Related Questions

ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?

ઠાકોરજીની પૂજા!

દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને?

પ્રશ્નકર્તા: ના.

દાદાશ્રી: પૂજા કરો છો તો પૂજ્ય પુરુષની કરો છો કે અપૂજ્યની?

પ્રશ્નકર્તા: હું તો ખાલી પુષ્ટિમાર્ગનો છું. સેવા કરેલા ઠાકોરજી પધરાવેલ છે, એમની પૂજા કરું છું!

દાદાશ્રી: હા, પણ એ પૂજ્ય છે, તેથી પધરાવેલ છે ને? પૂજ્ય ના હોય તેની પૂજા ના કરવી. પૂજ્યબુદ્ધિથી પૂજ્યની પૂજા કરવી. પૂજા કરવા ખાતર ના કરવી, પણ પૂજ્યબુદ્ધિથી પૂજા કરવી. ઠાકોરજી ઉપર પૂજ્યબુદ્ધિ તો છે ને? ઠાકોરજી કોઈ દહાડો તમારી જોડે વાતચીત કરે છે કે!

પ્રશ્નકર્તા: હજી સુધી તો લાભ નથી મળ્યો.

દાદાશ્રી: ઠાકોરજી તમારી જોડે વાત શાથી નથી કરતા? મને લાગે છે કે, ઠાકોરજી શરમાળ હશે કે પછી તમે શરમાળ છો? મને લાગે છે કે બેમાંથી એક શરમાળ છે!

પ્રશ્નકર્તા: પૂજા કરું છું, પણ ઠાકોરજીને બોલાવી નથી શકતો.

દાદાશ્રી: બોલાવી શકતા નથી ને? આપણે રામચંદ્રજીને ત્યાં જયપુરમાં ને અયોધ્યામાં ગયેલા તો ત્યાં રામચંદ્રજી બોલતા હતા. અમે જ્યાં નવી મૂર્તિ દેખીએ ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરીએ. આ બિરલાએ જયપુરમાં ને અયોધ્યામાં મંદિરો બાંધ્યાં, ત્યાં અમે રામચંદ્રજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરેલી. તે બેઉ જગ્યાએ આશ્ચર્ય ઊભું થયેલું. આપણા મહાત્માઓ, ૩૫ જણ બેઠેલા અને ત્યાંના પૂજારીને તો રામચંદ્રજી ખૂબ હસતા દેખાયા. તેમણે તો મંદિર બાંધ્યું ત્યારથી રામચંદ્રજીને રિસાયેલા ને રિસાયેલા જ દીઠેલા. તે મંદિર ય રિસાયેલું હતું, ને દર્શન કરનારા ય રિસાયેલા. રામચંદ્રજીની મૂર્તિ હસી તે જોઈને પૂજારી દોડતોકને અમને હાર પહેરાવી ગયો. મેં પૂછ્યું, 'કેમ?' તો એ ખૂબ રડવા માંડ્યો. કહે કે, 'આવા દર્શન તો કોઈ દહાડો થયા જ નથી. આજે તમે ખરા રામચંદ્રજીના દર્શન કરાવ્યા.' અમે કહ્યું, 'આ લોકોના કલ્યાણ માટે કર્યું છે. અત્યાર સુધી રામચંદ્રજી રિસાયેલા હતા, તે લોકોનું શું કલ્યાણ થાય? હવે રામચંદ્રજી હસતા થયા, હવે કાયમ હસતા મૂકીને જઈએ છીએ. તે જે જોશે તે હસતા થશે. અમે પ્રતિષ્ઠા કરી આપી. કોઈ દિવસ સાચી પ્રતિષ્ઠા જ નહીં થયેલી.' આ જે પ્રતિષ્ઠા કરે તે વાસનાવાળા લોક છે. પ્રતિષ્ઠા તો આત્મજ્ઞાની, એવા 'જ્ઞાની પુરુષ' કરે તો જ તે ફળે. વાસના એટલે સમજ પડીને? કંઈ ને કંઈ ઈચ્છા કે, 'ચંદુભાઈ કામ લાગશે.' એ વાસના કહેવાય. જેને આ જગતમાં કોઈ ચીજની જરૂર નથી, આખા જગતનું સોનું આપે તોય જરૂર નથી, વિષયોની જરૂર નથી, કીર્તિની જરૂર નથી, જેને કોઈ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય. એવા 'જ્ઞાની પુરુષ' ચાહે સો કરે, મૂર્તિને બોલતી કરાવે. તમે મૂર્તિ જોડે વાતચીત નથી કરતા? પણ તમારી જબાનની છૂટ છે ને? એ ના બોલે તો આપણે બોલીએ, એમાં શું થઈ ગયું? 'ભગવાન કેમ બોલતા નથી? શું મારી ઉપર વિશ્વાસ નથી આવતો?' એવું એમને કહીએ. આ માણસને એમ કહીએ તો એ હસી નથી પડતા? એમ મૂર્તિ હસી પડે. એક મૂર્તિ છે કે બે?

પ્રશ્નકર્તા: એક.

દાદાશ્રી: નવડાવો, ધોવડાવો છો ખરા કે?

પ્રશ્નકર્તા: હા, રોજ નવડાવું છું.

દાદાશ્રી: ગરમ પાણીએ કે ટાઢે?

પ્રશ્નકર્તા: હશેકા પાણીએ.

