Related Questions

આધ્યાત્મિકતા એટલે શું?

આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ-અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે. તેથી આધ્યાત્મિકતાનો અર્થ સમય સાથે બદલાયો છે. તેમ છતાં, આધ્યાત્મિકતા એ વિજ્ઞાન છે તેના કારણે તેની વ્યાખ્યા પણ વૈજ્ઞાનિક હોવી જોઈએ.

આત્માને જાણવું અને તે તરફ ચાલવું એ આધ્યાત્મિકતા છે

ખાવું, પીવું, કામ પર જવું, પૈસા કમાવવા અને આવું બધું એ વ્યાવહારિક પ્રવૃત્તિઓ છે. જયારે ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટ, લોકોને દુઃખ આપવું અને લોકોને હેરાન કરવા એ બધી અસામાજિક પ્રવૃત્તિઓ છે; પૂજા કરવી, મંત્ર-જાપ, ભક્તિ, વ્રત અને આહાર તથા પૈસાનું દાન આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ છે. છતાં પણ તે આધ્યાત્મિક નથી! તો, આધ્યાત્મિકતા એટલે શું?

અશુભનો ત્યાગ કરવો અને શુભને ગ્રહણ કરવું તેને ધર્મ કહેવાય, જ્યારે આત્માને જાણવો તેને આધ્યાત્મિકતા કહેવાય. જ્યારે વ્યક્તિ વિનાશી ચીજોના મોહમાંથી બહાર નીકળીને અવિનાશી આત્માને જાણે છે, તેને આધ્યાત્મિકતાની શરૂઆત ગણાય છે.

શુભાશુભ નહીં, આધ્યાત્મિકતા એ શુદ્ધતા છે

  • અશુભમાંથી શુભ તરફ જવું તે ધાર્મિક જાગૃતિ છે, અને
  • શુભ અને અશુભમાંથી શુદ્ધત્વ તરફ જવું તે આધ્યાત્મિકતા અથવા છેવટની જાગૃતિ છે.

ધર્મ આપણને શુભ અને અશુભ શું છે તેનું જ્ઞાન આપે છે. તે આપણને અશુભ કર્મથી છોડાવી અને શુભ ગ્રહણ કરાવે છે. તેમ છતાં, આ શુભ કર્મોના ફળ ભોગવવા, ફરી જન્મ લેવો પડે છે. જન્મ-મરણની આ પ્રક્રિયા જ પીડાદાયક છે.

તદુપરાંત, પુણ્ય કર્મનું ફળ, ભૌતિક સુખોના રૂપે, સ્વભાવથી જ વિનાશી છે. આથી, વ્યક્તિને અસંતોષ રહે છે, વધુ સુખની ભૂખ રહે છે અને સુખ માટેના બીજા સાધનોની શોધમાં રહે છે. આ અનંતા ભવો સુધી ચાલ્યા કરે છે.

બીજી બાજુ, આધ્યાત્મિકતા આપણને શાશ્વત સુખ આપે છે. તે જે શુદ્ધ છે, તેવા તમારા પોતાના આત્માનું જ્ઞાન આપે છે. તે આપણને શુભ અને અશુભથી આગળનું જ્ઞાન આપે છે અને ક્યારેય નાશ ન થનારા આત્માના આનંદમાં રહેવાનું શીખવે છે. જેનાથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે.

જ્યારે ધર્મ આપણને અશુભ છોડાવી અને શુભને ગ્રહણ કરાવે છે, આધ્યાત્મિકતા આપણને શુદ્ધ તરફ લઈ જાય છે. આધ્યાત્મિકતા શુભ અને અશુભના દ્વંદ આગળ વધીને શુદ્ધાત્માનો અનુભવ કરાવીને, આપણને બધા સાંસારિક બંધનોમાંથી મુક્ત કરાવે છે.

ધારો કે, નળમાંથી ડહોળું પાણી આવે છે. તેને પીવાલાયક બનાવવા માટે, થોડા ફિલ્ટર મૂકીને ચોખ્ખું કરી શકાય છે. પછી આપણે તે ચોખ્ખા પાણીને આપણા રોજિંદા વપરાશમાં વાપરી શકીએ છીએ અને સારું જીવન જીવી શકીએ છીએ. તેમ છતાં, જો આપણે આ પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડવા હોય, તો આપણને એવા વૈજ્ઞાનિકની જરૂર પડે કે જે કહેશે, “તમે આ પાણીને ડહોળામાંથી ચોખ્ખું તો બનાવી આપ્યું, પરંતુ તમારે આનાથી પણ આગળ જવાનું છે.” આ રીતે, આપણને પાણીનું શુદ્ધ તત્વરૂપ, એટલે કે હાઈડ્રોજન અને ઓક્સિજન, મેળવવું હોય, તો આપણે હજી પણ આગળ જવાનું છે.

