Related Questions

હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?

જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને નિયંત્રણમાં લેવાનો નિર્ણય કરતા પહેલા નીચેના પ્રશ્નો વિષે વિચારી જુઓ:

 • જ્યારે તમારો જન્મ થયો, ત્યારે શું તમને ચિંતા હતી કે તમને દાંત આવશે કે નહીં?
 • શું નવજાત શિશુ ચિંતા કરે છે કે ક્યારે અને ક્યાંથી તેમનું દૂધ આવશે?
 • જ્યારે તમે જમ્યા પછી સૂવા જાઓ છો, ત્યારે ક્યારેય તમે તપાસ કરવા જાઓ છો કે શું ખોરાકના પાચન માટે પાચક રસો અને ઉત્સેચકો ઝરે છે કે નહીં? તમે આ બાબતમાં કેટલા સચેત રહો છો? તમે જે જમ્યા છો એ બધું સવાર સુધીમાં તમારા શરીરમાં પાચન થઈ ગયું હોય છે. લોહીમાં બધા પોષકતત્વો ભળી જાય છે; નકામા પદાર્થના નિકાલ માટે વ્યવસ્થા થઈ જાય છે અને દરેક વસ્તુ એની યોગ્ય જગ્યા પર પહોંચી જાય છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે શું તમારે કંઈ કરવું પડે છે?
 • શું તમે ક્યારેય ચિંતા કરી છે કે કાલે સૂર્ય ઉગશે કે નહીં?
 • તમારે વિચારવું પડે છે કે તમારા વાળ ઉગશે કે નહીં?

વાસ્તવિકતામાં, કોઈનો પોતાના જીવન પર નિયંત્રણ હોતો નથી. જ્યારે દરેક વસ્તુને કાબૂમાં લેવા જઈએ છીએ, તેના કારણે ચિંતા થવાનું શરૂ થાય છે. તો પછી, આપણા જીવનમાં જે કાંઈ બને છે તેના પર કોનો કાબૂ હોય છે? શું તે પ્રારબ્ધ છે? શું પુરુષાર્થ કરવાથી કંઈ બદલી શકાય છે? કે હકીકતમાં કંઈ બીજું છે?

પ્રારબ્ધ વિરુદ્ધ પુરુષાર્થ 

લોકો નસીબ અને પ્રારબ્ધની સામે સ્વતંત્ર સ્વ-પુરુષાર્થની વાતો કરતા હોય છે. ઘણા માત્ર પ્રારબ્ધ પર આધાર રાખે છે, જ્યારે બીજા માત્ર સ્વ-પુરુષાર્થ પર આધાર રાખે છે. 

જ્યારે લોકો ખૂબ પૈસા કમાય છે, તે તેના માટે માન ખાય છે અને દાવા માંડે છે કે આ તો તેની મહેનત અને સખત પરિશ્રમનું ફળ છે. જો તેને ખોટ જાય તો તેઓ તેની કુંડળી, પ્રારબ્ધ, બદ્નસીબને દોષ આપે છે અને ત્યાં સુધી કે ભગવાનને પણ દોષિત ગણે છે. જ્યારે દરેક વસ્તુ પદ્ધતિસર જઈ રહી હોય ત્યારે સફળતા એ આપણા પુરુષાર્થનું ફળ છે, પરંતુ જ્યારે તે પદ્ધતિસર નથી થતું, ત્યારે લોકો ભગવાનને દોષ આપે છે. શું આ બરાબર છે? જે પદ્ધતિસર નથી જઈ રહ્યું તેને સરખું કરવામાં જે પ્રયત્નો કરવામાં આવે છે, તેને જગતના લોકો સ્વ પુરુષાર્થ તરીકે ઓળખે છે. જો વ્યક્તિ ખરેખર પુરુષાર્થ કરવા માટે સક્ષમ હોય, તો તે ક્યારેય ખોટ જવા દે નહીં. પુરુષાર્થમાં અસફળતા હોતી નથી. માટે, આ વિરોધાભાસ છે. એટલે, શું તમે હજી પણ માનો છો કે તમે તમારા જીવન પર કાબૂ મેળવી શકશો? 

