ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા કહ્યું હતું. કારણ કે, અર્જુન રણભૂમિ ઉપર પોતાના સગાં-સ્નેહીઓ સામે યુદ્ધ લડવાના વિચારથી વિષાદમાં ડૂબી ગયા હતા કે, હું મારા સ્નેહીઓને મારી નાખું તે કેટલું હીન કર્મ છે! ત્યારે અર્જુનનો મોહ દૂર થાય અને તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર થાય તે અર્થે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું હતું.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, શ્રીકૃષ્ણ ભગવાન જે કહેવા માંગતા હતા તેનો સાર બે જ શબ્દોમાં આવી જાય છે - ‘ખોખું’ એટલે વિનાશી દેહ, અને ‘માલ‘ એટલે અવિનાશી આત્મા. તેઓશ્રી કહે છે કે ‘ખોખું’ અને ‘માલ‘ આ બે શબ્દો યથાર્થ સમજાય તો આખી ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાનનો જે અંતરઆશય હતો, તે એમાં સમાઈ જાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રી સરળ ભાષામાં આ સાર અહીં સમજાવે છે.
દાદાશ્રી: કૃષ્ણ ભગવાન શું કહેવા માગે છે? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, ‘મહીંથી જતા રહ્યા,’ તે શું છે? તે ‘માલ’ છે અને અહીં પડ્યું રહે છે તે ‘ખોખું’ છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં ‘માલ’ છે, મટીરીઅલ છે. ધેર આર વેરાઈટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઈ આંબાનું પેકિંગ, કોઈ ગધેડાનું પેકિંગ, તો કોઈ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં ‘માલ’ ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલુંય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં ‘માલ’ બરાબર છે કે નહીં તે જોઈ લે, તેમ આપણે મહીંના ‘માલ’નાં દર્શન કરી લેવાનાં.
જ્યારે અર્જુન પોતાના સ્નેહીઓને મારવાના વિચારથી કંપી રહ્યા હતા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું કે તું મરેલાને જ મારે છે. ખોખું એટલે કે દેહ, જે વિનાશી છે તેને મારે છે. જ્યારે અંદરનો માલ, એટલે કે આત્મા તો અવિનાશી છે અને તું પોતે પણ તે સ્વરૂપ છે. વિનાશી ભાગ સામસામે ખલાસ થઈ રહ્યો છે. તેમણે અર્જુનને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરીને વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવ્યા અને આખા કાળચક્રનું જ્ઞાન કરાવ્યું કે અનંત અવતારથી જીવ જન્મે છે, મરે છે અને ચાર ગતિમાં ભટકે છે. એટલું જ નહીં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે, મહીં જે ‘માલ’ છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે; એને તું ઓળખ.
ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જે આ આત્માને મારનાર જાણે અથવા જે આને (આત્માને) મરાયેલો જ માને છે, તેઓ બંને નથી સમજતા. કારણ કે આ આત્માને કોઈ મારી શકે એમ છે નહીં. અગર જે એને મરી ગયો છે એમ માને છે, તે બધાય સમજતા નથી. કેમ કે આ આત્મા નથી મરતો કે નથી મરાતો. આ આત્મા કદી જન્મતો નથી ને મરતો નથી. આ પૂર્વે નહીં હોય, ફરી નહીં હોય એમ પણ નથી, છે જ ત્રિકાળી. આ અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે; તેથી શરીર મરાયા છતાં મરાતો નથી. હે પાર્થ! જે આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે, તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોણ કોને મરાવે છે? એ બધું સમજે છે. આ તો જૂનાં વસ્ત્ર છોડીને નવાં વસ્ત્ર ધારણ કરે છે. બીજું કશું છે નહીં.”
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ૧૬મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ એમ પણ કહે છે કે,
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ॥ ૧૬॥
પરમ પૂજ્ય દાદા ભગવાન તેનો અર્થ સમજાવતા કહે છે કે, “’અસત્નો ભાવ નથી’, એટલે અસ્તિત્વ જ નથી. અસત્ એટલે જે વસ્તુ છે નહીં, અહીં એનું અસ્તિત્વ જ નથી. અને સત્નો અભાવ નથી. સત્ એટલે વસ્તુ. જે ત્રિકાળી વસ્તુ એને સત્ કહેવાય. ત્રણેય કાળ રહે. જેનો વિનાશ ક્યારેય ના થાય, તેને સત્ કહેવાય અને જે વિનાશી એને અસત્ કહેવાય. ‘આ તત્ત્વદર્શીઓએ બંનેનો નિર્ણય જોયો છે કે આ અવિનાશી અને આ વિનાશી. જે વડે આ સઘળું વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ’, તે કહે છે. ‘આત્મા વડે આ બધું વ્યાપ્ત છે.’ આત્મા છે તો આ વ્યાપ્ત છે, નહીં તો આ આત્મા ના હોત તો વ્યાપ્ત ના હોત એવું કહેવા માંગે છે. ‘અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.’ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી, એમ ગીતામાં કહે છે.”
