વજ્રના લાંછનથી ઓળખાતાં, શ્રી ધર્મનાથ ભગવાન વર્તમાન કાળચક્રના પંદરમા તીર્થંકર છે. રતનપુર નગરમાં જન્મેલા, તેઓ રાજા ભાનુ અને રાણી સુવ્રતા દેવીના પુત્ર હતા. ઘણા કાળ પછી, તેઓએ દીક્ષા લીધી અને નિર્વાણ પામ્યા. કિન્નર યક્ષ દેવ અને કંદર્પા યક્ષિણિ દેવી અનુક્રમે તેઓના શાસન દેવ અને શાસન દેવી હતા.
તો ચાલો હવે ભગવાનના તીર્થંકર તરીકેના તેમના જન્મ પહેલાના, પૂર્વ બે જન્મોની કથા જોઈએ. અંતે, આપણે તેમના છેલ્લા જન્મની કથા પણ જોઈશું.
ભગવાન ધર્મનાથ, તેમના છેલ્લા ત્રીજા ભવમાં, મહાવિદેહ ક્ષેત્રના ઘાતકી ખંડમાં, ભરત વિજય નામના પ્રદેશમાં આવેલ ભદ્દિલ નગરમાં દ્રઢરથ નામના રાજા તરીકે જન્મે છે. તેઓ ખૂબ જ ધાર્મિક રાજા હતા જે પોતાના રાજ્યને ખૂબ સાત્વિકતાથી ચલાવતા હતા. પોતે વિરક્ત ભાવે, જેમ પોતાના જ ઘરમાં પોતે અતિથિ હોય તેમ જ રાજ્ય ચલાવતા હતા.
અક્રમ માર્ગ થકી મુક્તિ પમાડતા આધ્યાત્મિક વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન, પણ કાયમ કહેતા હતા કે અમે અમારા ઘરે ગેસ્ટની જેમ રહીએ છીએ. શું મહેમાનને કોઈ ટેન્શન હોય કે કંઈ કરવાનું હોય ખરું? શું મહેમાન કોઈ વાતમાં ડખો કરે ખરા? ના, બરાબરને? ઘરના અન્ય સભ્યો, યજમાન તરીકે, સૂવા, ન્હાવાથી લઈને ટુવાલ, ગરમ પાણીથી માંડીને જમણ સુધીનું બધું મહેમાન માટે તૈયાર રાખે છે, ખરું ને? એટલે જ, દાદાશ્રી બધાને કાયમ કહેતા હતા કે સૌએ પોતપોતાના ઘરમાં ગેસ્ટની જેમ રહેવું.
એ જ રીતે, રાજા દ્રઢરથ પોતાનું રાજ્ય મહેમાનની જેમ ચલાવતા હતા. થોડોક સમય રાજ કર્યા પછી, તેઓ દીક્ષા લે છે અને તીર્થંકરોની ખૂબ જ ભકિત આરાધના કરે છે. તેના પરિણામે, તેઓને તીર્થંકર-નામ-ગોત્ર-કર્મ બંધાય છે. પોતાનો આયુષ્ય કાળ પૂરો કર્યા બાદ, તેઓ વિજયાંત મહાવિમાનમાં (અનુત્તર સ્વર્ગ) દેવ તરીકે જન્મ લે છે. અહીં, તેમનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે.
દેવગતિમાં આયુષ્ય પૂર્ણ કર્યા બાદ, રાજા દ્રઢરથનો જીવ રાણી સુવ્રતા દેવીના ગર્ભમાં અવતરે છે, જે ભરત ક્ષેત્રના રતનપુર નગરમાં રાજા ભાનુના પત્ની હતા. જ્યારે આ દ્રઢરથ રાજાનો જીવ તેમના ગર્ભમાં હોય છે, ત્યારે રાણી ધર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે અને તે સમયે તેમને અંતરમાં ખૂબ જ ધાર્મિક ઈચ્છાઓ થાય છે. ધર્મ પ્રત્યેની અત્યંત આસ્થા વધેલી જોઈને, માતા પિતાએ તેમના પુત્રનું નામ ધર્મનાથ રાખ્યું.
તેઓ સુવર્ણ વર્ણ ધરાવતા હતા. તેમનું દેહ પ્રમાણ ૪૫ મેઘધનુષ જેટલું હતું. તેમનું બાળપણ વિવિધ પ્રકારની વિદ્યાઓ શીખવામાં વ્યતીત થયું. યુવાનીમાં તેમના લગ્ન થયા અને તેમનો રાજ્યાભિષેક થયો.
પછી દેવતાઓની વિનંતીથી રાજા ધર્મનાથ દીક્ષા લે છે. દીક્ષા લીધાના બે વર્ષ બાદ, તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન થયા પછી, દેવો સમવસરણની રચના કરે છે અને પ્રભુ ત્યાં બિરાજીને સુંદર તાત્ત્વિક દેશના આપે છે. તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા હજારો લોકો ગામે ગામથી આવે છે. એ દેશનાથી લોકોના કષાયો કપાઈ જાય, અંતઃકરણ સ્થિર થઈ જાય અને સેંકડો લોકોને સમકિત થઈ જાય છે.
