ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન

શ્રી સંભવનાથ ભગવાન વર્તમાન કાળચક્રના ત્રીજા તીર્થંકર હતા. ભગવાનની કાયા સુવર્ણવર્ણી અને દેહપ્રમાણ ૪૦૦ ધનુષનું હતું.

સંભવનાથ ભગવાનનું લાંછન અશ્વ છે. ત્રિમુખ યક્ષદેવ અને દુરિતારી યક્ષિણિ દેવી ભગવાનના શાસન દેવ-દેવી છે. ચાલો, હવે ભગવાનના જીવનચરિત્ર અને એમના બે પૂર્વભવો વિષે વાંચીએ.

શ્રી સંભવનાથ ભગવાન - પૂર્વભવો

તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનનો પ્રથમ ભવ ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આવેલી ક્ષેમપુરી નગરીમાં વિપુલવાહન રાજા તરીકેનો હતો.

વિપુલવાહન રાજા ખૂબ જ નીતિપરાયણ અને પ્રજા વત્સલ હતા. પોતાના રાજ્યમાં રહેતા લોકોને જરા પણ દુઃખ ન થાય એ રીતે તેઓ રાજ્ય ચલાવતા હતા. રાજનીતિમાં તેઓ અત્યંત કુશળ હતા. રાજ્યમાં જો કોઈ સારું કાર્ય કરે તો એમને ઇનામ આપતા અને ગુનેગારને યથાર્થ દંડ પણ આપતા. તેમને પોતાની સત્તાનો જરા પણ મદ ન હતો; તેઓ ખૂબ જ વિનમ્ર હતા.

sambhavnath

વિપુલવાહન રાજા ધર્મ પ્રત્યે અત્યંત રુચિ ધરાવતા હતા. તેઓ પોતાનો વધારાનો બધો જ સમય શુભધ્યાન, સ્વાધ્યાય અને તીર્થંકર ભગવંતોની સેવા-પૂજામાં વિતાવતા હતા. તેઓ શ્રાવક ધર્મના બાર વ્રતોનું પાલન કરતા હતા; કોઈ પણ યાચક એમના પાસેથી ભૂખ્યા કે ખાલી હાથે પાછા ન આવતા. દાન માટે વિપુલવાહન રાજા ખૂબ પ્રખ્યાત હતા.

એક વખત થયું એવું કે વિપુલવાહન રાજાના રાજ્યમાં સૂકો દુકાળ પડ્યો; અન્ન અને પાણી વિના લોકો ટળવળતા હતા. જાનવરો માટે પણ ઘાસચારા વગર ભૂખમરા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ખોરાકની અછતને કારણે લોકો ઝાડના પાંદડા અને ઝાડના મૂળિયા ખાવા લાગ્યા હતા. ખોરાકનો એક કટકો મેળવવા માટે પણ લોકો ખૂબ ભટકતા. કુટુંબના સભ્યો ખોરાક માટે અંદરોઅંદર ઝઘડતા હતા. બેરોજગારીને કારણે પ્રજાએ ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો ધર્મનું પાલન કરતા બંધ થઈ ગયા હતા.

વિપુલવાહન રાજાને જ્યારે લોકોની આવી પરિસ્થિતિની અને વ્યવહારની જાણ થઈ, ત્યારે તેમને થયું કે પ્રજાનું રક્ષણ કરવું તે તેમની જવાબદારી છે. તેમણે રાજ દરબાર બોલાવ્યો અને જાહેર કર્યું કે તેમનું સઘળું ધન, ખોરાક અને પાણીની ચતુર્વિધ સંઘ એટલે કે, સાધુઓ અને સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને વાપરવા માટે છૂટ રહેશે. એમણે પોતાના રસોઈયાને હુકમ આપ્યો કે મહેલમાં જે કંઈ પણ ખોરાક રંધાય તે પ્રથમ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને આપવો પછી કંઈ વધે તો જ પોતે લેશે અને જો કંઈ ન બચે તો પોતે એ દિવસે ઉપવાસ કરશે. જેટલા સમય સુધી દુકાળ ચાલ્યો, એટલા સમય સુધી વિપુલવાહન રાજાએ પોતાની પ્રજાને આહારદાન આપ્યું અને સાચા દિલથી નિ:સ્વાર્થ ભાવે લોકોની સેવા કરી.