જ્યારે બીજી બાજુ, જો આપણે હાઈડ્રોજન અને ઓક્સિજનને સીધા ડહોળા પાણીમાંથી છૂટા પાડીએ અને ચકાસીએ, તો શું તે હાઈડ્રોજન અને ઓક્સિજન અશુદ્ધ હશે? જરા પણ નહીં! તે સંપૂર્ણ શુદ્ધ જણાય છે. આમ, બહુ બધી અશુદ્ધિઓ વચ્ચે પણ, તત્વ કાયમ માટે શુદ્ધ રહે છે! તેવી રીતે, શરીરમાં રહેલો આત્મા, ગમે તેટલા અશુભ અને શુભ કર્મો થયા હોય, કાયમ શુદ્ધ રહેલો છે. આના પરથી આધ્યાત્મિકતા શું છે તેનું વૈજ્ઞાનિક તારણ નીકળે છે.

અવિનાશી તત્વના જ્ઞાનને આધ્યાત્મિક વિજ્ઞાન કહેવાય છે!

એકવાર જ્યારે આપણને સમજાય છે કે આત્મા એ અવિનાશી તત્વ છે અને તે આપણે પોતે છીએ, અને જો (આત્મતત્વ અને જડતત્વના ભેદજ્ઞાનથી) આપણે તે શાશ્વત તત્વને જાણીએ, તો આપણા લૌકિક પ્રશ્નો અને મૂંઝવણોને સરળતાથી ઉકેલી શકાય.

તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાને આપણને આ આધ્યાત્મિક વિજ્ઞાન આપ્યું છે! વ્યવહારિક વિજ્ઞાન એ આખી જુદી વસ્તુ છે. તે ભૌતિક છે, જ્યારે આ આધ્યાત્મિક વિજ્ઞાન છે, જે અવિનાશી તત્વ - આત્મા - પર આધારિત છે. મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન એ બધા આધ્યાત્મિક વિજ્ઞાનીઓ હતા. આ વૈજ્ઞાનિકોએ અવિનાશી તત્વને જાણ્યો હતો, અનુભવ્યો હતો અને તેમના શિષ્યોને તેનું જ્ઞાન આપ્યું હતું.

આધ્યાત્મિકતા એટલે જ્યાં આત્માને જાણી શકાય છે તે માર્ગ પર ચાલવું

પરમ પૂજ્ય દાદા ભગવાનને આત્મ-સાક્ષાત્કાર ૧૯૫૮ માં થયો હતો. બાળપણથી જ, આ જગત કોણ ચલાવે છે, હું કોણ છું, કર્તા કોણ અને આ જગત કેવી રીતે બન્યું જેવા પ્રશ્નોના જવાબોની શોધમાં હતા. ૧૯૫૮ માં, આત્મ-સાક્ષાત્કાર થયા પછી, તેમને આ બધા આધ્યાત્મિક પ્રશ્નોનું નિરાકરણ મળી ગયું.

મુમુક્ષુઓને આત્મ-જ્ઞાન આપી શકે તે માટે તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ. કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું આ તે જ જ્ઞાન છે. આધ્યાત્મિકતા શું છે તેની ખોજમાં, આપણને બે પાયાની વસ્તુનું જ્ઞાન મળે છે:

  • હું કોણ છું?
  • જગત કોણ ચલાવે છે?

Spirituality

આ જ્ઞાન પ્રાપ્તિ પછી, આપણને આપણી બધી સાંસારિક મૂંઝવણોને ઉકેલવા માટેના સમાધાન અને ચાવીઓ મળે છે, અને સાથે સાથે, આપણે દુઃખોથી મુક્ત થઈએ છીએ. અજ્ઞાનતાના કારણે કોઈપણ મુશ્કેલી આવે તેનો ભોગવટો રહે છે. એકવાર જ્યારે આપણને વાસ્તવિકતા, ‘હું કોણ છું અને કરે છે કોણ’નું જ્ઞાન મળે છે, પછી એની મેળે અજ્ઞાનતાથી જે ભોગવટો હતો તે દૂર થઈ જાય છે. આથી, આ આધ્યાત્મિક વિજ્ઞાન છે!

‘હું’ કર્તા નથી પરંતુ કરનારાને જાણનારો છું તે જાણવું એ આધ્યાત્મિકતા છે!

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “સંસારવ્યવહાર 'ક્રિયાત્મક' છે અને આત્મવ્યવહાર 'જ્ઞાનાત્મક' છે. એક ક્રિયા કરે છે ને બીજો જોયા કરે છે. કરનાર ને જાણનાર, બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે ને જુદા રહેશે..”

×
Share on