જ્ઞાનવિધિની માહિતી
જ્ઞાનવિધિ એ અક્રમવિજ્ઞાનનો બે કલાકનો એક અનોખો પ્રયોગ છે. એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં દેહ અને આત્મા જુદા છે એવું અનુભવમાં આવે છે.
પોતે જ શાશ્વત સુખનું ધામ છે છતાં દુન્યવી વસ્તુઓમાંથી સુખને શોધવા ફાંફા મારી રહ્યા છીએ! જ્યાં સુધી હકીકતમાં પોતે કોણ છે તે જાણ્યું નહીં ત્યાં સુધી બધું જ ક્ષણભંગુર અને વિનાશી છે. જયારે પોતે ખરા અર્થમાં કોણ છે તેનું ભાન થાય છે ત્યારે શાશ્વત સુખને પામી શકાય છે.
શું તમને ખબર છે કે હકીકતમાં તમે પોતે કોણ છો? શું તમે ખરેખર ‘ચંદુ’ છો કે ચંદુ તમારું નામ છે?
તમારા નામને જ તમારી ઓળખાણ માનવામાં આવે છે. પરંતુ શું તમારા સ્કુલના મિત્રો તમને ચંદુ કે ચંદુલાલના નામથી નથી બોલાવતા? માતા-પિતા તેમનો પ્રેમ તેમની આગવી રીતે વ્યક્ત કરે છે અને પત્ની પણ અલગ રીતે બોલાવે છે.તમે તમારા નામને કાયદાકીય પદ્ધતિથી બદલી પણ શકો છો. શું તમારું નામ બદલાવાથી તમે પણ બદલાઈ જાઓ છો? શું નામ બદલવાથી તમારું અસ્તિત્વ બદલાય છે ? ના, એવું તો નથી થતું!
ચાલો, આ પ્રશ્ન ને હવે બીજી રીતે જોઈએ. તમે કહો છો કે ‘મારું માથું’, ‘મારું શરીર’, ‘મારા પગ’, ‘મારી આંખો’, ‘મારા કાન’ પરંતુ તમે એમ નથી કહેતા કે ‘હું માથું છું’, ‘હું શરીર છું’ વગેરે. એનો અર્થ એ થયો કે શરીર અને શરીરના અંગો વગેરે બધું ‘મારું’ માં જાય છે. એવી જ રીતે તમે એમ કહો છો કે, ’મારી ઘડિયાળ’, ’મારા ચશ્મા’, ‘મારું ઘર’. તમે એમ નથી કહેતા કે ‘હું ઘડિયાળ છું’, ‘હું ચશ્માં છું’ વગેરે, એનો અર્થ એમ થાય કે તમારી માલિકીની વસ્તુઓ પણ ‘મારું’માં જાય છે. તો પછી આ બધું જે ‘મારું’માં જાય છે તેનો માલિક કોણ છે?
“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
- દાદા ભગવાનજેમ સોનાને બીજી ધાતુઓથી જુદું પાડવા માટે સોનીની જરૂર પડે છે તેવી જ રીતે સેલ્ફ રીયલાઈઝેશન કરવા જ્ઞાની પુરુષની જરૂર પડે છે. જ્ઞાનીપુરુષની કૃપાથી જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાના સાચા સ્વરુપની પ્રાપ્તિ કરી શકાય છે.
જ્ઞાનવિધિ એ અક્રમવિજ્ઞાનનો બે કલાકનો એક અનોખો પ્રયોગ છે. જેમાં પહેલી ૪૮ મિનિટમાં આત્મજ્ઞાની(જ્ઞાની પુરુષ) દ્વારા વાક્યો બોલાવવામાં આવે છે જે મુમુક્ષુઓએ તેમની પાછળ બોલવાના હોય છે. આને ‘ભેદ-વિજ્ઞાન’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાથી ‘હું’ (આત્મા) એ ‘મારું’(અનાત્મા)થી જુદો પડી જાય છે. ત્યારબાદ જ્ઞાનવિધિમાં પાંચ આજ્ઞા(પાંચ મુખ્ય સિદ્ધાંતો)ની વ્યવહારિક ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવે છે. આ પાંચ આજ્ઞા આત્માનુભવને પોષણ અને રક્ષણ આપનારી છે અને તે અભેદતા અને એકતાથી જીવન જીવવામાં મદદરૂપ થાય છે.
જ્ઞાનવિધિ માટે મુમુક્ષુએ પોતે હાજર રહેવું જરુરી છે. શું તમે કાગળના દીવાથી કંઈ પોતાનો દીવો પ્રગટાવી શકો? ના! એના માટે તો પ્રગટેલા દીવાની જરૂર પડે. એવી જ રીતે, સ્વરુપ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાની પુરુષની હાજરી પણ અત્યંત જરૂરી છે..
જ્ઞાનવિધિનો લાભ અઢાર વર્ષથી ઉપરની વયની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. જ્ઞાનવિધિ એ અમૂલ્ય ભેટ સમાન છે એનું મૂલ્ય શી રીતે હોઈ શકે? જ્ઞાનવિધિ નિ:શુલ્ક છે. તથા અહીં પોતાના ધર્મ કે ગુરુને બદલવાની કોઈ જ જરુર નથી. આ જ્ઞાન ધર્મ, જાતિ અને સમાજિક હોદ્દાઓથી પર અને દરેક માટે સમાન છે.
આ અમૂલ્ય અનુભવ કરવા માટે ફક્ત પરમ વિનય અને ખુલ્લા હૃદયની જ જરુર છે.
“પોતાના સ્વરુપનું ભાન થયાની નિશાની શું? જાગૃતિની હાજરી, સતત જાગૃતિ.”
~દાદા ભગવાનલાખો લોકોએ આ આત્મજ્ઞાનનો અનુભવ કર્યો છે અને આત્માની જાગૃતિમાં રહીને જીવન વ્યવહારની ફરજો પૂરી કરે છે.
આપ જ્ઞાનવિધિમાં ભાગ લેવા ઈચ્છો છો? તો આપ આ ફોર્મ ભરીને આપના નજીકના સ્થળે યોજાનારી આગામી જ્ઞાનવિધિની માહિતી મેળવી શકો છો.
subscribe your email for our latest news and events