Related Questions

આત્માનું સ્વરૂપ શું છે?

આત્માને ઓળખવા માટે તેનો દેખાવ જાણવો જરૂરી છે, તો આત્મા કેવો દેખાય છે? તેનો કોઈ આકાર કે રંગ હોતો નથી; તે પ્રકાશ છે, પણ સામાન્ય પ્રકાશ નથી.

આત્મા પ્રકાશ સ્વરૂપ છે 

આત્મા એ જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન એ પ્રકાશ છે. આ પ્રકાશ બીજે ક્યાંય બીજા કોઈ રૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી. આત્માના પ્રકાશ સ્વરૂપનું કોઈ મૂળ કે આધાર હોતો નથી. 

દાદા ભગવાન સમજાવે છે કે આ કયા પ્રકારનો પ્રકાશ છે અને તેને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ... 

પ્રશ્નકર્તા: આત્મા તો જ્ઞાનવાળો જ છે ને? 

દાદાશ્રી: એ પોતે જ જ્ઞાન છે. પોતે જ્ઞાનવાળો નહીં, જ્ઞાન જ પોતે છે! જ્ઞાનવાળો એને કહીએ તો 'જ્ઞાન' અને 'વાળો' એ બે જુદું થયું કહેવાય. એટલે આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે પોતે! તે પ્રકાશના આધારે આ બધું જ દેખાય છે. એ પ્રકાશના આધારે આ બધું સમજણેય પડે છે અને જણાય છેય ખરું; જાણવામાંય આવે છે ને સમજણમાંય પડે છે! 

જીવમાત્રના શરીરમાં આત્મા પ્રકાશ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી... 

આત્મા કેવો દેખાય, આ સાંભળીને કલ્પના થાય કે આત્મા બલ્બ કે ટ્યૂબ લાઈટ જેવો હશે. ના, એવું નથી. જેવી રીતે બલ્બ કે ટ્યૂબ લાઈટની મદદથી આપણે રૂમમાં રહેલી દરેક વસ્તુઓને જોઈ અને જાણી શકીએ છીએ; એવી રીતે આત્માની મદદથી આપણે બધું જોઈ અને જાણી શકીએ છીએ. આ સિમિલિ આપેલી છે; ખરેખર આત્મા એ આ સામાન્ય પ્રકાશ કરતા ઘણું વધારે છે. 

ચાલો, આપણે એક ઉદાહરણ દ્વારા આ સમજીએ. 

ચાલો આપણે ધારીએ કે તમે એક ઘોર અંધકારવાળા રૂમમાં છો, જેમાં એક દિવાલમાં નાનું કાણું છે. આ કાણાંમાંથી સૂર્યના કિરણો રૂમમાં પ્રવેશે છે. હવે માત્ર આ પ્રકાશના કિરણોથી બનેલા બીમમાં તમને રજકણો તરતા દેખાશે. શું તેનો અર્થ એ છે કે રૂમમાં બીજે ક્યાંય રજકણો નથી? છે! તો પછી તે દેખાતા કેમ નથી? કારણ કે અંધારું છે. 

માટે, જ્યારે પ્રકાશ નથી, ત્યારે જોવું શક્ય નથી. પરંતુ, પ્રકાશની હાજરીમાં વસ્તુઓ જેમ છે તેમ જોઈ શકાય છે! પ્રકાશના કિરણને જોયા પછી તમે સમજી શકો છો કે, “અરે! સૂર્યોદય થઈ ગયો છે.” 

ચાલો હજુ એક ઉદાહરણ લઈએ 

ચાલો વિચારીએ કે દિવાલ પર એક મોટો ફોટો છે. જો સંપૂર્ણ અંધકાર હોય તો શું આપણે તે જોઈ શકીએ? ના, પરંતુ પ્રકાશની મદદથી આપણે ફોટો સ્પષ્ટ જોઈ શકીએ ને? 

તેથી ત્રણ વસ્તુઓ થઈ: પ્રકાશ, આપણે પોતે અને ફોટો. 

જેવી રીતે બલ્બના પ્રકાશથી ફોટાને જોઈને ઓળખી શકાય છે, તેવી રીતે આત્માના પ્રકાશમાં મનમાં આવતા વિચારો જોઈ શકાય છે અને વાંચી શકાય છે. આત્માનો પ્રકાશ એવો છે કે જે પોતાને પ્રકાશમાન કરે છે અને બ્રહ્માંડના દરેક જીવોને પણ પ્રકાશમાન કરે છે. આત્માના પ્રકાશમાં અનંત સુખ હોય છે, જે બલ્બના પ્રકાશમાં નથી હોતું. 

ચાલો આત્માના પ્રકાશનું મહત્ત્વ સમજીએ. 

