Related Questions

જન્મ-મરણના ફેરામાંથી કઈ રીતે છૂટાય?

birth and death

આવાગમન અહંકારને:

જો આત્મા અજન્મ-અમર છે, તો પછી આવાગમન એટલે કે જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી ફરી જન્મના ફેરાં કોના છે? તેનો જવાબ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને કહે છે કે, “જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય!” અહંકાર ક્યારે જાય? જયારે પોતાના આત્મ-સ્વરૂપનો અનુભવ થાય ત્યારે. પોતે પોતાના સ્વરૂપને જાણે એટલે આવાગમનના ફેરા બધા બંધ થઈ જાય. આત્મસાક્ષાત્કાર કરીને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાનું ફક્ત મનુષ્યદેહે જ શક્ય છે.

નવું ચાર્જ બંધ થતા આવે અંત:

આપણે ફોનની બેટરીના ઉદાહરણથી સમજી શકીએ કે જેમ બેટરીમાં સેલ 'ચાર્જ' થયેલા હોય છે, એમ આ દેહ 'ચાર્જ' થયેલો છે. પૂર્વભવના કૉઝીઝના પરિણામે 'ઈફેક્ટિવ બૉડી' એટલે આ મન-વચન-કાયાની ત્રણ 'બેટરી'ઓ તૈયાર થઈ જાય છે. આ ભવમાં મન-વચન-કાયાની ગયા ભવની ‘બેટરીઓ’ અત્યારે 'ડિસ્ચાર્જ' થયા કરે છે, એ પૂર્વ ભવની ઈફેક્ટ છે. બીજી બાજુ અજ્ઞાનતાથી નવી મન-વચન-કાયાની 'બેટરીઓ' ચાર્જ થયા કરે છે જે આવતા ભવ માટે છે. નવું 'ચાર્જ' બંધ થાય તો, જૂનું ડિસ્ચાર્જ થઈને પૂરું થાય અને નવો જન્મ થતો અટકે.

મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે ત્યારે જ બીજી બાજુ યોનિમાં પ્રવેશે છે. ત્યારે આત્મા, સૂક્ષ્મ શરીર તથા કારણ શરીર સાથે જાય છે. સૂક્ષ્મ શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ શરીર દરેકનાં પોતે સેવેલાં કૉઝીઝ પ્રમાણે જુદાં જુદાં હોય છે.

આ કૉઝ કેવી રીતે પડે છે? અને તે કેવી રીતે બંધ થાય? તે સમજાઈ જાય તો મુક્તિ હાથવેંતમાં છે.

કોઈપણ પ્રસંગ બને ત્યારે આપણા અંદરની સ્થિતિ શું છે તેનાં આધારે કર્મ ચાર્જ થાય છે. કોઈ આપણને માનભેર રાખે, ઘરે જતાં જ ‘આવો, પધારો’ કહે, પૂજ્ય ગણીને ફૂલોનો હાર પહેરાવે તે વખતે આપણે અંદર ખુશ થઈ જઈએ. જયારે કોઈ આપણું અપમાન કરે, આપણી સામે ગમે તેમ બોલે તે વખતે આપણે ચિડાઈ જઈએ. બહાર જે ક્રિયા બને છે તે પૂર્વની ઇફેક્ટ એટલે કે પરિણામ છે. પણ તે વખતે આપણે ખુશ થઈએ કે ચિડાઈ જઈએ તેનાથી કર્મ ચાર્જ થાય છે. આ ચાર્જકર્મ આવતા ભવે ફળ આપીને ડિસ્ચાર્જ થાય છે. હવે, કર્મની ઇફેક્ટ ભોગવતી વખતે નવા કૉઝ ના પડે તો નવો જન્મ ના થાય.

કારણ-કાર્યની શૃંખલા!

મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા છે? ત્યારે કહે, 'કૉઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય અને કારણો'. એમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી 'ઈફેક્ટ' બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે!

અહીં આગળ આખી જિંદગી 'કૉઝીઝ' ઊભાં કરેલાં હોય, એ તમારા 'કૉઝીઝ' કોને ત્યાં જાય? અને 'કૉઝીઝ' કરેલાં હોય એટલે એ તમને કાર્યફળ આપ્યા વગર રહે નહીં. 'કૉઝીઝ' ઊભાં કરેલાં, એવું તમને પોતાને સમજાય?

દરેક કાર્યમાં 'કૉઝીઝ' ઊભાં થાય છે. તમને કોઈએ 'નાલાયક' કહ્યું તો તમને મહીં 'કૉઝીઝ' ઊભાં થાય છે. 'તારો બાપ નાલાયક છે' એ તમારું 'કૉઝીઝ' કહેવાય. તમને 'નાલાયક' કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું. એ ના સમજાયું આપને? કેમ બોલતા નથી?

પ્રશ્નકર્તા: બરોબર છે.

દાદાશ્રી: એટલે 'કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની 'ઈફેક્ટ' આવતે ભવ ભોગવવી પડે છે!

