Related Questions

કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?

શુદ્ધ ચિદ્રૂપ

પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય?

દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને? ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે, ચિત્ત નામની વસ્તુ કોઈ જુદી છે એમ જાણે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન ભેગાં કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે. ચિત્તની શુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધિ કરવી. શુદ્ધાત્માને શું કહેવાય? શુદ્ધ 'ચિદ્રૂપ'. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે એવું જે સ્વરૂપ પોતાનું તે જ શુદ્ધ ચિદ્રૂપ.

પ્રશ્નકર્તા: સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ તે?

દાદાશ્રી: સચ્ચિદાનંદ તો અનુભવદશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે. એની એ જ વસ્તુ, શુદ્ધ ચિદ્રૂપને શુદ્ધાત્મા, એક જ વસ્તુ છે. અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. હવે આ બુદ્ધિ એકલી જ હેરાન કરે, ત્યાં સાચવવાનું. બુદ્ધિને માનભેર વળાવી દેવી. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી. કલ્પિત જગ્યાએ 'હું છું' બોલવું એ અહંકાર ને મૂળ જગ્યાએ 'હું' એને અહંકાર ના કહેવાય. એ નિર્વિકલ્પ જગ્યા છે.

મનુષ્ય ને 'હું-તું' નો ભેદ ઉત્પન્ન થયો તેથી કર્મ બાંધે છે. કોઈ જાનવર બોલે કે 'હું *ચંદુલાલ છું?' એમને ભાંજગડ જ નહીં ને? એટલે આ આરોપિત ભાવ છે. એનાથી કર્મ બંધાય છે.

Reference: Book Name: આપ્તવાણી 5 (Page #125 - Paragraph #3 to #7)

અંતઃકરણનું ત્રીજું અંગ : ચિત્તઅંતઃકરણનું

અંતઃકરણનું ત્રીજું અંગ તે ચિત્ત છે. ચિત્તનું કાર્ય ભટકવાનું છે એ જેમ છે તેમ ફોટા પાડી આપે. અહીં બેઠા બેઠા અમેરિકાની ફિલ્મ જેમ છે તેમ દેખાડે એ ચિત્ત છે. મન તો આ શરીરની બહાર જ ના જાય. જાય છે તે ચિત્ત અને બહાર ભટકે છે તે અશુધ્ધ ચિત્ત. શુધ્ધ ચિત્ત તે જ શુધ્ધ આત્મા.

ચિત્ત એટલે જ્ઞાન + દર્શન.

અશુધ્ધ ચિત્ત એટલે અશુધ્ધ જ્ઞાન + અશુધ્ધ દર્શન.

શુધ્ધ ચિત્ત એટલે શુધ્ધ જ્ઞાન + શુધ્ધ દર્શન.

મન પેમ્ફલેટ બતાવે ને ચિત્ત પિક્ચર દેખાડે. એ બેની ગડમથલ બુધ્ધિ ડિસીઝન આપે અને અહંકાર સહી કરે એટલે કાર્ય થાય. ચિત્ત એ અવસ્થા છે. અશુધ્ધ જ્ઞાન-દર્શનના પર્યાય તે ચિત્ત. બુધ્ધિ ડિસીઝન આપે તે પહેલાં મન, ચિત્તની ઘડભાંજ ચાલે, પણ ડિસીઝન થયા પછી બધા ચૂપ. બુધ્ધિને બાજુ પર બેસાડે તો ચિત્ત કે મન કંઈ જ નડતું નથી.

અનાદિ કાળથી ચિત્ત નિજ ઘર ખોળે છે. તે ભટક્યા જ કરે છે. તે ભાતભાતનું જોયા કરે છે. એટલે જુદું જુદું જ્ઞાન-દર્શન ભેગું થાય છે. અને ચિત્તવૃત્તિ જે જે જુએ તેનો સ્ટોક કરે છે. અને વખત આવ્યે આમ છે, આમ છે એમ દેખાડે છે. ચિત્ત જે જે કંઈ જુએ છે તેમાં જો ચોંટી ગયું તો તેના પરમાણુઓ ખેંચે છે અને તે પરમાણુઓ ભેગા થઈ તેની ગ્રંથિઓ થાય છે જે મન સ્વરૂપ છે અને વખત આવ્યે મન પેમ્ફલેટ દેખાડે છે, તે ચિત્ત જુએ છે અને બુધ્ધિ ડિસીઝન આપે છે.

