Related Questions

મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?

ધંધામાં અણહક્કનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ. નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે!

આમાં એવું કહે છે કે સંપૂર્ણ નીતિ પળાય તો પાળ અને એ ના પળાય તો નક્કી કર કે દહાડામાં મારે ત્રણ નીતિ તો પાળવી છે. અને નહીં તો નિયમમાં રહીને અનીતિ કરું તો એ પણ નીતિ છે. જે માણસ નિયમમાં રહીને અનીતિ કરે છે એને હું નીતિ કહું છું. ભગવાનના પ્રતિનિધિ તરીકે વીતરાગોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અનીતિ પણ નિયમમાં રહીને કર, એ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અનીતિ કરે કે નીતિ કરે તેનો મને સવાલ નથી, પણ નિયમમાં રહીને કર. આખા જગતે જ્યાં આગળ તેલ કાઢી નાખ્યું ત્યાં આગળ અમે કહ્યું કે આનો વાંધો નથી, તું તારે નિયમમાં રહીને કર.

આપણે તો એમ કહ્યું છે કે અનીતિ કર પણ નિયમથી કરજે. એક નિયમ બાંધ કે ભઈ, મારે આટલી જ અનીતિ કરવી છે, આથી વધારે નહીં. રોજ દસ રૂપિયા દુકાને વધારે લેવા છે, એથી વધારે પાંચસો રૂપિયા આવે તો ય મારે નથી લેવા.

આ અમારું ગૂઢ વાક્ય છે. આ વાક્ય જો સમજાય તો કામ થઈ જાયને? ભગવાન પણ ખુશ થઈ જાય કે પારકી ગમાણમાં ખાવું છે અને તે પાછો પ્રમાણસર ખાય છે! નહીં તો પારકી ગમાણમાં ખાવું ત્યાં પછી પ્રમાણ હોય જ નહીં ને?!

આપની સમજમાં આવે છે ને? કે અનીતિનો પણ નિયમ રાખ. હું શું કહું છું કે, 'તારે લાંચ લેવી નથી અને તને પાંચસો ખૂટે છે, તો તું કકળાટ ક્યાં સુધી કરીશ?' લોકો, ભાઈબંધો પાસે ઉછીના રૂપિયા લે છે તેથી વધારે જોખમ વહોરે છે, એટલે હું એને સમજણ પાડું કે 'ભઈ, તું અનીતિ કર, પણ નિયમથી કર,' હવે નિયમથી અનીતિ કરે એ નીતિવાન કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે નીતિવાનના મનમાં રોગ પેસે કે, 'હું કંઈક છું,' જ્યારે આના મનમાં રોગ પણ ના પેસે ને?

આવું કોઈ શીખવાડે જ નહીં ને? નિયમથી અનીતિ કરે એ તો બહુ મોટામાં મોટું કાર્ય છે.

અનીતિ પણ નિયમથી છે તો એનો મોક્ષ થશે, પણ જે અનીતિ નથી કરતો, જે લાંચ નથી લેતો તેનો મોક્ષ શી રીતે થાય? કારણ કે જે લાંચ લેતો નથી તેને 'હું લાંચ લેતો નથી' એ, કેફ ચઢી ગયેલો હોય. ભગવાન પણ એને કાઢી મેલે કે 'હેંડ જા, તારું મોઢું ખરાબ દેખાય.' એથી અમે લાંચ લેવાનું કહીએ છીએ એવું નથી, પણ જો તારે અનીતિ જ કરવી હોય તો તું નિયમથી કરજે. નિયમ કર કે ભઈ, મારે લાંચના પાંચસો જ રૂપિયા લેવા. પાંચસો રૂપિયાથી વધારે કંઈ પણ આપે, અરે પાંચ હજાર રૂપિયા આપે તો ય બધા પાછા કાઢવાના. આપણને ઘરખર્ચમાં ખૂટતા હોય એટલા પાંચસો રૂપિયા જ લાંચના લેવા. બાકી, આવી જોખમદારી તો અમે જ લઈએ છીએ. કારણ કે આવા કાળમાં લોકો લાંચ ના લે, તો શું કરે બિચારો? તેલ-ઘીના ભાવ કેટલા ઊંચા ચઢી ગયા છે, સાકરના ભાવ કેટલા ઊંચા છે? ત્યારે છોકરાની ફીના પૈસા આપ્યા વગર રહેવાય? જુઓને. તેલના ભાવ કંઈ સત્તર રૂપિયા કહે છે ને?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: ત્યારે કાળા બજાર વેપારીઓ કરે છે તેનું ચાલે અને નોકરોનું કોઈ ઉપરાણું લેનારો જ ના રહ્યો?! એટલે અમે કહીએ છીએ કે લાંચ પણ નિયમસર લેજે. તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. લાંચ નથી નડતી, અનિયમ નડે છે.

પ્રશ્નકર્તા: અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને?

દાદાશ્રી: આમ એ તો ખોટું જ કહે છે ને! પણ ભગવાનને ઘેર તો જુદી જ જાતની વ્યાખ્યા છે. ભગવાનને ત્યાં તો અનીતિ કે નીતિ ઉપર ઝઘડો જ નથી. ત્યાં આગળ તો અહંકારનો વાંધો આવે છે. નીતિ પાળનારાઓને અહંકાર બહુ હોય. એને તો વગર દારૂ એ કેફ ચઢેલો હોય.

પ્રશ્નકર્તા: હવે પાંચસો રૂપિયાની લાંચ લેવાની છૂટ આપી તો પછી જેમ જરૂરિયાત વધતી જાય તો પછી એ રકમ પણ વધારે લે તો?

દાદાશ્રી: ના, એ તો એક જ નિયમ પાંચસો એટલે પાંચસો જ, પછી એ નિયમમાં જ રહેવું પડે.

અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે? અને પછી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એને ય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાં ય નીતિ કહેવાય, અને એને ય સરળતા થઈ ગઈ ને નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે.

મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે 'નિયમથી અનીતિ કર!

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on