પૂજ્ય નીરુમા - ફેલાવ્યું અક્રમવિજ્ઞાન
દાદાનું સપનું હતું કે આ અક્રમ વિજ્ઞાન સમગ્ર વિશ્વમાં ફેલાય. આજે નિ:શંકપણે તે દેશ વિદેશમાં લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. તો આ વિજ્ઞાન લોકો સુધી કેવી રીતે પહોચ્યું એના માટે નિહાળો આ વીડિયો.
પરમ પૂજ્ય દાદાશ્રીની ઈચ્છાને ધ્યાનમાં લેતાં, પૂજ્ય નીરુમા એ પ્રથમ જ્ઞાનવિધિ ૧૯૮૮ માં કરાવી. જ્ઞાનીની કૃપા અને રક્ષણના બળ સાથે, પૂજ્ય નીરુમા રાજી ખુશીથી, ખૂબજ અંતરિયાળ(દૂરનાં ગામડા) સ્થળોએ જે મળે તે વાહનમાં, સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરતાં અને ઘણીજ મુશ્કેલીઓ વેઠીને કોઈ પણ જાતની સગવડતા વગરનાં નાના ગામડાઓની મુલાકાત લેતા; જ્યારે તેમની તબિયત બરાબર ના હોય, ત્યારે પણ તેઓ પરમ પૂજ્ય દાદાશ્રી અને અક્રમવિજ્ઞાન વિશે માત્ર વાત કરવાની તક માટે મુસાફરી કરતા. પરમ પૂજ્ય દાદાશ્રીને આપેલ વચન પાળવાના તેમના દૃઢ નિશ્ચયને કોઈપણ વસ્તુ અટકાવી ના શકી.
દાદાશ્રી એ કોઈ પણ સંપ્રદાય સ્થાપ્યો નહતો, અને કહેતાં કે જે પ્યોર છે તેનેજ જગત સ્વીકારશે. પરમ પૂજ્ય દાદાશ્રીનો સંદેશ સત્સંગ દ્વારા ફેલાતાની, સાથે અઢળક પ્રસિધ્ધિ મળી પરિણામે લોકોમાં ખૂબ પૂજ્યભાવ ઉત્પન્ન થયો પરંતુ પૂજ્ય નીરુમાએ નિરંતર શુધ્ધતા જાળવી જે ક્યારેય સ્વપ્રશંસાથી દૂષિત ના થઈ. તેઓ હમેંશા પરમ પૂજ્ય દાદાશ્રીને ક્રેડીટ આપતા અને લોકોને કહેતાં કે, તેઓનું આનંદસ્વરૂપ રૂપાંતર સંપૂર્ણપણે પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપા અને સિધ્ધિને કારણે થયું છે.
કુદરતે પણ નીરુમાને ઘણાં વિશેષ ગુણોથી નવાજ્યા હતાં, તેથીજ તેઓ આખા જગતના મધર તરીકેની જબરજસ્ત ભૂમિકાને નિભાવી શક્યા. જે પ્રેમ તેમણે તેમની આજુબાજુ રહેનાર વ્યકિતઓ પ્રત્યે દાખવ્યો છે તે ખરેખર અજોડ હતો! દરેકને એવું લાગતું કે તેઓ તેમના મધર છે. તેમનો પ્રેમ નિ:સ્વાર્થ હતો, બદલામાં ક્યારેય કોઈની પાસેથી કશી આશા રાખતા નહોતા. તેઓ હમેંશા નિખાલસ અને પ્રાપ્ય (બધાને ભેદભાવ વગર મળતાં) હતાં, લોકો તેમને આસાનીથી પોતાની સમસ્યાઓ વિષે વાત કરી શક્તા, કારણકે એમને કોઈના માટે કોઈ અભિપ્રાય જ ન રહે અને તેઓ દરેકને પોતાની વિશેષતાનો અનુભવ કરાવતાં. પૂજ્ય નીરુમા પાસે ઘણાં યુવાનો (આપ્તપુત્ર) અને યુવતીઓ (આપ્તપુત્રી) આવતાં હતાં, જેઓ આજીવન બ્રહ્મચર્ય પાળી પરમ પૂજ્ય દાદાશ્રીના જગતક્લ્યાણ ના કાર્યમાં તેમની મદદ કરી પોતાનું શેષ જીવન સમર્પી દેવા ઈચ્છતા હતાં.
તેમની પાસે સૌથી જટિલ સમસ્યાઓ ખૂબજ ઓછા સમયમાં ઉકેલવાની કળા હતી. તેમની યાદ શક્તિ ફોટોગ્રાફિક હતી અને એક જ વખત વાંચ્યા પછી તેમને તુરંત જ યાદ રહી જતું હતું. તેઓ ઈચ્છે ત્યારે નામ, ઘટનાઓ અને સમયને યાદ કરી શક્તા.
