Related Questions

નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?

mind

નાગમતા વિચારો સામે...

સહેજે વેગળો ખરાબ વિચાર થકી!

બીજી વાતચીત કરો. બધા ખુલાસા કરો. અત્યાર સુધી જે ગૂંચવાડા છે ને, એ બધા જ ખલાસ થાય એવું છે અહીં. બાકી, આ જગત આખું ગૂંચવાડામાં જ છે.

પ્રશ્નકર્તા: મુશ્કેલી તો મનની જ લાગે છે. બીજું કશું લાગતું નથી.

દાદાશ્રી: મનની? મનનો શો ગુનો બિચારાનો? મન તો કેવું છે? બહાર આપણે કૂતરો બાંધ્યો હોય, તે ભસ ભસ કરતો હોય, તેમાં આપણને શેની મુશ્કેલી?

પ્રશ્નકર્તા: મને એ સત્ય સમજાતું નથી એવું લાગે છે.

દાદાશ્રી: સમજે છે બધાય લોકો. મનને સારી રીતે સમજે છે. ને કૂતરો બાંધેલો હોય, એની પેઠે ગણે છે. પણ તે ના ગમતું હોય ત્યારે કૂતરાની પેઠે ગણે છે અને ગમતું હોય ત્યારે એ મન જોડે એકાકાર થઈ જાય છે. હવે હું શું કહેવા માંગું છું કે ગમતા અને ના ગમતા બેઉમાં મનને કૂતરાની પેઠે રાખો ને!

પ્રશ્નકર્તા: ઘણી વખત ના ગમતા વિચારો આવે છે, આપણે ઇચ્છતા ના હોઈએ તો પણ આવે છે.

દાદાશ્રી: આ પ્રશ્શન મુખ્ય વસ્તુ કહેવાય. એ તમને આવે છે કે બીજા કોઈને આવે છે, એ તમને ખબર નથી ને? એટલે તમને એમ લાગે છે કે મને વિચાર આવે છે. આ ન ગમતા વિચાર તમને પોતાને આવે છે કે બીજા કોઈને આવે છે? એવું છે, વિચારવું એ મનનો ધર્મ છે. સારા વિચાર કરવા કે ખોટા વિચાર કરવા એ ધર્મ કોનો છે? મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તેવો નથી. તું આત્મા છે કે મન છે?

પ્રશ્નકર્તા: આત્મા છું.

દાદાશ્રી: તો પછી વિચારવું એ આત્માનો ધર્મ જ નથી. જે મનનો ધર્મ છે, તેને તું સ્વીકારી લે છે, આરોપ કરે છે, એ ખોટું છે. મનમાં વિચાર આવે તેમાં તને શું હરકત? કારણ કે એનો ધર્મ જ એ છે કે વિચારવું. નિરંતર, આખો દહાડો વિચારવું. અને એને સારું-ખોટું એ આપણે કહીએ છીએ. આ સારા વિચાર ને આ ખોટા વિચાર! સારા વિચાર આવે તો તન્મયાકાર થઈ જાય, વાર જ ના લાગે એને અને ખોટા વિચાર આવે ત્યારે પોતે જુદો રહે ને બૂમાબૂમ કરે કે મને ખરાબ વિચાર આવે છે. ખરાબ વિચાર આવે છે એટલે એ સાબિત થાય છે કે પોતે મનથી જુદો છે. ખોટા વિચાર આવે એટલે સાબિત થાય કે ના થાય?

પ્રશ્નકર્તા: પણ મન ચોવીસેય કલાક વિચારોથી ઘેરાયેલું રહે છે.

દાદાશ્રી: છો ને વિચાર કરે. સ્વભાવ છે બિચારાનો.

પ્રશ્નકર્તા: તો એમાંથી નીકળવા માટે કોઈ વિધિ છે?

દાદાશ્રી: એમાંથી નીકળવાની જરૂર જ શું? તે જોયા કરવાનું કે ઘડીમાં મન શું કરે છે, આ સાસુ માંદા પડ્યા તે હવે ચોક્કસ મરી જવાના. કાલે સવારે મરી ગયા પછી શું થશે? અલ્યા, એ મનનું આપણે સાંભળીએ શું કરવા? આપણે જોયા કરીએ કે આ મન શું કચકચ કર્યા કરે છે. એ એનાં સ્વભાવમાં છે.

પ્રશ્નકર્તા: પણ વિચારો એટલા બધા આવે છે કે વિધિનાં પાંચ વાક્યો વાંચવા હોય તોય સળંગ વંચાતા જ નથી.

દાદાશ્રી: વિચારો આવે, તેમાં મનને વિચારો આવે છે, તે કંઈ આત્માને વિચારો આવે નહીં કોઈ દહાડોય! એવું કોઈ માને જ નહીં કે આત્માને વિચાર આવ્યો. એ વિચારવાનો બધો મનનો સ્વભાવ છે, એમાં કોને તું વગોવે છે?

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on