Related Questions

ભગવદ્ ગુણો કયા છે?

ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય.

લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે. પણ નિર્ગુણ એટલે ગુણોથી રહિત એવો અર્થ નથી. ભગવાન તો પ્રકૃતિના ગુણોથી સંપૂર્ણ નિર્ગુણ છે, પણ પોતાના સ્વગુણોથી ભરપૂર છે. જેમની અંદર અમૂર્ત ભગવાન પ્રગટ થયા છે એવા જીવતાજાગતા દેહધારી પરમાત્માને સગુણ ભગવાન કહે છે.

જેઓ ભગવાન પદને પામી ગયા છે, તેમનામાં વીતરાગતા, પ્રેમ, કરુણા અને સહજ ક્ષમા જેવા ભગવદ્ ગુણો પ્રગટ થાય છે. એથી આગળ વધીને જેઓ આત્માની એબ્સોલ્યૂટ સ્થિતિમાં આવી જાય તેમને પરમાત્મા કહેવાય.

આપણે આ ભગવદ્ ગુણોને વિસ્તારથી સમજીશું.

વીતરાગતા

જેમને કિંચિત્‌માત્ર રાગ નથી, કિંચિત્‌માત્ર દ્વેષ નથી, જેમના રાગ-દ્વેષ સંપૂર્ણ જતા રહ્યા છે, તેમને વીતરાગ કહેવાય; તે જ પરમાત્મા કહેવાય!

સમભાવ એટલે અંશ વીતરાગતા, એ શરૂઆત છે. વિષમને જોવું એનું નામ સમ અને સમભાવ એટલે ખરાબ પર દ્વેષ નહીં અને સારા ઉપર રાગ નહીં. છતાં સમભાવ રાખવો પડે. પણ જ્યારે સમભાવ નિરંતર વર્તે, સર્વાંશ થાય ત્યારે પૂર્ણ વીતરાગતા કહેવાય.

સામો દુઃખ આપતો હોય તો એના ઉપર સહેજે દ્વેષ નહીં અને સુખ આપતો હોય તેના ઉપર સહેજે રાગ નહીં, એ વીતરાગતા. બંનેને પોતે જુએ અને જાણે, પણ ખરાબ કે સારા ઉપર દ્વેષ કે રાગ નહીં, એ વીતરાગતા.

મનમાં ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે; વાણી સારામાં સારી વાણી નીકળે ને લોકો આફરીન થાય, કે પછી ખરાબમાં ખરાબ વાણી નીકળે; વર્તન સારું થાય કે ખરાબ થાય, પોતાને અંદર સહેજ પણ અસર ના થાય ત્યારે વીતરાગતા આવી કહેવાય.

વીતરાગ એને કહેવાય કે જેમને કેવળ આત્માની જ રમણતા હોય. બહાર સંસારમાં જે હો તે ભલે હો, પણ પોતે કેવળ આત્માના જ અનુભવમાં વર્તે. પોતે નિરંતર આત્મારૂપે વર્ત્યા કરે અને બધાને નિરંતર આત્મારૂપે જ જુએ એમનું નામ વીતરાગ.

આત્માના સાધનો ઉપર, આત્મા ઉપર અને આત્મજ્ઞાની ઉપર પ્રેમ વધે એ પ્રશસ્ત મોહ કહેવાય. તે સંસારના રાગમાંથી છોડાવે અને છેવટે વીતરાગ બનાવે. પછી પોતે આત્મરમણતામાં જ વર્તે તો વીતરાગ થયા કહેવાય.