ધારો કે, ઘરમાં ઘોર અંધારું છે. તમને કેવું લાગશે? તમે ખુરશી અને ટેબલ સાથે અથડાશો અને એવું બધું થશે. એનાથી આગળ, તમને ચિંતા શરૂ થઈ જશે કે હવે શું થશે અને કેવી રીતે અંદર જાઉ કે ક્યાંય અથડાઉ નહીં. આ ચિંતાજનક બની શકે છે, બરાબર ને? પરંતુ, જો રૂમમાં સંપૂર્ણ અજવાળું હોય તો શું થાય? 

જો સંપૂર્ણ પ્રકાશ હોય તો કોઈ અથડામણ, ભોગવટો, ચિંતા, શંકા કે તણાવ રહે નહીં! પૂર્ણ પ્રકાશથી તમે સુખી થશો અને તમારા નજીકના સંબંધીઓ પણ સુખી થશે. આત્માના પ્રકાશમાં આપણને આ અનુભવાય છે. મોટો તફાવત એ છે કે બલ્બનો પ્રકાશ કામચલાઉ સુખ આપશે, જ્યારે આત્માનો પ્રકાશ કાયમી સુખ આપે છે. આત્મા કેવો દેખાય છે એ સમજવા માટે આ અગત્યની બાબત છે. 

આત્માનો પ્રકાશ સર્વવ્યાપી છે! 

ધારો કે, એક બલ્બ છે જેને દિવાલમાં એક જગ્યા પર લગાડવામાં આવેલો છે. આખા રૂમમાં બલ્બ નથી; તેમ છતાં તેનો પ્રકાશ આખા રૂમમાં ફેલાય છે. તેવી રીતે એક આત્મામાં આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરવાની શક્તિ છે. જો આત્મા કર્મોથી સંપૂર્ણ નિરાવરણ થઈ જાય, તો દરેક આત્મા આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરી શકે છે! 

ઉદાહરણ તરીકે, જો તમે એક ઘડામાં બલ્બ મૂકો અને તેને ઢાંકી દો, તો ઘડામાંથી પ્રકાશ બહાર નીકળશે નહીં. પરંતુ, જો તમે ઘડાને તોડી નાખશો તો પ્રકાશ ક્યાં સુધી જશે? પ્રકાશને જે જગ્યાએ હશે તે આખી જગ્યામાં ફેલાઈ જશે અને તે આખા રૂમમાં ફેલાઈ જશે. તેવી રીતે જો આત્મા નિરાવરણ થઈ જાય, તો તે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. 

પોતે આત્મા છે, પરંતુ તે અજ્ઞાનતાથી ઘેરાયેલો છે 

અત્યારે આત્મા શરીરમાં છે. તે અનંત જ્ઞાન અને અનંત દર્શન છે, પરંતુ તે અજ્ઞાનતાથી ઢંકાયેલો છે. અજ્ઞાનતા એટલે તમારા ખરા સ્વરૂપની જાગૃતિ ન હોવી તે. તેથી અજ્ઞાનતાના કારણે આપણે ભૂલથી એવું સમજીએ છીએ કે શરીર અથવા શરીરને અપાયેલું નામ એ આપણો આત્મા છે. 

તેથી, સૌપ્રથમ તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એકવાર જ્યારે તમને આત્માની ઓળખ થઈ જાય છે, તેનો અર્થ એવો થયો કે અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે. 

જ્યારે તમે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મેળવો છે, અજ્ઞાનતા દૂર થઈ જશે. અહીં, ‘હું’ અને ‘મારું’ના ભેદજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રયોગથી જ્ઞાની પુરુષ અજ્ઞાનતાના એ આવરણો તોડી આપે છે અને આત્માનો સીધો પ્રકાશ શરૂ થાય છે. તે સીધા પ્રકાશથી તમે આત્માનો અનુભવ કરી શકશો. 

તેથી, જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનું પાલન કરીશું, કર્મો ખરતા જશે અને આવરણો ખરી પડશે. અજ્ઞાનતાના જેટલા આવરણો ખરી પડશે, તેટલો જ્ઞાનપ્રકાશ ફેલાશે. આત્મા જ્યારે સંપૂર્ણ નિરાવરણ થઈ જશે, ત્યારે આત્માનો પ્રકાશ આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરે છે. આવો છે આત્માનો પ્રકાશ! 

એ નોંધ રાખજો કે આત્માનો પ્રકાશ બલ્બ કે ટ્યૂબ લાઈટના પ્રકાશની માફક જોઈ શકાય એવો નથી. કારણ કે, તે જ્ઞાનસ્વરૂપે છે. તેથી આત્મા કેવો દેખાય છે, તેની શોધ માટે આત્મસાક્ષાત્કારની વિધિ દરમિયાન કાંઈ પ્રકાશ દેખી શકાશે એવું વિચારશો નહીં. 

×
Share on