Related Questions

આત્માનો અર્થ શું છે?

બ્રહ્માંડના સૌથી સૂક્ષ્મ અને ગહન તત્વને કે જે પોતાનું આત્મા તરીકે વાસ્તવિક સ્વરૂપ છે તેને સમજવા માટે અસમર્થ હોવાના કારણે; વ્યક્તિ અનેક સવાલોથી ઘેરાયેલો છે જેવા કે, “આત્માનો અર્થ શું છે?”, “આત્મા એટલે શું?”, “આત્મા કેવો હોઈ શકે?”, “શું તે પ્રકાશના સ્વરૂપમાં છે?” અને “જો એવું હોય તો, તેનો ઝળકાટ કેવો છે?”

જવાબો છે પરંતુ તમારે આત્માની સાચી દ્રષ્ટિ પ્રાપ્ત કરીને તેનો અનુભવ કરવાની જરૂર છે. આ દ્રષ્ટિ જે બધી કલ્પનાઓથી પર છે તે પ્રગટ જ્ઞાનીપુરુષ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે, જેને તે દ્રષ્ટિ પહેલેથી જ પ્રાપ્ત થયેલી છે. 

જ્યાં સુધી તે દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે આત્માની વ્યાખ્યા તેના ગુણધર્મો અને કાર્યો જાણીને આપી શકીએ છીએ. તેથી, ચાલો તેને જોઈએ! 

આત્મા ચેતન છે! 

જો તમે અનાજને (જીવીત વસ્તુ) બાંધીને રાખો, તો તે કુદરતી રીતે ફણગી ઊઠે છે, ને? જ્યારે, જો તમે કાંકરીને (નિર્જીવ વસ્તુ) બાંધીને રાખો, શું તે કુદરતી રીતે ઊગશે? ના! આવું શા માટે? કારણ કે કાંકરીમાં આત્મા નથી. દેખી શકાય તેવા અને ન દેખાય તેવા દરેક જીવમાં આત્મા છે; તે નિર્જીવ વસ્તુમાં નથી. આમ, આત્મા ચેતન છે. 

આત્મા વગરનું શરીર (મૃત્યુ થયા પછી) સૂચવે છે કે શરીરમાં જીવ નથી, અને તેથી, તેને સુખ કે દુ:ખની પીડા થતી નથી. માટે, જ્યાં સંવેદનાઓ અને ભાવનાઓ છે, ત્યાં દુ:ખ અને સુખનું જ્ઞાન છે. જ્યાં કોઈ લાગણી અથવા વૃદ્ધિ થાય છે, તે સૂચિત કરે છે કે તે શરીરમાં આત્મા અથવા ચેતન છે.

પરમ પૂજ્ય દાદા ભગવાનના સમજાવ્યા પ્રમાણે: 

દાદાશ્રી : આપને સમજાયું ને ? કે જ્યાં કંઈ પણ લાગણી ધરાવે છે ત્યાં આગળ આત્મા છે, ચેતન છે એમ નક્કી થયું. એટલે લાગણીઓ ધરાવતું હોય ત્યાં આપણે જાણવું કે અહીં ચેતન છે અને લાગણી ધરાવે નહિ ત્યાં ચેતન નથી, ત્યાં અનાત્મા છે. આ ઝાડ-પાન પણ લાગણીઓ ધરાવે છે. 

પ્રશ્નકર્તા : ઝાડ તો એકેન્દ્રિય છે. 

દાદાશ્રી : એકેન્દ્રિય એટલે એને સ્પર્શની ઇન્દ્રિયની લાગણીઓ છે, એ સ્પર્શેન્દ્રિયની લાગણીઓ વ્યક્ત કરે છે. આ જીવમાત્ર લાગણીઓવાળા છે. જેને લાગણીઓ ઉત્પન્ન થાય છે ત્યાં આગળ આત્મા છે, એવું નક્કી થયું. જેને લાગણી ઉત્પન્ન થાય એ જ આત્મા છે એવું નહીં, પણ જ્યાં લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં આત્મા છે ! અને જ્યાં લાગણી ઉત્પન્ન થતી નથી ત્યાં આત્મા નથી.

પણ જેને લાગણી થાય, તે પુદ્ગલ ! 

દાદાશ્રી : હવે આત્મા શું છે ? ત્યાં આગળ એને લાગણી કે કશું નથી. આત્મા તો ખાલી પ્રકાશસ્વરૂપ છે ! પણ જ્યાં લાગણીઓ છે તે ઉપરથી આપણે ખોળી કાઢીએ કે અહીં આત્મા છે. 

પ્રશ્નકર્તા : એટલે જેના આધારે લાગણી ઉત્પન્ન થાય છે તે ચેતન છે કે લાગણી ઉત્પન્ન થવી એ જગ્યાએ ચેતન છે ? 

દાદાશ્રી : જેના આધારે લાગણી ઉત્પન્ન થાય છે તે ચેતન છે, એવું એનો આધાર કહીએ તો પાછું નવો વાંક ઊભો થાય એટલે ચેતનની હાજરીથી આ લાગણી ઉત્પન્ન થાય છે ! એટલે લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં ચેતન છે. 