સંસારમાં વૈરાગ આવે તે વીતરાગતા નથી. પોતાને બધે વિરક્તતા લાગે, બધું ત્યાગ કરી દે એ વૈરાગ. પછી પોતાને ક્યાંય ગમે નહીં, ફક્ત આત્મા જાણવો છે એ એક જ લગની હોય, સંસારમાં રુચિ ન રહે તેને ઉદાસીનતા કહે છે. પછી ઉદાસીનતાથી આગળ વધે અને આત્માનું જ્ઞાન મળે ત્યારથી પોતે સમભાવમાં આવે છે. છેવટે જ્યારે પોતે રાગ-દ્વેષથી સંપૂર્ણપણે મુક્ત થાય છે, ત્યારે વીતરાગ દશા આવે છે. વૈરાગથી વીતરાગતાના આ બધાં પગથિયાં છે.

સંપૂર્ણ વીતરાગતાનું પરિણામ પ્રેમ છે.

પ્રેમ

જ્યાં ભગવાન હોય ત્યાં સાચો પ્રેમ જોવા મળે. જે પ્રેમમાં વધઘટ ના હોય, જે પ્રેમ અનાસક્ત હોય, એ સાચો પ્રેમ એ જ પરમાત્મા છે!

વ્યવહારમાં તો પ્રેમ વધઘટ થયા કરે. કોઈ ગાળો ભાંડે તો તેની સાથે ઝઘડો થઈ જાય અને કોઈ ફૂલ ચડાવે, માન આપે તો તેને ચોંટી પડે. પ્રેમ ઘટે ત્યારે આસક્તિ કહેવાય ને વધે ત્યારે પણ આસક્તિ કહેવાય. જે ક્યારેય વધઘટ ના થાય એવો અનાસક્ત પ્રેમ, એ શુદ્ધ પ્રેમ કહેવાય.

શુદ્ધ પ્રેમ સંસારમાં ક્યાંય જોવા ન મળે. દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં પતિ-પત્ની, મા-બાપ છોકરાઓ, શેઠ-નોકરનો દરેકનો પ્રેમ ઘાટવાળો હોય. ઘાટવાળો છે એ ક્યારે સમજાય કે જ્યારે એ પ્રેમ ફ્રેક્ચર થાય. જ્યાં સુધી તેમાં મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ કડવાશ ઊભી થાય ત્યારે ખબર પડે કે આ પ્રેમ નહોતો પણ આસક્તિ હતી.

ખરો પ્રેમ તો પરમાત્મ પ્રેમ કહેવાય. તેમાં કોઈ સ્વાર્થ કે ઘાટ ન હોય. પહેલા દિવસે જે પ્રેમ લાગે, તે પ્રેમ વર્ષો પછી પણ એવો ને એવો જ દેખાય!

ભગવાન પાસે પ્રેમનું લાયસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. અલૌકિક પ્રેમ! જેમાં લૌકિકતા નામેય ના હોય. એવા પ્રેમથી લોકો બંધાય પછી પોતે છૂટી શકે જ નહીં. એક સાચો પ્રેમ જ આખા જગતને પકડી શકે. પ્રેમમાં અભેદતા હોય. જે પ્રેમસ્વરૂપ થાય તેમને આખા જગત જોડે અભેદતા હોય.

આ કાળમાં આવા પ્રેમનાં દર્શન એક વખત થાય, પછી તે નિરંતર યાદ રહે, સંસારની સર્વે જંજાળોમાં જકડાયેલા હોવા છતાં પણ!

જે પરમાત્મ પ્રેમને ચાખી લે તેના સંસારના સર્વે ઘા રુઝાઈ જાય. પરમાત્મ પ્રેમ તો વિટામિન કહેવાય. એવો પ્રેમ જુએ એટલે પોતાનામાં આત્મવીર્ય, ઐશ્ચર્યપણું પ્રગટ થાય. એવું આત્મઐશ્વર્ય પ્રગટ થાય કે પોતે એ પ્રેમમાં ને પ્રેમમાં બધા કચરા ફેંકી દેવા તૈયાર થઈ જાય. પોતાના દોષ ઊભા થાય તો એ કઈ રીતે દૂર થાય એની શક્તિઓ સહજ રીતે પ્રગટ થઈ જાય.

