શ્રી સુમતિનાથ ભગવાનની કથાઓ: તેમના પૂર્વભવો અને અંતિમ ભવ

શ્રી સુમતિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના પાંચમા તીર્થંકર છે. ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજા મેઘ અને માતાનું નામ રાણી મંગલાવતી દેવી હતું. શ્રી સુમતિનાથ ભગવાનનું દેહપ્રમાણ ૩૦૦ ધનુષપ્રમાણ જેટલું હતું. કૌંચ પક્ષી એ ભગવાનનું લાંછન છે.

લાંબા આયુષ્યકાળ બાદ, ભગવાને દીક્ષા લીધી. તુંબરૂ યક્ષદેવ અને મહાકાળી યક્ષિણિ દેવી એ ભગવાનના શાસન દેવ-દેવી છે. ભગવાનનું નિર્વાણ સમ્મેત શિખરજી પર્વત ઉપરથી થયું હતું

ચાલો હવે ભગવાનના તીર્થંકર તરીકેના જન્મ પહેલાના, બે પૂર્વભવોની જીવનકથા વાંચીએ. અંતે, આપણે એમના તીર્થંકર તરીકેના અંતિમ ભવ શ્રી સુમતિનાથ ભગવાનની જીવનકથા પણ વાંચીશું.

ભગવાનનો ત્રીજો અંતિમ ભવ રાજા પુરુષસિંહ તરીકે અને બીજો અંતિમ ભવ દેવલોકમાં

પૂર્વભવે સુમતિનાથ પ્રભુનો જીવ, જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયના શંખપુર નગરીના વિજયસેન રાજા તરીકેનો હતો. તેમની પત્નીનું નામ સુદર્શના હતું. રાજા ખુબ જ સુંદર રીતે રાજ્ય ચલાવતા હતા અને રાણી ખુબ જ ગુણિયલ અને પતિપરાયણ હતાં.

એક વખત, રાણી સુદર્શના હાથી ઉપર નગરચર્યા કરી રહ્યા હતા. ત્યાં બગીચામાં તેમણે એક સુંદર સ્ત્રીને જોઇ, જે હાથી ઉપર બિરાજમાન હતી. એટલું જ નહિ, એની સાથે અન્ય ૮ યુવાન સ્ત્રીઓ પણ હાજર હતી. તે ૮ સ્ત્રીઓ અતિસુંદર, સ્વરૂપવાન અને યુવાન હતી. આ આઠેઆઠ સ્ત્રીઓ પેલી એક સ્ત્રીની સેવા કરી રહી હતી. આ જોઇને સુદર્શના તે જાણવા આતુર બની કે, આવી નસીબદાર સ્ત્રી છે કોણ! તેથી, રાણીએ તેની દાસીને તે સ્ત્રી વિશે વધુ સમાચાર લઇ આવવા મોકલી.

પછી, તે દાસી દ્વારા રાણીને જાણવા મળ્યું કે, તે સ્ત્રીનું નામ સુલક્ષણા હતું અને તે નંદિસેન શેઠની પત્ની હતી. સુલક્ષણા સાથે તેની ૮ પુત્રવધુઓ હતી, જે દિવસ અને રાત તેની સેવામાં હાજર રહેતી હતી.

રાણી સુદર્શનાને કોઇ બાળક ન હતું. તેથી સુલક્ષણાને જોઇને, રાણીને દુ:ખ થયું અને વિચાર આવ્યો કે સંતાન વિનાનું જીવન નકામું છે. પછી રાણીએ પોતાના મનની આ વાત રાજાને કરી. આ સાંભળીને, રાજાએ અન્ન કે પાણી ગ્રહણ કર્યા વિના દેવોની પૂજા કરવાનો સંકલ્પ કર્યો. તેમના ઉપવાસના છઠ્ઠા દિવસે, દેવ પ્રસન્ન થયા અને પુત્ર માટેનું વરદાન આપ્યું.

ત્યારબાદ રાણી સુદર્શનાને ગર્ભ ધારણ થયો અને રાત્રિએ તેમણે સ્વપ્નમાં, સિંહને પોતાના મુખમાં પ્રવેશતા જોયો. રાણી સુદર્શનાએ તેમના પતિને પોતાના આ સ્વપ્નનું વર્ણન કર્યું. રાજાએ પછી તે સ્વપ્નના વાસ્તવિક અર્થ માટે વિદ્વાનોને બોલાવ્યા. વિદ્વાનોએ રાજાને કહ્યું કે, રાણી તેજસ્વી અને શક્તિશાળી પુત્રને જન્મ આપશે. માટે, રાજા-રાણી એ પોતાના પુત્રનું નામ પુરૂષસિંહ રાખ્યું.