પ્રશ્નકર્તા : એ લાગણી ઉત્પન્ન થઈ અને જે અભિવ્યક્ત થયું, તે ચેતન અભિવ્યક્ત નથી થયું ને ? 

દાદાશ્રી : એ અભિવ્યક્તે ય બધું પુદ્ગલ થાય છે, પણ લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં ચેતન છે માટે આ લાગણી ઉત્પન્ન થાય છે, પીડા ઉત્પન્ન થાય છે. 

આત્માના અર્થ વિશે વધુ જાણવા માટે ચાલો આપણે બીજા ગુણધર્મ વિશે જાણીએ. 

આત્મા એ તત્વ છે! 

આત્મા એ અવિનાશી તત્વ છે. આખી દુનિયામાં આપણે જે વિભિન્ન પ્રકારની જીવ-સૃષ્ટિને નિહાળીએ છીએ તે આત્માની જુદી જુદી અવસ્થા સિવાય બીજું કાંઈ નથી. નીચેની વાતચીતથી અહીંયા શું કહેવા માંગે છે એ સમજવામાં મદદ થશે: 

દાદાશ્રી : આત્મા વસ્તુ હશે કે અવસ્તુ ? 

પ્રશ્નકર્તા : અવસ્તુ. 

દાદાશ્રી : આ દેખાય છે એ વસ્તુ છે કે અવસ્તુ ? 

પ્રશ્નકર્તા : આત્માને તો જોઈ ન શકાય ને માટે અવસ્તુ, વસ્તુઓ તો જોઈ શકાય છે ને ? 

દાદાશ્રી : ના. એટલે વસ્તુ અને અવસ્તુ એ તમને સમજાવું. દરેક વસ્તુ, જે અવિનાશી હોય તેને વસ્તુ કહેવાય અને વિનાશી હોય તેને અવસ્તુ કહેવાય. 

આત્મા આત્મારૂપ જ છે. આત્મા વસ્તુરૂપે અનંત ગુણનું ધામ છે ! અને દરેક વસ્તુ પોતે દ્રવ્યરૂપે ગુણવાન સહિત અને અવસ્થા સહિત હોય. દ્રવ્ય-ગુણ-પર્યાય જેનામાં હોય એ 'વસ્તુ' કહેવાય. વસ્તુ એ અવિનાશી કહેવાય. 

આત્મા પણ પોતે વસ્તુ છે, એનું પોતાનું દ્રવ્ય છે, પોતાનાં ગુણ છે અને પોતાંના પર્યાય છે. અને તે પર્યાય ઉત્પાત, વ્યય અને ધ્રુવ સાથે છે. અને આ આંખે જે દેખાય છે એ બધું અવસ્તુ છે, વિનાશી છે અને આત્મા અવિનાશી છે, વસ્તુ છે. 

એવી છ અવિનાશી વસ્તુઓ છે, એ છ તત્ત્વોનું જગત બનેલું છે. એ છ તત્ત્વો એકમેકને આમ પરિવર્તનશીલ થયા કરે છે અને તેને લઈને અવસ્થાઓ ઊભી થાય છે. તે અવસ્થાઓથી આ જગત દેખાય છે. જગતમાં ખાલી અવસ્થાઓ જ દેખાય છે. 

આ વસ્તુ ખરેખર શેની બનેલી છે? 

આત્મા જ્ઞાન અને દર્શન સ્વરુપે છે! 

આત્મા જ્ઞાન અને દર્શનથી બનેલો છે. આ અન્ય ગુણધર્ણ છે જે આત્માની સમજણ આપે છે. જે કંઈ બની રહ્યું છે તેને આત્મા જાણે છે. તે સુખ અને દુ:ખનો અનુભવ સમજી શકે છે. કેવી રીતે ખબર પડે કે એક પગમાં દુ:ખાવો થાય છે અને બીજામાં નહીં? કદાચ એવી દલીલ કરી શકાય કે તે જ્ઞાનતંતુ કે મગજ છે, જે જાણી શકે છે. તો, મગજને કોણ વાંચે છે? 

મગજ એ માત્ર એક અંગ છે અને તે મૃત શરીરમાં પણ હોય છે, પરંતુ મૃત શરીર કંઈ પણ જાણી શકતું નથી. એટલે વસ્તુઓ જાણવા અને સમજવા માટે કંઈક બીજું જરૂરી છે. વ્યક્તિ જ્યારે શરીરમાં હોય છે, ત્યારે: 

  • તેને જીવંત કહેવામાં આવે છે; અને તે જ્યારે શરીર છોડી દે છે, તે જ શરીરને મૃત જાહેર કરવામાં આવે છે.
  • વસ્તુઓને જાણી શકે છે, અને તે જ્યારે શરીર છોડી દે છે, તે જ વ્યક્તિ જાણવા માટે અસમર્થ બની જાય છે.  