એક વખત ભગવાનની વીતરાગતાના દર્શન થઈ જાય ત્યાં પોતે આખી જિંદગી સમર્પણ થઈ જાય. એ પ્રેમને એક ક્ષણ પણ ભૂલી ના શકે!

સહજ ક્ષમા

સહજ ક્ષમા એટલે જ્યાં ક્ષમા માંગવી કે આપવી ના પડે. સહજ ક્ષમા જ હોય, જે સહજપણે મળી જાય.

ક્રોધનો અભાવ એ સહજ ક્ષમા છે. આત્મા પ્રાપ્ત થવાથી પ્રકૃતિમાં આવા પરિણામ ઊભા થાય છે. સહજ ક્ષમા એ પ્રકૃતિનો ઊંચામાં ઊંચો, છેલ્લી દશાનો ગુણ કહેવાય છે.

સંસારમાં માફી માંગનાર ઊંચો કહેવાય છે. પણ એથીય ઊંચો ગુણ છે સહજ ક્ષમા. જ્યાં માફી આપવી ના પડે. સામેવાળાને માફી લેવા માટે ભીખ ન માંગવી પડે કે, “મને માફ કરો”.

ક્ષમા આપવી બહુ અઘરી છે. ભગવાનને સહજ ક્ષમા હોય. આપણી ભૂલ થઈ જાય અને આપણે માફી માંગીએ કે ન માંગીએ, એમના તરફથી એની મેળે ક્ષમા અપાઈ જાય.

કોઈ તરફથી ગમે તેવું દુઃખ આવ્યું હોય, પણ તેના બદલામાં કશું ન હોય. પોતાના તરફથી સામાને માફી જ હોય એ સહજ ક્ષમા. કારણ કે એમને સામાની ક્યારેય ભૂલ લાગતી જ ન હોય. સામો નિરંતર નિર્દોષ જ દેખાય. હવે કોઈ ગુનેગાર હોય તો દંડ આપવાનો અધિકાર રહે. પણ પોતાની દૃષ્ટિમાં કોઈ ગુનેગાર જ નથી, તો પછી દંડ આપવાનો જ ક્યાં રહ્યો? પછી ત્યાં સહજ ક્ષમા હોય જ.

સહજ ક્ષમા એટલે નોંધ ના હોય. સામો ગમે તેટલું અવળું બોલે, પણ પોતાને કશું યાદ ના રહે. અંદર અસર પણ ન રહી હોય, બધું ચોખ્ખું થઈ ગયું હોય. પછી સામો માફી માંગવા આવે, પણ અંદર પોતાને કશું નોંધાયેલું જ ન હોય, પકડાયેલું જ ન હોય, એટલે “મારે માફ કરવું છે” એવું પણ ઊભું ન થાય.

જ્યાં રાગ કે દ્વેષ હોય ત્યાં સામાનું અવળું દેખાય, એ સરળ ના કહેવાય. સરળતામાં રાગ-દ્વેષ ના હોય, સાહજિકતા હોય.

નિયમ એવો છે કે જ્યાં ગુનેગાર જોવામાં આવતા નથી, ત્યાં જ માણસ ચોખ્ખો થઈ શકે. બાકી જ્યાં દંડ હોય છે, ત્યાં કોઈ ચોખ્ખું ના થાય.

કરુણા

કરુણા તો બહુ ઊંચો ગુણ છે. જેમ જેમ વીતરાગતા તરફ આગળ વધે, તેમ તેમ કરુણા ઉત્પન્ન થાય છે. વીતરાગતા ન હોય ત્યાં સુધી કરુણા ના હોય, પણ દયા હોય. દયા એ પ્રાકૃતિક ગુણ છે, જ્યારે કરુણા એ વીતરાગતાની નિશાની છે.