આ તમારી ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી ને જગતમાં રમતી હતી, તે અમે 'અમારા' તરફ ખેંચી લઈએ એટલે વૃત્તિઓ બીજે ભટકતી ઓછી થાય. ચિત્તવૃત્તિનું બંધન થયું એ જ મોક્ષ છે!

અશુધ્ધ ચિત્તવૃત્તિઓ અનંતકાળથી ભટકતી હતી. અને તેય પાછી તમે જે પોળમાં જતી હોય ત્યાંથી પાછી વાળવા કરો તો તે ઊલટી તે જ પોળમાં પાછી ખેંચાય. તે વૃત્તિઓ નિજ ઘરમાં પાછી વળે છે તે જ અજાયબી છે ને! ચિત્તવૃત્તિઓ જેટલી જેટલી જગ્યાએ ભટકે તેટલી તેટલી જગ્યાએ દેહને ભટકવું પડશે. ક્રમિક માર્ગમાં તો મનના અનંત પર્યાયો અને પાછા ચિત્તના અનંત પર્યાયો ઓળંગતાં ઓળંગતાં જાય ત્યારે રિલેટિવ અહંકાર સુધી પહોંચે (અરીસામાં જુએ તેવું) અને તમને તો અમે આ બધું કુદાવીને સીધેસીધા સ્વરૂપમાં જ બેસાડી દીધા છે, નિજ ઘરમાં!

નિજ ઘર શોધવા ચિત્ત ભટક ભટક કરે છે. તે જે જુએ તેમાં સુખ ખોળે છે. જ્યાં આગળ ચિત્ત સ્થિર થાય, ત્યાં અંતઃકરણનો બીજો ભાગ શાંત રહે. તેથી સુખ લાગે. પણ સ્થિર રહે કેટલી વાર? પાછું ચિત્ત બીજે જાય છે. એટલે એને બીજામાં સુખ લાગે છે ને પહેલાંનું દુઃખદાયક થઈ પડે છે. કારણ કે જે બાહ્ય સુખ ખોળે છે તે પારિણામિક દુઃખદાયક છે. કારણ કે બુધ્ધિ તેમાં આરોપ કર્યા વગર રહે જ નહીં કે આમાં સુખ નથી, દુઃખ છે, તે પાછું ચિત્ત ભટકે છે. જ્યાં સુધી ચિત્તવૃત્તિ નિજ ઘરમાં સ્થિર ના થાય ત્યાં સુધી આનો અંત આવે તેમ નથી. સાચું સુખ જ્યાં ચાખે ત્યાં કલ્પિત સુખ આપોઆપ મોળાં પડી જાય, પછી જે ભટકે છે તે અશુધ્ધ ચિત્ત અને તેને જેમ છે તેમ જોનાર અને જાણનાર શુધ્ધ ચિત્ત. અશુધ્ધ ચિત્તના પર્યાય પછી ધીમે ધીમે ઓછા થતા થતા બંધ જ થઈ જાય અને પછી કેવળ શુધ્ધ ચિત્તના પર્યાય જ રહે તે જ 'કેવળ જ્ઞાન.'

જ્ઞાની પુરુષ અશુધ્ધ ચિત્તને હાથ ના લગાડે. માત્ર પોતાનું શાશ્વત સુખ, અનંત સુખનો કંદ જે છે તે ચખાડી દે. એટલે નિજ ઘર મળતાં જ શુધ્ધ ચિત્ત એ જ શુધ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય અને શુધ્ધ ચિત્ત જેમ જેમ શુધ્ધ અને શુધ્ધને જ જો જો કરે તેમ તેમ અશુધ્ધ ચિત્તવૃત્તિ મોળી પડતી પડતી છેવટે કેવળ શુધ્ધ ચિત્ત રહે. પછી અશુધ્ધ ચિત્તના પર્યાયો બંધ થઈ જાય. પછી રહે તે કેવળ શુધ્ધ પર્યાય.

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Reference: Book Name: આપ્તવાણી 1 (Entier Page #101, Page #102 - Paragraph #1 to #3)

Related Questions
 1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
 2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
 3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
 4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
 5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
 6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
 7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
 8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
 9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
 10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
 11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
 12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
 13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
 14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on