દુકાળના સમયે પોતે ભૂખ્યા રહીને પ્રજાને આહારદાન આપવાથી અને ઉત્કૃષ્ટપણે વૈયાવચ્ચ કરવાથી વિપુલવાહન રાજાને તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાયું. આહારદાન કે પછી બીજા પ્રકારના દાન તો ઘણાં લોકો કરે છે, પણ એનાથી તીર્થંકર ગોત્ર નથી બંધાતું, પણ અહંકાર રહિત અને અત્યંત કરુણાભાવથી દાન કરવાથી વિપુલવાહન રાજાને તીર્થંકર ગોત્ર બંધાયુ.

દુકાળ પછી, સામાન્ય સમય ફરી પાછો આવ્યો. એક દિવસ, વિપુલવાહન રાજા મહેલની અગાસીમાં બેઠા હતા. ત્યારે તેમણે દૂરથી નાનકડું વાદળિયું જોયું અને એ જોઈને રાજા ખુશ થયા કે હવે વરસાદ આવશે; પરંતુ, એવામાં જ એક મોટું પવનનું મોજું આવ્યું અને તે વાદળિયું આગળ પસાર થઈ વેરવિખેર થઈ ગયું. આ બધું જોઈને વિપુલવાહન રાજાને અંદર ઝબકારો થયો કે આ સંસાર, આપણો દેહ એ બધું ક્ષણભંગુર છે. પ્રત્યે તીવ્ર વૈરાગ્યથી વિપુલવાહન રાજાનો મોહ નાશ પામ્યો અને તમામ સાંસારિક બંધનોમાંથી મુક્ત થયા. આખી જિંદગીનું આપણા કર્મોનું સરવૈયું આપણા મૃત્યુના સમયે આવે છે. મૃત્યુ સમયે આપણી અંદરની જે પરિણતી હોય એ પ્રમાણે આપણી ગતિ નક્કી થાય છે. જો ચિંતામાં મૃત્યુ થાય તો તિર્યંચ ગતિમાં જન્મ થાય છે. જો મૃત્યુ સમયે ધર્મધ્યાન વર્તે તો શુભ એટલે કે સારી ગતિમાં જન્મ મળે છે. માટે વિપુલવાહન રાજાને વિચાર આવ્યો, “જો હું અત્યારે વૈરાગ્ય ન લઉં તો મૃત્યુ બાદ મને કેવી ગતિ મળશે!” માટે વિપુલવાહન રાજાને સંસારી સુખો વિનાશી લાગ્યા અને આત્મસ્વરૂપમાં રહીને મોક્ષનું કામ કાઢી લેવા જેવું છે એવું ભાન થયું. વિપુલવાહન રાજાએ પોતાનો બધો રાજકારભાર પુત્રને સોંપીને એ કાળના મોટા આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિ પાસેથી દીક્ષા લીધી.

દીક્ષા બાદ વિપુલવાહન રાજાએ ખૂબ જ ધ્યાન, આરાધના, સંયમ, કષાયોની નિવૃત્તિ અને આખી જિંદગીમાં થયેલા દોષોનું પ્રાયશ્ચિત-પ્રતિક્રમણ કરીને પોતે શુદ્ધ થયા. તેમને દીક્ષા લીધા બાદ વીસ સ્થાનકો પ્રાપ્ત કરીને તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાયું.

સંભવનાથ ભગવાનનો બીજો ભવ આણત નામના નવમા દેવલોકમાં થયો અને ત્યાં લાંબા કાળ સુધી એમણે દેવગતિના સુખો ભોગવ્યા.

