Related Questions

મનને કેવી રીતે શાંત કરવું? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?

પ્રયત્નો, ખીલે બાંધવાના...

દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી તમે?

પ્રશ્નકર્તા: કશું ધર્મનું પુસ્તક વાંચીએ છીએ એ વખતે સ્થિર થાય છે.

દાદાશ્રી: તે ઘડીએ થોડી વાર સ્થિર થાય. પણ પછી પાછું ચોપડી મૂકે કે હતા તેના તે જ પાછા. એટલે આ તળાવમાં લીલ ચઢેલી હોય, તો આપણે આવડો મોટો ઢેખાળો નાખીએ તો કુંડાળું મોટું ફેલાય. પણ પાછું થોડીવાર થઈ કે હતું તેનું તે. એ તો આખી લીલ કાઢી નાખવી પડે. આખા તળાવની લીલ કાઢી નાખીએ, ત્યારે મહીં સૂર્યનારાયણનો પ્રકાશ પહોંચે. આ તો થોડી થોડી લીલ કાઢીએ, એમાં દહાડો ક્યારે વળે?

પ્રશ્નકર્તા: જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ ત્યારે જ ખરાબ વિચાર આવે છે.

mind

દાદાશ્રી: હા. તે જ વખતે ખરાબ વિચાર આવે. પણ નહીં તો આખો દહાડો સારા વિચાર હોય છે?

પ્રશ્નકર્તા: એવું નહીં. પણ આમ નોવેલ (નવલકથા) કશું વાંચીએ તો આપણું મન એમાં સ્થિર થઈ જાય બિલકુલ.

દાદાશ્રી: તે નોવેલ વાંચે ત્યારે સ્થિર થાય ને! નોવેલ એટલે શું? લપસવું. તે લપસવામાં મન સ્થિર જ હોય. ઉપર ચઢાવવામાં મન જરા અસ્થિર થાય.

પ્રશ્નકર્તા: આપણે એક જગ્યાએ એને સ્થિર કરવું છે.

દાદાશ્રી: પણ તમે પોતે અસ્થિર છો. અસ્થિર બીજાને સ્થિર કેમ કરીને કરી શકે?

પ્રશ્નકર્તા: પણ મન સ્થિર થાય તો આપણે સ્થિર થઈ શકીએ.

દાદાશ્રી: પણ પહેલા તમે જ અસ્થિર છો, મનને લીધે. હવે મનને સ્થિર કેવી રીતે કરી શકો તમે? એ તો કોઈની મદદ લેવી પડે.

પ્રશ્નકર્તા: ધાર્મિક કાર્યમાં બેઠા હોય તો કાયા, વચનથી સ્થિર રહેવાય છે, પણ મનથી અસ્થિર રહેવાય છે.

દાદાશ્રી: મનથી અસ્થિર રહેવાય તે બહુ નુકસાન. કાયા તો સ્થિર રહે, એ તો રહ્યું તોય શું ને ના રહ્યું તોય શું? મનના ઉપર આવતા ભવનો આધાર છે અને કાયાનો આધાર તો ઘસાઈ જવાનો.

મન સ્થિર થવામાં શું ફાયદો હશે, એવો તમે હિસાબ કાઢ્યો છે?

પ્રશ્નકર્તા: શાંતિ મળે.

દાદાશ્રી: અસ્થિર કર્યું કોણે?

પ્રશ્નકર્તા: આપણે.

દાદાશ્રી: શાથી આપણે કર્યું? આપણે જાણીજોઈને અસ્થિર કર્યું? આપણને હિતાહિતની ખબર નથી, પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એની ખબર નહીં હોવાથી મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. પોતાનું હિતનું શેમાં ને અહિતનું શેમાં એવું જો ખબર હોત તો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન તો આઉટ ઓફ કંટ્રોલ (કાબૂ બહાર) થઈ ગયું. હવે હિતાહિતની સમજણ આપે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી સ્થિર થાય. એવા જ્ઞાની પુરુષની કૃપા લેવી પડે કે પોતે સ્થિર થયેલા હોય, નિરંતર સ્થિરપણે જ રહે. પછી આપણને સ્થિર કરી આપે. તો બધું કામ થાય, નહીં તો થાય નહીં કશુંય.

પછી મન સ્થિર ના રહે તો તમારે મનને કહેવું, 'દાદા ભગવાને કહ્યું છે. તમે સ્થિર નહીં રહો તો નહીં ચાલે. નહીં તો દાદા ભગવાનને ફરિયાદ કરીશ.' એવું તમે કહેજો ને, એક-બે વખત. તોય ના માને તો મારી પાસે આવજો.

ન કહેવાય એને આધ્યાત્મિક!

પ્રશ્નકર્તા: ઘણીવાર આધ્યાત્મિક લાગતા માણસોના મનની એકાગ્રતા કેમ લાગતી નથી? મનની સ્ટેબિલિટી (સ્થિરતા) મેળવી શકતા નથી.

દાદાશ્રી: મન સ્થિર નથી થયું, માટે એ આધ્યાત્મિક જ નથી. રેલવેના પાટા ઉપર ચઢે, ત્યારે આધ્યાત્મિક કહેવાય. ત્યાં સુધી પાટા ઉપર ચઢ્યું જ નથી. પાટા ઉપર ચઢે એટલે પછી રાજધાની એક્સપ્રેસની માફક ચાલશે. આ તો મનમાં માની બેસે છે, હું આધ્યાત્મિક છું.

પ્રશ્નકર્તા: આધ્યાત્મિકમાં આ જ મોટો પ્રશ્ન છે કે મનની એકાગ્રતા મેળવવી. હું તો સતત જપ કરું છું પણ એકાગ્રતા જોઈએ એવી નથી.

દાદાશ્રી: અને આ લોકોને જ્ઞાન લીધા પછી એમ ને એમ મન વશ થઈ ગયેલું છે! ચિંતા બિલકુલ નથી થતી અને મન વશ વર્ત્યા કરે છે. કોઈ ગાળો ભાંડે તોય મન વશ રહે, એ શું હશે?

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું હું મંત્રોના જાપ કરીને મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. મનને કેવી રીતે શાંત કરવું? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબૂમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ એક જ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on