આ કાળ ચક્રના પાંચમા વાસુદેવ, પુરૂષ સિંહ અને સુદર્શન બળદેવ ભગવાન ધર્મનાથના સમવસરણમાં હાજરી આપે છે. તેમની દેશના સાંભળીને, પુરૂષ સિંહને અંદર ઉત્કૃષ્ટ વૈરાગ્યનો ભાવ જાગે છે અને તેઓ સમકિતને પામે છે. સુદર્શન બળદેવ પણ શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને મોક્ષ પામે છે.
તીર્થંકર ભગવાનની દેશના એવી હોય છે કે જે ક્રોધ, માન, માયા અને લોભ રૂપી ચારેય કષાયોના પડદા ચીરી નાંખે છે, ભટકતા મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકારને સ્થિર કરે છે; અને સમકિત પ્રાપ્ત કરાવે છે. ભગવાન ધર્મનાથે કષાય ઉપર અજોડ તાત્ત્વિક દેશના આપી હતી.
કષાયોનુંવર્ણન
જો મોક્ષે જવું હોય તો, કાં તો આત્માને જાણવો પડશે અથવા કષાય રહિત થવું પડશે. દ્વેષમાં ક્રોધ અને માન આવે છે, અને રાગમાં, માયા અને લોભ આવે છે. જો આત્મજ્ઞાન થકી સ્વરૂપની અજ્ઞાનતા દૂર થાય, તો રાગ અને દ્વેષ બન્ને જતાં રહે છે, અને આમ કષાયો જતા રહે છે.
તો, કષાયોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? જડ અને ચેતન, બે શાશ્વત તત્ત્વો પાસે પાસે આવવાથી, તે બંનેના મિશ્રણથી તીસરું ભાસ્યમાન પરિણામ ઉત્પન્ન થાય છે. જેમ તાંબા અને સોનાના મિશ્રણથી તીસરી જ ધાતુ ઉત્પન્ન થતી લાગે છે. તેમ આપણી મહીં આ જડ અને ચેતનના મિશ્રણમાંથી જે આ તીસરું પરિણામ ઉભું થતું લાગે છે તે અહમ કહેવાય છે. અહમ એટલે ‘હું’પણું. આત્મા અને જડ બંનેના મિશ્રણથી ઊભું થયેલું છે તેને મિશ્રચેતન કહ્યું છે.
કષાયોથી મુક્ત થવા માટે, માફી માંગવી તે અત્યંત જરૂરી છે, જે કષાયો થઈ ગયા છે તેના પર હ્રદયપૂર્વક પસ્તાવો કરવો અને ફરી આવું ન થાય તે માટે દ્રઢ નિશ્ચય કરવો. આ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે જે પ્રતિક્રમણ તરીકે ઓળખાય છે, જ્યારે કોઈ પણ કષાય થાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી નાખવું જોઈએ. તેનાથી વ્યક્તિ હળવાશ અનુભવે છે અને કષાયના બંધનમાંથી મુક્ત થાય છે. કષાય આપણને અનાત્મામાં લઈ જાય છે, જ્યારે પ્રતિક્રમણથી આત્મામાં પાછું આવી જવાય છે. પ્રતિક્રમણ એ ખરો આધ્યાત્મિક પુરૂષાર્થ છે, જેને બાહ્ય ક્રિયાઓની કોઈ જરૂર નથી.
જ્યારે કોઈ કષાય ઉદ્ભવે ત્યારે નિષ્ઠાપૂર્વક પ્રતિક્રમણ કરવાથી, વ્યક્તિ કષાયોના જુદા જુદા પડમાંથી મુક્ત થતો જાય છે, જે દરેક તીવ્રતા પ્રમાણે જુદા પડતા હોય છે:
આ રીતે પ્રતિક્રમણ માત્ર કષાયોની તીવ્રતા કે ભોગવટા ઘટાડવામાં ઉપયોગી છે એટલું જ નથી પરંતુ તે કષાયોમાંથી મુક્ત પણ થઈ શકાય છે. આ કષાયો જ કર્મો બાંધે છે. તે કારણ સ્વરૂપે રહેલા છે. જ્યાં કષાય નથી ત્યાં આત્મા છે. જ્યાં સુધી કષાયો છે, ત્યાં સુધી કેવળજ્ઞાનનો અનુભવ શક્ય નથી.
અંતે, ધર્મનાથ ભગવાનની કથા પર પાછા આવીએ તો, તેઓને ૪૩ ગણધરો હતા. પ્રભુને લાખો સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ હતા જે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. ૧૦૮ મુનિઓની સાથે ધર્મનાથ પ્રભુ સમ્મેત શિખરજીથી નિર્વાણ પામે છે.
આ રીતે તીર્થંકર કરોડો લોકોને મુક્ત કરવા માટે એક મોટું નિમિત્ત બને છે.
subscribe your email for our latest news and events