શ્રી સંભવનાથ ભગવાન - બાળપણ, દીક્ષા અને કેવળજ્ઞાન

દેવગતિમાંથી ચ્યવીને સંભવનાથ ભગવાનનો જન્મ માગશર સુદ ચૌદસના દિવસે ભરતક્ષેત્રની શ્રાવસ્તી નગરીના જિતારી રાજા અને સેનાદેવી રાણીને ત્યાં થયો હતો.

જ્યારે સંભવનાથ ભગવાન રાણી સેનાદેવીના ગર્ભમાં હતા, તે વર્ષે, રાજ્યમાં સંભા એટલે કે મગફળીનો પાક ખૂબ વિપુલ પ્રમાણમાં થયો હતો. આના પરથી ભગવાનનું નામ સંભવનાથ રાખવામાં આવ્યું. ભગવાન જન્મથી જ શ્રુત, મતિ અને અવધિ આ ત્રણ પ્રકારના જ્ઞાન સહિત હતા. બાલ્યકાળ અને કુમાર અવસ્થામાં રાજકુમાર સંભવનાથ રાજવી વૈભવો સહિત મોટા થયા, પરંતુ વૈભવી જીવનશૈલીમાં તેમને જરા પણ રસ ન હતો. ભોગાવલી કર્મનો ઉદય હોવાથી અને માતા-પિતાની આજ્ઞાથી યોગ્ય ઉંમરે રાજકુમાર સંભવનાથના લગ્ન થયા અને તેમણે રાજગાદી સંભાળી.

ખૂબ લાંબો સમય અને શાંતિપૂર્વક રાજ્ય ચલાવ્યા પછી દેવોની વિનંતિથી સંભવનાથ ભગવાને દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી ભગવાને વર્ષીદાન કર્યું અને એમનો દીક્ષા સમારોહ ઉજવાયો. તીર્થંકર ભગવાનનો દીક્ષા મહોત્સવ બધા દેવો જ સંભાળી લેતા હોય છે. સંભવનાથ ભગવાન સાથે અન્ય ૨૦,૦૦૦ રાજાઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના ૧૪ વર્ષ પછી, સંજ્વલન કર્મોને ખપાવતા, ભગવાનને કાર્તિક વદ પાંચમે કેવળજ્ઞાન થયું.

કેવળજ્ઞાન થયા પછી જ તીર્થંકરો દેશના આપે છે; એના પહેલાં મૌન જ હોય. તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દેવો સમવોસરણની રચના કરે છે. તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ ગણધરોની સ્થાપના થાય છે અને બધા જ ગણધરો ભગવાનના સમોવસરણમાં બિરાજે છે.

ભગવાન સંભવનાથના મુખ્ય ગણધર ચારુ હતા. ચારુ ગણધર સંભવનાથ ભગવાન પાસેથી બધું જ્ઞાન ધારણ કરીને લોકોને ઉપદેશ આપતા હતા; લોકોના જીવનમાં મોક્ષરૂપી બીજ વાવતા હતા. કેટલાક લોકોએ ભગવાનના દર્શન માત્રથી જ કેવળજ્ઞાન પામીને બધા જ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવી હતી.

દેશના - અનિત્ય ભાવના

તીર્થંકર ભગવાનની વાણીનો પ્રભાવ એવો હોય કે તે બધા જ આવરણોને ભેદીને સામાને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે. ભગવાનની વાણી સંપૂર્ણ નિરાવરણ થયેલી હોય. તેથી, લોકોને મોક્ષ પમાડવા માટે ભગવાનને તીર્થંકર ગોત્ર બંધાયેલું હોય છે. કારણ કે તેઓ પોતાની સાથે અનેકોને મોક્ષ પમાડે છે. એટલે દેવો પણ કેમ કરીને વધુમાં વધુ લોકો તીર્થંકર ભગવાનની વાણીનો લાભ લઈ શકે એ હેતુથી સમોવસરણની રચના કરે છે. દેવો તીર્થંકર ભગવાનની દેશના અને સમોવસરણમાં પધારવા મનુષ્યને ઘેર ઘેર સંદેશો પાઠવીને બોલાવે છે.