જ્યારે પુરૂષસિંહ યુવાન થયો, ત્યારે તે ૮ રાજકન્યાઓ સાથે વિવાહ કરે છે. અમુક કાળ પસાર થયા બાદ, પુરૂષસિંહને સંસારમાંથી વૈરાગ્ય આવે છે અને દીક્ષા લેવાનું નક્કી કરે છે. ત્યારબાદ, તેઓ એક મુનિ પાસે જાય છે અને દીક્ષા ગ્રહણ કરવાનો પ્રસ્તાવ મુકે છે. ત્યારે એ મુનિ મહારાજ રાજા પુરૂષસિંહને દીક્ષા અંગે પોતાના માતા-પિતા પાસે પરવાનગી લઇ આવવા કહે છે. રાજા પુરૂષસિંહને તેમના પરિવારજનો દીક્ષા માટે પરવાનગી આપે છે. ત્યારબાદ, રાજા પુરૂષસિંહ મુનિ મહારાજને પ્રશ્ન પૂછે છે કે, સંસારના વિષયોમાંથી મુક્ત થવાનો માર્ગ કયો છે?

મુનિ, રાજાને આ પ્રશ્ન સંબંધી સુંદર સમજણ આપે છે. મુનિ સમજાવે છે કે, જ્યાં સુધી કોઈ વિષયોની કામના ધરાવતો હોય ત્યાં સુધી તે મુક્તિ મેળવી શકે નહિ. જો કે, બ્રહ્મચર્ય પાલનમાં માત્ર એક દેહ જ ભાગ નથી ભજવતો. જ્યારે બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવામાં આવે, જ્યારે મન અને ચિત્તમાં વિષય સંબંધી એક માત્ર વિચાર ન આવે, જયારે વિષયોની અને કામનાથી ખરેખર મુક્ત હોય, તે દશાને આદર્શ બ્રહ્મચર્ય કહેવાય છે. આમ પુરૂષસિંહને મુનિ મહારાજે બ્રહ્મચર્યનું જબરદસ્ત મહત્વ સમજાવ્યું. રાજા પુરૂષસિંહ મુનિ મહારાજને સમર્પણ થઇ દીક્ષા ગ્રહણ કરે છે.

નિયમ પ્રમાણે, રાજા પુરૂષસિંહ બ્રહ્મચર્યના સિધ્ધાંતોનું પાલન કરવાનું શરૂ કરે છે. તેમણે એક મુનિ જેવું જીવન જીવવાનું શરૂ કર્યું અને ખૂબ આકરી તપશ્ચર્યા કરી. ૨૦ નામકર્મની આરાધના કરતાં કરતાં એમણે તીર્થંકર-નામ-અને-ગોત્ર-કર્મ બાંધ્યું. તેમનું સંયમ પૂર્વકનું જીવન જીવીને અંતે આયુષ્ય પૂર્ણ થતાં, એ પછીના ભવમાં વૈજયંત વિમાનમાં દેવ તરીકે અવતરે છે. ભગવાન લાખો વર્ષોનું આયુષ્યકાળ ત્યાં પસાર કરે છે.

તીર્થંકર તરીકેનો અંતિમ ભવ

દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયાં બાદ, ત્યાંથી ચ્યવીને રાજા પુરૂષસિંહનો જીવ રાણી મંગલાવતી, જે ભરતક્ષેત્રના અયોધ્યા નગરીના રાજા મેઘના પત્ની હતા, તેમના ગર્ભમાં પ્રવેશે છે. તીર્થંકર તરીકે ભગવાન જન્મથી જ ત્રણ પ્રકારના જ્ઞાન જેમ કે, શ્રુત, મતિ અને અવધિજ્ઞાન સહિત હોય છે.

મેઘ રાજા સ્વભાવે ખુબ જ ન્યાયી અને પ્રજા વત્સલ હતા. ખુબ જ સુંદર રીતે તેઓ રાજ્ય ચલાવતા હતા. સુમતિનાથ ભગવાનના જીવનચરિત્રમાં એક પ્રસંગનો ઉલ્લેખ આવે છે. એક વખત એવું બન્યું કે, મેધ રાજાના દરબારમાં બે સ્ત્રીઓ આવે છે.  તે બે સ્ત્રીઓના પતિનું અવસાન થઈ ગયું હોય છે. એમાંથી એક સ્ત્રી તે બાળકની માતા હોય છે અને બીજી સ્ત્રી તે બાળકનું પાલન કરતી હોય છે. પતિના અવસાન બાદ, રહી ગયેલા અત્યંત ધન-દોલત માટે તે બે સ્ત્રીઓ વચ્ચે ખુબ જ ઝઘડા થાય છે.

