ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન (પારસનાથ ભગવાન): જીવનચરિત્ર

Parshwanath story

શ્રી પાર્શ્વનાથ ભગવાન, કે જેઓ પારસનાથ ભગવાન તરીકે પણ ઓળખાય છે, તેઓ વર્તમાન કાળચક્રના ત્રેવીસમા તીર્થંકર હતા. તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું.

શ્રી પાર્શ્વનાથ ભગવાનનું લાંછન સર્પ છે. પાર્શ્વ યક્ષદેવ અને પદ્માવતી યક્ષિણીદેવી તેમના શાસન દેવ-દેવી છે.

શ્રી પાર્શ્વનાથ ભગવાન અને કમઠનું વેર

કમઠને પોતાના ભાઈ મરુભૂતિ સાથે સ્ત્રીવિષયને લીધે બંધાયેલું વેર નવ ભવો સુધી ચાલ્યું. દસમા ભવમાં જ્યારે પાર્શ્વનાથ ભગવાન તીર્થંકર ભગવાન તરીકે હતા, ત્યાં સુધી આ વેરે એમને છોડ્યા નહીં. છેલ્લા ભવમાં જ્યારે ભગવાન સંપૂર્ણ વીતરાગ દશામાં આવ્યા ત્યારે આ વેર છૂટ્યું. કમઠને પોતાના નાના ભાઈ મરુભૂતિ પર જબરજસ્ત ક્રોધ આવ્યો હતો. ક્રોધ કષાયથી જબરજસ્ત દ્વેષ, તિરસ્કાર, તરછોડ અને પછી છેવટે વેર બંધાયું. આ વેર એટલું જબરજસ્ત બંધાયું કે કમઠે નવ ભવો સુધી દરેક ભવમાં મરુભૂતિને મારી નાખ્યા. ક્રોધ કષાય જ્યારે ભયંકર સ્વરૂપ લે છે ત્યારે ભયંકર વેર બંધાય છે; એમાંય વિષયમાં જે બંધાય છે એ ખૂબ જ ભયંકર હોય છે. સૌથી વધારે વેર અણહકના વિષયથી બંધાય છે. અત્યારે પાંચમા આરામાં એટલે કે કળિયુગમાં વેર આખી દુનિયામાં વ્યાપી ગયું છે, એ વેર કેટલું બધું નુકસાન કરે છે એ મરુભૂતિ અને કમઠના જીવનમાંથી આપણને જાણવા મળે છે.

શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂર્ણ વીતરાગતા

લાકડામાં ફસાયેલાં નાગ અને નાગણ અત્યંત ભાગ્યશાળી હતાં કે જેમને સાક્ષાત તીર્થંકર ભગવાનના શ્રીમુખેથી નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં મૃત્યુ પ્રાપ્ત થયું. આવો દેહ છોડવાનો સમય તો કોઈક ભાગ્યશાળીને જ મળે! મરતી વખતે ઉચ્ચ પરિણતી હોવાને કારણે નાગ અને નાગણ અનુક્રમે ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી તરીકે જન્મ્યા. પાર્શ્વનાથ ભગવાન તેમને દેવગતિમાં મોકલવાનું પરમ નિમિત્ત બન્યા તેથી ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવીને પાર્શ્વનાથ ભગવાન પર ખૂબ જ રાગ હતો, જેના આધારે તેમણે મેઘમાળીના ભયંકર ઉપસર્ગ વખતે ભગવાનને નાગફણાથી છત્ર આપીને તથા કમળ થઈને ભગવાનને ઊંચકીને રક્ષણ આપ્યું. જ્યારે બીજી બાજુ કમઠે મેઘમાળી દેવ બનીને ભયંકર ઉપસર્ગો કર્યા છતાં પણ પ્રભુને મેઘમાળી દેવ પર કિંચિત્‌માત્ર દ્વેષ નહોતો અને બચાવનારા પ્રત્યે કિંચિત્‌માત્ર રાગ નહોતો. વીતરાગ તો બધા જ તીર્થંકરો થઈ ગયા પણ પાર્શ્વનાથ પ્રભુના આ પ્રસંગમાં અહો અહો થઈ જાય એવી પૂર્ણ વીતરાગ દશા ઉઘાડી જોવા મળી.

