More

દામ્પત્ય જીવન

અઢાર વર્ષની વયે, તેમના લગ્ન હીરાબા સાથે થયા. લગ્નબાદ થોડા જ સમયમાં, હીરાબાની એક આંખ ઝામરનાં દર્દમાં જતી રહી. તે વખતે લોકો અંબાલાલને ફરી પરણાવવા પાછળ પડ્યા કારણકે, હીરાબા ને આંખે ખોડ અને બીજું પ્રજા કશું નહોતી. ત્યારે અંબાલાલ તેમનાં જવાબમાં સ્પષ્ટ હતાં: "ના! આ હીરાબાને તો અમે અગ્નિદેવતાની સાક્ષીએ કાળજી લેવાનું પ્રોમિસ આપેલું  છે ! જીવનનાં છેલ્લા શ્વાસ સુધી એ વચન હું પાળીશ. (અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. હું કોઇ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઇ જાય પ્રોમિસ એટલે પ્રોમિસ !) બે જતી રહેશે તોય હું તેમની સંભાળ રાખીશ.

હીરાબા માટે તેઓ અસાધારણ પતિ હતાં અને તેમને એક્વાર પણ એક્બીજા સાથે ઝઘડો કે મતભેદ થયો નહોતો.

તેઓ ઘણું સરળ જીવન જીવતાં. સફળ ધંધો ચલાવતા હોવાં છતાં, તેઓ માત્ર એક નોનમેટ્રિક વ્યકિતને નોકરીમાં પગાર તરીકે મળે એટલાજ પૈસા ઘરે લઇ જતાં. તેઓ નફો અડતાંજ નહી અને એમનાં ભાગીદારને કહેતા કે, તેઓ તેમની દીકરીનાં લગ્નનાં અને અન્ય ખર્ચા ચૂકવવા માટે નફો લઇ જવા માટે મુક્ત છે. જીવનમાં ક્યારેય એમણે પોતાની વ્યક્તિગત જરૂરિયાત માટે કોઇની પાસેથી પૈસો લીધો નથી. ઉલ્ટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા!  

પોતે અહિંસાની બાબતમાં એટલા જાગૃત હતાં કે જયારે પોતે રાત્રે મોડા આવે ત્યારે ગલીમાં સૂતેલા કૂતરા ભડકીને જાગી ના જાય એટલા માટે પોતે બૂટ કાઢી અને ઉઘાડા પગે ચાલે.

તેઓ સંસારી જીવનને જુદા જ દૃષ્ટિકોણ થી મૂલવતા. "ખૂબ નાની ઉંમરથી જ અમને આ સંસારની વિકરાળતાનો ખ્યાલ આવી ગયેલો. દરેક ક્ષણમાં જોખમ રહેલું છે, અને દરેક ક્ષણમાં મુશ્કેલી અને દુઃખો રહેલા છે. તેથી હું કોઇપણ વસ્તુમાં વધારે પડતો ઉત્સાહ કે અભાવ ધરાવતો નથી. શું તમને ખબર છે કે તમારું મૃત્યુ કયારે થશે?". તેઓ નિરંતર સત્વગુણી ચિંતવન અને આત્માસંબંધી વિચારણામાં રત રહેતા.

અવિનાશી સત્ અને આત્મસાક્ષાત્કાર ની શોધ માં તેમણે બધા ધર્મોનાં શાસ્ત્રો વાંચ્યા. તેઓ શ્રીમદ્ રાજચંદ્રનાં બધા પુસ્તકોથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું હતું કે, જો તેઓ પ્રત્યક્ષ મળ્યા હોત તો શ્રીમદ્ ને ગુરુ બનાવ્યા હોત.

આત્માની પ્રાપ્તિ કરવાં, તેમણે ઘણાં તપ ભોગવ્યા:

"અમે તો માકણનેય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણકે મારી હોટલ એવી છે કે, આ હોટલમાં કોઇને દુઃખ આપવાનું નહીં, એ અમારો ધંધો એટલે માકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઇ આપણને સરકાર દંડ કરવાની છે? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવિહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી, એ બધું કરવામાં બાકી રાખ્યું નહોતું ! ને ત્યારે જો પ્રગટ થયું, આખું  'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું, જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું વિજ્ઞાન પ્રગટ થયું છે !.

 

 

×
Share on