Sumatinath

જે સાચી માતા હતી, તે ખૂબ જ આક્રંદ કરીને વિલાપ કરે છે કે, “મારું બાળક મને આપી દો.” સામે બીજી પરમાતા પણ દાવો કરે છે કે, તે બાળક પોતાનું છે. હવે, આમાં સાચી માતા કોણ છે, એ નિર્ણય રાજાને કરવાનો હતો. આમ રાજા આવી પડેલી પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવાને અસમર્થ હતાં. મેધ રાજાએ નિર્ણય મધ્યાહન સુધી મોકૂફ રાખ્યો. મધ્યાહને ભોજન ગ્રહણ કર્યા બાદ, રાજાએ આ બધી વાત રાણી મંગલાવતીને કરી. રાણી મંગલાવતી પોતે આ નિર્ણય લેવાની જવાબદારી લે છે.

રાણી મંગલાવતીએ દરબારમાં જઈ, તે બંને સ્ત્રીઓને કહ્યું કે, “આનો નિર્ણય, મારા ગર્ભમાં અત્યારે ભગવાન બિરાજેલા છે, જયારે તેઓ જન્મ પામશે, ત્યારે તમને બન્નેને હું બાળક સંબંધી સાચો ન્યાય કરી આપીશ. ત્યાં સુધી તમે થોભો.” રાણી મંગલાવતીના આવા વચનો સાંભળીને બાળકની સાવકી માતા ખુબ રાજી થઇને રાણી સાથે સહમત થઇ પણ જે સાચી માતા હતી, એ તૈયાર ન થઇ અને કહ્યું કે, “ના, આટલો વખત તો હું મારા બાળક વિના નહિ રહી શકું, મારા બાળકનું શું થશે!! એને પછી કોણ સાચવશે? મારે અત્યારે જ ન્યાય જોઈએ છે. આ બાળક મારું છે અને તે મારી પાસે જ રહેશે.” આમ, સાચી માતાની જે હૃદયની વેદના, તેના મુખના ભાવો અને તેના અંદરના સત્યનો પડઘો, મંગલાવતી રાણી પારખી લે છે. રાણી મંગલાવતી નિર્ણય આપે છે કે, આ જ બાળકની સાચી માતા છે. આવી રીતે, રાણી મંગલાવતીના ગર્ભધારણના સમય દરમ્યાન, ભગવાન ગર્ભના અંદરથી જ માતાને સાચો બોધ આપે છે.

ભગવાનનો જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક

આમ, ગર્ભમાં તીર્થંકર ભગવાન હોવાને કારણે, રાણી મંગલાવતીનો પ્રખ્યાત સાચા ન્યાય સંબંધીના આ પ્રસંગને લઈને, રાણીને સાચી મતિ ઉત્પન્ન થઇ. તેથી જન્મ પછી ભગવાનનું નામ “સુમતિનાથ” રાખવામાં આવ્યું.

માતા-પિતાની અત્યંત કાળજી વચ્ચે સુમતિનાથ ભગવાનનું બાળપણ સરળતાથી પસાર થયું. કુમારાવસ્થામાં દેવો ભગવાનની સાથે રમતો રમતા અને આનંદ પણ કરાવતા. સમય જતાં, ભગવાન યુવાન અને સુંદર રાજકુમાર બની ગયા. યોગ્ય વયે ભગવાનનાં લગ્ન થયા.

લગ્ન થતા, તેમના પિતાની વિનંતિથી ભગવાને રાજ્ય સંભાળ્યું. અયોધ્યાના લોકોએ યુવાન રાજકુમાર સુમતિને તેમના રાજા તરીકે ખૂબ જ ઉલ્લાસથી આવકાર્યા. ભગવાને રાજા તરીકે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. ઘણા વર્ષો સુધી શાંતિપૂર્ણ રાજ્ય ચલાવ્યા પછી, દેવની વિનંતિથી રાજા સુમતિનાથ દીક્ષા લે છે અને મુનિ બને છે. દીક્ષાના ૨૦ વર્ષ બાદ, તેમને કેવળજ્ઞાન થાય છે.

