Related Questions

સ્થિતપ્રજ્ઞ એટલે શું?

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિતપ્રજ્ઞ થવા કહે છે. પોતે જે દશાએ પહોંચવાનું લક્ષ્ય બાંધ્યું હોય, તે દશાએ પહોંચેલી વ્યક્તિના લક્ષણો કેવા હોય તે જાણવાની ઉત્કંઠા થાય તે સ્વાભાવિક છે. અર્જુન પણ આ જ ઉત્સુકતા સાથે બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાનને આ પ્રમાણે પૂછે છે.

સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ ।
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪॥

અર્થાત્ “હે કેશવ! સ્થિતપ્રજ્ઞ મનુષ્યની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે? કેવી રીતે બેસે છે? કેવી રીતે ચાલે છે?” એટલે કે તેમના આચરણ કેવાં હોય છે?

ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે જેઓ પ્રજ્ઞા (સમ્યક્ બુદ્ધિ)માં સ્થિર થયા છે, જે અસારને અલગ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સ્થિતપ્રજ્ઞ દશા છે!

યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ ।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૭॥

આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ એમ પણ કહે છે કે, જે મનુષ્ય સર્વ પરિસ્થિતિમાં આસક્તિરહિત રહે છે; જે શુભમાં ખુશ થઈને પ્રશંસા કરતો નથી, કે અશુભમાં ક્યારેય દ્વેષ કરતો નથી, તેની પ્રજ્ઞા સ્થિર થાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સાદી ભાષામાં સ્થિતપ્રજ્ઞ દશાનો ફોડ આપતા કહે છે કે, સ્થિતપ્રજ્ઞ દશા હોય તો તેનાથી મનુષ્ય ઈમોશનલ ના થાય. જે મોશનમાં રહે તે સ્થિતપ્રજ્ઞ. જ્યારે અંદરની સ્થિરતા ન જાય, કોઈ વસ્તુ અસર ન કરે, અપમાન આવે, સુખ કે દુઃખના દિવસો આવે, તો પણ એ બધામાં નિર્લેપ રહી શકે એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. પરંતુ સ્થિતપ્રજ્ઞ દશાથી નિરંતર સમાધિ ઉત્પન્ન નથી થતી. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી સમાધિ ઉત્પન્ન નથી થતી. ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય!

સ્નેહીઓ સામે યુદ્ધ કરવાના વિચારથી ઈમોશનલ અને હતાશ થયેલા અર્જુનને ઊભો કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાને તેને સ્થિતપ્રજ્ઞ થવા કહ્યું હતું, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન પોતે તો એથી ઘણી ઊંચી, સંપૂર્ણ વિરક્ત દશામાં વર્તતા હતા.

પરમ પૂજ્ય દાદાશ્રી, જેઓ શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત જાણીને બેઠા છે, તેઓશ્રી કહે છે કે, “‘આ આત્મા છે અને અન્યથી તે પર છે’ એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઈ જાય તો સ્થિતપ્રજ્ઞ દશા ચાલુ થઈ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા, તે સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય!”

તેઓશ્રી જણાવે છે કે, “સ્થિતપ્રજ્ઞ દશા એટલે શુદ્ધ થયેલી બુદ્ધિથી આત્માના ગુણધર્મ જાણે અને તેની ઓળખાણ પડે, પણ અનુભૂતિ ના થાય. સ્થિતપ્રજ્ઞ દશાથી જગતને અને બધાં તત્ત્વોને જાણે, ઓળખે, તેને જ શુદ્ધ સમકિત કહેવાય.

સ્થિતપ્રજ્ઞ એ અનુભવદશા નથી. સ્થિતપ્રજ્ઞ એટલે પ્રજ્ઞામાં સ્થિર થવું, પ્રજ્ઞા તરફ આગળ વધવું. બે શબ્દ છે, બુદ્ધિ એટલે કે અજ્ઞા અને પ્રજ્ઞા. સંસારમાંથી બહાર ન નીકળવા દે એનું નામ બુદ્ધિ અને આત્મામાંથી બહાર ન નીકળવા દે એનું નામ પ્રજ્ઞા. આત્મા તરફ જનારી દશાને સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય છે, પણ તેમાં આત્મા પૂરેપૂરો પ્રાપ્ત થતો નથી. જેમ નરસિંહ મહેતાએ કહ્યું કે "હું કરું હું કરું એ જ અજ્ઞાનતા." તેમ સ્થિતપ્રજ્ઞ દશાવાળાને શંકા પડે છે કે, “આ હું કરતો નથી, હું આત્મા છું.” પણ એને અનુભવમાં નથી આવતું.

સ્થિતપ્રજ્ઞ દશામાં બુદ્ધિ સમ્યક્ થવા માંડે છે કે, “મારે કોઈને દુઃખ આપવું નથી, વેર બાંધવું નથી, કોઈ મને દુઃખ આપે તો બદલા લેવા નથી.” એટલે સ્થિતપ્રજ્ઞ એક એવી દશા છે સંસારમાંથી પાછો ફરી રહ્યો છે, પણ આત્મામાં હજુ પેઠો નથી. સ્થિતપ્રજ્ઞ એ ઊંચી દશા છે. પણ સ્થિતપ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એ બંનેમાં બહુ ફેર છે. સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞામાં સ્થિર થાય તે દશા છે. એ દશા પ્રાપ્ત કર્યા પછી મનુષ્યએ આત્મા પ્રાપ્ત કરવાનો બાકી રહે છે. એક વખત આત્મા પ્રાપ્ત થઈ જાય પછી કર્મોમાં રાગ-દ્વેષ કર્યા વગર સમભાવે ઉકેલ આવે છે!

સ્થિતપ્રજ્ઞ દશાથી પણ આગળ આત્મસ્વરૂપનું જ્ઞાન છે, જેનાથી આત્માની સીધી અનુભૂતિ થાય છે. તેને પરમાર્થ સમકિત કહેવાય છે, જેના થકી આખા જગતને અને જગતના તત્ત્વોને જોઈ શકાય, ઓળખી શકાય અને અનુભવી શકાય! જ્યારે આત્મદર્શન થાય ત્યારે એને પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય. મૂળ આત્માની પ્રતીતિ બેસે છે એટલે પ્રજ્ઞા પ્રગટ થાય, પછી એ મોક્ષે જાય જ નિયમથી. સ્વરૂપજ્ઞાન મળે એટલે પ્રજ્ઞા જાગૃત થઈ જાય.

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on