વિમલનાથ ભગવાન વર્તમાન કાળચક્રનાં ૧૩ માં તીર્થંકર છે. તેમનો વર્ણ કંચન અને દેહપ્રમાણ ૬૦ ધનુષનું હતું. ભગવાનનું લાંછન વરાહનું હતું. તેમના સંઘમાં ૫૭ ગણધર હતા. ષન્મુખ યક્ષદેવ અને વિદિતા યક્ષિણી દેવી, એમના શાસન દેવ-દેવી છે.
ચાલો, હવે ભગવાનના તીર્થંકર તરીકેના જન્મ અને તેમના અંતિમ બે પૂર્વભવોની જીવન કથાઓ વાંચીએ. ભગવાને તેમના તીર્થંકર તરીકેના અંતિમ ભવમાં બોધિ દુર્લભ ભાવના પર દેશના આપી હતી.
તેમના અંતિમ ત્રીજા ભવમાં, ભગવાન વિમલનાથ ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં આવેલ ભરત વિજયની મહાપુરી નગરીનાં રાજા પદ્મસેન તરીકે હતા.
રાજા પદ્મસેન રાજ્યને ખૂબ સુંદર રીતે ચલાવતા હતા. ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યા પછી, મોક્ષ પ્રાપ્તિ અર્થે તેમણે દીક્ષા લીધી. આ સમય દરમિયાન, ઉત્કૃષ્ટ ભક્તિભાવથી અરિહંત ભગવંતની ભક્તિકરતા પદ્મસેન રાજાએ અત્યંત પવિત્ર તીર્થંકર-નામ-ગોત્ર-કર્મ બંધાયું. આમ ભક્તિમય દશામાં, તેમનો પાર્થિવ દેહત્યાગ થયો અને દેવલોકમાં દેવ તરીકે જન્મ્યા.
દેવ તરીકેનો આયુષ્યકાળ પૂર્ણ કર્યા બાદ, શ્રી વિમલનાથ ભગવાન તીર્થંકર તરીકે જન્મ લે છે. તેઓ ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરીમાં, રાજા કૃતવર્મા અને રાણી શ્યામાને ત્યાં પુત્ર તરીકે જન્મ લે છે. ભગવાન જયારે ગર્ભમાં હતા ત્યારે, રાણી શ્યામા માતા એકદમ નિર્મળ થઈ ગયા. માટે, તેમનું નામ ‘વિમલનાથ’ (વિમલ એટલે નિર્મળ) રાખવામાં આવ્યું.
તેમનું બાળપણ પૂર્ણ થયા બાદ અને તેમના પિતાની ઇચ્છાને કારણે, રાજકુમાર વિમલનાથ પોતાનું ભોગાવલી કર્મ પૂર્ણ કરવા માટે લગ્ન કરે છે. ઘણા લાંબા કાળ સુધી ભગવાન ખૂબ સુંદર રીતે રાજ્ય ચલાવે છે અને પછી યોગ્ય સમય થતાં દીક્ષા ગ્રહણ કરે છે.
દીક્ષા લીધા પછી, માત્ર બે જ વર્ષમાં, ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થતાં જ, વિમલનાથ ભગવાન દેશના આપવાનું શરૂ કરે છે.
દેવોએ સમવોસરણની રચના કરી જેમાં ભગવાન બિરાજ્યા અને બોધિ દુર્લભ ભાવના કે જે બોધિ રત્ન અથવા સમ્યક્ત્વ પ્રાપ્તિ, કહેવાય છે, તેના ઉપર ખૂબ જ સુંદર દેશના આપી.
અનંત કાળથી, આપણે ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી અનંત વખત પસાર થઈ ચૂક્યા છીએ. મનુષ્ય તરીકે પણ આપણે અસંખ્ય વખત જન્મી ચૂક્યા છીએ. તેમ છતાં, આપણે આ જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતા નથી. આની પાછળનું મુખ્ય કારણ શું છે? શા માટે આપણે આ રીતે અનાદિથી ભટક્યા જ કરીએ છીએ? આ ભટકામણમાં, આપણે કેટલી બધી યાતનાઓમાંથી પસાર થવું પડે છે. આપણે આપણા વર્તમાન જીવનને જોઇએ તો પણ, આપણે કેટલું બધું દુઃખ ભોગવીએ છીએ. ખાસ કરીને અત્યારે કળિયુગમાં, દુઃખનું પ્રમાણ જ વધારે હોય છે અને સુખ તો ભાગ્યે જ જોવા મળે છે.
