Related Questions

ૐ અને ઓમકાર એટલે શું છે?

ૐ ની યથાર્થ સમજ!

પ્રશ્નકર્તા: દાદા, ૐ શું છે?

દાદાશ્રી: નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને 'હું શુદ્ધાત્મા છું' એની સાથે નવકાર બોલે તો ૐકાર બિન્દુ સંયુક્તમ્ છે.

ૐકાર બિન્દુ સંયુક્તમ્, નિત્યમ્ ધ્યાયન્તિ યોગીનઃ
કામદં મોક્ષદં ચૈવ, ૐકાર નમો નમઃ

બહાર નવકાર બોલે, પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો ૐકાર સુંદર બોલાય, તે બધાં પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે. '' બોલે તો ય પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ને નવકાર બોલે તો ય તે તેમને બધાંને પહોંચે. બધાં વેરના ભુલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા છે, કારણ કે શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે. આપણું આ 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ૐકાર બિન્દુ સંયુક્તમ્ કહેવાય અને એનું ફળ શું? મોક્ષ. આ બહાર ૐનું જે બધું ચાલે છે, એ લોકોને જરૂર છે. કારણ કે જયાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી સ્થૂળ વસ્તુ પકડી લેવી પડે. સૂક્ષ્મ રીતે 'જ્ઞાની પુરુષ' એ ૐ કહેવાય. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સત્પુરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને ૐ સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય. મુક્તિ કયારે થાય? જયારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો. અહીં તમને અમે જ્ઞાનપ્રકાશ આપીએ ત્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય અને ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો મોક્ષ થાય. પછી કોઇ એનો મોક્ષ રોકી શકે નહીં!

નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય. જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી ત્રણેય મંત્રો - નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવ અને ૐ નમઃ શિવાય - એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે. આ તો સંન્યસ્ત લીધા પહેલાં નવકાર મંત્ર એકલો ઝાલી પડયા છે!

×
Share on