Related Questions

ભવિષ્યની ચિંતા શા માટે ન કરવી?

ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન;

દૂર ડુંગરા છોડી, ઠોકર સંવાર!

પ્રશ્નકર્તા: મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું?

દાદાશ્રી: આપણે આગળના વિચાર કરવાનાં ને, તેના કરતાં આજે સેફસાઈડ કરવી સારી, રોજ-દરરોજ સેફસાઈડ કરવી સારી. આગળનાં વિચાર જે કરો છો ને એ વિચાર હેલ્પિંગ નથી કોઈ રીતે, નુકસાનકારક છે. એના કરતાં આપણે સેફસાઈડ દરરોજ કરતાં જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. ના સમજાયું તમને?

પ્રશ્નકર્તા: હા સમજાયું.

દાદાશ્રી: આગળના વિચાર કરવાનો અર્થ નથી. એ સત્તામાં જ નથી. એક ઘડીવારમાં તો માણસ મરી જાય. એનો એ વિચારવાની જરૂર જ નથી. એ તારા વિચારમાં મહેનત નકામી જાય. ચિંતાઓ થાય, ઉપાધિઓ થાય, અને હેલ્પિંગ જ નથી એ. એ વૈજ્ઞાનિક રીત જ નથી.

આપણે જેમ બહાર જઈએ છીએ, એ કેટલા ફૂટ લાંબુ જોઈને ચાલીએ છીએ સો ફૂટ. બસો ફૂટ કે નજીકમાં જોઈએ છીએ?

પ્રશ્નકર્તા: હા, નજીકમાં જોઈએ છીએ.

દાદાશ્રી: લાંબું કેમ જોતા નથી? લાંબું જોઈએ તો નજીકનું રહી જાય તો ઠોકર વાગશે. એટલે પોતાના એમાં નોર્માલિટીમાં રહો. એટલે એની રોજ સેફસાઈડ જોયા કરવી. આપણે એને સંસ્કાર સારા આપવા એ બધું કરવું. તમે જોખમદાર એના છો, બીજા કોઈ જોખમદાર તમે નથી. અને આવી વરીઝ કરવાનો તો અધિકાર જ નથી માણસને. માણસને કોઈ પણ જાતની વરીઝ કરવાનો અધિકાર જ નથી. એ અધિકાર એનો છાનોમાનો વાપરી ખાય છે. આ ગુપ્ત રીતે ભગવાનને ય છેતરે છે એ. વરીઝ કરવાની હોય જ નહીં, વરીઝ શેને માટે કરવાની?

તમે ડૉકટર કરો છો આવી ચીજ? શેની ચિંતા કરો છો તમે?

પ્રશ્નકર્તા: બધાની.

દાદાશ્રી: કેમ, બધા પેશન્ટો મરી જાય છે તેની? કે ઘરના માણસોની?

પ્રશ્નકર્તા: બધી. ઘરની, બહારની, પેશન્ટોની. બધી વરીઝ, વરીઝ, વરીઝ જ છે.

દાદાશ્રી: એ તો એક જાતનો ઇગોઇઝમ કહેવાય ખાલી. કૃષ્ણ ભગવાને કહ્યું, જીવ તું શીદને શોચના કરે. કૃષ્ણને કરવું હોય એ કરે! આ અહીંથી બહાર નીકળો એટલે તમે લોંગ સાઈટ જોઈને ચાલો છો? કેમ આપણે સાઈટ નક્કી કરીએ છીએ નજીકમાં? કે અહીં એક્સિડન્ટ ન થાય, પછી આગળ એમ ને એમ આગળ જતી જ રહેશે. એટલે સેફસાઈડ થઈ ગઈ કહેવાય. તમને ના સમજાયું એમાં? હેલ્પ કરશે કે પછી વાત નકામી જશે?

પ્રશ્નકર્તા: હેલ્પ કરશે.

દાદાશ્રી: કેટલી બધી યુઝલેસ વાતો! આ તો બહુ છેટે જોશો તો એક્સિડન્ટ કરી નાખશો, ઘડીવારમાં પાંચ પાંચ મિનિટમાં એક્સિડન્ટ કરશો.

