Related Questions

બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?

બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે!

'પોતે' પરમાત્મા છે, પણ જયાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે વૈષ્ણવ ને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હ્રદયમાં કૃષ્ણને ધારે, પણ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ધારણા કહેવાય. 'મૂળ વસ્તુ' પોતાનું સ્વરૂપ, એ પ્રાપ્ત થાય, તે બ્રહ્મસંબંધ છે. બ્રહ્મસંબંધ કોને કહેવાય? લગની લાગે પછી કયારેય પણ ભુલાય નહીં તે બ્રહ્મસંબંધ એટલે આત્મા સાથે સંબંધ બાંધી આપે તેનું નામ બ્રહ્મસંબંધ. 'જ્ઞાની પુરુષ' જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે! આમાં તો આત્મા અને અનાત્માને ગુણધર્મથી છૂટા પાડવાના છે. અનંત અવતારથી આત્મા અને અનાત્મા ભ્રાંતિરસથી ભેગા થયા છે. 'જ્ઞાની પુરુષ' તમારાં પાપો બાળી મૂકે ત્યારે તો તમને 'સ્વરૂપ'નું લક્ષ રહે, તે વગર લક્ષ કેમ રહે?

આ કોઇ તમને પૂછે કે, 'તમારો કયો ધર્મ?' તો કહીએ કે, 'અમારો તો સ્વ-ધર્મ છે.' આત્મા એ 'સ્વ' છે અને આત્મા જાણ્યા પછી જ સ્વધર્મ શરૂ થાય છે!

જિનને જાણે ત્યારે જૈન થાય, બાકી જૈન એ તો વારસાઇ છે. વૈષ્ણવ તે પણ વારસાઇ છે; પણ અમારી વાણી એક કલાક સાંભળે તે સાચો જૈન ને સાચો વૈષ્ણવ છે.

આ ઘણા અવતાર કર્યા છતાં રંડાપો આવશે, માટે અમારી સાથે બ્રહ્મનો સંબંધ બાંધી લેજો, નહીં તો મરતી વખતે કોઇ સાથ નહીં આપે. બાકી આ સંસાર તો આખો દગો છે! માટે અમારો સંબંધ બાંધો એનું નામ બ્રહ્મસંબંધ અને એ સંબંધ કેવો કે કોઇ કાઢી મૂકે તો ય જાય નહીં. સંસાર એ તો રંડાપાનું સ્થાન છે ને દુઃખનું સંગ્રહસ્થાન છે, તેમાં સુખ ક્યાંથી દેખાય? એ તો મોહ થાય એટલે જરા સારું દેખાય, મોહ ઊતરશે તો સંસાર ખારો દવ જેવો લાગશે, મોહને લીધે ખારો લાગતો નથી.

આ અમારી સાથે બ્રહ્મસંબંધ બાંધી લેજો તો તમારું કલ્યાણ થઇ જશે. આ દેહ દેખાય છે એ તો પરપોટો છે, પણ દેહમાં મહીં 'દાદા ભગવાન' બેઠા છે તો કામ કાઢી લેજો. દસ લાખ વર્ષે 'આ' અવતાર થયો છે, સંસારમાં રહીને મોક્ષ મળશે. આ પરપાટો ફૂટી જશે ત્યાર પછી મહીં બેઠેલા 'દાદા ભગવાન'નાં દર્શન નહીં થાય, માટે પરપોટો ફૂટી જતાં પહેલાં દર્શન કરી લેજો.

બ્રહ્મસંબંધ એટલે જયાં બ્રહ્મ પ્રગટ થઇ ગયા છે તેમના ચરણના અંગૂઠે અડીને સંબંધ લે તે બ્રહ્મસંબંધ. ખરો બ્રહ્મસંબંધ આપનારા કો'ક જ દિવસ મળે છે.