ટીવીનાં માધ્યમે નીરુમાનાં પ્રયત્નોને વેગ આપ્યો. જ્ઞાની પુરુષ વિષેનો પૂજ્ય નીરુમાનો સત્સંગ આખા વિશ્વમાં લાખો પ્રેક્ષકોને પહોંચવાનું શરૂ થયું. ઘણાં લોકો તેમની તરફ ખેંચાયા અને તેમની કરુણાં અને પ્રેમનો અનુભવ કર્યો. જેમ ટાંકણી લોહચુંબક તરફ ખેંચાય તેમ તેમની હળવી અને રમૂજી (આનંદી) શૈલીના લીધે લોકો તેમનાં તરફ આકર્ષાતાં. આમ અનુયાયીઓની (મહાત્માઓની) સંખ્યા ભારત અને વિદેશોમાં વધવા લાગી; અને નાના હોય કે મોટા, સ્ત્રી હોય કે પુરુષ, ભણેલાં હોય કે અભણ, ગરીબ હોય કે પૈસાદાર- બધાંજ જગતકલ્યાણનાં કાર્યમાં સહભાગી થવા ઈચ્છવા લાગ્યા.
Dr. Niruben Amin, lovingly addressed as 'Niruma', was a prominent disciple of the Gnani Purush Ambalal Patel also known as Param Pujya 'Dada Bhagwan' or 'Dadashri'. She was rightly known as an 'Embodiment of Love' or 'The World's mother' by everyone. See the following video for more details.
પૂજ્ય નીરુમાએ પૂરજોશમાં સત્સંગ આપવાનું કાર્ય ચાલું રાખ્યું, અને લોકોને વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની ઓળખાણ પાડી.
૨૦૦૨ ની સાલમાં અડાલજ, ગાંધીનગર ખાતે વિશાળ 'ત્રિમંદિર સંકુલ'ની તેમની (પૂજ્ય નીરુમાની) દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્થાપના થઇ. પરમ પૂજ્ય દાદાશ્રીની ભાવના અનુસાર, આ સંકુલમાં ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિર સાથે ૩૨,પ૦૦ ચો. ફુટનો સત્સંગ હોલ છે. આ સંકુલમાં અનુયાયીઓ (મહાત્માઓ) માટે સુઆયોજીત આવાસી ટાઉનશીપ છે, જે સીમંધર સીટી નાં નામે ઓળખાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રીનો પૈસાની બાબત માં જે સિધ્ધાંત હતો, તેને પૂજ્ય નીરુમા આખી જીંદગી ચુસ્તપણે વળગી રહ્યા અને ક્યારેય પોતાના નીજી ખર્ચા માટે કોઈની પાસેથી એક પૈસો પણ ન લીધો.
પૂજ્ય નીરુમાનો દેહવિલય ૧૯ માર્ચ, ૨૦૦૬ ના રોજ સંપૂર્ણસમાધિ( 'હું શુધ્ધાત્મા છું' તેની નિરંતર જાગૃતિ અને દેહ થી સંપૂર્ણ પણે મુક્ત અવસ્થા ના પરિણામે થતું [નિરાલંબ] આનંદ અવસ્થા માં મૃત્યુ) અવસ્થામાં થયો. તેમનો અંતિમ સંદેશો હતો કે બધા એકબીજા સાથે 'પ્રેમથી રહેજો...... પ્રોમિસ?'.પૂજ્ય નીરુમાના દેહવિલય સમયે, એમના સૂક્ષ્મ આશીર્વાદે, દરેકની આત્મજાગૃતિને નવીજ ઊંચાઈઓએ પહોંચાડી.પૂજ્ય નીરુમાની પ્રત્યક્ષ હાજરી દરમ્યાન તો ઘણાં લોકો તેમની આધ્યાત્મિક શકિતઓના સાક્ષી બન્યાં, પરંતુ હવે તેનાથી ઘણાં વધારે અસંખ્ય અનુભવો તેમની સૂક્ષ્મ શકિતઓનાં થઈ રહ્યાં છે.
આજે પરમ પૂજ્ય દાદાશ્રીનું જગતકલ્યાણનું મીશન એજ પ્યોરીટીનાં સિધ્ધાંત પર પૂજ્યશ્રી દીપકભાઈનાં માર્ગદર્શન હેઠળ ચાલુ છે.
સીમંધર સીટીમાં જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે જગ્યા પર તેમની સાદી પરંતુ પ્રભાવશાળી સફેદ આરસપહાણની સમાધિ ઉભી છે, પ્યોરિટી અને પ્રેમ જે તેમણે મૂર્તિમંત કર્યા હતાં તેને અનુસરવાના દરેકનાં રોજબરોજના પ્રયત્નોને પૂજ્ય નીરુમાની સૂક્ષ્મ હાજરી, આંતરિક શકિત આપી રહી છે.
પૂજ્ય નીરુમાની સમાધિ ને 360 ડિગ્રી પેનોરમા દ્વારા નિહાળો :
subscribe your email for our latest news and events