Related Questions

શા માટે ભગવાન દુઃખ આપતા હશે?

આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ વર્લ્ડને રેગ્યુલેશનમાં  જ રાખે છે.

બસ સ્ટેન્ડ ઉપર કોઈ બાઈ ઊભી છે. હવે બસ સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઈ ગુનો કહેવાય ? એટલામાં સાઈડમાંથી એક બસ અહીં બસ સ્ટેન્ડ ઉપર ચઢી આવે છે. કારણ કે એ ડ્રાઈવરના હાથમાંથી સ્ટીયરીંગ પરનો કાબૂ ગયો છે. એટલે આવીને ફૂટપાથ ઉપર ચઢીને એ બઈને કચડી નાખી અને બસ સ્ટેન્ડેય તોડી નાખ્યું. ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઈ ગયું. આ લોકોને કહીએ કે 'આનો ન્યાય કરો.' તો એ લોકો કહેશે કે, 'બિચારી આ બાઈ વગર ગુને મરી ગઈ. આમાં બાઈનો શો ગુનો ? આ ડ્રાઈવર નાલાયક છે.' તે પછી ચાર-પાંચ અક્કલવાળા બધા ભેગા થઈને કહે છે, 'આ બસવાળા કેવા ડ્રાઈવરો, આમને તો જેલમાં ઘાલવા જોઈએ. આમને આમ કરવા જોઈએ ! બાઈ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહેલી, એમાં એનો શો ગુનો બિચારીનો ?' અલ્યા મૂઆ, તમે એનો ગુનો નથી જાણતા. એનો ગુનો હતો, તેથી તો એ મરી ગઈ. પછી આ ડ્રાઈવરનો ગુનો તો હવે જ્યારે પકડાશે ત્યારે. આનો જ્યારે કેસ ચાલશે ને તે કેસ જો ફળ્યો, તો ફળ્યો, નહીં તો બિનગુનેગાર છોડી દેશે. એ બાઈનો ગુનો આજ પકડાઈ ગયો. અલ્યા, હિસાબ વગર તો કોઈ મારતું હશે ? બાઈએ પાછલો હિસાબ ચૂકતે કર્યો. સમજી જવાનું, બાઈએ ભોગવ્યું તે બાઈની ભૂલ. પછી પેલો ડ્રાઈવર પકડાશે ત્યારે ડ્રાઈવરની ભૂલ. આજે પકડાયો તે ગુનેગાર.

પાછાં કેટલાંક લોકો શું કહે છે કે ભગવાન હોય તો આવું થાય જ નહીં. માટે ભગવાન જેવી કંઈ વસ્તુ જ આ સંસારમાં નથી લાગતી ! આ બાઈનો શો ગુનો હતો ? હવે આ દુનિયામાં આ ભગવાન છે જ નહીં ! લ્યો !! આ લોકોએ આવું તારણ કાઢ્યું ! અલ્યા, આવું શા સારુ ? આ ભગવાનને શું કરવા વગોવો છો ? એમને શું કરવા ઘર ખાલી કરાવો છો ? ભગવાન પાસે ઘર ખાલી કરાવવા નીકળ્યા છે ! અલ્યા, આ ભગવાન ન હોત તો આ જગતમાં રહ્યું શું ? આ લોક શું જાણે કે ભગવાનનું ચલણ રહ્યું નથી. તે લોકોની ભગવાન ઉપરથી આસ્થા ઊડી જાય. અલ્યા, એવું નથી. આ બધા ચાલુ હિસાબ છે. આ એક અવતારના નથી. આજે એ બઈની ભૂલ પકડાઈ તેથી ભોગવવું પડ્યું. આ બધું ન્યાય છે. એ બઈ ચગદાઈ ગઈ, એ ન્યાય છે. એટલે આ જગત કાયદેસરનું છે. તે આ ટૂંકી જ વાત કરવાની છે.

જો કદી આ ડ્રાઈવરની ભૂલ હોય તો સરકારનો કડક કાયદો હોય, એટલો બધો કડક કે ત્યાં ને ત્યાં એ માણસને ઊભો રાખી ગોળીબાર કરીને ત્યાં ને ત્યાં ખલાસ કરી નાખે. પણ આ તો ત્યાં સરકારેય ના કહે. કારણ કે ખલાસ કરાય નહીં. ખરેખર એ ગુનેગાર નથી અને એણે પોતે ગુનો પાછો ઊભો કર્યો, તે ગુનો પાછો એ ભોગવશે ત્યારે. પણ તમને ગુનામાંથી મુક્ત કર્યા. તમે ગુનામાંથી મુક્ત થયા. એ ગુનાથી બંધાયો. એટલે આપણે સદબુદ્ધિ આપવાની કહી કે ગુનાથી બંધાઈશ નહીં.

×
Share on