કરુણાને સામાન્ય રીતે લોકો દયા કે અનુકંપા કહે છે. પણ દયા અને કરુણામાં બહુ ફેર છે. દયાને દ્વંદ્વ ગુણ કહ્યો છે. દ્વંદ્વ ગુણ એટલે શું? એક બાજુ દયા હોય તો બીજી બાજુ નિર્દયતા હોય, બે સાથે જ હોય. જેમ સુખ અને દુઃખ, સારું અને ખરાબ એ દ્વંદ્વ ગુણ કહેવાય. તેમ દયા હોય ત્યાં નિર્દયતા હોય જ એમ કહેવાય.

ધારો કે, કોઈ બિલાડી ઉંદર ઉપર તરાપ મારીને ખાવા જતી હોય, તો દયાવાન હલી જાય. તેમને બિલાડી ઉપર ક્રોધ આવે અને ઉંદર ઉપર રાગ થાય. પછી ઉંદરને બચાવવા માટે તે બિલાડીને મારે. એટલે, એક તરફ ઉંદર ઉપર દયા થઈ, પણ બિલાડી ઉપર નિર્દયતા થઈ, તિરસ્કાર થયો. આમ જ્યાં દયા હોય ત્યાં બીજી બાજુ ખૂણામાં ક્યાંક ને ક્યાંક નિર્દયતા પડેલી હોય જ.

જ્યારે કરુણામાં દ્વંદ્વ ગુણ નથી. કરુણા એટલે આ પરિસ્થિતિમાં બંને ઉપર સરખી કરુણા હોય, કોઈ માટે તિરસ્કાર ના થાય. એક બાજુ બિલાડી પર કરુણા આવે કે આ બિચારી શું કરી રહી છે? એનું પરિણામ શું આવશે એને ખ્યાલ નથી. બીજી બાજુ ઉંદર ઉપર કરુણા આવે કે આ બિચારાને અત્યારે આ હિસાબ ભોગવવાનો આવ્યો. પણ દયા કે નિર્દયતા ઊભી ન થાય. તેથી કોઈ પ્રકારની ડખોડખલ ના હોય કે કોઈના દુઃખે પોતે દુઃખી ન થાય.

ભગવાનને દયા ના હોય, કરુણા હોય. તેમને આખા જગતના જીવમાત્ર પ્રત્યે કરુણા હોય, એ સિવાય બીજું કશું જ ના હોય એમને. કોઈની પાસે એમને કશું જોઈતું જ ના હોય. અહંકાર ના હોય, લેવા મૂકવાનો ભાવ ના હોય, બચાવવાનો કે મારવાનો કશોય ભાવ ના હોય. કરુણા હોય ત્યાં વીતરાગતા હોય, નિષ્પક્ષપાતીપણું હોય.

કરુણા એટલે સામો ગમે તેવું અવળું કરે તો પણ પોતાને તેનાથી કિંચિત્‌માત્ર ભેદ ના પડે. જેમાં પોતાને કંઈ પણ જોઈતું નથી, ફક્ત સામાના હિત માટેની ભાવના થાય, લાગણી રહે એ કરુણાભાવ છે.

ભગવાન મહાવીરને જ્યારે કાનમાં બરુ ઠોકાયા ત્યારે તેમને કરુણા ઉત્પન્ન થઈ કે આ ગોવાળ સાથે પોતાનો કેવો હિસાબ આવ્યો કે એને કાનમાં બરુ ઠોકવા પડ્યા! જ્યારે પોતે આત્મસ્વરૂપે, તત્ત્વસ્વરૂપે રહે છે અને સર્વને તત્ત્વસ્વરૂપે જુએ છે, ત્યારે કરુણા પ્રગટ થાય છે.

સામેની વ્યક્તિ કેમ કરીને આત્યંતિક કલ્યાણને પામે એ જ નિરંતર લક્ષને કારણે ભગવાનનો આ પ્રેમ, આ કરુણા ફલિત થતી જોવાય છે. જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on