ત્યારબાદ બીજા અધ્યાયના અઢારમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે,
અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥ ૧૮॥
પરમ પૂજ્ય દાદાશ્રી તેનો અર્થ સમજાવતા કહે છે કે, “આત્મા નિત્ય છે, અવિનાશી છે, અપ્રમેય છે. એવા શરીરધારી આત્માના આ શરીરો તે બધાં નાશવંત કહ્યાં માટે, હે ભરત, તું યુદ્ધ કર.”
તેઓશ્રી સમજાવે છે કે આ દેહ મરે છે, એ તો લોકભાષામાં મરે છે. બાકી ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી ને કોઈ જન્મતુંય નથી. આ પૂતળાં જન્મે છે ને પૂતળાં મરે છે. કોઈ મરે છે, એ મરતું કોને કહેવાય કે જે કાયમને માટે ખલાસ થઈ જાય તે. પણ આત્મા ક્યારેય ખલાસ નથી થતો. ઉત્પન્ન થવું (ઉત્પાત), પછી વ્યય (વિનાશ) થવું, પાછું ઉત્પન્ન થવું, પછી વ્યય થવું એમ ચાલ્યા કરે છે. એમાં પોતે ધ્રુવ (કાયમનો) રહે છે. અવસ્થાઓ ઉત્પન્ન અને વ્યય, ઉત્પન્ન અને વ્યય થયા કરે છે. જેમ જન્મ પછી યુવાની ઉત્પન્ન થાય, પછી એ પણ વ્યય થઈ જાય અને ઘડપણ આવે. પછી ઘડપણની અવસ્થા પણ વ્યય થઈ જાય, એમ બધી અવસ્થાઓ ઉત્પન્ન-વ્યય થયા કરે છે. પણ પોતે આત્મા કાયમનો છે.
આ વાતનો દુરુપયોગ એમ નથી કરવાનો કે “આત્મા મરતો જ નથી તો પછી જીવોને મારવામાં જોખમ નથી.” કોઈ પણ જીવની, ખાસ કરીને મનુષ્યની હત્યા કરવામાં તો ભારે પાપકર્મ બંધાય છે. આ સંદેશ ફક્ત પોતાના ક્ષત્રિયધર્મથી વિચલિત થતા અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાને આપ્યો હતો અને સાથે એવું જ્ઞાન આપ્યું હતું જેનાથી યુદ્ધ કરવા છતાં કર્મ ન બંધાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો. તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કહ્યું, ‘તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઈશ નહીં.’” પણ આ ઉપદેશ કાયમને માટે નહોતો. એ ફક્ત અર્જુનનો મોહ દૂર કરવા તે સમય પૂરતો જ યોગ્ય હતો. એ વાત ન સમજવાથી લોકોને પ્રશ્ન થયો કે શ્રીકૃષ્ણ ભગવાને જ્ઞાની થઈને બધાને મારી નાખવા કેમ કહ્યું? શ્રીકૃષ્ણ ભગવાનને ખબર હતી કે થોડી વારમાં અર્જુનનો મોહ ઊતરવાનો છે અને તેના ક્ષત્રિય પરમાણુ યુદ્ધ કર્યા વગર નથી રહેવાના. ત્યારે નૈમિત્તિક રૂપે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું, કે તું તારો ધર્મ બજાવીને યુદ્ધનું કર્મ કર. તું ખોટો મોહ કે “હું યુદ્ધ કરું છું” તેવો અહંકાર ના કરીશ.
ઉપરાંત, શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની પ્રત્યક્ષ હતા. પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી અર્જુનને અવિનાશીની દૃષ્ટિ ઉત્પન્ન થઈ હતી. એ દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી અર્જુને છેલ્લે શ્રીકૃષ્ણ ભગવાનને એમ કહ્યું કે, “મારો મોહ નાશ પામ્યો છે, હવે હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.” વિનાશી અને અવિનાશીનું યથાર્થ જ્ઞાન થતાં, અર્જુને યુદ્ધનું કાર્ય પૂરું કર્યું છતાં અકર્મ દશામાં રહીને એક પણ કર્મ ન બાંધ્યું. એટલું જ નહીં, આ જ્ઞાનમાં સ્થિર થઈને અર્જુન એ જ દેહમાં પૂર્ણાહુતિ પામીને મોક્ષે પણ ગયા! પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત કરીને તેમની આજ્ઞામાં રહીને પૂર્ણાહુતિ પામવાનો રસ્તો ખુલ્લો થયો!
