાય છે અને ત્યાં શાશ્વત પરમાનંદનો અનુભવ કરે છે. ત્યારબાદ, આત્મા પોતાના મૂળ સ્વભાવમાં જ વર્તે છે.

vasupujya swami

આત્માનો સ્વાભાવિક ધર્મ શું છે? જ્ઞાન, દર્શન અને પરમાનંદ! આત્મા સંપૂર્ણ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જ્યારે જીવને આ પ્રકારનો અનુભવ થાય, ત્યારબાદ જ તેઆત્મધર્મમાં આવ્યો કહેવાય. તેના પહેલા, બધું વ્યવહાર ધર્મ  છે, જે આપણા નિયંત્રણમાં નથી. વ્યક્તિના પોતાના નિયંત્રણમાં માત્ર પોતાનો સ્વધર્મ, આત્મધર્મ જ છે, એટલે કે, પોતાની જાતનો ધર્મ. સ્વ એટલે આત્મા; માટે, આત્મધર્મમાં આવવું તે સ્વધર્મ છે. આના સિવાયનું બધું, એટલે કે, મનનો ધર્મ, દેહનો ધર્મ અને વાણીનો ધર્મ એ બધા પરધર્મો છે.

આમ, મનુષ્ય જીવનમાં મુખ્ય કાર્ય શું હોવું જોઇએ? વ્યવહાર ધર્મનું અનુસરણ કરવું, અંતે આત્મધર્મમાં આવી જવું! જ્યારે આપણે આત્મધર્મમાં આવીએ છીએ, ત્યારે મનુષ્ય તરીકેનું આપણું આપણુ મુખ્ય કાર્ય શરૂ થાય છે, જ્યારે સાંસારિક વ્યવહાર તો વિનામુલ્યે આપમેળે થયા જ કરે છે.

તેથી, ચાલો મુખ્ય કાર્ય ઉપર જ ધ્યાન દઈએ. આત્માની ઓળખાણ કરીને અને તેમાં સ્થિર રહીએ તે આત્મધર્મ છે અને મન, વાણી, કાયા દ્વારા કોઇપણ જીવને કિંચિતમાત્ર દુ:ખ ન થાય તે ધ્યાનમાં રાખવું તે વ્યવહાર ધર્મ છે. તે માટે, દરરોજ સવારે, હ્રદયપૂર્વક પાંચ વખત બોલવું કે, “કોઇપણ જીવને મારા મન, વચન અને કાયાથી કિંચિતમાત્ર દુ:ખ ન હો.”

હું કોણ છું અને આ જગત કઈ રીતે ચાલે છે, કર્મ શું છે અને તે કઈ રીતે બંધાય છે અને તેમાંથી કઈ રીતે મુક્ત થવાય છે, મોક્ષ શું છે અને તેનો કઈ રીતે અનુભવ થાય તે બધું જાણવા માટે વ્યક્તિએ જીવતા જ્ઞાની પુરૂષ પાસે જવું જોઇએ. ઉપરાંત, તેમની કૃપાથી જ, વ્યક્તિ આત્માને ઓળખી શકે; આત્મજ્ઞાન થઈ શકે! આ ખરો ધર્મ છે. જ્યારે આ પ્રાપ્ત થાય, ત્યારે જ આ સંસારમાં જન્મ અને મૃત્યુના વિષચક્રમાં ભટકવાનું મુક્ત થઈ શકે અને વ્યક્તિ મોક્ષ તરફ આગળ વધી શકે.

વાસુપૂજ્ય ભગવાનની કથા ઉપર પાછા આવીએ તો, ભગવાનના કાળ દરમ્યાન જ દ્વીપુષ્ઠ વાસુદેવ, પ્રતિ વાસુદેવ તારક અને બળભદ્ર વિજય થઇ ગયા. ત્રેસઠ શલાકા પુરુષ અર્ધકાળચક્ર એટલે કે, ત્રીજા અને ચોથા આરામાં જન્મ લેતા હોય છે. આખી પૃથ્વી પરના સૌથી શ્રેષ્ઠ પુરુષ એટલે ત્રેસઠ શલાકા પુરુષ. ત્રેસઠ શલાકા પુરુષમાં એકંદરે, ચોવીસ તીર્થંકર, નવ વાસુદેવ, નવ પ્રતિ વાસુદેવ અને નવ બલભદ્ર હોય છે.

વાસુપૂજ્ય ભગવાનના સમયમાં વાસુદેવ અને પ્રતિ વાસુદેવ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચેનું યુદ્ધ વિશ્વમાં ખુબ જ ખૂંખાર અને ભયંકર હોય છે. નિયમથી જ યુદ્ધમાં વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ હારે છે. કુદરતી નિયમ જ એવો હોય છે કે, વાસુદેવ પોતાના બળથી પ્રતિ વાસુદેવ પર યુદ્ધમાં વિજય મેળવે છે. એવી જ રીતે, પ્રતિવાસુદેવ તારક પર વાસુદેવ દ્વીપુષ્ઠનો વિજય થાય છે. તારક પ્રતિ વાસુદેવના બધાં જ ખંડણી રાજા વાસુદેવ દ્વીપુષ્ઠના શરણે આવી જાય છે. વાસુદેવ અડધી પૃથ્વીના અધિપતિ ગણાતા હોય છે.

અંતે બધા રાજ્યોને જીતીને દ્વીપુષ્ઠ વાસુદેવ અંતે પોતાના મૂળ વતન પોતનપુરમાં પરત આવે છે. ત્યાં એમનો અર્ધપૃથ્વીના વાસુદેવ રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. વાસુદેવ એમનું જીવન અત્યંત ધાર્મિક રીતે ગાળે છે. પોતનપુરના એક ઉદ્યાન આગળ ભગવાન વાસુપૂજ્યની દેશના થયા છે, આ એ જ ઉદ્યાન હોય છે જ્યાં ભગવાને દીક્ષા ગ્રહણ કરી હતી. જેવા દ્વીપુષ્ઠ વાસુદેવને એ સમાચાર મળે છે કે, ભગવાન આવ્યા છે, એવા તરત જ તેઓ દોડતાં-દોડતાં ત્યાં પહોંચે છે. વાસુપૂજ્ય ભગવાનની દેશના સાંભળીને તેમને સમકિત પ્રાપ્ત થાય છે. તેમના ભાઈ વિજય બલભદ્ર પણ દેશના સાંભળીને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને અંતે તેઓ મોક્ષે જાય છે.

આમ વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરી નગરીમાંથી ૬૦૦૦ સાધુઓ સહિત સ્મ્મેદશિખરેથી નિર્વાણ પ્રાપ્ત કરે છે.

×
Share on