દાદાશ્રી: એ સારું, નહીં તો બહુ ટાઢે પાણીથી નવડાવો તો ટાઢ વાય ને બહુ ગરમ પાણીએ દઝાવાય, એટલે હશેકું પાણી જોઈએ. ઠાકોરજીને રોજ જમાડો છે કે રોજ અગિયારસ કરાવો છો?

પ્રશ્નકર્તા: અગિયારસ તો હું પણ નથી કરતો.

દાદાશ્રી: તમે નથી કરતા તેનો વાંધો નથી, પણ ઠાકોરજીને જમાડો છો ને?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: કેટલા વાગ્યે જમાડો છો?

પ્રશ્નકર્તા: સવારે આઠ વાગ્યે જમાડીને, પોઢાડીને, પછી પ્રસાદ લઈને ઓફિસે જાઉં છું.

દાદાશ્રી: પછી બપોરે જમો છો?

પ્રશ્નકર્તા: ભૂખ લાગે ત્યારે ગમે ત્યાં ખાઈ લઉં છું.

દાદાશ્રી: હા, પણ તે ઘડીએ ઠાકોરજીને ભૂખ લાગી તેની તપાસ કરી?

પ્રશ્નકર્તા: એ શી રીતે કરું?

દાદાશ્રી: એ પછી રડ્યા કરે બિચારા! ભૂખ લાગે તો શું કરે? એટલે તમે મારું કહેલું એક કરશો? કરશો કે નહીં કરો?

પ્રશ્નકર્તા: જરૂર કરીશ, દાદા.

દાદાશ્રી: તો તમે જ્યારે ખાવ ને તો તે વખતે ઠાકોરજીને યાદ કરી, અર્પણ કરીને 'તમે જમી લો, પછી હું ખાઉં, તમને ભૂખ લાગી હશે' એમ કહીને પછી ખાજો. એવું કરશો? આવું થાય તો હા પાડજો ને ના થાય તો ના કહેજો.

પ્રશ્નકર્તા: પણ સાહેબ, હું ઠાકોરજીને પોઢાડીને આવું છું ને!

દાદાશ્રી: ના, પોઢાડી દો પણ ભૂખ્યા રહે ને? તેથી એ બોલે નહીં ને! એ કેટલી વખત સૂઈ રહે પછી? એટલે બેઠા થાય ને સૂઈ જાય, બેઠા થાય ને સૂઈ જાય. તમે એવો ખોરાક નથી ખાતા ને કે જે એમને ચાલે નહીં? હિન્દુનો સાત્વિક ખોરાક હોય છે ને? મુસ્લિમનો તામસી ખોરાક હોય તો આપણે ના જમાડવું. પણ હિન્દુ, સાત્વિક ખોરાક હોય તો આપણે તેમને કહીએ કે, 'લો જમી લો ઠાકોરજી' એટલું થાય એવું છે તમારાથી? તો કો'ક દા'ડો ઠાકોરજી તમારી સાથે બોલશે, એ ખુશ થઈ જશે તે દહાડે બોલશે. ના કેમ બોલે? અરે, આ ભીંતો પણ બોલે! બધું બોલે એવું છે આ જગતમાં! ભગવાનને રોજ નવડાવીએ, ધોવડાવીએ, હશેકાં પાણીથી નવડાવીએ, તો શું કાયમ અબોલા જ રહેવાના? કોઈ માણસ પૈણવા ગયો હોય ને બાઈ લઈને આવે તે અબોલા લે, તો પછી શો ફાયદો? બોલે જ નહીં એને શું કરે? એટલે ભગવાને ય બોલે, આપણો ભાવ હોય તો બોલે. આ પૂજા કરો છો એ તમારા ઘરના સારા સંસ્કાર કહેવાય.

પ્રશ્નકર્તા: હું બહારગામ જાઉં તો ભગવાનને જોડે જ લઈ જાઉં છું.

દાદાશ્રી: ભગવાન વગર તો કોઈ ક્રિયા જ ના કરવી. ખરી રીતે તો ઠાકોરજી આ મુસ્લિમનો ખોરાક લેવાની ના પાડે, પણ હવે શું કરે? બહુ તો અબોલા લે, તો બોલવાનું બંધ કરી દે, નહીં તો વૈષ્ણવજનને તો બહાર અડાય નહીં, પાણી ના પીવાય. કેવું સરસ, ચુસ્ત વૈષ્ણવ કહેવાય! મૂર્તિને નવડાવે છે, ધોવડાવે છે, એ ચુસ્ત વૈષ્ણવ કહેવાય. પણ શું કરે? અત્યારે સંયોગોના હિસાબે કોઈને ઠપકો આપવા જેવી વસ્તુ નથી. સંજોગો પ્રમાણે હોય છે ને તેથી એ મૂર્તિ નથી બોલતી, નહીં તો મૂર્તિ બોલે. જો બધી રીતે એના કાયદા પાળે ને, તો કેમ ના બોલે? પીત્તળની મૂર્તિ છે કે સોનાની?

પ્રશ્નકર્તા: ચાંદીની.

દાદાશ્રી: અત્યારે તો સોનાની મૂર્તિ હોય તો છોકરાંઓ બહાર જઈને વેચી આવે, તમને મારી વાત ગમે છે ને?

પ્રશ્નકર્તા: હા, દાદા, બહુ ગમે છે.

દાદાશ્રી: હવે જો બહાર જમશો ને, ત્યારે પણ ઠાકોરજીને જમાડીને જમજો, તેથી તમારી જવાબદારી જતી રહેશે.

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on