એકત્વ ભાવના પર ભગવાનની દેશના

કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, સુમતિનાથ ભગવાન એકત્વ ભાવના ઉપર દેશના આપે છે. તેઓ સમજાવે છે કે, આ જગતમાં કઈ રીતે સુખ-દુ:ખ, સાચું-ખોટું, પાપ-પુણ્ય આ બધા દ્વંદ્વ છે. આ બધું કર્મને આધીન છે. એક વાર આ કર્મો બાંધ્યા બાદ તેને ભોગવ્યે જ છુટકો છે. પછી આ કર્મોમાંથી છુટવું શક્ય નથી. જેટલા સુખ-દુઃખરૂપી કર્મો બાંધ્યા હોય તેને પછી ભોગવવા જ પડે. જેટલા સુખ-દુઃખ આપણે ભોગવીએ છીએ, એ આપણા જ કર્મોનો હિસાબ છે. તે કર્મો આપણે બાંધ્યા છે, માટે તેને ભોગવ્યા વગર છુટકો જ નથી. આ કર્મો ભોગવવામાં કોઈ ભાગીદાર થતું નથી. કોઈ આપણા કર્મો ઓછા-વધતા ન કરી શકે. આપણને જે માન્યતા છે કે, આ બધા સગા સંબંધી મારા સુખ-દુઃખના સાથી છે, તો એ માન્યતા તદ્દન ખોટી છે. જ્યારે સમય આવે ત્યારે આપણને ખ્યાલ આવશે કે, કોણ વાસ્તવમાં આપણા ભાગીદાર થાય છે. માટે, આવી ખોટી માન્યતા માટે આપણી પોતાની જ ભૂલ છે. આમ એકત્વ ભાવના પર ભગવાને બહુ જ સરસ સમજણ આપી.

આ જ ભાવના દર્શાવતા, અહીં પરમ પૂજ્ય દાદા ભગવાનના જીવનનો પ્રસંગ વર્ણવેલો છે. એક વખત, તેમને ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. તેના પરિણામે તેમને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. ત્યારે તેમણે જોયું કે તેમના પત્ની તો નિરાંતે ઊંઘતા હતા. આનાથી તેમને આશ્ચર્ય થયું કે, “અહીં, હું ખૂબ ચિંતામાં છું. જો કે, મારા જીવનસાથી તો ગાઢ નિદ્રામાં છે. મને ધંધામાં જે નુકસાન થયું છે, તેનો તેમને જરા સરખો વિચાર પણ નથી.” આના પરથી, દાદાનએ આ બનાવ પર વધુ વિચાર-મંથન કર્યું.

તેમને સમજાયું કે, તેમનો ધંધો તો ભાગીદારીમાં છે. પરંતુ, તેમના ભાગીદારો અને ભાગીદારના પરિવારજનો તો નિરાંતમાં છે. દરેક ભાગીદાર સરખો હિસ્સો ધરાવે છે, તો પણ કોઇને મોટા નુકસાન માટે ચિંતા નથી. માત્ર તેઓ પોતે જ એક નુકસાનનો બોજો લઈને ફરે છે અને તેના ભોગવટામાં રહે છે. આનાથી તેમને સમજાયું કે, “તે મારી જ ભૂલ છે. સાચી વાત તો એ છે, કે કોઇ મારૂ દુ:ખ લઈ શકવાનું નથી.”

એકત્વ ભાવના સંબંધી, શાસ્ત્રમાં નમિ રાજાનો એક ખુબ જ સરસ પ્રસંગ છે. એક વખત નમિ રાજાને આખા શરીરમાં ખૂબ જ વેદના ઉત્પન્ન થઈ અને અસહ્ય એવો માથાનો દુખાવો થવા લાગ્યો. તેમનું આખું શરીર વેદનાગ્રસ્ત થઈ ગયું હતું. આમ તેઓ રાજા હોવાથી, તેમની સારવારમાં કોઈ કમી ન રાખી. એમના ઈલાજ માટે દૂરદૂરથી પ્રખ્યાત વૈદો અને રોગોના નિષ્ણાતોને બોલાવ્યા. તેમની અસહ્ય વેદનાને શમાવવા બધા જ પ્રકારના ઔષધી ઉપાયો કર્યા. સારવારમાં ધન-દોલત જોઈએ એટલું વાપરવાની છૂટ આપી. આટલા ઉપાયો કર્યા છતાં પણ એમની વેદના શમી નહીં.