sambhavnath

સંભવનાથ ભગવાને પોતાની દેશનામાં ‘અનિત્ય ભાવના’ પર ખૂબ જ ઉઘાડ કરી દે એવા ફોડ પાડ્યા. દેશનામાં ભગવાને, આ જગતમાં કઈ વસ્તુઓ નિત્ય છે અને કઈ વસ્તુઓ અનિત્ય છે, તે વિષે સમજણ આપી.

અનિત્ય એટલે વિનાશી અને નિત્ય એટલે શાશ્વત. શાસ્ત્રનો અભ્યાસ કરતા કે સત્સંગના સમયે ફક્ત થોડી ક્ષણો માટે આપણને એવું લાગે કે આ સંસાર બધો અનિત્ય છે અને એકલો આત્મા જ નિત્ય છે એનો કંઈ અર્થ જ નથી. આના માટે એ ભેદ સમજવો આવશ્યક છે કે કઈ વસ્તુ નિત્ય છે અને કઈ વસ્તુ અનિત્ય છે.

આપણી પાંચ ઇન્‍દ્રિયોથી આ જગતમાં આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ તે વિષે તપાસ કરવી જોઈએ કે એ વિનાશી છે કે અવિનાશી છે! ચાલો જોઈએ કે આ ભેદને કઈ રીતે પારખી શકાય!

  • આપણી આસપાસના લોકો જેમ કે આપણા માતા-પિતા, પતિ-પત્ની, બાળકો આ બધા શું કાયમના છે? ના. કાયમના સંબંધો હોય તો જોડે જ જન્મે અને જોડે મરે. આ બધા જ સંબંધો વિનાશી છે.
  • આપણી બધી મિલકતો જેમ કે ઘર, બંગલો, કાર, સ્કૂટર, પૈસા... શું આ બધું કાયમી છે? ના. મિલકતો અહીં ને અહીં જ રહેશે પણ આપણે જતાં રહીશું એવો સંસાર છે આ.
  • જુદા જુદા સ્વાદવાળા સ્વાદિષ્ટ ભોજનો જે આપણે ખાઈએ છીએ, એ બધા સ્વાદિષ્ટ ભોજનને બનાવતા ભલે લાંબો સમય લાગે, પરંતુ તે થોડા જ સમયમાં ખવાઈ જાય છે. વધુમાં વધુ શું એ સ્વાદ કાયમ રહે છે ખરો? ખરેખર તો તે માત્ર અમુક ક્ષણ પૂરતો જ જીભ પર રહે છે! તેથી, અનિત્યની આ ભાવના કાયમ રહેવી જોઈએ. ખાતી વખતે એ જાગૃતિ રહેવી જોઈએ આ સ્વાદ એ કાયમી છે કે વિનાશી?
  • મીઠી નિદ્રા જેનો આપણે આનંદ માણીએ છીએ તે ક્ષણિક છે.
  • આ દેહ કે જેને આપણે પોતાનો માનીએ છીએ, તેની સ્વસ્થતા, તેની ચોખ્ખાઈ, તેના અંગો અને તેના રોગો બધું જ નાશવંત છે.
  • આપણું નામ પણ વિનાશી છે; તે માત્ર શરીરને ઓળખવા માટે આપેલું પાટિયું છે. ખરેખરમાં આપણું સાચું સ્વરૂપ શુદ્ધાત્મા છે.
  • આપણે જે શબ્દો બોલીએ છીએ તે નાશવંત છે.
  • જે વિચારો આપણને ઉદ્‍ભવે છે તે ક્ષણિક છે; તે આવે છે અને જતા રહે છે.
  • બુધ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધું જ વિનાશી છે.
  • જુદા જુદા પ્રકારના ભય જે આપણે અનુભવીએ છીએ તે પણ વિનાશી છે. સ્મશાન આગળથી જઈએ તો પ્રેતનો ભય લાગે અને પાછા કોઈ ખુશીના પ્રસંગમાં જઈએ તો આપણે એ ભયને ભૂલી જઈએ છીએ. માટે આ બધા ભય પણ વિનાશી છે.
  • માન-અપમાન, ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, ઈર્ષા-અદેખાઈ આ બધાનું આવન-જાવન થતું રહે છે; માટે બધું ક્ષણિક છે.