આપણો પોતાનો (આત્માનો) મૂળ સ્વભાવ પરમાનંદવાળો છે, શાશ્વત સુખ; પરંતુ તે સ્વભાવનો આપણને અનુભવ થતો નથી. જ્યાં નર્યું દુ:ખ અને વેદના સિવાય કશું નથી, તેવા શરીરમાં (પુદગલ તત્વમાં) આપણે તન્મયાકાર રહીએ છીએ. અજ્ઞાન માન્યતાઓ, જેને અહંકાર કહેવાય છે, તે દુ:ખ ભોગવે છે; તે કર્તા થાય છે અને ભોક્તા પણ થાય છે. જ્યારે તે અહંકાર જાય છે, ત્યારે સર્વ દુઃખો નાશ પામે છે. ત્યાર પછી જ આપણને આત્માનો અનુભવ થાય, જે નિરંતર આપણને આત્મ સુખમાં જ રાખે.
તેથી, એક તરફ પોતે આત્મતત્વ છે અને સામી તરફ જડતત્વ છે જે પુદગલ પરમાણુ સ્વરૂપે રહેલુ છે. બન્ને એકબીજાની નજીક આવેલ છે, અત્યંત નજીક; એટલા નજીક કે બન્ને એકરૂપ ભાસે છે. આનાથી જ ભાસ્યમાન પરિણામ ઊભું થયું છે તેને અહમ એટલે, અહંકાર કહ્યો છે. બધી સમસ્યાઓ અહંકારમાંથી જ ઊભી થઈ છે. જયારે અહંકારની બિલીફ બદલાય છે, ત્યારે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અહંકાર આ જડ પરમાણુઓથી ઘેરાયેલો છે.
સ્વભાવથી જ, આ પરમાણુઓ સક્રિય હોય છે, એટલે કે તેઓ હંમેશા ક્રિયાકારી હોય છે; જ્યારે આત્માનો સ્વભાવ અક્રિય છે; તેનો સ્વભાવ આનંદ સ્વરૂપ છે; તેનો સ્વભાવ જોવા અને જાણવાનો છે. જો કે, આત્મા તેનો આ સ્વભાવ જડની ક્રિયાઓમાં તન્મયાકાર થવાને કારણે ગુમાવે છે. જડતત્વ પાસે સુખનો ગુણધર્મ નથી. તેથી, સુખ ક્યાંથી આવી શકે? જડતત્વ સુખ અને દુ:ખ, સાચુ અને ખોટુ એવા ગૂંચવાડાઓમાં જ રહે છે. તેથી, જ્યાં તેને કશુંક ગમે છે, ત્યાં સુખ લાગે છે; અને જ્યાં કશુંક ન ગમતું આવે છે ત્યાં તેને દુ:ખ અનુભવાય છે. ગમા અને અણગમામાંથી રાગ અને દ્વેષ થયા કરે છે. તેને જ મિથ્યાત્વ કહેવાય છે.
જે પોતાનું સાચું સ્વરૂપ નથી, તેમાં તન્મયાકાર થઈને તેવું માને છે કે, “હું આ છું અને આ મારું છે.” તેને મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાદર્શન છે; જ્યારે સમ્યક દર્શન એટલે રિયલ દર્શન. પોતાની દ્રષ્ટિ નિરંતર આત્મ તરફ રહે ત્યારે તેને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે.
આવા સતત, જન્મ અને મરણના ચક્ર પાછળનું મૂળ કારણ મિથ્યાત્વ, મિથ્યા દર્શન છે. સમ્યક દર્શન અથવા સમકિતના ત્રણ પ્રકાર છે:
માટે, આવી રીતે, સમ્યક દર્શનનું ખૂબ મહત્વ છે. જો દ્રષ્ટિ આત્મામાં આવે, તો પછી મોક્ષનું કામ થઈ જાય. તેથી, તમામ જ્ઞાનીઓ, તમામ તીર્થંકરો લોકોને બોધિ રત્ન આપવા ઇચ્છતા હોય છે. આપણે ચર્મચક્ષુથી વિનાશી વસ્તુઓને કાયમી માની લઈએ છીએ; ત્યાં સુધી તે, મિથ્યા દ્રષ્ટિ અથવા મિથ્યાત્વ કહેવાય છે. શાશ્વત અને વિનાશી દ્રષ્ટિ વચ્ચેના ભેદને પારખવાથી આપણી દ્રષ્ટિ મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન તરફ વળે છે.
