અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો17 ફેબ્રુઆરી |
16 ફેબ્રુઆરી | to | 17 ફેબ્રુઆરી |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોગીતાનું રહસ્ય! અહીં બે જ શબ્દમાં!!
પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું?
દાદાશ્રી: ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું. અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો. તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કહ્યું, 'તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઇશ નહીં.' કૃષ્ણ 'વ્યવસ્થિત' જાણતા હતા અને 'વ્યવસ્થિતના' નિયમમાં હતું એટલું જ કૃષ્ણ બોલ્યા છે, પણ લોકોને સમજમાં આવતું નથી અને કહે છે કે, કેમ ભગવાન જ્ઞાની થઇને આવું બોલ્યા કે, 'આ બધાંને મારી નાખ?' કૃષ્ણનો આ તો ઓન ધી મોમેન્ટનો ઉપદેશ હતો, કંઇ હંમેશને માટે આ ઉપદેશ ના કરાય કે, મારજો જ. અર્જુનને બીજાં બધાં સગાંને જોઇને મોહ ઉત્પન્ન થયેલો. ભગવાન જાણતા હતા કે થોડી વાર પછી મોહ ઊતરવાનો છે, એટલે નૈમિત્તિક રીતે કૃષ્ણ ભગવાને વાત કહેલી. તેમણે અર્જુનને કહ્યું, 'તું ક્ષત્રિય છે ને તારાં પરમાણુ લઢયા વગર રહેવાનાં જ નથી, એ અમને જ્ઞાનમાં દેખાય છે કે તારું 'વ્યવસ્થિત' આવું છે. માટે તું ખોટો મોહ ના કરીશ, મારવા માટે મોહ વગર કાર્ય કર, ખોટો અહંકાર ના કરીશ.'
શ્રીકૃષ્ણે નેમીનાથ ભગવાન પાસેથી દિવ્યચક્ષુ મેળવેલાં હતાં, ત્યાર પછી આ ગીતાનો ઉપદેશ તેમણે કરેલો.
ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, 'હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે!' એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડાત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે? કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઇનું કામ નહીં. આજે 'અમે' જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે. કૃષ્ણ શું કહેવા માગે છે? માણસ મરી જાય ત્યારે કહે છે ને કે, 'મહીંથી જતા રહ્યા,' તે શું છે? તે 'માલ' છે અને અહીં પડયું રહે છે તે 'ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં 'માલ' છે, મટીરીઅલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં 'માલ' ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલું ય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં 'માલ' બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના 'માલ'નાં દર્શન કરી લેવાનાં.
કૃષ્ણ ભગવાન કહે છે કે, 'મહીં જે 'માલ' છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ એટલે ઉકેલ આવશે તારો, બાકી લાખ અવતાર તું ગીતાના શ્લોક ગાઇશ તો ય તારો ઉકેલ નહીં આવે!' 'ખોખું' અને 'માલ' આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે, અને આ બુદ્ધિશાળી લોકો ગીતાનાં અર્થ કરવા જાય છે, એનાં પુસ્તકો કાઢે છે! મૂળ તો આ લોકોને અર્ક કાઢતાં જ નથી આવડતું ને મોટાં મોટાં વિવેચનો, ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે; પણ આ તો પોતાના સ્વછંદથી નામના કાઢવા જ કરે છે! બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો 'અંતર-આશય' સમાઇ જાય છે.
આ છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દોમાં પત્ર લખે કે, 'તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે, સિનેમા-નાટક જોયા કરે છે, કંઇ કરતો નથી.' ત્યારે છોકરો શું કરે કે બાપનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે, 'જો ને મારા ફાધર કેવા છે? જંગલી છે, ક્રોધી છે ને લોભી છે, કંજૂસ છે.' આવું છોકરો કેમ કહે છે? કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી, એ ફાધરનો અંતરઆશય નથી સમજી શકતો. ફાધર અને છોકરામાં માત્ર પચીસ જ વરસનો ડિફરન્સ છે, છતાં પણ બાપનો અંતરઆશય દીકરો સમજી શકતો નથી; તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયાં, તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતરઆશય કોણ સમજી શકે? એમનો અંતર આશય કોણ બતાવી શકે? એ તો જે 'ખુદ' કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે! મહાવીરના અંતરઆશયની વાત કોણ બતાવી શકે? એ તો જ ખુદ મહાવીર હોય તે જ બતાવી શકે. મહાવીરને પણ ૨૫૦૦ વરસનો ડિફરન્સ થયો.
પહેલાંના જમાનામાં તો પચીસ વરસના ડિફરન્સમાં બાપનો અંતરઆશય દીકરો સમજી જતો હતો, ત્યારે આજે તો પચીસ વરસના અંતરમાં અંતરઆશયની વાત સમજવાની શક્તિ રહી નથી; તો કૃષ્ણની વાત કેવી રીતે સમજવામાં આવે? અત્યારે ગીતા વિષે ઘણું ઘણું લખાય છે, પણ એમાં એક વાળ પણ લખનારા સમજતા નથી. આ તો 'અંધે અંધ મળ્યા, તલે-તલ કોથળે મહીં મળ્યા, ના થાય તલ ને ના થાય ઘાણી!' એનાં જેવું છે. હા, એ ખોટું નથી, કરેક્ટ છે, પણ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના માસ્તરના જેવી વાત છે ને તે બરોબર છે. અહીં અમારી પાસે કેવી વાત હોય? કૉલેજના છેલ્લા વર્ષની વાત હોય. ત્યાં આગળ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત થાય તેમ આ ગીતાનાં વિવેચનોની વાત હોય. એક 'જ્ઞાની પુરુષ' પાસે જ સર્વ શાસ્ત્રોની યથાર્થ વાત મળી શકે છે.
Book Name: આપ્તવાણી 2 (Page #365 - Paragraph #4, Entire Page #366 & #367, Page #368 - Paragraph #1)
subscribe your email for our latest news and events