આ તો 'ઈફેક્ટિવ' (પરિણામ) મોહને 'કૉઝીઝ' (કારણ) મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે 'હું ક્રોધ કરું છું' પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહીં, એ તો 'ઈફેક્ટ' છે. અને 'કૉઝીઝ' બંધ થઈ જાય એટલે 'ઈફેક્ટ' એકલી જ રહે છે અને તે 'કૉઝીઝ' બંધ કર્યાં એટલે 'હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઈફેક્ટ' (પરિણામનો પોતે જવાબદાર નથી) અને 'ઈફેક્ટ' એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી.

ટૂંકમાં, સઘળું થાય છે ડિસ્ચાર્જના ધક્કાથી, પણ પોતે માને છે કે ‘આ હું છું’, ‘મને થયું’ અથવા 'હું કરું છું!' એ અજ્ઞાનતાથી આવતા ભવના નવાં બીજ પડે છે. જયારે આત્માનું ભાન થાય કે પોતે કોણ છે, ત્યારે બીજ પડવાના બંધ થાય અને જન્મ-મરણના ફેરામાંથી છૂટકારો થાય!

અક્રમ વિજ્ઞાનથી કૉઝીઝ બંધ:

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે,મનુષ્યજન્મ એકલામાં જ 'કૉઝીઝ' બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી 'ઈફેક્ટ' જ છે. અહીં 'કૉઝીઝ' એન્ડ 'ઈફેક્ટ' બંને છે. અમે જ્ઞાન આપીએ ત્યારે 'કૉઝીઝ' બંધ કરી દઈએ છીએ. પછી નવી 'ઈફેક્ટ' થાય નહીં.

જ્યાં સુધી સેલ્ફ રીયલાઇઝેશન(આત્મસાક્ષાત્કાર) ન થાય ત્યાં સુધી જુદી-જુદી યોનિઓમાં ભટકવાનું છે. ફક્ત એક જ્ઞાની પુરુષ આપણને આત્માની ઓળખાણ કરાવી શકે, જેનાથી જૂનું ચાર્જ થતું અટકી જાય અને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ શકાય.

અત્યારે અક્રમ વિજ્ઞાન થકી પ્રત્યક્ષ જ્ઞાનીની લિંક ચાલુ છે. જેમાં જ્ઞાનવિધિના ભેદજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રયોગથી “હું શુદ્ધાત્મા છું” એવો અંશ અનુભવ થાય છે અને સો ટકા પ્રતીતિ (શ્રદ્ધા) બેસી જાય છે. ગમે તેટલા તપ-જપ-ધ્યાન કરીએ પણ આ અનુભવ જાતે નથી થઈ શકતો. એ તો જયારે અનુભવી જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન મળે તો રોકડો અનુભવ થાય.

જ્ઞાની જ કરાવે, આત્મા-અનાત્માનો ભેદ

આ વીંટીમાં સોનું અને તાંબું બે મહીં ભેગાં થયેલા હોય, એને આપણે ગામમાં ઘેર લઈ જઈએ કે ‘ભઈ, આને છૂટું કરી આપોને!’ તો બધા લોક કરી આપે? કોઈ કરી આપે?

પ્રશ્નકર્તા: સોની જ કરી આપે.

દાદાશ્રી: જેનો આ ધંધો છે, જે આમાં એક્સ્પર્ટ છે, તે સોનું અને તાંબું બન્ને જુદું કરી આપે, સો એ સો ટચનું સોનું જુદું કરી આપે. કારણ કે એ બેઉના ગુણધર્મ જાણે છે કે સોનાના આવાં ગુણધર્મ છે ને તાંબાના આવાં ગુણધર્મ છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માનાયે ગુણધર્મ જાણે છે.

આ વીંટીમાં સોનું અને તાંબું મિક્ષ્ચર થઈ ગયું હોય છે, એટલે એને છૂટું પાડી શકાય. સોનું અને તાંબું એ બે કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોય, તો તે છૂટું પડી શકે નહીં. કારણ કે નહીં તો ગુણધર્મ જુદી જ જાતના થઈ જાય. એવી રીતે આની અંદર ચેતન અને અચેતન બધું મિક્ષ્ચર છે, એ કમ્પાઉન્ડ સ્વરૂપ થયેલું નથી. એટલે ફરી સ્વભાવને કાઢી શકાય. કમ્પાઉન્ડ થયું હોય તો જડત જ નહીં. ચેતનનાયે ગુણધર્મ જડત નહીં ને અચેતનનાંયે ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી. એ તો મિક્ષ્ચર થયેલું છે ખાલી.

જ્ઞાની પુરુષ જે ‘વર્લ્ડ’ના ‘ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ’ હોય એ આત્મા-અનાત્માનું વિભાજન કરી આપે. એટલું જ નહીં, પણ આપણા પાપોને બાળીને ભસ્મીભૂત કરી આપે, દિવ્યચક્ષુ આપે અને ‘આ જગત શું છે? કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે?’ વગેરે બધા જ ફોડ પાડી આપે. ત્યાર પછી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીએ એટલે નવા કર્મો ચાર્જ થવાના બંધ થાય અને જૂના કર્મો ડિસ્ચાર્જ થતાં પૂર્ણાહુતિ થાય!

×
Share on