દ્રષ્ટિમાં ફેર થવો તે જ સૌથી અગત્યનું છે. ત્યાં સુધી, વ્યક્તિ ગમે તેટલું તપ કરે ગમે તેટલા મંત્રો જપે અથવા ગમે તેટલું ધ્યાન કરે તેનો કોઇ અર્થ રહેતો નથી, કારણ કે દ્રષ્ટિ હજુ ફરી નથી, તેથી સંસારમાં ભટકવાનું શરૂ જ રહેશે; વ્યક્તિ સારા અને ખરાબ કર્મો બાંધવાનું શરૂ જ રાખશે. માટે, જ્ઞાનીઓને દ્રષ્ટિની બહુ જ કિંમત છે.
ભગવાન વિમલનાથના સમયમાં ભરતક્ષેત્રના ત્રીજા વાસુદેવ સ્વયંભૂ, ત્રીજા પ્રતિ વાસુદેવ મેરક અને ત્રીજા બળદેવ ભદ્ર જન્મ લે છે. દ્વારકા નગરીના રાજા રુદ્રના બે પુત્રો એટલે અનુક્રમે ત્રીજા વાસુદેવ સ્વયંભૂ ત્રીજા બળદેવ ભદ્ર હોય છે. વાસુદેવ સ્વયંભૂ અને બળદેવ ભદ્ર ઓરમાઈ ભાઈઓ હોય છે. નિયમ મુજબ બળદેવ અને વાસુદેવ હંમેશા ઓરમાઈ ભાઈઓ જ હોય (સાવકીમાંના સંતાનો) અને બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ જગતમાં અજોડ હોય. વાસુદેવ સ્વયંભૂ સામે પ્રતિ વાસુદેવ મેરક હોય છે. પૂર્વ ભવમાં અત્યંત અપમાન અને વેરને કારણે સ્વયંભૂ વાસુદેવ નિયાણું બાંધે છે અને પછી વાસુદેવ તરીકે જન્મ થઈને મેરક પ્રતિ વાસુદેવ સાથે ભીષણ યુદ્ધ થાય છે. તે સમયે મેરક પ્રતિ વાસુદેવ અડધી પૃથ્વીના રાજા હોય છે. એક વખત શશીસૌમ્ય રાજા મેરક રાજાને દંડ પેટે, હાથી, ઘોડા,રત્નને બધું આપવા જાય છે. ત્યાં દંડ આપવા જતાં વિસામો ખાવા બેઠા હોય છે. ત્યાંજ વાસુદેવ સ્વયંભૂ અને બળદેવ ભદ્ર આ બધું જોઇને આશ્ચર્ય પામ્યા અને કારણ પૂછ્યું. કારણ સંભાળતા જ વાસુદેવ અત્યંત ક્રોધિત થઇ જાય છે અને મેરક રાજા સામે યુદ્ધની ઘોષણા કરે છે. વાસુદેવનો અહંકાર જબરદસ્ત હોય છે અને પરિણામે એ અહંકારના આધારે તેઓ પ્રચંડ શક્તિ અને સામર્થ્ય ધરાવે છે. વાસુદેવ એટલે અડધી પૃથ્વીના અધિપતિ. આમ મેરક રાજા અને સ્વયંભૂ વાસુદેવ વચ્ચે મહાયુદ્ધ છેડાયું. યુદ્ધના અંતે નિયમ મુજબ, વાસુદેવ સ્વયંભૂના ચક્રથી પ્રતિવાસુદેવ મેરકનું મૃત્યુ થાય છે. મેરક રાજાના બધા ખંડણી રાજાઓ હવે વાસુદેવ સ્વયંભૂ શરણે આવે છે. ત્યારબાદ વિજયી સ્વયંભૂ રાજાનો વાસુદેવ તરીકે રાજ્યાભિષેક થાય છે. ત્યારબાદ વાસુદેવ સ્વયંભૂ અને બળદેવ ભદ્ર પણ વિમલનાથ પ્રભુની દેશના સંભાળવા જાય છે અને ભગવાનને સમર્પણ થાય છે. તેઓ બન્નેને સમ્યક દર્શન પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વાસુદેવ સ્વયંભૂનો દેહવિલય થાય છે. બળદેવ ભદ્ર તે જ ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ રીતે વિમલનાથ ભગવાન પાસેથી ત્રીજા વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને બળદેવ સાથે મોક્ષની ઝંખના રાખતા લાખો લોકો પ્રભુની દેશના સાંભળીને મુક્તિ પદને પ્રાપ્ત કરે છે. લાખો લોકોએ પ્રભુ પાસેથી દીક્ષા લીધી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. અંતે, ભગવાનના બધા કર્મો પૂર્ણ થયા અને સ્મ્મેદ શિખરજી પર્વત પરથી મોક્ષ પામ્યા.
subscribe your email for our latest news and events