લોકો માને છે કે તેઓ કરે છે; જ્યારે હકીકતમાં, તેઓ જે કરી રહ્યા છે અને જેના પર કાબૂ મેળવવા માટે મથી રહ્યા છે, તે તો પાછલા જીવનના કર્મોનો હિસાબ છે. લીમડો ડાળીએ-ડાળીએ અને પાંદડે-પાંદડે કડવો હોય છે. આના માટે ઝાડને શું પુરુષાર્થ કરવો પડે છે? ઝાડમાં જે કાંઈ પણ ઊગ્યું છે તે તેના બીજમાંથી આવ્યું છે. તેવી રીતે, મનુષ્ય તેની પ્રકૃતિ પ્રમાણે કરે છે, પણ એવું કહે છે કે ‘હું કરું છું’ અને આ રીતે અહંકાર કરે છે. જે કંઈ દેખાય છે અને બને છે તે તમારા પાછલા કર્મોના પરિણામે બને છે અને તેને ‘મે કર્યું’ કહેવું એ સૂક્ષ્મ માન અને અભિમાન છે.  

‘એટલે, શું મારે બધું પ્રારબ્ધ પર છોડી દેવું?’ 

ના. તમે માત્ર બેઠા બેઠા એવું પણ ન કહી શકો કે બધું નસીબમાં લખાયેલું છે. જો તમે કહો, તો તમે સાવ અપ્રવૃત્ત થઈ જશો. આવા આધારથી મન બેચેન થઈ જશે. જો પ્રારબ્ધનો આ ટેકો લેવો યોગ્ય હોય, તો તમને ચિંતાઓ ના થવી જોઈએ, પરંતુ શું તમને ચિંતા નથી થતી? તેથી, પ્રારબ્ધ પર આધારિત રહેવું તર્કસંગત નથી. 

તો પછી, કર્તા કોણ છે? 

સંયોગો ‘કર્તા’ છે. દરેક વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ (વ્યવસ્થિત) ભેગા થાય છે, ત્યારે એક ઘટના બને છે. તેથી, તમારા જીવન પર કંટ્રોલ કરવો એ તમારા હાથમાં નથી. તમારે માત્ર સંયોગોને નિરીક્ષણ કરીને શું બને છે તે જોવાનું છે. જ્યારે સંયોગો મળી આવે છે, ત્યારે કાર્ય પુર્ણ થાય છે. માર્ચના મહિનામાં વરસાદ પડે એવી આશા રાખવી તે અયોગ્ય છે. જૂન 15ના (જ્યારે ભારતમાં વરસાદ શરુ થાય છે) સંયોગો મળી આવશે. જો કાળનો સંયોગ યોગ્ય હોય, પરંતુ વાદળાઓ ના હોય તો વરસાદ કેવી રીતે આવશે? જ્યારે વાદળાઓ છે, યોગ્ય સમય છે, વીજળી થાય છે અને બીજા બધા સંયોગો ભેગા થશે, ત્યારે વરસાદ પડશે. દરેક સંજોગોને પાકવા દેવા પડશે. મનુષ્ય સંજોગોને આધીન છે, પરંતુ તે માને છે કે તે કંઈક કરે છે. તે જે કાંઈ પણ કરે છે તે પણ સંજોગોને આધીન છે. જો એક પણ સંજોગ ખૂટી પડે, તો તે કાર્ય પૂરું કરી શકશે નહીં. 

વ્યવસ્થિત શું છે? 

વ્યવસ્થિત એટલે વૈજ્ઞાનિક સાંયોગિક પૂરાવાઓ. વ્યવસ્થિતના જ્ઞાનથી દરેક પરિસ્થિતિમાં સમાધાન રહી શકે. 

પરમ પૂજ્ય દાદા ભગવાન સાદા દાખલા સાથે સમજાવે છે: 