દસ લાખ વર્ષ ઉપર ધર્મો અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. ત્યારના કેસરિયાજીમાં 'દાદા ભગવાન ઋષભદેવ' સર્વ ધર્મોનું મૂળ, તે આદિમ ભગવાન, પહેલા ભગવાન છે. તે દસ લાખ વરસ પછી આજે આ 'દાદા ભગવાન' આવ્યા છે! તેમનાં દર્શન કરી લેજો ને કામ કાઢી લેજો. પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે ને તેનું આ દેહ તો મંદિર છે, તો તે મંદિર નાશ થઇ જાય તે પહેલાં મંદિરમાં બેઠેલા પ્રગટ 'દાદા ભગવાન'નાં દર્શન કરી લેજો. બ્રહ્મસંબંધ એવો બાંધી લેજો કે ઝાડપાન, પશુપક્ષી - બધે ભગવાન દેખાય! કાચો સંબંધ બાંધશો તો દહાડો નહીં વળે, માટે પાકો સંબંધ બાંધી લેજો.

''મન, વચન, કાયાથી તદ્ન જુદો એવો 'હું' બ્રહ્મસંબંધવાળો છું.'' - નવનીત.

સંસાર વ્યવહારમાં આબરૂ મૂઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે! આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે અને ' બ્રહ્મનિષ્ઠ' બની જશો. 'જ્ઞાની પુરુષ'ની જોડે લગની લાગે તે બ્રહ્મસંબંધ. માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે તે પાછી કાઢી મૂકીએ તો ય આવે, પણ બ્રહ્મસંબંધ થાય એટલે માયા ભાગે. મોહબજારમાં કયાં ય પણ પેસવું નહીં. લગન્માં મોહ અને માયાનું બજાર હોય જ. માયા અને એનાં છોકરાંઓ આપણી આબરૂ લઇ લે અને ભગવાન આપણી આબરૂ સાચવે. અમારે આશરે આવ્યો તેનું કોઇ નામ ના દે. અહીં કોઇ કલેક્ટરની ઓળખાણવાળો હોય તેનું કોઇ નામ ના દે, કહે કે, 'ભાઇ, એને તો કલેક્ટરનું ઓળખાણ છે.' તેમ તમારે આ 'દાદા ભગવાન'નું ઓળખાણ થયું છે કે જેમને ત્રણ લોકનો નાથ વશ વર્તે છે! પછી તમારું નામ કોણ દેનાર છે?

અમારું નામ દેજો અને અમારી ચાવી લઇને જાઓ તો 'રણછોડજી' તમારી સાથે વાત કરશે. અમારું નામ 'રણછોડજી'ને દેજો તો તે બોલશે!

કવિરાજે 'દાદા' માટે ગાયું છે ને કે,

(૧) કલ્પે કલ્પે જન્મે છે તે કલ્પાતીત સત્પુરુષ.

શ્રી રણછોડરાયનું હ્રદયકમળ 'હું' જ છું.

પરાત્પર પુરુષ ગીતાગાયક 'હું' જ છું. -નવનીત

(૨) મુરલીના પડઘે ઝૂમી જમના બોલી

શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે. -નવનીત

'વૈષ્ણવ જન તો તેને રે કહીએ....' એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી. મર્યાદા એટલે અંશધર્મ; લિમિટેડ ધર્મ, તે પાળે તો સારો, પણ આ તો આખો દહાડો કલેશ કરે છે.

અગિયારસ તો કોનું નામ? પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન - એ બધાંને એક દિવસ કાબૂમાં રાખવાનાં હોય! આ તો ધણીને અગિયારસને દહાડે વઢે કે, 'તમે આ ના લાવ્યા, ને પેલું ના લાવ્યા!' તેને અગિયારસ કેમ કરી કહેવાય? ધર્મ તો આવી અગિયારસ કર્યે મળે તેમ નથી. અમારી આજ્ઞામાં એક અગિયારસ કરે તો બીજી કરવી જ ના પડે!

 

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
×
Share on
Copy