આપણા સાચા સ્વરૂપને જાણવું એ નિત્ય ભાગ છે. આ સંસારમાં બધું જ અનિત્ય છે; ફક્ત એક આપણે જ નિત્ય છીએ. આ રીતે અનિત્ય ભાવના પર ભગવાને દેશનામાં ખૂબ સુંદર સમજણ આપી.

દેશનામાં ભગવાને ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, જેને ત્રિપદીનો સિદ્ધાંત કહેવાય છે, એ વિષે પણ સમજાવ્યું. સ્વાભાવિક વસ્તુ એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણ વસ્તુ દરેક તત્ત્વને હોય છે. આખા બ્રહ્માંડમાં આત્મા, જડ, આકાશ, કાળ, ગતિસહાયક અને સ્થિતિસહાયક એમ છ શાશ્વત તત્ત્વો છે. આ દરેક તત્ત્વનો ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ગુણ છે. દરેક તત્ત્વને એના પોતાના દ્રવ્ય અને ગુણધર્મ હોય છે. ગુણધર્મો અને દ્રવ્યો એ બંને શાશ્વત છે. એમાં કોઈ ફેરફાર શક્ય નથી, પણ પર્યાયો હંમેશા ઊભા થાય છે, થોડી ક્ષણો પૂરતા સ્થિર થાય છે અને પછી તરત જ એનો વ્યય થાય છે. તત્ત્વો સંબંધી સૂક્ષ્મ વાતો ભગવાને દેશનામાં લોકોને સમજાવી; એનાથી લોકોને આત્મતત્ત્વ શું છે અને કેવું છે એનો યથાર્થ અનુભવ થયો. ભગવાને લાંબા કાળ સુધી લોકોને દેશના આપી.

નિર્વાણ

સંભવનાથ ભગવાનના પરિવારમાં ૨,૦૦,૦૦૦ સાધુઓ, ૩,૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧૫,૦૦૦ કેવળજ્ઞાનીઓ, ૨,૯૩,૦૦૦ શ્રાવકો અને ૬,૩૬,૦૦૦ શ્રાવિકાઓ હતા. અંતે, સંભવનાથ ભગવાનનું નિર્વાણ ૧૦૦૦ સાધુઓ સાથે સમેત શિખરજી પરથી થયું હતું. સમેત શિખરજી અત્યંત પવિત્ર તીર્થસ્થળ છે જ્યાંથી આ કાળચક્રના ૨૦ તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો.

ભગવાનના નિર્વાણના સમયે શૈલેષીકરણની ક્રિયા થઈ હતી. જેમાં ભગવાને આખા શરીરમાંથી આત્માને સંકોચીને બ્રહ્મરંધ્રમાંથી સિધ્ધક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. બધા દેવોએ ભગવાનના નિર્વાણની બધી અંતિમ વિધિઓ કરી અને તેમના અસ્થિ અને વસ્તુઓ ભેગી કરી. દેવો દ્વારા આવું એટલા માટે થાય છે કારણ કે ભગવાનની એકેએક વસ્તુઓ પૂજનીય અને વંદનીય મનાય છે.

સંભવનાથ ભગવાનનું જીવનચરિત્ર વાંચીને ભગવાન જેવી ભાવના ભાવવાથી અને ભક્તિ કરવાથી આપણે પણ મોક્ષ પંથના રાહી થઈશું.

×
Share on