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન માટે પ્રત્યક્ષ હતા. તેમણે અર્જુનને કહ્યું કે “તું સર્વધર્મનો ત્યાગ કરીને એકમાત્ર મારા શરણમાં આવી જા.” તેનો અર્થ સમજાવતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાન આત્મારૂપે થઈને આ વાત કરે છે, જેમાં ‘હું’ એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે આત્મા છે. દરેકના શરીરમાં આત્મા છે, એ પોતે જ કૃષ્ણ છે અને તેમાં જ મોક્ષ છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આ હું કરું છું તે...” એ શ્રીકૃષ્ણ ભગવાન પોતે આત્મસ્વરૂપે બોલે છે. પણ લોકોને સમજવામાં ભૂલ થઈ અને એમ માની બેઠા કે તેઓ વ્યક્તિરૂપે આ બોલે છે, એટલે “હું કરનાર છું અને મેં જ આ દુનિયા કરી છે.” એવો અર્થ થઈ ગયો. પણ ખરેખર એવું નથી. શ્રીકૃષ્ણ ભગવાન આત્મારૂપે બોલે છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત સમજવામાં કાળક્રમે શું પરિવર્તન આવી શકે તે પરમ પૂજ્ય દાદાશ્રી એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને સમજાવે છે.
દાદાશ્રી: આ છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દોમાં પત્ર લખે કે, ‘તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે, સિનેમા-નાટક જોયા કરે છે, કંઈ કરતો નથી.’ ત્યારે છોકરો શું કરે કે બાપનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે, ‘જો ને મારા ફાધર કેવા છે? જંગલી છે, ક્રોધી છે ને લોભી છે, કંજૂસ છે.’ આવું છોકરો કેમ કહે છે? કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી, એ ફાધરનો અંતરઆશય નથી સમજી શકતો. ફાધર અને છોકરામાં માત્ર પચીસ જ વરસનો ડિફરન્સ છે, છતાં પણ બાપનો અંતરઆશય દીકરો સમજી શકતો નથી; તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયાં, તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતરઆશય કોણ સમજી શકે? એમનો અંતરઆશય કોણ બતાવી શકે? એ તો જે ‘ખુદ’ કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે! મહાવીરના અંતરઆશયની વાત કોણ બતાવી શકે? એ તો જે ખુદ મહાવીર હોય તે જ બતાવી શકે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત સમજવી કેટલી જટિલ છે, તે વાત પરમ પૂજ્ય દાદાશ્રી આપણને અહીં સમજાવે છે.
દાદાશ્રી: ભગવાન જાતે કહે છે કે, ‘હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે!' એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડાત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે?
એક ફક્ત જ્ઞાની પુરુષ પાસે જ સર્વ શાસ્ત્રોની યથાર્થ વાત મળી શકે છે.
Q. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
A. ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા છે. એક છે સંન્યાસ અને બીજો... Read More
A. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિતપ્રજ્ઞ થવા કહે છે. પોતે જે દશાએ પહોંચવાનું લક્ષ્ય... Read More
Q. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
A. શાસ્ત્રોમાં અનાસક્ત થવાની રીતો બતાવી છે, જેને વાંચીને આપણે અનાસક્ત થવા મથીએ છીએ. જો કોઈ ઘરમાં... Read More
A. ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના છાસઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે... Read More
A. બ્રહ્મ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનો અર્થ થાય છે આત્મા. બ્રહ્મસંબંધ એટલે બ્રહ્મ એટલે કે આત્મા સાથેનો... Read More
Q. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
A. ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ।નિર્દ્વંદ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥... Read More
Q. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
A. ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ... Read More
Q. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
A. ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે, “હે યોગેશ્વર! જો આપ... Read More
Q. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
A. ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ન કર્તૃત્વં ન કર્માણિ... Read More
A. ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો. દાદાશ્રી: વાસુદેવ... Read More
Q. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
A. કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન! કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી... Read More
Q. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
A. ઠાકોરજીની પૂજા! દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી: પૂજા કરો... Read More
Q. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
A. પુષ્ટિમાર્ગ શું છે? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર... Read More
Q. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
A. કૃષ્ણનો સાક્ષાત્કાર! પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે... Read More
Q. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
A. દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે.... Read More
subscribe your email for our latest news and events