આ વસ્તુ શું છે? આત્માના અર્થની વધુ શોધખોળ કરવા માટે આ બીજા ગુણધર્મ વિશે જાણીએ. ચાલો, આપણે તે પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી સમજીએ... 

દાદાશ્રી : રાત્રે અંધારામાં શ્રીખંડ હાથમાં આપીએ તો પછી શ્રીખંડ ક્યાં મૂકે ? મોઢામાં મૂકતી વખતે આંખમાં ના પેસી જાય ? કે મોઢામાં જ જાય ? શું કહો છો ? કેમ બોલ્યા નહિ ? ઘોર અંધારામાં શ્રીખંડ તમને આપે તો તમે મોઢામાં જ મૂકો ને ? પછી તમને કોઈ પૂછે કે તમે શું ખાધું, તો તમે શું કહો ? 

પ્રશ્નકર્તા : શ્રીખંડ. 

દાદાશ્રી : પછી તમને પૂછે કે આ શ્રીખંડમાં મહીં શું શું છે ? ત્યારે તમે શું કહો ?

પ્રશ્નકર્તા : દહીં, ખાંડ. 

દાદાશ્રી : હા. અને દહીં જરા બગડી ગયેલું છે, એવું તેવું હોય તો ખબર પડે કે ના પડે ? 

પ્રશ્નકર્તા : ચોક્કસ. 

દાદાશ્રી : અને સારું હોય તો ય ખબર પડે ને ? 

પ્રશ્નકર્તા : હા. 

દાદાશ્રી : અને ખાંડ ઓછી હોય તો ય ખબર પડે ? 

પ્રશ્નકર્તા : હા. 

દાદાશ્રી : ખાંડ વધારે હોય તો ય ખબર પડે ? 

પ્રશ્નકર્તા : હા. 

દાદાશ્રી : અને ખાંડ એકદમ વધારે હોય તો ? 

પ્રશ્નકર્તા : એ ય ખબર પડે. 

દાદાશ્રી : રાતે અંધારામાં શી રીતે ખબર પડે છે ? અંધારામાં ખબર પડે ? અને પછી મહીં દરાખ, ચારોળી આવે તો ય ખબર પડે ? ઇલાયચીનો નાનો દાણો હોય તો ય ખબર પડે ? 

પ્રશ્નકર્તા : હા. 

દાદાશ્રી : તો આ બધું જે જાણે છે ને, એ જીવ છે. 

પ્રશ્નકર્તા : આ લોકો કહે છે કે જ્ઞાનતંતુને લીધે ખબર પડે છે, જ્ઞાનતંતુ ના હોય તો ખબર જ ના પડે. 

દાદાશ્રી : હા, જ્ઞાનતંતુ ના હોય તો પાછું ના ખબર પડે. પણ ખબર જેને પડે છે એ જીવ છે.  

આત્માનો સ્વભાવ અનંત જ્ઞાન છે, પરંતુ તે કર્મોથી અવરાયેલું છે. 

આ પક્ષીઓ કેટલું પણ દૂર સુધી કેમ ના ઊડે, તે ઘરે પાછાં આવી શકે છે. આવું કેવી રીતે બને છે? એટલા માટે છે કે આત્માના અમુક પ્રદેશો એવા છે કે જ્યાં અજ્ઞાનતાનું આવરણ જરા પણ નથી. મનુષ્યમાં પણ, પતિ તેની પત્નીને ઓળખી શકે છે અને પત્ની તેના પતિને ઓળખી શકે છે. આવું એટલા માટે છે કે આત્માનો થોડો પ્રદેશ ક્યારેય કર્મોથી આવરાયેલો નહોતો. જ્યારે જ્યારે અજ્ઞાનતાના થોડા આવરણ તૂટે છે, તેટલું (સાંસારિક) જ્ઞાન પ્રગટ થાય છે! 

તમારા આત્મા વિશે વધુ જાણો; વાસ્તવિક આત્માને ઓળખો 

આત્મા એટલે સેલ્ફ. તમે કહેશો કે, “હું ચંદુભાઈ છું (તમે તમારું નામ મૂકી શકો છો).” પરંતુ, ચંદુભાઈ એ શરીરનું નામ છે. શું તમારે એ જાણવું ન જોઈએ કે આ શરીરમાં ‘હું કોણ છું’? એ જ આત્મા છે જે તમારે ઓળખવાની જરૂર છે... 

આત્મા એ ખરી રીતે પોતે છે, આ વિશે વધુ જાણવાની તમારી ઉત્સુકતા તદ્દન સ્વાભાવિક અને વ્યાજબી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આજે, આપણી વચ્ચે પ્રત્યક્ષ જ્ઞાની પૂજ્ય દીપકભાઈ હાજર છે, જેને આપણે પ્રત્યક્ષમાં આત્મા વિશે આપણા બધા પ્રશ્નો પૂછી શકીએ છીએ. તમને સમજવામાં સહેલું પડે એવું સાદી અને સરળ ભાષામાં સચોટ સમાધાન મળશે!!! વિગત માટે, તમે જોઈ શકો છો: શેડ્યુલ

×
Share on