વેદનામાં રાહત મળે એ હેતુથી વૈદોએ રાજાના શરીર પર ચંદન ઘસવાની સલાહ આપી. બધી જ રાણીઓ સુખડના લાકડા ઘસીને રાજાને ચંદનનો લેપ કરવા લાગી. બધી રાણીઓ દ્વારા, રાજાના શરીર પર એકસાથે ચંદનનો લેપ કરવાથી, રાણીઓના કંકણોના સતત અવાજથી, નમિ રાજાના નિંદ્રામાં ખલેલ પડતાં, તેમના દેહની પીડા વધુ અસહ્ય થવા લાગી. પછી રાજાએ બધી રાણીઓને બોલાવીને આદેશ આપ્યો કે, “તમારા કંકણોને કાઢી નાખો, એના અવાજથી મારી પીડા વધુ અસહ્ય થાય છે.” રાજાના આદેશ બાદ બધી રાણીઓએ ધીમે ધીમે પોતાના એક-એક કંકણોને કાઢીને, અંતે પોતાના સૌભાગ્યના ચિન્હ તરીકે, માત્ર એક કંકણ બાકી રહે એમ બધા જ કંકણોને કાઢી નાખ્યા. ત્યાં રાજાએ અંદર અનુભવ્યું કે, જયારે રાણીઓએ કંકણોને કાઢ્યા બાદ લેપ કર્યો, ત્યારે તેમને એ વેદનારુપી ઘોંઘાટ એકાએક શાંત લાગવા લાગ્યો. રાજાની મહીં, અંદર અજ્ઞાનરૂપી આવરણ ખસીને, અંદર એ ઝબકારો થયો કે, જયારે એકસાથે આટલા બધા કંકણોના અવાજથી ઘોંઘાટ થયો અને બીજી જ બાજુ કંકણોને કાઢવાથી ઘોંઘાટને બદલે અસીમ શાંતિ અનુભવાઈ.

આ અનુભવ બાદ નમિરાજાને એકત્વ ભાવના ભાવવાની શરૂઆત થઈ. એમને ખ્યાલ થયો કે,”આ સંસારમાં હું, અનંત અને અસંખ્ય વસ્તુઓ અને રાગ-દ્વેષથી સંકળાયેલો છું, એના આધારે મને આટલો બધો ભોગવટો રહે છે અને જયારે હું એકલો થઈને એકાંતમાં રહીશ ત્યારે મને કોઈ દુઃખ થશે નહી. પરમ શાંતિનો અનુભવ થશે.” આમ એકત્વ ભાવનાનું નમિ રાજાએ ચિંતવન કર્યું. આ સંસારમાં આપણે એકલા જ જન્મ્યા છીએ અને મૃત્યુ સમયે પણ આપણી સાથે કોઈ નહીં આવે. કોઈ સગા-સંબંધી દુઃખમાં સાથ આપનારા નથી. આપણા કર્મો અને દુઃખોનો કોઈ ભાગીદાર આગળ થશે નહીં.

વાસ્તવમાં આ ભાવના આપણને બધાને લાગુ પડે છે. આપણે અંદર સતત એકત્વ ભાવનાની જાગૃતિમાં રહેવું આવશ્યક છે. “હું માત્ર એક આત્મા છું.” સૂક્ષ્મમાં આપણે કેવા કર્મો બાંધી રહ્યા છે, એ બાબત પર જાગૃતિ રાખવાની ખૂબ જ જરૂરી છે.

sumatinath

સુમતિનાથ ભગવાનની કથા પર આવીએ તો, ભગવાને એકત્વ ભાવના પર ખુબ જ સુંદર દેશના આપી. ભગવાનની દેશના થકી, અનેકોએ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થયો. ભગવાનના સંઘમાં ૧૦૦ ગણધરો હતા. તેમના સંઘમાં, ૩,૨૦,૦૦૦ સાધુઓ, ૫,૩૦,૦૦૦ સાધ્વીઓ, ૧૩,૦૦૦ કેવળ જ્ઞાનીઓ, ૨,૮૦,૦૦૦ શ્રાવકો અને ૫,૧૬,૦૦૦ શ્રાવિકાઓ હતા. આમ ભગવાનનું આયુષ્ય પૂર્ણ થતાં, નિરંતર કેવળજ્ઞાન દશામાં રહેતાં એમનું નિર્વાણ સમ્મેત શિખરના પર્વત પરથી થાય છે.

×
Share on