સમજાયુંને, વૈજ્ઞાનિક રીત આ છે, પેલી તો ગપ્પા મારવાની રીત છે બધી. કોઈ જાતની છોકરીઓને હરકત નહીં આવે. એની થોડી દવા હું આપું છું, હરકત નહીં આવે તેની. પછી શું છોકરીઓની બાબતમાં હવે એ પ્રશ્ન બંધ થઈ જાય છે, પૂરો થાય છે ? ખાતરી છે પૂરો થાય છે?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: છોકરા-છોકરી છે, તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય.

આ તો સાયન્સ છે. કોઈ વખતે અક્રમ વિજ્ઞાન નીકળે છે. અક્રમ એટલે ક્રમ-બ્રમ નહિ. આ ધોરી માર્ગ નથી, આ તો કેડી માર્ગ છે. ધોરી માર્ગ તો ચાલુ જ છેને. તે માર્ગ અત્યારે મૂળ સ્ટેજમાં નથી, અત્યારે અપસેટ થઈ ગયો છે. ધર્મો બધા અપસેટ થઈ ગયાં છે. મૂળ સ્ટેજમાં ધર્મ હોય ત્યારે તો જૈનોને, વૈષ્ણવોને ચિંતા વગર ઘરો ચાલતા હતા. અત્યારે તો છોડી ત્રણ વર્ષની હોય તો, કહેશે કે જુઓને મારે આ છોકરી પૈણવાની છે. અલ્યા, છોકરી વીસ વર્ષે પૈણશે, પણ અત્યારે શાની ચિંતા કરે છે? તો મરવાની ચિંતા કેમ નથી કરતો? ત્યારે કહેશે કે ના, મરવાનું તો સંભારશો જ નહિ. ત્યારે મેં કહ્યું કે, મરવાનું સંભારવામાં શો વાંધો છે? તમે નથી મરવાનાં? ત્યારે કહે કે, પણ મરવાનું સંભારશો ને તો આજનું સુખ જતું રહે છે. આજનો સ્વાદ બધો બગડી જાય છે. ત્યારે છોડીનું પૈણવાનું શું કરવા સાંભરે છે? તો ય તારો સ્વાદ જતો રહેશે ને? આ છોડી એનું પૈણવાનું, બધું જ સાધન લઈને આવેલી છે. મા-બાપ તો આમાં નિમિત્ત છે. વધારે કે ઓછો જેટલો ખર્ચો હોય એ એકઝેક્ટલી બધું લઈને આવેલી હોય છે. આ તો બધું બાપને સોંપેલું હોય છે ફક્ત. એટલે વરીઝ કરવા જેવું આ જગત છે નહિ. એકઝેક્ટલી જોવા જતાં આ જગત બિલકુલ વરીઝ કરવા જેવું છે જ નહિ, હતું ય નહિ ને થશે ય નહિ.

છોડીએ એનો હિસાબ લઈને આવેલી હોય છે. છોડીની વરીઝ તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી એને માટે છોકરો ય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, 'આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી, આમ છે, તેમ છે'. તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે? સૂઈ જાને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમીંગ બધું ગોઠવીને આવેલી છે.

કેટલાક તો હજી છોડી ત્રણ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે કે, 'અમારી નાતમાં ખર્ચા બહુ, કેવી રીતે કરીશું?' તે બૂમો પાડ્યા કરે. આ તો ખાલી ઈગોઈઝમ કર્યા કરે છે. શું કામ છોડીની ચિંતા કર્યા કરે છે? છોડી પૈણવાના ટાઈમે પૈણશે, સંડાશ સંડાશના ટાઈમે થશે, ભૂખ ભૂખના ટાઈમે લાગશે, ઊંઘ ઊંઘના ટાઈમે આવશે, તું કોઈની ચિંતા શું કામ કરે છે? ઊંઘ એનો ટાઈમ લઈને આવેલી હોય છે, સંડાસ એનો ટાઈમ લઈને આવેલો છે. શેને માટે વરીઝ કરો છો? ઊંઘવાનો ટાઈમ થશે કે એની મેળે આંખ મીંચાઈ જશે, ઊઠવાનું એનો ટાઈમ લઈને આવેલું છે, એવી રીતે છોડી એનો પૈણવાનો ટાઈમ લઈને આવેલી હોય છે. એ પહેલી જશે કે આપણે પહેલાં જઈશું, છે કશું એનું ઠેકાણું?

×
Share on