પાર્શ્વનાથ ભગવાનના નવ ભવો થયા હતા. તેમના પૂર્વભવો અને અને જન્મથી નિર્વાણ સુધીનું ચરિત્ર બે ભાગમાં વિગતવાર વાંચીએ.

શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનમાંથી બોધ

પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં કમઠે જે ઉપસર્ગો અને પરિષહો કર્યા તેણે પ્રભુએ સમતાથી વેદ્‌યા, એમનું પરમાણુ જરાય હલ્યું નહીં. રાગ અને દ્વેષથી પર રહીને એમણે આવી પડેલું આખું કર્મ પૂરું કર્યું અને મોક્ષે ગયા.

ઘણા બધા પ્રસંગો કેવા કેવા કર્મોના હિસાબ લાવીને આપે છે અને કેવી રીતે આપણે બધાને છોડવા પડે છે! છોડતી વખતે સંપૂર્ણ વીતરાગ દશામાં રહીએ તો જ એ કર્મોમાંથી મુક્ત થવાય એ મોટામાં મોટો બોધ છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે કિંચિત્‌માત્ર પણ દ્વેષ નથી અને પરમ ઉપકાર કરનારા પ્રત્યે કિંચિત્‌માત્ર રાગ નથી એવા વીતરાગ પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુનું સુંદર જીવનચરિત્ર ખરેખર આપણને પ્રેરણા આપે એવું છે. આપણા સામાન્ય જીવનમાં આવા તો કેટલાય પ્રસંગો દિવસમાં બનતા હોય છે કે જ્યાં ક્ષણે-ક્ષણે, મિનિટે-મિનિટે રાગ-દ્વેષ ઊભા થતા હોય છે. ત્યાં આપણે તીર્થંકરોના પ્રસંગોને સ્મરીએ કે આ કેવી રીતે રાગ-દ્વેષથી રહિત રહી શક્યા હશે, તો પણ અંદર ઘણું બળ મળે એમ છે અને આપણને ત્યાં બ્રેક આવે છે. જે આપણને જબરજસ્ત તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં તો જરૂર લાવી નાખશે. ભલે સંપૂર્ણ વીતરાગતા તો આવવી શક્ય નથી પણ કષાયની મંદતા તો અવશ્ય લાવશે. કષાયની મંદતા આપણને સમકિત તરફ લઈ જશે.

આજે, લોકો પાર્શ્વનાથ પ્રભુની અત્યંત શ્રધ્ધા અને ભક્તિપૂર્વક આરાધના કરે છે. આખા વિશ્વમાં પાર્શ્વનાથ ભગવાનના સૌથી વધુ દેરાસરો આવેલા છે, કારણ કે પદ્માવતી દેવી ભગવાનનું શાસન ખૂબ જ ઉજાળી રહ્યાં છે. શાસન દેવ-દેવીઓનું કાર્ય લોકો તીર્થંકર ભગવાનની ખૂબ ભક્તિ-આરાધના કરે અને મોક્ષમાર્ગ તરફ વળે તે હોય છે. પરંતુ, આ કાળમાં અજ્ઞાનનું ઘોર સામ્રાજ્ય છવાઈ જવાથી લોકો મોક્ષ માટે શાસન દેવ-દેવીઓની ભક્તિ-આરાધના ન કરતાં સંસારની ભૌતિક અડચણો દૂર કરવા માટે બાધાઓ, માનતાઓ રાખે છે.

આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શાસન દેવ-દેવીઓ ખૂબ ઉચ્ચ ગતિ ધરાવતા દેવ-દેવીઓ છે. તેઓ ક્યારેય સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવામાં પડતા જ નથી. દરેકને પોતાના પાપ-પુણ્યના ફળનું પરિણામ મળે છે. તેઓ મોક્ષ માટે પોતાનાથી બનતું કરી છૂટે છે. તેથી, આપણે નિષ્ઠાપૂર્વક પદ્માવતી દેવીને નમસ્કાર કરવા જોઈએ અને મુક્તિ માટે જ તેમના આશીર્વાદ માંગવા જોઈએ.

×
Share on