“આ કાચનો પ્યાલો છે. તે તમારા હાથમાંથી છૂટવા માંડ્યો. તે તમે આમથી તેમ ને તેમથી આમ હાથ હલાવીને તેને છેક નીચે સુધી બચાવવા પ્રયત્ન કર્યો. તે છતાંય તે પડ્યો ને ફૂટી ગયો. તો તે કોણે ફોડ્યો ? તમારી ઈચ્છા જરાય નહોતી કે આ પ્યાલો ફૂટે. ઊલટાનો તમે તો છેક સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું પ્યાલાને ફૂટવાની ઇચ્છા હતી ? ના. તેને તો તેવું હોય જ નહીં. બીજું કોઈ ફોડનાર તો હાજર નથી તો પછી કોણે ફોડ્યો ? 'વ્યવસ્થિતે.' વ્યવસ્થિત એ એક્ઝેક્ટ નિયમથી ચાલે છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી. જો 'વ્યવસ્થિત'ના નિયમમાં આ પ્યાલો ફૂટવાનો જ ના હોય તો આ કાચના પ્યાલાનાં કારખાનાં શી રીતે ચાલે ? આ તો વ્યવસ્થિતને તમારુંય ચલાવવું છે, કારખાનાંય ચલાવવાં છે અને હજારો મજૂરોનુંય ગાડું ચલાવવાનું છે. તે નિયમથી પ્યાલો ફૂટે જ, ફૂટ્યા વગર રહે જ નહીં. ત્યારે અક્કરમી ફૂટે ત્યારે કઢાપો ને અજંપો કર્યા કરે. અરે, નોકરથી ફૂટ્યો હોય ને બે-પાંચ મહેમાન બેઠા હોય તો મનમાં અજંપો કર્યા કરે કે ક્યારે આ મહેમાન જાય ને હું નોકરને ચાર તમાચા ચોડી દઉં ! ને મૂઓ તેવું કરેય ખરો. અને જો તેણે જાણ્યું કે આ નોકરે નથી ફોડ્યો પણ 'વ્યવસ્થિતે' ફોડ્યો છે તો થાય કશું ? સંપૂર્ણ સમાધાન રહે કે ન રહે ? ખરી રીતે નોકર બિચારો નિમિત્ત છે. તેને આ શેઠિયાઓ બચકાં ભરે છે. નિમિત્તને ક્યારેય બચકાં ના ભરાય. મૂઆ, નિમિત્તને બચકાં ભરીને તું તારું ભયંકર અહિત કરી રહ્યો છું. મૂઆ, મૂળ રૂટ કૉઝ ખોળી કાઢને ! તો તારો ઉકેલ આવશે.” 

વ્યવસ્થિતનું જ્ઞાન વાપરો  

 • જો તમને ખોટ જાય, તો તમારે ચિંતા કરવી નહીં. અને જો તમને નફો આવે, તો પણ તમારે ચગી જવું નહીં. એ બધું વ્યવસ્થિત કરે છે. તમે કર્તા નથી. રાત અને દિવસ; સૂર્યોદય અને સૂર્યાસ્તની જેમ દરેક વસ્તુ ચોક્કસ અને નિયમિત છે. તે વ્યવસ્થિતના તાબે છે.
 • પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો કે તમને દંડ કરવામાં આવશે તો આપણે તરત જ સમજી જઇએ કે 'વ્યવસ્થિત' છે. અને 'વ્યવસ્થિત'માં હશે તો એ દંડ કરશે ને ? નહીં તો એને સંડાસ જવાનીય શક્તિ નથી, તો એ બીજું શું કરવાનો છે ? જગતમાં કોઇ કશું કરી શકે એમ છે જ નહીં. અને આપણું 'વ્યવસ્થિત' હશે તો એય છોડવાનું નથી તો શેને માટે આપણે ડરવાનું ? ”

માટે, તમારા જીવન પર કાબૂ મેળવવાને બદલે, સકારાત્મક પ્રયત્નો કરવાનું વિચારો. કાર્ય પૂરું કરવા માટે દરેક બાજુથી સકારાત્મક (પોઝિટીવ) વલણ રાખી સકારાત્મક પ્રયત્નો કરવાથી આપણા તરફથી સકારાત્મક પૂરાવાઓ ઉમેરાય છે. પ્રાર્થના એ પણ એક સકારાત્મક નિમિત્ત છે. જ્યારે આપણે ચિંતા ના કરતા હોઈએ, ત્યારે આપણા તરફથી નકારાત્મક પૂરાવાઓ જતા નથી. આ નિમિત્તો સાથે જ્યારે બીજા નિમિત્તો જેવા કે કાળ, ક્ષેત્ર, સારા અને ખરાબ કર્મો બધા ભેગા મળીને છેલ્લું પરિણામ આવે છે. તે વ્યવસ્થિત છે. એક વાર જ્યારે આપણે પરિણામને સ્વીકારતા શીખી જઈએ છીએ, ભલે તે સારું હોય કે ખરાબ હોય, એક વાર આપણને જ્યારે સમજાય છે કે કોઈ કર્તા નથી, આપણું જીવન ખૂબ શાંતિમય અને સુખમય બની જશે. 

Related Questions
 1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
 2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
 3. ટેન્શન એટલે શું?
 4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
 5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
 6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
 7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
 8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
 9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
 10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
 11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
 12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
 13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
 14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
 15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on