Related Questions

સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?

અનેક પ્રકારે ભોગવટા!

આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને. જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવે છે. એટલે સુખ કોણ ભોગવે છે? અહંકાર. દુઃખ કોણ ભોગવે છે? અહંકાર. લોભ કોણ કરે છે? અહંકાર. ખોટ કોણ કરે છે? અહંકાર. શાદી કોણ કરે છે? અહંકાર. વિધવા કોણ થાય છે? અહંકાર. વિધુર કોણ થાય છે? અહંકાર. અહંકાર તો વગર કામનો મૂઓ પૈણે છે ને રાંડે છે! કોઇ માણસ આફ્રિકા રહેતો હોય ને એમ ને એમ અમસ્તુ કહીએ કે તારાં વાઇફ ઓફ થઈ (મરી) ગયાં છે, તો એ પાછો રડવાય માંડે! અલ્યા, હજુ જીવતાં છેને! અને એ પાછો લોકોને કહેય ખરો કે હું રાંડ્યો!

કેટલાક માણસ તો એવો અહંકાર કરે છે કે હું નાટકમાં સ્ત્રીનો પાઠ લઈશ. પછી એને શરમ-બરમ કશું નહીં. કારણ કે અહંકાર જ કરે છે, બીજું કશું કરતો નથી. મેં આમ ભોગવ્યું ને તેમ ભોગવ્યું.

ઇગોઇઝમ કશું ભોગવતો નથી નામેય, અને કહે છે શું? અહંકાર કરે છે કે મેં તો મોટી મોટી સાહેબી ભોગવી છે બસ. નહીં તો ભોગવ્યાની તૃપ્તિ રહેતી હોયને તો તો પચ્ચીસ વર્ષ રાજ કર્યા પછી, ગમે એટલું દુઃખ આવે તોય મનમાં એમ રહ્યા કરે કે મેં તો રાજ કર્યું છેને, હવે એમાંથી દુઃખ બાદ કરીશું તોય ચાલશે બધું. પણ ના, ચાર દહાડા દુઃખ ના ભોગવાય. ચાર દહાડા પછી તો રડી ઊઠે! એનું શું કારણ? ત્યારે કહે, બસ, અહંકાર એકલો જ કર્યો છે. ભોગવેલું સ્ટોકમાં કશું નથી. જો સ્ટોકમાં હોત તો તો આપણે બાદ કરત કે પચ્ચીસ વરસ ભોગવ્યું છે, એમાંથી આ ચાર દહાડા કાઢી નાખો. એટલું સુખ રહ્યું આપણું. આ તો ખાલી અહંકાર જ કરે છે, ગાંડપણ કર્યું છે, મેડનેસ જ!

ત્રણ વર્ષનું છોકરું હોય, એની મા મરી જાય તો એ દુઃખ ભોગવતો નથી અને બાવીસ વર્ષનો છોકરો હોય એની મા મરી જાય તો દુઃખ ભોગવે કે ના ભોગવે? કારણ કે બાળકને અહંકાર નથી અને મોટાને અહંકાર છે.

અહંકાર, એ એકલો જ કહે છે, કે આ મેં સુખ ભોગવ્યું ને આ મેં દુઃખ ભોગવ્યું. એવો અહંકાર કરે છે, અહંકાર એટલે બોલે છે, એનું નામ જ અહંકાર. એ સિવાય બીજું કશું કરતો જ નથી. તે એનાથી બધા કર્મ બંધાય છે. કષાયો ભોગવે છે. કરે છે બીજો અને કહે છે 'હું કરું છું, મેં કર્યું', બસ આરોપિત ભાવ, એનાથી કર્મ બંધાય છે.

પ્રશ્નકર્તા:  'પ્રત્યેક જન્મ અહમ્ રૂપક ભોગવિયું, સર્વે અવસ્થિતે આડ-બીજ રોપિયું.' સમજાવો.

દાદાશ્રી: અહંકાર જ રૂપક બધું ભોગવે છે (એવુ માને જ છે), બીજો કોઈ ભોગવતો નથી. કોઈ દહાડો જીવે વિષય ભોગવ્યો જ નથી. જીવને વિષય ભોગવવાની શક્તિ જ નથી. જીવ એટલે આ દેહમાં જે જીવ છે અને આત્મા છે તે જાતે જુદો છે. પણ આમાં જે જીવ છે તે જ જીવે-મરે, એ જીવ કહેવાય. એ ભ્રાંતિ સ્વરૂપ છે. તે કોઈ દહાડો કશું ભોગવતો નથી. એટલું જ બોલે છે કે 'મેં ભોગવ્યું !' બસ. ભોગવ્યું-ના ભોગવ્યું એ વાત જુદી પણ 'મેં ભોગવ્યું' કહ્યું એટલે તૃપ્તિ થઈ જાય છે એને.

વિષયો કોણ ભોગવે છે? વિષયો ઇન્દ્રિયો ભોગવે છે. આત્મા કોઈ દહાડો વિષય ભોગવે નહીં. આત્મા સૂક્ષ્મતમ છે અને ઇન્દ્રિયો સ્થૂળ છે અને આત્માએ ક્યારેય પણ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. ત્યારે અહંકાર વિષય ભોગવી શકે નહીં. અહંકાર એવી સૂક્ષ્મ વસ્તુ છે કે પોતે વિષય ભોગવી શકે નહીં. ફક્ત 'ભોગવ્યું'નો અહંકાર કરે કે મેં તો બહુ સરસ ભોગવ્યું. અગર તો એમ કહે કે મેં ભોગવ્યું નહીં, ખાલી અહંકાર કરે છે. બીજું કશું નહીં.

આ તો બોલે એટલું જ કે હું પૈણ્યો. અહંકાર કરે એટલું જ, બીજું કશું નહીં. પૈણે પેલા કષાયો, ભોગવે છેય કષાયો અને આ તો મેં ભોગવ્યું, એટલું જ બોલે. બે વસ્તુ છે જગતમાં, અહંકાર પોષવો યા ભગ્ન કરવો. આ જગતમાં આ બધાનો અહંકાર પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી. દુઃખ ભોગવ્યું તેનો અહંકાર કરે છે. એમણે તો મને બહુ દુઃખ દીધું છે, તેનો પણ અહંકાર કરે છે. એ દુઃખ ભોગવતો નથી. એ અહંકાર કર્યો છે કે એ બધી અસર થઈ ગઈ. છે પોતે પરમાત્મા, પણ જો દશા થઈ છે આમની તો! શક્તિ અનંત છેને, એટલે અનંત ભાવો ય હોય. 

Related Questions
 1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
 2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
 3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
 4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
 5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
 6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
 7. શું દયા એ અહંકારનો ગુણ છે?
 8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
 9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
 10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
 11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
 12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
 13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
 14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on