Related Questions

કુંડલિની ચક્ર એટલે શું? કુંડલિની જાગરણ વખતે શું થાય છે?

કુંડલિની શું છે?

પ્રશ્નકર્તા: 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે?

દાદાશ્રી: એ પ્રકાશને જોનાર શુદ્ધાત્મા, એ પ્રકાશ જોડે તન્મયાકાર થઇ જાય તે પ્રતિષ્ઠિત આત્મા. એમાં બે-ચાર કલાક તન્મયાકાર રહે તેથી આનંદ રહે, પણ પછી એની ગેરહાજરી થાય એટલે હતા ત્યાં ના ત્યાં. કેવા રંગનો પ્રકાશ દેખાય છે?

પ્રશ્નકર્તા: કોઇ દિવસ ના દેખ્યો હોય એવો સફેદ હોય છે.

દાદાશ્રી: જેમાં તન્મયાકાર થયો તેમાં આનંદ થાય. બહારવટિયાની ચોપડી વાંચે તો ય આનંદ થાય, પણ એનાથી કર્મ ખોટાં બંધાય. જયારે આ એકાગ્રતાથી સારા કર્મ બંધાય. આ કુંડલિની જાગ્રત કરે છે તે કરતાં આત્માને કંઇક જગાડને! આ તો માત્ર કુંડલિનીના જ સ્ટેશન ઉપર ફરફર કરે છે. આમને ગુરૂ મહારાજ કાળી ભોંય ઉપર વરસાદ પડે એવા સ્ટેશને ઉતારે એ શું કામનું? આપણને તો અહીં છેલ્લું સ્ટેશન મળી ગયું. અનંત પ્રકારનાં સ્ટેશનો છે, એમાં ગુરૂ કયાં ય ગૂંચવી મૂકે. છતાં, એનાથી સ્થિરતા રહે; પણ મોક્ષ માટે એ શું કામનું?

કુંડલિની જાગ્રત કરે પણ એનાથી દ્શ્ય દેખાય, પણ એ તો હતું જ ને પહેલેથી! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે તો જ નિર્વિકલ્પ થાય!

પ્રશ્નકર્તા: દાદા, મને કુંડલિનીનું લાઇટ ઊભું થઇ જાય છે.

દાદાશ્રી: એકાગ્રતાનું સાધન છે તેથી લાઇટ ઊભું થાય ને આનંદ આવે. લોકો એ લાઇટને આત્મા માને છે, પણ લાઇટ એ આત્મા નથી; એ લાઇટને, જે જુએ છે તે આત્મા છે. આ લાઇટ એ તો દ્શ્ય છે અને એનો જોનારો, દ્રષ્ટા તે આત્મા છે. તમને અહીં જે યથાર્થ આત્મા આપ્યો છે તે આ લાઇટનો દ્રષ્ટા છે!

પ્રશ્નકર્તા: આ એકાગ્રતા કરે તેથી લાઇટ જેવું દેખાય ને તેથી આનંદ આવે!

દાદાશ્રી: પણ એ આનંદ બધો રીલેટિવ આનંદ, એ કોના જેવું? બરફી ખાય ને આનંદ આવે તેવું. છતાં, આ સારું છે. આ સંસારની પાર વગરની બળતરામાં તે કંઇક સાધન તો ઠંડક માટે જોઇએ ને? અને જયાં સુધી સાચો માર્ગ ના મળ્યો હોય ત્યાં સુધી એ બરોબર છે.

×
Share on