Related Questions

ધ્યાન કેવી રીતે કરવું? અને સાચા ધ્યાન (આધ્યાત્મિક ધ્યાન) વિશે સમજાવો.

જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ - આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય? આત્માના બધા જ ગુણો એટ એ ટાઈમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય, તો એ તારું ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઈમ કંઈ રહેતું હશે? આ લોકને સમાધિની શી જરૂર છે? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગ્નમાં ઉપાધિમાં રહે તે એ શું જોઈને સમાધિ માગે છે?

પ્રશ્નકર્તા: આ શ્વાસોચ્છવાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે, એનાથી શું થાય?

દાદાશ્રી: આમાં ધ્યાન કરો કહે છે તે શું છે? નાકમાંથી શ્વાસ નીકળે એની ઉપર ધ્યાન રાખો, શ્વાસ પેસે એની પર ધ્યાન રાખો! શ્વાસ તો પેસે છે ને નીકળે છે, એના ધ્યાનને શું તોપને બારે ચઢાવવું છે? એ નાકના ભૂંગળાંને શું તોપને બારે ચઢાવવા છે. મેલને પૂળો. આ દમનો શ્વાસ ઊપડે છે ત્યારે કરને ધ્યાન! ત્યારે તો એ શી રીતે કરે? આ તો કહેશે કે શ્વાસ લીધો તે 'સો' અને શ્વાસ નીકળ્યો એ 'હમ', એટલે 'હમસો', 'હમસો' 'સોહમ' થાય; એનું ધ્યાન કરો એમ કહેશે. પણ આત્મા સોહમેય નથી ને હમસોય નથી. આત્મા એ શબ્દમાં આત્મા નથી, એ તો વીતરાગોએ 'આત્મા' એમ શબ્દથી સંજ્ઞા કરી છે. આત્મા પુસ્તકમાં ના હોય ને શાસ્ત્રમાંય ના હોય, એ બધામાં તો શબ્દ આત્મા છે. રીયલ આત્મા તો જ્ઞાનીની પાસે હોય. આ શ્વાસોચ્છવાસ જોયા કરે, તે શું એનાથી સમાધિ રહે? ના. આનાથી શું થાય? કે મન ભાંગી જાય. મન તો નાવડું છે. સંસાર સાગરમાંથી કિનારે જવા મનના નાવડાની જરૂર છે.

પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજું, ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય. આ બે જ ધ્યાન રાખવા, બીજા બધા તો ગાંડા ધ્યાન કહેવાય. આ 'દાદા'ના ધ્યાનમાં રહે તો ભલે રહે; એને બીજી કોઈ સમજણ ના હોય, પણ પોતે 'તે' રૂપ થયા કરે. 'જ્ઞાની પુરુષ' એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે 'તે' રૂપ થયા કરે.

આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઊલટા બોજારૂપ થઈ પડે છે. એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શિખવાડાય, પણ બીજાને એની શી જરૂ? એ ધ્યાન એને કયે ગામ લઈ જશે એનું શું ઠેકાણું?

×
Share on